એપ્રિલ મહિનો. પરીક્ષાની મોસમ.
કોલેજ, યુનીવર્સીટી અને વિદ્યાભવનો પરીક્ષાના ગંભીર વાતાવરણથી ઘેરાયેલા શિક્ષકો, પ્રાધ્યાપકો અને યુનીવર્સીટીના કર્મચારીઓ સતત માનસિક દબાણ હેઠળ કાર્યરત.
ડો.મનહર દેસાઈ યુનીવર્સીટીમાં અંગ્રેજી વિભાગના ડીન અને પરીક્ષાક મિટીના ચેરમેન હતા. વિધુર મનહરભાઈ એક 11 વર્ષીય પુત્રી, 9 વર્ષના પુત્ર, તથા વિધવા વૃદ્ધ માતા સાથે રહેતા હતા. સવારના નવ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી સતત પ્રવૃત રહી થાક્યા,પાક્યા સાંજે ઘેર આવ્યા. તેમના 75 વર્ષીય માતાએ કોફી બનાવી મનહરભાઈને આપી. કોફી પી અને રાહતનો દમ ખેંચતા રિલેક્ષ મૂડમાં ખિસ્સામાંથી પાન કાઢી મોઢામાં મુક્યું, તેવામાં દરવાજે ઘંટડી રણકી.
દેસાઈ સાહેબે દરવાજો ખોલ્યો.
દરવાજે બે પોલીસમેન આવી ઊભા હતા, તેમાંના એકે પૂછ્યું “મનહરભાઈ તમે ?”
સાહેબે જવાબ આપ્યો, “જી હા, હું મનહર દેસાઈ પોતે.”
પોલીસમેને કહ્યું, “તમને જમાદાર સાહેબે પોલીસ સ્ટેશને બોલાવ્યા છે, ચાલો.”
મનહરભાઈ આશ્ચર્યથી પૂછ્યું, “મને ? કેમ ?”
વળતા જવાબમાં પોલીસે કહ્યું કે “તમારી સામે પોલીસ ફરિયાદ છે. તેથી બોલાવે છે.”
મનહરભાઈએ કહ્યું, “સારું, તમે જાઓ, હું હમણાંજ આવું છું.”
દેસાઈ સાહેબ જેવો વિદ્વાન અજાત શત્રુ માણસ, સાદો, સંસ્કારી અને નીરઉપદ્રવી વ્યક્તિ અને પોલીસ સ્ટેશન?
પ્રોફેસર વિચારે ચડ્યા. “આજ સુધી મેં ટ્રાફિકના નિયમનો પણ ભંગ નથી કર્યો, નથી કોઈ સાથે વેર કે દુશ્મની, વિદ્યાર્થી જગતમાં હું અતિ પ્રિય વ્યક્તિ, સમાજમાં મારું ઉચ્ચ માન-સન્માન અને આજે હું કેવા અને કોના ગુન્હામાં સંડોવાયો કે મારે પોલીસ સ્ટેશને હાજર થવું પડે છે ? મારી સાત પેઢીમાં કોઈ પોલીસ સ્ટેશન કે કોર્ટના પગથિયાં નથી ચડ્યાં કે નથી તેમના દફતરે અમારા નામ નોંધાયાં.”
આવું વિચારતા પોલીસસ્ટેશન આવી પહોંચ્યું. મનહરભાઈ દાખલ થયા.
સામે જ જુનવાણી લાકડાના ટેબલ અને ખુરશી ઉપર લીમડાના વૃક્ષની છાલ જેવા સુક્કા બરછટ ચહેરાવાળો જમાદાર બન્ને પગ ખુરશી પર ચડાવી ટૂંટિયુંવાળીને બેસેલો. તેની જીણી, ફિક્કી પીળી પડેલી આંખ આર્થિક ભીંસ અને કુટુમ્બ કલહની ચાડી ખાતા હતા. હોઠના ડાબા છેડે સળગતી ખાખીબીડી લટકતી હતી.
મનહરભાઈ તે ટેબલ પાસે જઈ ઊભા રહ્યા.
જમાદાર સાહેબે ત્રાંસી આંખે તેની નોંધ લીધી અને બેસવા જણાવ્યું.
ખુરશી ઉપર બેસતા મનહર ભાઈએ પૂછ્યું, “સાહેબ, હું મનહરભાઈ દેસાઈ આપે મને બોલાવ્યો ?”
