રાવણના મોઢે આવી વાતો સાંભળીને તમે પણ વિચારતા થઈ જશો કે સાચો રાવણ કોણ…

દશેરાના પવિત્ર દિને અસત્ય પર સત્યનો વિજય, અનીતિ ઉપર નીતિનો વિજય અને ઘમંડ અને અભિમાનના વિનાશનાપ્રતિક રૂપે મોટાભાગના શહેરોમાં રાવણ દહનનો ઉત્સવ ઉજવાય છે.

રાવણ દહન કાર્યક્રમની શરૂવાત થતા પહેલાજ રાવણેચેતવ્યા, “ખબરદાર છે, મને સાંભળ્યા પહેલાં મારા દહનનું કોઈ આયોજન કર્યું છે તો. આજસુધી તમે રામાયણ વાંચતા આવ્યા અને બસ એક પક્ષીય ન્યાય જ હિંદુ સમાજ તોળતો આવ્યો અને તે એ કે “રાવણ દુષ્ટ હતો, પાપી, અને દુરાચારી હતો, અન્યાયી અને ક્રૂર હતો. પણ તે સમયથી લઈને આજ સુધી તુલસીદાસજીથી માંડીને મોરારીબાપુ સુધી કોઈએ મારી ઉજળી બાજુ ન જોતા અને વર્તમાન પરિસ્થિતિ સાથે મારી ઉદાર નીતિમત્તાને નજર અંદાજ કરી હંમેશાં મને વખોડ્યો જ છે. તો હું આજે મરતાં પહેલાં કેટલીક સ્પષ્ટતા કરું છું. જેને મારું મરણોત્તર નિવેદન ગણશો અને તે નિવેદનને આધારે મારા મૃત્યુ પછી પણ જો મારી ઉજળી બાજુઓને તમે બિરદાવશો તો હું આભારી થઈશ

૧

એક તો એ વાત સાચી છે કે મેં સીતાજીનું અપહરણ કર્યું હતું  તેમકરવામાટે મને કોઈ જોઈ ન જાય કે ઓળખી ન જાય તે માટે મેં ભિક્ષુકનો વેશ ધારણ કર્યો હતો અને સીતાજીના એકાંતનો લાભ લઈ તેને ઉપાડી ગયો હતો. પણ આજે તમારે ત્યાં ઠેક ઠેકાણે CCTV કેમેરા મૂક્યા હોવા છતાં સરે જાહેર રસ્તા ઉપર બહેન દીકરીઓને ભગાડી જનારા રાવણ કેટલા છે તે તમે ગણ્યા ? બસમાં, બળાત્કાર, રોડ ઉપર છેડતી, દ્વિચક્રી વાહન ઉપર અપહરણ હું દશમાથાળો હોવા છતાં તમારા એક માથાવાળા મારાથી કેટલા વધુ માથાભારે છે તે તમને નથી લાગતું ?

બીજું, સીતાજીના અપહરણ પછી જો મેં ધાર્યું હોત તો તેને મારા મહેલમાં હું રાખી શકત. તેનું ચારિત્ર ખંડન કરી શકત પરંતુ તેવી ચારિત્રહીનતા મારામાં નહોતી અને તેથી મેં તેને અશોક વાટિકામાં બંધક તરીકે રાખ્યા હતા. આજે તમારે ત્યાં શું છે ?

રસ્તા પરથી ભગાડી જઈને કાં તો કોર્ટમાં અથવા કાં તો મંદિરમાં લગ્ન કરાય છે કે ઉલેમા પાસે જઈને નિકાહપઢી લેવાય છે અને તમે તેને “લવ જેહાદ” કહો છો મેં આવું સીતાજી સાથે બળપૂર્વક કરવાનું સ્વપ્ને પણ નહોતું વિચાર્યું.

ત્રીજી વાત, જાનકીજીને રામને સોંપી દેવા માટે થઈને મારે રોજ મારી પત્ની મંદોદરી સાથે માથાકૂટ થતી હતી. આખો દિવસ અને રાત મેં તેના મેણાં-ટોણા સાંભળ્યાં છે. છતાં હું કોઈ “પત્નીપીડિત પતિ સંગઠન” પાસે ફરિયાદ નથી લઈ ગયો એટલું જ નહીં પણ હાલ તમારે ત્યાં થાય છે તેવી કોઈ મેં પત્ની સાથે મારઝૂડ પણ નથી કરી.

