એક યુવતી પોતાના ઘરમાં એકલી ઘોર અંધારી રાતમાં અને સાથે છે એક યુવક તેનો મિત્ર પણ અચાનક…

તોફાની વરસાદી રાત !!

ધોર અંધારી રાત ને એમાય વરસાદી માહોલ. વાદળો ગાજવાનો અવાજ.. ને રાત વધારે ને વધારે અંધાકારભરી થઈ રહી હતી. જેમ જેમ હું એ અંધકારને જોતી એમ એમ મારા મનનો ગભરાહટ વધતો જતો હતો. રાત તો ઘણી જોઈ પણ એ અંધારી રાતની વ્યાખ્યા મને આજે સમજમાં આવી. કે, અંધકાર શું છે ? અંધકાર કોને કહેવાય…!!!!

આમ તો ઘરે હું ક્યારેય એકલી ન જ હોવ. પણ તે રાત હું એકલી હતી. કેમકે મમ્મી, પપ્પાને અચાનક જ ફૈબાના ઘરે ભાવનગર જવાનું થયેલ. સાંજ સુધીમાં આવી જશે એવું કહીને ગયેલા. પણ ફૈબાએ કોઈ ને કોઈ બહાનું કાઢીને રોકી રાખ્યાં હતાં.

પહેલો વરસાદ હોવાથી લાઈટ પણ ડૂલ થઈ ગઈ હતી. હું મોટાં મોટાં અવાજો સાથે થઇ રહેલી વીજળીથી ડરી રહી હતી. એક બાજુ એકદમ ઠંડો પવન મને સ્પર્શી રહ્યો હતો. આ પવન ક્યાંક નજીકમાં જ મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે…ને ટૂક સમયમાં જ અહિયાં પણ વરસાદ વરસવાનો છે એની ચાડી ખાઈ રહ્યો હતો.

હું પહેલીવાર એકલી રાત રોકાઈ ને એ પણ આવા ભયાનક વાતાવરણમાં. હું શું કરું કે શું ન કરું એનો કશો ખ્યાલ નહોતો આવતો. ને ત્યાં જ મોબાઈલની રીંગ વાગી. પપ્પાનો કોલ જ આવ્યો. બેટા વરસાદી માહોલ છે. તું ડરતી નહી. સાચવીને રહેજે. એકલી જ છું એટલે મને અને તારી મમ્મીને તારી ચિંતા થતી હતી. તું દરવાજો બંધ કરીને આરામથી સુઈ જા. ચિંતા કરતી નહી આ વાતાવરણ તો થોડીવાર પુરતું જ ભયાનક રહેશે…તું આરામથી સુઈ જા. ડરવાની જરૂર નથી. હજી પપ્પા કશું બોલે ત્યાં જ નેટવર્ક પણ ગાયબ….કોલ કટ થઈ ગયો.

ત્યાં જ અચાનક બેલ વાગી. મને થયું કે હું દરવાજો ખોલું કે ન ખોલું ? અત્યારે કોણ હશે ? પપ્પાએ મને કશું કહ્યું તો નહિ ??? કેટલાય મનમાં સવાલો આવ્યા પણ એના જવાબો ક્યાં? અંતે મેં હિમ્મત કરી દરવાજો ખોલ્યો…જોયું તો પપ્પાનાં મિત્ર રામ અંકલનો દીકરો કવન.

વરસાદ ધોધમાર વરસી રહ્યો હતો. ને કવન પણ વરસાદમાં પલળી ચૂક્યો હતો…મને થોડું આશ્ચર્ય થયું…કે કેમ આવ્યો હશે એ આટલી મોડી રાતે ને આવી તોફાની રાતમાં ? મેં પૂછ્યું , “ કવન, કેમ તું અત્યાર્રે ? “

“એ કશું બોલ્યો નહી, સીધો જ બાથરૂમમાં ગયો. ને બોલ્યો, “ ટોવેલ..મળશે? હું જરા થોડો ફ્રેસ થઈ જાવ પછી બીજી બધી વાત શાંતિથી કરું છું…હો મેડમ “

અચાનક આવેલો જોઈ મને તો નવાઈ જ લાગી…

મેં મારો ટોવેલ એને આપ્યો. તો એને હાથમાં પકડતાં જ બોલ્યો..” વાહ, એકદમ સોફ્ટ ને બેબી પિંક કલર….લેડી ટોવેલ પણ લેડી જેવાં સ્મુથ ને નાજુક હોય છે નહી…?”