જમાદારે ઊંચે જોઈને જવાબ આપ્યો, “હા. તમારી સામે પોલીસ ફરિયાદ છે. ”
“પોલીસ ફરિયાદ ? મારી સામે ? કોણે કરી છે ?” ઉદ્વેગભર્યા સ્વરમાં દેસાઈ સાહેબે પૂછ્યું.
“થોડી વાર બેસો હમણાંજ સાહેબ આવશે એટલે બધું સમજાઈ જાશે.” જમાદાર બોલ્યા.
ફરીયાદીની ફરિયાદ અરજીમાં લખેલી વિગત સરખાવતા જમાદારે પૂછ્યું
“તમે કોલેજમાં માસ્તર છો ?” સાંભળતા જ દેસાઈ સાહેબનો ગુસ્સો સાતમે આસમાન પહોંચ્યો પણ સ્થળ અને પરિસ્થિતિ જોઈને તેણે વિચાર્યું કે સત્તા પાસે શાણપણ ન ચાલે તેથી માત્ર ડોકું ધુણાવી હકારમાં જવાબ વાળ્યો.
જમાદારે બીજો પ્રશ્ન પૂછ્યો, “ક્યાં રહો છો ? સરનામું ?”
સાહેબે કહ્યું, “મમતા” સાર્વજનિક દવાખાના પાસે, ગોપીપુરા, સુરત
“મમતા? હૃદય પત્થર જેવું અને મકાનનું નામ મમતા ?” તેમ બોલીને જમાદારે ખંધુ હાસ્ય કરીને પાસે ઊભેલ બે પોલીસ કર્મીઓ સામે આંખ મીચકારી.
કોઈ રીઢા, અભણ, અબુધ, ગુન્હેગાર જેવો તિરસ્કૃત વ્યવહાર પોતાની સામે થતા દેસાઈ સાહેબને લાગી આવ્યું. જીવનમાં આવું અપમાન કદી સહન ન કરનાર દેસાઈસાહેબને થયું કે ધરતી માર્ગ આપે તો સમાઈ જાઉં તેવી મનોસ્થિતિમાં ગુસ્સા અને શરમથી લાલઘુમ થઈ ગયેલ દેસાઈ સાહેબે ગુસ્સો ગળી ખાધો.
થોડીજવારમાં પોલીસ સ્ટેશનના કમ્પાઉડમાં એક જીપ આવી ઊભી રહી અને તેમાંથી ઈન્સ્પેકટરસાહેબ ઉતરી સડસડાટ પોતાની ચેમ્બરમાં દાખલ થઈ ગયા.
જમાદાર ફરીયાદીની ફરિયાદ અરજી લઈ ઈન્સ્પેકટરની ચેમ્બરમાં જઈ અરજી આપી.
સાહેબે અરજી વાંચી, અરજીને બાજુમાં મૂકતાં મનમાં હસીને ધીમેથી બોલ્યા, “સાલો, શું કળીયુગ આવ્યો છે ?”
તેણે જમાદારને પૂછ્યું, “ફરીયાદી ક્યાં છે ? FIR દાખલ કરી ?”
જમાદારેકહ્યું, “ના, FIR હજુ દાખલ નથી કરી ફરિયાદીને આવતીકાલે આ સમયે અહીં બોલાવ્યો છે તે દરમ્યાન આરોપીની આજે ઉલટતપાસ કરી શકાય તે માટે તેને અત્રે બોલવેલ છે.”
ઈન્સ્પેકટરસાહેબે કહ્યું “સારું, આરોપીને અંદર મોકલો.”
જમાદારે દેસાઈ સાહેબને ઈન્સ્પેકટરની ચેંબરમાં જવા સૂચવ્યું. દેસાઈ સાહેબ અંદર પ્રવેશ્યા. ઈન્સ્પેકટરે તેની સામું જોઈ બેસવા સુચવતા હાથની નિશાની કરી.
તેજસ્વી ચહેરા ઉપર વિદ્વત્તા અને ગંભીરતા, મોહક પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતા દેસાઈ સાહેબને જોઈને ઈન્સ્પેકટર ઝીણી આંખે તેને ટીકી ટીકીને જોતા કશુંક વિચારવા લાગ્યા. ઘણી મથામણ પછી તેની યાદદાસ્ત સતેજ થઈ અને એકજ શ્વાસે પૂછ્યું, “તમારું નામ પ્રોફેસર મનહર સારાભાઈ દેસાઈ ? મૂળ રાજકોટના વતની ?1960 ના ગ્રેજ્યુએશન બેચના ધર્મેન્દ્ર કોલેજના વિદ્યાર્થી ?”
