કુંવારી મા – નથી પરણેલી પણ છતાં મા બનેલી એક યુવતીની વાંચો કહાણી ને જાણો એ કેવા સંજોગોને કારણે બની છે મા…..

સાંભળ મમ્મી,  લેપટોપ પર વર્ક કરતા કરતા કલ્યાણી એની મમ્મી જોડે અમૂક વાત કરી રહી હતી ત્યાં જ એની બંને જુડવા દીકરીઓ નેન્સી અને નિધિ રમતા રમતા કલ્યાણી પાસે આવે છે.

“અરેરેરે…..શું કરો છો તમે બંને? મારી નાની નાની પરીઓ આજે આટલી ખૂશ કેમ છે ? જરા હું તો જાણું તમારી આ ખૂશીનું રહસ્ય….”, કલ્યાણીએ લેપટોપને એકબાજુ મૂકી એની બંને દીકરીઓને ખોળામાં બેસાડતા વ્હાલથી પૂછ્યું

આ જુઓ મમ્મા, અમને આજે સ્કૂલમાંથી બાર્બીવાળી બેગ મળી છે ગીફ્ટમાં. આ બેગ દેખાડતા જ બંનેની આંખો આકાશમાં ચમકતા તારાઓ જેમ ચમકી રહી હતી ને ચાંદ જેમ પ્રકાશિત એમનું મુખ.

કલ્યાણીએ પોતાની બંને દીકરીઓ પર ફરી એક નજર કરી…વાંકડિયા ગોલ્ડન વાળ, ભૂરી ભૂરી આંખ ને એકદમ ગુલાબની કળીઓ જેવા હોઠ..એવું લાગી રહ્યું હતું કે મારા ઘરે કોઈ દેવી અવતારે જ જન્મ લીધો છે…એવું સ્વરૂપ છે આ મારી નટખટ નાની નાની પરીઓનું.

બન્નેનાં કપડા મેચિંગ, બંનેનાં વિચારો સરખા ને બને ભણવામાં પણ એવી જ હોંશિયાર ને સાથે સાથે સમજદાર પણ ખરી…હજી તો સાત જ વર્ષની ઉંમર છે પણ સતર વર્ષની દીકરી જેટલી સૂઝબૂઝ…ખરેખર હું નશીબદાર છું કે મને ભગવાને આવી સરસ ઢીંગલીઓને મમ્મી બનાવી.

કલ્યાણીને વિચારોમાં ખોવાયેલી જોઇને નેન્સી અને નિધિ બોલ્યા એકસાથે બોલે છે.

નેન્સી, “ નિધિ, મેં તને કહ્યું હતું ને કે, મમ્મા એમનું કામ કરતા હશે..આપણે એ ફ્રી હશે ત્યારે જ આ ગીફ્ટ વિષે કહેલું…તું કેટલી ઉતાવળી છું..જરા મમ્માનો તો વિચાર કર બુધ્ધુ..!”

નિધિ, “સોરી મમ્મા..”

“અરે, આ શું બોલો છો ? હું તો એ વિચારી રહી છું કે મને ભગવાને આટલી સુંદર ને સમજદાર દીકરીઓની મમ્મા કેમ બનાવી હશે ? મેં એવા તે ક્યા પુણ્ય કર્યા હશે ?, લવ યુ,…..દીકુ…નો સે સોરી….બેટા…મમ્મીને પપ્પી નહી કરો ? “

“બંને દીકરીઓ કલ્યાણીને પપ્પી કરીને પાછી રમવા ચાલી જાય છે.”

ખરેખર મેં ખૂબ પુણ્ય કર્યા હશે કે મને ભગવાને સંતાન સુખ આટલું સરસ આપ્યું નહી મમ્મી ?, કલ્યાણીએ એની મમ્મીને પૂછી જ લીધું..

કલ્યાણીના મમ્મી કશું બોલ્યા વગર ખાલી હકારમાં માથું જ ધુણાવ્યું…

“કેમ મમ્મી, તું કશું બોલી નહી ? શું મારી દીકરીઓ તને વ્હાલી નથી ?”

“ના…ના એવું નથી..પણ ભૂતકાળ યાદ આવી જાય છે..”

“અરે મોમ, ભૂતકાળ ક્યા ખરાબ છે તો યાદ કરીને અપસેટ થવું ને મૌન રહેવું…મારું નસીબ ભગવાને જ નક્કી કર્યું છે..એટલે જ હું આ બંને પરીઓની મમ્મા બની…નહિતર મારા નસીબ એવા ક્યાંથી..”

પણ….

“શું પણ…આ સમાજ વિષે તો વિચાર..આ સમાજ કેવું બોલી રહ્યો છે તારા વિષે. એની તને ખબર છે? કહે છે કે શું ખબર કોની હશે આ છોકરીઓ ? ક્યા મોઢું કાળું કરીને આવી હાશ કલ્યાણી ? આટલા વર્ષો પછી પણ જો તો કેવી બિન્દાસ રહે છે…આ છોકરીને સમાજ કે પરિવારની કશી સમજ જ નથી…બેટા હું પણ એક મા છુ. મારાથી મારી નિર્દોષ દીકરી વિષે આવું ગંદુ ને ખોટું હું કેમ સાંભળી શકું ?”, આટલું બોલી કલ્યાણીની મમ્મી રડવા લાગે છે.

અરે તું કેમ રડે છે..પ્લીઝ તું રડીશ નહી …હું તારી આંખોમાં આંસુઓ નથી જોઈ શકતી. અને રહી વાત લોકોની તો હું એવા લોકોને કેમ મારું અસ્તિત્વ ને મારા વિષે રીપોર્ટીંગ કરું ? તું જ કહે શું આ લોકો, આ સમાજ મને સમજી શકશે? શું આ લોકો હું કરી રહી છું એવું કામ કરી શકશે ?