મેં કોઈ જ પ્રત્યુતર ન આપ્યો….હું ફટાફટ સોફા પર જઇને બેસી ગઈ…આમ અચાનક કોઈ કોઈના ઘર પર કેમ આવી શકે ? આ કવન સમજે છું એના મનમાં ? એને જરા પણ ખ્યાલ નહી આવ્યો કે ઘરમાં છોકરી એકલી છે તો એ જે પૂછે એ જવાબ આપવા જોઈએ..યોગ્ય જવાબ મળે તો મને પણ સંતોષ મળે “

“ હવે બોલો મેડમ , તમારા મનમાં જે પ્રશ્નો છે…એના જવાબ હું આપીશ…પણ એક શર્ત મને એક કપ ગરમા ગરમ કોફી બનાવી આપવી પડશે….”

મને એની બોલવાની સ્ટાઈલ ગમી ગઈ….એટલે હું પણ એની સાથે એવા જ નટખટ અંદાજમાં વાતો કરવા લાગી…થોડી શરારત સાથે…

“શું તમે આમ ભીના જ રહેશો ? તમારે કપડા નથી બદલવા ? કોફી તો ગરમ મળી જશે પણ જો તમે ભીના જ રહેશો તો ગરમ કોફી કશું અસર નહી કરે ….” હા….હા…હા…

“હું હસી એટલે એ પણ હસ્યો ને બોલ્યો ના હવે મને ભીના કે સૂકા કપડાથી કોઈ ફર્ક નથી પડતો..હા, જો એક કલાક પહેલા આવ્યો હોત, તો જરૂર ફર્ક પડેત….”

“એટલે??”, મેં મારું નાક ચડાવી મીણબતીનો પ્રકાશ કિચન તરફ કરતા પૂછ્યું…”

કશું નહી….કોફી બનાવી આપો પછી જ બીજી વાત…

હું કિચનમાં ગઈ…કોફી બનાવીને લાવી ..પણ જોયું તો કવન ગાયબ…હું બોલી…”કવન….ક્યા છે તું ? એક તો લાઈટ છે નહી ને પાછો તું આમ ચૂપ સંતાઈ જાય ? હવે તું નાનો નથી મોટો થયો છે..ચાલ ફટાફટ બહાર આવી જા તો હું તને ગોતવા નહી આવું…”

હું ટીપાઈ પર કોફી મૂકીને સોફા પર જ બેસી ગઈ…ત્યાં જ અચાનક જોરદાર વીજળી થયા નો અવાજ ને વાદળનો ગડગડાટ સંભળાયો ને હું તો એકદમ ડરી જ ગઈ…ને મારાથી બૂમ પડાઈ ગઈ …”મમ્મી….!”

“ત્યાં તો મારી સામે જ કવન અચાનક આવી ગયો ને મને કહે શું થયું ? કેમ બૂમ પાડે છે ? “

“અરે પાગલ, તું ક્યાં ગાયબ થઈ જાય છે ? આ તારી કોફી પણ ઠંડી થઈ ગઈ…હવે તું ઠંડી જ પીજે..હું હવે અંધારામાં ગરમ નહી કરી આપું. સમજ્યો….?”

થોડો અચકાતાં એ બોલ્યો, “ હું તો અહિયાં જ છું…કોફીની રાહ જોવું છું. તારો અવાજ સાંભળ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે તે બૂમ પાડી…પણ કોફી તો તે મને આપીજ નથી “

“શું? તારું મગજ ઠેકાણે તો છે ને ? આ શું દેખાય છે ? મેં પચ્ચીસ અવાજ કર્યા પણ સાહેબ તમે તો અંતરધ્યાન થઇ ગયા હતા…”

સોરી….કહી કોફીનો મગ હાથમાં લઈને બોલ્યો, “ ચલ, હવે તારા પ્રશ્નોનાં જવાબ આપું. મને તારા પપ્પાનો કોલ આવ્યો હતો કે વિશ્વા ઘરે એકલી છે ને એ ડરશે જ કેમકે વાતાવરણ ખરાબ છે. તો તું આમ પણ એનો બચપનનો મિત્ર છે ને પાછો વિશ્વાસુ પણ..તો તું ઘરે જા ને વિશ્વાને કંપની આપજે….અને હા, એને હેરાન ન કરતો હો ! એટલે હું આવ્યો છું…મારા મોમ ડેડ પણ તારા મોમ ડેડ સાથે જ છે..હું પણ ઘરે એકલો જ હતો.

“હાશ, સારું થયું મારા પપ્પાએ તને પહેલા જ કહ્યું કે તું મને હેરાન નહી જ કરે, એટલે તું થોડોતો ડાહ્યો બનીશ…થેંક પપ્પા કે તમે આ વળવાંદરાને પહેલાથી જ ચેતવણી આપી દીધી છે..”