કોઈ પ્રખર જ્યોતિષી જેમ કપાળ જોઈને ભૂત ભવિષ્ય ભાખી દે તેવી રીતે ઈન્સ્પેકટરના પ્રશ્નોથી પ્રોફેસર અચંબો પામી વિસ્મયભરી નજરે જોતા રહ્યા. પોતે ન વિચારી શક્યા કે આટલી નજીકથી અજાણ્યો પોલીસ ઓફિસર તેને કેવી રીતે ઓળખી શક્યો ? તેઓ વધુ મૂંઝાયા છતાં હિમતથી જવાબ આપ્યો, “જી સર, આપ સાચા છો પણ માફ કરજો હું આપને નથી ઓળખી શક્યો.”
“અરે, મનહર તે મને ન ઓળખ્યો ? હું ભાલચંદ્ર વિનાયકરાય ઓઝા તારો બચપનનો જીગરી દોસ્ત.” ક્હેતાં જ ઈન્સ્પેકટર ઊભા થઈને પ્રોફેસરને ભેટ્યા. બન્નેની આંખો હર્ષાશ્રુથી છલકાઈ ગઈ.
વર્દીનું ગૌરવ અને પોતાનું સ્ટેટ્સ જોયા વીના એક પોલીસ અધિકારી આરોપીને ભેટતા જોઈ જમાદાર મૂંઝાયો. પોતાની ઉદ્ધતાઈ યાદ આવતા કંઈક કાચું કપાઈ ગયું છે તેવો તેને ખ્યાલ આવ્યો.
પ્રોફેસર બોલ્યા “અરે, ભાલુ ? પણ તું તો….વ…કી..લ…?”
ઈન્સ્પેકટરે હસતા હસતા જવાબ આપ્યો, “હા, તું સાચો છે. તું બી.એ. થઈને મુંબઈ એમ.એ.નું કરવા ગયો અને હું ‘લૉ’નું કરવા અમદાવાદ ગયો પણ તું તો મને જાણે છે, મને કાયદાની કલમ ભારે પડવા લાગી અને હું નપાસ થતા પોલીસ સબ ઈન્સ્પેકટરની સીધી ભરતીનું ફોર્મ ભરી સિલેક્ટ થયો અને પી.એસ.આઈ. બની ગયો. કાળો કોટ પહેરીને જે કરવાનું હતું તે ખાખી કપડામાં શરુ કર્યું.
અચાનક વાતને વળાંક આપતા પ્રોફસરે કહ્યું, “દોસ્ત, દોસ્તી દોસ્તીની જગ્યાએ છે અને કાયદો કાયદાની જગ્યાએ. આજે હું દોસ્ત તરીકે મુલાકાતી બનીને નહીં પણ એક આરોપી તરીકે હું પોલીસ અધિકારી પાસે હાજર થયો છું. મારી સામેની ફરિયાદ થયાનું સાંભળતા મારા હૃદયના ધબકારા વધી ગયા છે. પ્લીઝ, પહેલાં મને તે વિષે કહો.”
ઈન્સ્પેકટરે હસતા હસતા કહ્યું, “હૃદયના ધબકારા વધે છે ત્યાં સુધી સારું છે પણ જો તું ફરિયાદ સાંભળીશ તો હૃદય જ બેસી જશે. મનહર, તારી સામેની ફરિયાદ હું મારે મોઢે તને નહીં કહી શકું. હું તને બચપનથી જાણું છું તારા પરના આક્ષેપો કહેતા મારી જીભ નથી ઉપડતી. આ લે.તારી ફરિયાદ તું જાતે જ વાંચી લે.” એમ કહીને ફરિયાદની અરજી પ્રોફેસરના હાથમાં આપી.
પ્રોફેસરે અરજી લઈ વાંચવી શરુ કરી. થોડી વાંચી હશે ત્યાંજ તેની આંખમાંથી આંસુ વેહવા માંડ્યા. પૂરી અરજી વાંચી. “આ બધું ખોટું છે બનાવટ છે.” તેમ કહીને પ્રોફેસરે રીતસર ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા.