પણ….

“મમ્મી, પ્લીઝ તું પણ લોકો જેવી વાતો ન કરે તો સારું છે.”, આટલું બોલી કલ્યાણી થોડી નારાજ થઈ પોતાનું લેપટોપ લઈને તેના બેડરૂમમાં જાય છે…”

રૂમની લાઈટ ઓન કરી …એ.સી. ઓન કર્યું ને લેપટોપને સાઈડ પર રાખી ધબાક દઈને બેડ પર આડી પડે છે..આંખો ભીની થઈ જાય છે જ્યારે નેન્સી અને નિધિ વિષે કોઈ ખરાબ વાત કરે ત્યારે…

ભીની આંખો સાથે કલ્યાણી સાત વર્ષ પહેલાના ભૂતકાળમાં ખોવાઈ જાય છે…કલ્યાણીને જોબ પરથી આવવામાં રાતના બાર વાગી ચૂક્યા હતા..બોરીવલ્લી રેલ્વે સ્ટેશનથી ગોરેગાવ ટ્રેનમાં બેસીને રોજ  અબડાઉન કરતી..ગોરેગાંવ રેલ્વે સ્ટેશન પરથી ઘરે જઈ રહી હતી..એ જ સમયે રસ્તામાં એક બેગ નજર આવી..ને એ બેગમાંથી કોઈ તાજા જન્મેલ બાળકનો રડવાનો અવાજ આવી રહ્યો હતો.

કલ્યાણી થોડીવાર તો ગભરાઈ ગઈ. એને થયું એ બૂમો પાડે, પોલીસને બોલાવે…પણ અચાનક એના મનમાં શું સૂઝયું કે એણે એ બેગ ખોલી ને જોયું તો એક નહી પણ બે બે બાળકીઓ હતી…

એકદમ ગોરી ને પરાણે વ્હાલી લાગે એવી પ્રેમાળ દીકરીઓને જોઇને ક્લ્યાણીનું માતૃત્વ જાગી ઉઠે છે. ને એ ચૂપચાપ ઘરે લઈ આવે છે. દીકરીઓની જાત છે..ભલે એના મા-બાપે ત્યાગ કર્યો..પણ જો હુય ત્યાગ કરીશ તો હું એક સ્ત્રી ન કહેવાય…એક સ્ત્રી બીજી સ્ત્રીનો આવી રીતે ત્યાગ કેમ કરી શકે ? થોડામાંથી થોડું ખાશું..પણ પ્રેમથી રહેશું..એ વિચારી કલ્યાણીએ ચૂપચાપ એ બને દીકરીઓનો ઉછેર કરવા લાગી. ગામડેથી એની મમ્મીને પણ બોલાવી લીધી..નસીબ જોગે કકલ્યાણી જે કમ્પનીમાં જોબ કરતી હતી ત્યાની સી.ઈ.ઓ બની ગઈ..ને ઘરની આવક પણ ચાર ગણી થઈ ગઈ..સમય જતા..નિધિ અને નેન્સી મોટા થતા ગયા..જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ સમજદાર પણ…ભણવામાં હોંશિયાર ને સમજદાર પણ..

રોજ કલ્યાણીનું માથું દબાવી આપે…પગ દબાવી આપે…પછી ક્યારેક કલ્યાણી સુતી હોય તો બાઉલમાં પાણી લઈને ફેસિયલ પણ કરવા મમંડી પડે..

આ બધા એ બન્નેનાં નખરા જોઇને કલ્યાણી પણ ખૂશ થઈ જતી..

પરાણે વ્હાલી લાગે એવી છે આ બંને નટખટ …

સ્કુલમાં જો કોઈ વ્યક્તિ વિષે બોલવાનું હોય તો એ મા વિષે જ બોલશે.

ક્યારેક હું ખૂબ થાકી જાવ તો બંને સ્ટુલ પર ચડીને ગેસ ચાલુ કરીને મારા માટે કોફી બનાવી આપશે..મને તો ખબર પણ ન હોયજ્યારે કોફી બનીને આવે ત્યારે ખ્યાલ આવે કે મારા ઘરમાં નાના નાના કુક પણ રહે છે..જે રસોઈ બનવવામાં પણ માસ્તર છે.

એમનું હોમવર્ક એ જાતે જ કરી લે છે…વિકએન્ડ પર કોઈ જગ્યાએ ફરવા જઈએ તો કોઈ દિવસ જિદ્દ નહી કરવાની.કે નહી કોઈ માંગ..

દીકરીઓ આટલી બધી સમજદાર હોય છે. તો શા માટે જન્મતા વેંત જ દીકરીનો ત્યાગ કરવામાં આવે છે? મને તો હજી એ જ નથી સમજાયું હજી સુધી.

દીકરાની લ્હાયમાં દીકરીનો ત્યાગ કરવો એ તો ખોટું જ કહેવાય ને ? તો શા માટે આ સમાજ સમજતો નથી કશું ?

“મમ્મા…..મમ્મા….આ જુઓ તો કેટલું સરસ છે.”, નિધિ અને નેન્સીનો અવાજ સાંભળતા વિચારોની તંદ્રામાંથી કલ્યાણી બહાર આવીને એની દીકરીઓ સાથે મસ્તી કરવા લાગે છે..

|અસ્તુ |

લેખિકા : તૃપ્તિ ત્રિવેદી 

જો તમને આ સ્ટોરી ગમી હોય તો કોમેન્ટમાં તમારું મંતવ્ય અચૂક જણાવો જેથી લેખિકાનો ઉત્સાહ જળવાઈ રહે !!

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,810 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 + = 8