આમ, ઉપરોક્ત બંને કિસ્સાઓમાં મારી સ્ત્રી સન્માનભાવના તમને નથી લાગતી ? અને તેમ છતાં નથી રામાયણમાં તેનો કોઈ ઉલ્લેખ કે નથી રામકથામાં તેનું દૃષ્ટાંત.main

ચોથું, સીતાજીની શોધમાં આવેલ હનુમાનજીએ અશોક વાટિકાને ખેદાન મેદાન કરી અને મારા પાટનગરને આગ લગાડી તેમ છતાં મેં I.P.C ધારાહેઠળ જાહેર મિલકતને નુકશાન પહોંચાડવાનો દાવો પણ નથી કર્યો.

પાંચમી વાત, ભારતથી શ્રીલંકા પ્રવાસ માટે પાસપોર્ટ કે વિઝા જરૂરી છે તેમ છતાં હનુમાનજી તે વિના લંકામાં ઘુસી ગયા તેમ છતાં મેં તેને અમારા ફોરેન ટુરિસ્ટ એકટ હેઠળ તેના ઉપર તે અંગે કોઈ કાર્યવાહી નહોતી કરી, જ્યારે તમારે ત્યાં પાકિસ્તાનથી આવતો ગાયક, ક્રિકેટર કે લેખક કે જેની પાસે બધાજ કાયદેસરના કાગળો મોજુદ હોવા છતાં તેનો વિરોધ કરો છો મોઢે શ્યાહી લગાડો છો ? આને તમે રામ રાજ્ય ક્હો છો ?

છઠ્ઠું, વિભીષણે જ્યારે મારો સાથ છોડ્યો ત્યારે ભરી સભામાં તેણે મારું અપમાન કર્યું હતું એટલુંજ નહીં પણ રીતસરની બગાવત પોકારી હતી. તેમ છતાં મેં તેના ઉપર “રાજદ્રોહ”ની કોઈ કલમ લગાડી નહોતી.

તમારે ત્યાં આજે શું છે ? પોતાના હક્ક માટે કરાતી રજુવાત કે આંદોલનને ક્ચડી નાખી કારાવાસમાં ધક્કેલી દ્યો છો.

આવાં તો અનેક દ્રષ્ટાંતો છે કે જેમાં મારી નીતિ, રીતી પ્રમાણિક પણે ઉલ્લેખવી જરૂરી છે તેમ છતાં તુલસીદાસથી માંડીને મોરારીબાપુએ હંમેશાં મને કાળો ચીતરી અન્યાય કર્યો છે.

અને છેલ્લે મને પાપી, દુષ્ટ, અભિમાની, દુરાચારી, વિગેરેથી ઓળખો છો, તો રામજીના સોગંદ ખાઈને કહેજો કે હાલ રામના ભારતમાં “ભ્રષ્ટાચારી, સંગ્રહખોર, લાંચિયા, અહમવાદી,ચારિત્ર હીન, કોમવાદી, પક્ષ પલટુ, કૌભાંડી, કોલસા ચોર, ચારાચોર અરે, શોચાલય બનાવવામાંથી પણ કટકી કરનારા, કટકી કર્યા પછી ન પકડાનારા, પકડાયા પછી નિર્દોષ છૂટી જનારા એક માથાવાળા રાવણો અસંખ્ય અને અગણિત નથી ?

શ્રી રામે ધર્મયુદ્ધ ખેલી મને પરાજિત કર્યો અને સનાતન ધર્મનો મહિમા ગાયો એજ રામના મંદિર માટે હજારો લાશ બિછાવી દેવાઈ. જાઓ, હિંમત હોય તો મારી જેમ તેને પણ સળગાવી દ્યો. જેણે ધર્મને નામે ધતિંગ કર્યા છે, “બાપુ, બાબા, અને મા” થઈ બેઠેલ સાધુના વેશમાં છુપાયેલ શેતાનને ખોળી કાઢો.

મરેલાને બાળવામાં કઈ તમારી વીરતા છે ? જેઓ જીવતા રહીને તમને બાળી રહ્યા છે તેનું વિચારો ને !

મારે તો દશ મોંઢાં હતાં પણ ચહેરો એકજ હતો ત્યારે આજે ખુલ્લેઆમ ધર્મના હાટડા માંડી બેઠેલાઓને દશ ચેહેરા અને એક જ મોંઢું છે અને તેમ છતાં આજે તમે તેને “અચ્છે દિન” કહો છો ?

મને મારતાં પહેલાં આવા રાવણોને પકડી તેને જીવતા સળગાવો. હું તો ભગવાનના હાથે મોત મેળવીને સદગતી પામ્યો પણ તમારે ત્યાંના રાવણો કદી સદગતિ નહી મેળવે.

લેખક : વ્યોમેશ ઝાલા

આપના વિચારો કોમેન્ટમાં જણાવો.

Comments

comments


3,795 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − = 1