થોડીવારે ઈન્સ્પેકટરે તેને સાંત્વન આપતા કહ્યું, “મનહર હું જાણું છું કે આ ફરિયાદ ખોટી છે. તું ચિંતા છોડી દે. હું બધું હેમખેમ પાર પાડી દઈશ.” એટલું બોલી, જમાદારને બોલાવી ચા-પાણીની વ્યવસ્થા કરવા કહ્યું.
ચા પીધા પછી ઈન્સ્પેકટરે કેલેન્ડર તરફ નજર ફેરવી કહ્યું, “મનહર, કાલે શનિવાર અને પછી રવિવાર છે. એક કામ કર, તું રવિવારે ઘેર આવ આપણે સવારનું ભોજન સાથે લેશું. મનહરભાઈ એ સહર્ષ નિમંત્રણ સ્વીકાર્યું બાદમાં ઈન્સ્પેકટરે કહ્યું કે, “આ ફરિયાદ તું લઈ જા. તે તું તારા હાથેજ ફાડી નાખજે. હું ફરિયાદીને જોઈ લઈશ. એટલું ખાસ ધ્યાન રાખજે કે તારા સંતાનોને આ બાબતે કશી ગંધ ન આવવી જોઈએ.” એટલું કહી ડ્રાઈવરને સુચના આપી કે “સાહેબને જીપમાં ઘર સુધી મૂકી આવો.”
જતા જતા પ્રોફેસરને પોતાની વૃદ્ધ માતાનો વિચાર આવ્યો કે જો તે આ બાબત જાણશે તો કલ્પાંત કરશે. આ ઉંમરે આવો જબરો ઘા જીરવી નહીં શકે તેથી તેને સત્ય હકીકતથી વાકેફ ન કરતા જૂઠું બોલવું પડશે ઘેર પહોંચતાજ વૃદ્ધ માએ પૂછ્યું, “બેટા, શું હતું ?તું કોઈ ગુન્હામાં તો નથી ફસાયોને ?”
“ના, મા એવું નથી, પોલીસવાળા ખોટે સરનામે અહીં આવી ચડ્યા હતા. ભળતા નામને કારણે તેઓની ભૂલ થઈ ગઈ હતી.” ફિક્કું, કૃત્રિમ હાસ્ય, મોઢા પર લાવી પ્રોફેસરે જવાબ આપ્યો.
રાત્રે જમી-પરવારીને મા-દીકરો એકજ બેડરૂમમાં કાયમ સૂતા હોય તેમ સૂઈ ગયા.
ઘણી કોશિશ છતાં મનહરભાઈને ઊંઘ ન આવી. ઓસીકાની આડશમાં રાત આખી મોઢું દબાવી રડતા રહ્યા.
ક્યારેક તેના ધીમા ડુસકાં પણ બહાર આવી જતા હતા .વૃદ્ધ મા પણ પડખાં ફેરવતી આખી રાત જાગતી રહી. પુત્રની પીડા તે જોતી હતી. ધીમા ડુસકાં સાંભળી તેને ખાત્રી થઈ કે વાત જરૂર કંઈક ગંભીર છે.
બીજે દિવસ શનિવાર હોય બાળકો સવારમાં શાળાએ જવા નીકળી ગયાં. તે દરમ્યાનમાં વૃદ્ધ માએ પુત્રને પૂછ્યું, “બેટા, હું જાણું છું કે ગઈકાલે તે સાચી વાત મારાથી છુપાવી તું જૂઠું બોલ્યો છે. તું મને સત્ય હકીકત કહે કે તારી સામે શું અને કેવી પોલીસ ફરિયાદ છે ?”
હવે મનહરભાઈનું હૈયું હાથમાં ન રહ્યું તેઓ માને ખભે માથું મૂકી રડી પડ્યા અને કહ્યું, “હા, મા સાચું છે. તને આ ઉમરે આઘાત સહન નહીં થાય તે બીકે હું જૂઠું બોલ્યો હતો. લે, આ ફરિયાદનો કાગળ તું જ વાંચી લે.” એમ કહી મનહર ભાઈએ ફરિયાદની અરજી માના હાથમાં મૂકી.