“વિશ્વા, હું હવે તને આમ પણ ક્યારેય હેરાન નહી કરું, પ્રોમિસ..આ તો તારા ડેડીને મેં અહિયાં આવવાનું પ્રોમિસ કર્યું એટલે મારે આવવું પડ્યું….નહિતર તો અત્યારે હું …”

“કેમ તું બોલતો અટકી ગયો ? શું અત્યારે ? ક્યા અત્યારે?“, વિશ્વાએ તો કવનને કેટલાય પ્રશ્નો પૂછી લીધા.

કશું નહી, ચાલ છોડ એ બધી વાતો….આપણે કેટલી બધી લડાઈ કરતા હતા નહી ? ને કેટલી મજા પણ કરતા હતા નહી ? મને ખુબ યાદ આવે એ દિવસો…મને હજી પણ યાદ છે.”

“કેમ આજે તું આવી વાતો કરે છે ? હું હજી જીવું છું પાગલ મરી નથી ગઈ.”

“બસ, હવે તું થોડું વધારે પડતું બોલતા શીખી ગઈ છે…મરવું એમ સહેલું નથી “

આંખોને ગોળ ગોળ ધુમાવતી વિશ્વા બોલી, “ઓહો…..તને તો અસર થઈ. જાણે કેમ કોઈ મૃત્યુ પામેલ વ્યક્તિએ તને ભૂત બની એની વેદના કહી હોય એમ તું ગુસ્સે થાય છે…” પોતાની અદાથી વિશ્વા હસીને વાતને હળવી કરે છે…

“તું બહુ નટખટ થઇ ગઈ છે…મને તારી આ જ અદા ગમે છે…રીયલી મેં અત્યાર સુધી નથી કહ્યું પણ આજે કહું છું મારા મનની વાત..”

“હ્મ્મ્મમ્મ્મ. આગળ બોલ , કેમ અટકી ગયો ?”

“આજે હું અટકીશ નહી, હું મારી બધી જ લાગણી કહેવા આવ્યો છું. હું બધું જ કહીશ પણ મારી પાસે સમય ઓછો છે. જેવો આ વરસાદ રોકાઈ જાય કે તરત જ મારે જવું પડશે.”

“કવન, આજે મને તારી અમુક વાતો સમજાતી જ નથી. તું અલગ પ્રકારનું બોલતો હોય એવું મને લાગે છે.”

“ તને કાલે સવારે બધું સમજાઈ જશે “

“એમ…..એટલે તું જે બોલે એ મને અત્યારે નહી જ સમજાય એવું કહેવા માંગે છે. હું એટલી પણ બુધ્ધુ નથી કે મને કશું ન સમજાય… બોલતા બોલતા વિશ્વાએ બીજી કેન્ડલ સળગાવી ટીપોઈ પર મૂકી.

“આ કેન્ડલની શું જરૂર છે ? તું જ ચમકે છે. મને જોઇને..જો તારું મુખ કેવું ચાંદ જેવું ચમકી રહ્યું છે..”

“કવનના મોઢેથી વિશ્વાને એના વિષે સાંભળવુ ગમ્યું, એટલે એ એની આંખોમાં આંખો મીલાવી બેસી ગઈ ચૂપચાપ…”

આજે તને ખબર છે. તારા પપ્પા ભાવનગર કેમ ગયા છે એ ? તારા માટે એક છોકરો મારા પપ્પાએ બતાવ્યો છે. એટલે જોવા ગયા છે…પણ સાચું કહું છોકરો ઘરમાં જ છે ને બધા બહાર ગોતવા જાય છે…મને પણ આ પપ્પાઓના અમુક વિચારો પર હસવું આવે..આજે હું તને આમ પણ કોલ કરવાનો જ હતો કે , જો તું હા પાડે તો કાલે મોમ ડેડ સાથે વાત કરી હું જ તને જોવા આવું…ત્યાં જ સામેથી તારા પપ્પાનો જ કોલ આવ્યો..ને મને અહિયાં મોકલ્યો…બોલ કેવો સાથ છે મને કુદરતનો? મારે જે જોઈએ એ મને સામેથી જ મળે છે…”

“વિશ્વા, આઈ લવ યુ…….કેટલાય વર્ષો પહેલાનાં પ્રેમનો એકરાર હું આજે કરી રહ્યો છું. મારા જેવો મુર્ખ કોઈ નહી હોય…”

“એય કવન, તું મજાક નથી કરતો ને ? તું અને મને લવ ? પોસીબલ જ નથી આ ….”

