અલ્યા મંજુબેન….., “એ હંસાબેન તમારા ઘરે દાળ ચૌટતી લાગે છે. જરા કુકરનો ગેસ તો બંધ કરો. “
ગીતાબેન બોલ્યા, અલી મંજુ, ભગવાને તને નાક સારું આપ્યું છે. છેક દસમાં ઘરમાં દાળ બને છે ને તને અહિયાં સુગંધ આવે….સારું કે’વાય નહી ? “ સામે પ્રશ્ન છોડી, વાક્ય અધૂરું જ મુક્યું ને હસવા લાગ્યા.
“હા…..હા…..હા…નાક તો સરસ આપ્યું જ છે. પણ, અવાજ જોવો કેવો પહાડી છે. આખી શેરી હલબલી જાય એક અવાજે તો …”, કંકુમાસીએ ટપકું પૂર્યું વચ્ચે બોલીને.
ત્યાં જ હંસાબેન આવ્યા, આ તમે રોજ રોજ રાડો પાડો, કે તમારા ઘરે દાળ બળી, ખીચડી ચોટે છે…વઘાર બળ્યો …તોયે જોવોને મારી વહુને ક્યા કશી ભાન પડે છે. એ તો ગમે ત્યારે એના મોબાઈલમાં જ વ્યસ્ત રહે છે. કાં‘ ઓલી નવું નીકળ્યું એ કરે આખો દિવસ..”“હે…., શું નવું નીકળ્યું ? તારી વહુ એ શીખી ગઈ ? તો તો મારેય ઘરમાં આ તારા ઘરનું નવું આવેલું આવશે. એક બે દા’ડામાં જ. આ તારી વહુ ને મારી વહુનો તો ત્રાસ છે. શી ખબર ક્યાંથી બેય બેનપણીઓ બની છે.”, મોઢું મચકોડી સાડીનો પાલવ સરખો કરતાં મંજુબેન બોલ્યા…“બેયમાં એક રૂપિયાભાર પણ સંસ્કાર ક્યાં છે. સરખે સરખાનો જ મેળ આવે ને ?, પાછું કંકુમાસીએ વચ્ચે ટપકું પૂર્યું.
હજી આ વાત ચાલુ જ હતી ત્યાં જ રૂપેશ ત્યાથી નીકળ્યો. એટલે આજની પંચાતનો ભોગ બનશે રૂપેશ …
અલી મંજુ, આ રૂપેશનું તને કશું જાણવા મળ્યું ?, કંકુમાસી હળવેથી મંજુબેનનાં કાનમાં કાન નાખી બોલ્યા.
“ શું વાત કરે છે તું, આ રૂપેશનું વળી શું છે એવું જાણવા જેવું ? હું તો થોડી દૂર રહું એટલે મને આવી બધી ન ખબર હોય…અને સાચું કહુ કંકુ મને તો આવી લપ જ નહી ગમતી..કોઈના વાતમાં પડવાની.”, રૂપેશની વાત જાણવાની જીજીવિષા સાથે ને પોતાની સફાઈ આપતા હોય એમ મંજુબેન કડક થઇ બોલ્યા.
“રાખવું પડે ધ્યાન આ પોળમાં રહેતા બધાનું….તને શું ખબર મંજુ બધા તારીય વાતું કરે છે. આ તો અમે તારી બહેનપણીઓ એટલે અમારી મોઢે તારું ન બોલે..ને પાછળથી તો બાપ….એકવાર મેં સાંભળ્યું તો મારા તો કાન જ ફાટી ગયા….રામ રામ રામ….લોકોય કેવી કેવી વાતું કરે …આપણે તો સાવ સીધા પડીએ લોકો પાસે..’, હંસાબેને સાંભળેલું મંજુકાંડ કહ્યું..
મંજુબેન હોંશિયાર વધારે પડતા…પોતાની વાત આવી એટલે ન અકળાયા, ન મુંજાયા ને વાતને જ ટાળતા બોલ્યા, મુકોને પડતી લોકોની વાતો…લોકોનું કામ છે બોલવાનું. લોકો તો બોલે એમ માથે થોડું લેવાય. હુંતો કોઈનું સાચું જ ન માનું…મારા કાને સાંભળું ત્યારે જ્ માનીશ….અલી, કંકુ બોલને તું આ રૂપેશનું કશું કહેતી હતીએ…મને તો પેટમાં દુખે છે..કાન મારા તલપાપડ થયા છે…હું જ્યાં સુધી સાંભળીશ નહી ત્યાં સુધી મને ખાવાનુય નહી પચે…”
વાતમાં બધાયે સૂર પુરાવ્યો.
એ રૂપલો, તો બીજી કોઈ છોડી જોડે ચાલુ છે…ને એની ઘરવાળીને આ વાતની ખબર પડી ગઈ.. જ્યારે આ રૂપલાની ઘરવાળી એના પિયર ગઈ હતી. ત્યારે એ એક છોડીને ઘરે લાવ્યો હતો. છોડી બે દા’ડા રોકાઈ હતી…..
“હે……….શું વાત કરે..બે દા’ડા?”બને એટલી આંખો ને મોઢું પહોળું કરીને આશ્ચર્ય સાથે હંસાબેને વચ્ચે એમના હાવભાવ રજૂ કર્યા.