મા એ વાંચવી શરુ કરતાજ માની આંખમાંથી પાણી ટપકવા માંડ્યા. અરજી પૂરી વાંચતા મા પોકે, પોકે રડી પડી. દીવાલ સાથે માથું અફળાવતા બોલી, “હું આ વાંચવા જીવી ? કોઈ નહીં ને ઘરના જ ઘાતકી બન્યા ?”
મનહરભાઈએ સાંત્વન આપતા કહ્યું,”હા મા એમ જ બન્યું છે. પુત્ર ન હોય તો દુઃખ થાય છે, પુત્ર હોય અને અવસાન પામે તો વધુ દુઃખ થાય છે, પરંતુ પુત્ર હોય, અને તે “કપૂત” પાકે તો તેનાથી મોટું દુઃખ દુનિયામાં બીજું કોઈ નથી હોતું. મા, જે કુહાડી ઝાડને કાપે છે તેનો હાથો, ઝાડના તે જ લાકડામાંથી બન્યો હોય છે, ઘરના જ ઘા કરે પરાયા ઘાવ રૂઝાવે. તું ચિંતા ન કર મારો જૂનો મિત્ર અહીં પોલીસ અધિકારી છે તેણે મને બધું પાર પાડી દેવાનું વચન આપ્યું છે.”
***
હા. સાચું છે મનહર ભાઈના નવ વર્ષના પુત્ર, મિલને પિતા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતી અરજી આપી હતી. તે આ પ્રમાણે હતી.
“માનનીય પોલીસ અધિકારી સાહેબ,
મારા મમ્મીને ગુજરી ગયે લગભગ પાંચેક વર્ષ થયાં હશે ત્યારથી મારા પિતાશ્રી પ્રોફ.દેસાઈ વિધુર જીવન ગાળે છે. તાજેતરમાં મારી જાણમાં આવવા મુજબ તેઓ પુનર્લગ્ન કરી ‘સાવકી મા’ ઘરમાં લાવવા માંગે છે.
મને સમજ છે તે મુજબ ‘સાવકી મા’ સંતાનોને સગી મા જેટલો પ્રેમ ન આપતાં મારઝૂડ કરે છે, ઘરકામ કરાવે છે, અને શારીરિક ત્રાસ પણ આપે છે વળી જો ‘સાવકી મા’ ઘરમાં આવશે તો મારા પિતાનો પ્રેમ અને તેની લાગણી તેના તરફ ખેંચાઈ જતા તેઓ પણ અમારા ઉપર ધ્યાન નહીં આપે. જો ખરેખર મારા પિતા બીજા લગ્ન કરશે તો હું ઘર છોડીને નાસી જઈશ અને મારી 11 વર્ષીય બહેન ઝેર પીને આયખું ટૂંકાવશે. અમારી સુરક્ષા કરવી શહેર પોલીસની ફરજ હોય હું તમને યોગ્ય બંદોબસ્ત કરી અમને સુરક્ષા પૂરી પાડવા વિનંતી કરું છું.”
લી. મિલન દેસાઈ
બીજે દિવસ રવિવારે ઈન્સ્પેકટરના નિમંત્રણ મુજબ દેસાઈ સાહેબ તેને ઘેર ભોજન માટે ગયા. ઘણા વર્ષો પછી અચાનક જ મળી ગયેલા બાળગોઠીયાઓ શાળા-કોલેજના સંસ્મરણો યાદ કરી વાગોળ્યા.
ભોજન પૂરું કર્યા બાદ ઈન્સ્પેકટરે સિગરેટનો ઊંડો દમ ખેંચતાં કહ્યું, “મનહર, હું મારી ધારણામાં ખોટો પડ્યો છું. ગઈકાલે સાંજે તારા પુત્રને મેં પોલીસ સ્ટેશને બોલાવેલો તેની કેફિયત જાણ્યાબાદ મને એમ લાગ્યું કે તારો પુત્ર મિલન આ કિસ્સામાં વિલન નથી. તું જ વિચાર કે માત્ર નવ વર્ષના માસુમ અને નિર્દોષ કિશોર ને ‘સાવકી મા’ એટલે શું ? તેની ખબર પડે ? મને એમ હતું કે આડોશ-પડોશની મહિલાઓ કે મિત્રો અથવા ટી.વી. સીરીયલો કે ચલચિત્રોની તેના માનસપર ઊંડી અસર હશે અને તે કારણે તેનામગજમાં આવું ભૂત ભરાયું હશે પરંતુ તેવું કશું નથી મેં તેની મનોવૈજ્ઞાનિક ઢબે પૂછપરછ કરતા તેણે જે કહ્યું તે સાંભળીને હું હેરત પામી ગયો
તેના જણાવ્યા પ્રમાણે આવી ભ્રામક અને ડરામણી બાબતો તેને તેના મોસાળ પક્ષેથી કહેવાયેલી છે.