“યાર સાચે કહું છું….તારી આ જ પ્રોબ્લમ છે. હું સાચું કહું તો તું હંમેશા જુઠ્ઠું જ માની બેસે છે ને જુઠું કહું તો સાચું જ માની બેસે “

“સોરી…લવ યુ ટૂ“

“ઓ.કે “

સહેજ ખુલ્લી બારીમાંથી આવતો વરસાદી ભેજ વાળો ઠંડો પવન બંનેને સ્પર્શીને બંનેનાં મૂડને રોમેન્ટિક બનાવી રહ્યો હતો…

થોડી હૂંફ મળતા જ વિશ્વા કવનનાં ખોળામાં માથું ઢાળીને ઢળી પડે છે. ને કવન પણ વિશ્વાના રેશમી મુલાયમ વાળમાં હાથ ફેરવ્યાં કરે છે…

“વિશ્વા એક વાત કહું.?”

“હા , બોલને..”

“હું તને પ્રેમ ખુબ કરું છું…તારી સાથે જ હું મારું જીવન વિતાવવા માંગુ છું…પણ…”

“શું પણ “

“હું તો માત્ર તારા પપ્પા એ કહ્યું એટલે મેં એક વચન ખાતર આવ્યો છું….હું તને ખુબ લવ કરું છું. પણ હું તારી સાથે હવે નહી રહી શકું …કેમકે હવે હું જ મૃત્યુ પામ્યો છું…હજી બે કલાક પહેલા જ મારું આ તોફાની પવનથી પડેલાં ઝાડ નીચે દબાઈ જતાં મારું મોત થયું છે…પણ માત્ર તને ડર ન લાગે નહી એટલે. ચાલ હવે હું રજા લવ વિશ્વા…., વરસાદ રહી ગયો છે ને મને વરસાદ રહે ત્યાં સુધી જ મારા શરીરમાં મારો આત્મા રહે એની છૂટ મળી છે…હું તને પ્રેમ ખુબ કરું છું…પણ આ જન્મે નહી હું આવતા જન્મે તારી રાહ જોઇશ…તું મને પ્રોમિસ કર તું મને આવતા જન્મે મળીશ જ. “

“કેમ તું કશું બોલતી નથી ? જોયું તો વિશ્વા ઘસઘસાટ સુઈ ગઈ હતી….”

“કવનનો સમય પૂરો થતા એ તો ગાયબ થઇ જાય છે…ને સવારે પાંચ વાગતા જ ઘરની ડોરબેલ વાગી…વિશ્વા હજી ફુલ નિંદરમાં હતી. એણે ઉભી થઈને દરવાજો ખોલ્યો તો એના મોમ ને જોયા.”

“મોમ તમે આટલા બધા વહેલા કેમ ? અને પપ્પા ક્યા છે ? “

“તું અત્યારે કશું ન પૂછ….હું કશો જવાબ નથી આપવાની.”

“પણ કેમ ? શું થયું છે ?”

“બેટા, આપણો કવન….”

“કવન તો અહિયાં જ છે. એ કાલેરાત્રે જ તો આવ્યો અહિયાં. દરવાજો બંધ છે એટલે એ ક્યાય નહી ગયો હોય..કદાચ રૂમમાં જઈને સુઈ ગયો હશે .”

“તું ગાંડી નથી થઈ ગઈને.? કવનનું કાલે રાત્રે જ તોફાની પવનમાં પડેલ ઝાડ નીચે આવીને દટાઈ ગયો ને ત્યાં જ મૃત્યુ પામ્યો “

“તું જુઠું કેમ બોલે છે…? મારા કવન વિષે ? એ અહિયાં જ છે મારી પાસે “, વિશ્વા કવન વિશે આવું સાંભળીને ગાંડી જ થઈ ગઈ…એ કોઈનું કશું માનવા જ તૈયાર ન હતી…

પણ અંતે હોસ્પીટલમાં કવનની લાશ જોઇને વિશ્વાને આ કડવું સત્ય માનવું જ રહ્યું…ને એનાં કાનમાં કવનનાં બોલાયેલાં એક એક શબ્દ ગૂંજવા લાગ્યાં.

આજ એક વર્ષ થયું…એ જ દિવસ છે તોફાની વરસાદી રાતનો. એક વર્ષ થયું પણ એ રાત હજી વિશ્વા નથી ભૂલી કે નથી એના મોમ ડેડ ભૂલ્યા. હજી વિશ્વાને આશ છે કે કવન આવશે….!

||અસ્તુ||

લેખક : તૃપ્તિ ત્રિવેદી

વાર્તા વિષે અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી આપજો દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત આપણા પેજ પર.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,297 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 6 = 10