હા, બે દા’ડા ..
બાપરે બાપ આવું તો કોઈ બાયડી કેમ સહન કરે ?, મંજુબેને પણ ટપકું મૂકી વાતમાં સાર પુરાવ્યો.
પછી તો આ રૂપલાની ઘરવાળીને શી ખબર હું હુઝ્યું કે એ અચાનક એના પિયરમાંથી આવી ને જોયું તો દરવાજે છોકરીના સેન્ડલ પડેલા જોયા….એટલે એ બધું સમજી ગઈ…એ પણ હોંશિયારની દીકરી નીકળી.. એ પાછળના દરવાજેથી ઘરમાં ઉતરી. ને સીધી પહોંચી રૂમની બારી પાસે. બારીની તિરાડમાંથી એણે એના મોબાઈલમાં એના જ પતિની કામલીલા કરી રેકોર્ડ..ને બનાવ્યો સરસ લાંબો વિડીયો…પછી ચૂપચાપ પાછી એના પિયર જતી રહી….કોઈને કશું કહ્યા વગર કે કોઈ લપ કર્યાવગર.
“હે…આટલું બધું જોયું..તોય કશું ન બોલી ? કેવી બાઈ કહેવાય…” મંજુબેને પાછું વચ્ચે ટપકું મુક્યું.
“સાંભળ તો ખરી મંજુ પૂરું…તું પણ વચ્ચે બોલ્યા વગર ન રહે.” વાત સાંભળવામાં મશગુલ હંસામાસી બોલ્યા.
“પછી તો એને બીજા ચાર પાંચ દિવસ પિયરમાં રોકાઈશ એવો ફોન કર્યો..એ એ ચાર પાંચ દિવસમાં એને ગામડે રહેતા રૂપલાના મા-બાપ ને પણ બોલાવ્યા. ને એના પતિની કરતુત બતાવી એના સાસુ સસરાને…એના સાસુ સસરા તો આ જોઈ હેબતાઈ જ ગયા..એને મનોમન નક્કી કર્યું કે મારા ખોટાબોલા પતિને સુધારવો જ જોઈએ..નહિતર મારી અને એમની જિંદગી ખરાબ થઇ જશે..એટલે એને એના મા- બાપ અને રૂપલાનાં મા-બાપને જ અહિયાં રહેવા બોલાવી લીધા.
“બાપરે બાપ આ સીધો સાદો દેખાતો રૂપલો આટલો હલકો નીકળ્યો …આમ મોઢા પરથી તો જોવો કેવો રૂપાળો ને ડાહ્યો લાગે. નહી…? “,
આ બધું શાંતિથી સાંભળી રહેલા ગીતાબેન બોલ્યા…”એ રૂપાળો છે ને એટલે જ એને આવું કર્યું. રૂપનું અભિમાન ને પૈસાનો પાવર…”
આ સાંભળતા વેંત જ કંકુબેન બોલ્યાં, ‘અલ્યા, આ તો વાત થઇ કે’વાય ? ભગવાને વરી થોડું રૂપ આલ્યું એમાં આટલું બધું શું?’
બાયું લફર કરે તો સમજ્યા પણ હવે તો જણ પણ લફરા કરે. એય પાછા એક તો ન જ હોય. કેટલાય લફરા.
ત્યાં જ મંજુબેનની વહુ આવી ને એણે આ સાંભળ્યું… શું પુરુષો પણ લફરા કરે ? એણે તો ગીતાબેન, કંકુબેન ને હંસામાસીની વહુઓને બુમો પાડી પાડીને બોલાવી. “ પંચાતના ઓટલે જલ્દી આવો …આપણા સૌની સાસુમોમ કશું નવું જ શોધી લાવ્યા છે. આપણે આપણી સેફટી માટે આપણા બધાના પતિઓ પર ધ્યાન રાખવું પડશે…
હંસામાસીની વહુ….સાડીસરખી કરતા કરતા દોડતી દોડતી આવી.
કંકુબેનની વહુ ડ્રેસનો દુપટો હાથમાં જ પકડી ઝડપથી પહોંચી…
ને ગીતાબેનની વહુએ બારીએથી બૂમ પાડી..મારી રાહ જોજો…પ્લીઝ…હું જરા લીપ્સ્ટીક લગાવી આવું જ છું.
વહુઓને આવતી જોઈ...એટલે ચારેય બહેનપણીઓએ આંખનો ઈશારો કરીને બોલી, આ તો વાવાઝોડું આપણા ઘરમાં જ આવશે…આપણા જ દીકરાઓ ભોગ બનશે આ વહેમીલી વહુઓનો.ને્ પાછી આપણા ઉપર રાજ કરશે એ તો નોખું…હેંડો હેંડો ઉભા થાવ જલ્દી જલ્દી…..કોકની પંચાત આપણા ઘરમાં આવશે પાછી …એમ બોલતા બોલતા આજની પંચાતને પૂર્ણ કરી.
||અસ્તુ||
લેખક : તૃપ્તિ ત્રિવેદી
ખરેખર જયારે વાત આપણા ઘરની આવે ત્યારે બધા આવું જ કરે, વાર્તા વિષે અભિપ્રાય કોમેન્ટમાં જણાવો, દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત આપણા પેજ પર.