તેના કહેવા પ્રમાણે બાળકોના મગજમાં એવું પણ ઠસાવાયું છે કે જો તમારા પિતા બીજા લગ્ન કરશે તો ‘સાવકી મા’ તમને ભીખ માંગતા કરી દેશે અને તે કારણે તારા સંતાનો એ ‘સાવકી મા’નો વિરોધ આ રીતે કર્યો છે.
કમાલ છે યાર ! પોતાની દીકરીનું કુદરતી મૃત્યુ થયું હોય તેના સંતાનો મા વિના રખડી પડશે તેવો વિચાર કરવાને બદલે જમાઈ બીજી પત્ની કેમ કરે તેવું વિચારે છે ?”
“મનહર, દરેક સ્ત્રીના હૃદયમાં માતૃત્વ અને લાગણીનો એક ખૂણો ઈશ્વરે સુરક્ષિત રાખ્યો હોય છે. જે સ્ત્રીઓ નિ:સંતાન હોય છે તેઓ અનાથ આશ્રમમાંથી બાળકોને દત્તક લે છે તેવા બાળકો માટે તો મા અનેબાપ બન્ને ‘સાવકા’ જ હોય છે ? છતાં તેઓને પ્રેમથી ઉજેરી, સંસ્કાર અને શિક્ષણ આપેજ છે ને ?
વાત રહી ભીખ મંગાવવાની, તો ‘સાવકી મા’ આવે તો જ ભીખ માંગવી પડે એવું નથી. સગો બાપ પણ ભીખ માંગતા કરી શકે છે. ઘડીભર તું ધારી લે કે યુવાનીમાં વિધુર થતા તું તારું દુઃખ અને ગમ ભૂલવા શરાબને રવાડે ચડી ગયો અને તેની પાછળ પર-સ્ત્રીગમન પણ જો શરુ થયું તો શરાબ અને સુંદરીમાં તારા પૈસા વેડફાતા સંતાનોએ ભીખ જ માંગવી પડે. કઈ સદીમાં જીવે છે આ લોકો ? કેટલી નબળી હિન અને નીચ માનસિકતા છે ?
મનહરભાઈ બોલ્યા, “ભાલુ, તું સાચો છે, મને તો પહેલેથીજ આ ખ્યાલ હતો. મારા વિધુર થયાના છ મહિનામાં મારી અને મારા પરિવાર ઉપર મારા શ્વસુરપક્ષે જાસુસી ગોઠવી દીધી હતી કે રખે અમે બીજા લગ્નની કોઈ પેરવી તો નથી કરતાં ને ? બાળકોના કુમળા મગજમાં સતત આ પ્રકારનું ઝેર રેડતા તેઓ પણ શંકાશીલ બની ગયા છે.
હશે, મારું જીવન તો આમને આમ પૂરું થયું પણ મારી હયાતીમાં કે ત્યારબાદ જો આ બાળકોને મોસાળ પક્ષેથી આવુંજ શિક્ષણ અને સમજ આપવામાં આવશે તો તેઓનું ભવિષ્ય મને ધૂંધળું દેખાય છે.
સમાજની વિચિત્રતા જુઓ, લોકોના સંકુચિત માનસ કેટલા લોકોનું ભવિષ્ય કુંઠિત કરી માસુમ ભૂલકાઓને ઘરના જ ઘાતકી બનાવે છે.”
“તારી વાત સાચી છે. મનહર પણ તું ચિંતા ના કરીશ. હું ધીમે ધીમે બધું સંભાળી લઈશ.માજીને કહેજે ચિંતા ન કરે અને જે બન્યું છે તે ભૂલી જાય.” ઈન્સ્પેકટરે મનહરભાઈને જતા જતા સાંત્વન આપ્યું
મનહરભાઈ ભાંગેલ હૈયે ભારે પગે ઘર તરફ જવા રવાના થયા.