અમુલ્ય ભેટ – શહેરમાં એકલા રહેતા કપલે એકબીજા માટે કરી સરપ્રાઈઝ પ્લાન… લાગણીસભર વાર્તા…

નિયતિ તૈયાર થઈને ટી.વી જોવા બેસી ગઈ. હજુ તો આઠને પાત્રીસ જ થઈ હતી. જીતને આવવાની હજી પૂરા વીસ મિનિટની વાર હતી. પણ આજે નિયતિને વીસ મિનીટ વીસ દિવસ જેવી લગતી હતી. થોડી થોડી વારે ઘડિયાળ સામું જોઇને ચેનલો ફેરવ્યા કરતી. બારીની બહાર જોઇને એ દૂર દૂર સુધી નજર ફેરવ્યા કરતી.

આવતા જતા વાહનોના અવાજમાં તેને જીતની કારનો જ અવાજ સંભળાતો. ઘડીક દરવાજા પાસે તો ઘડીક બારી પાસે આવીને ઊભી રહે ને પાછી ડ્રેસિંગ ટેબલ પાસે ઊભી રહીને અરીસામાં પોતાની સુંદરતાને નીરખીને વધુ સુંદર થયા કરતી.

“ખબરનહી આજે નિયતિનું મન જીતને મળવા એકદમ અધીરું થઈ રહ્યું છે! આજે એના જીવનનો મહત્વનો દિવસ હતો. આજે નિયતિ અને જીતના લગ્નને પૂરું એક વર્ષ થયું હતું. ફર્સ્ટ એનીવર્સરી હતી તો ભલા, આકુલ વ્યાકુળ મન થાય જ ને

!”, આમ નિયતિ મનમાં ને મનમાં થોડું હાસ્ય કરીને મોઢું મલકાવતી ને પાછી દરવાજે આવીને ઉભી રહી.

જીતે ફોન પર તો મને કહ્યું હતું કે, તું રેડી રહેજે હું થોડો વહેલો આવીશ…પણ હજી ન આવ્યો ! ને ત્યાં જ જીતની કાર દેખાઈ આવતા. .જીતની કાર જોઇને નિયતિના ધબકારા વધી ગયા…એ એકદમ શરમાઈ ને મનમાને મનમાં હસવા લાગી..આજે એ જીતને એક સરપ્રાઈઝ ગીફ્ટ આપવાની હતી. એને ઘણાં દિવસથી આ જ દિવસનો ઇન્તજાર હતો…એ જીતને કેવી રીતે ને ક્યા સમયે એ ગીફ્ટ આપશે એ જ વિચારી રહી હતી.

જેવો જીત ઘરમાં આવ્યો કે નિયતિ દોડીને જીતને વળગી પડી ને બોલી, “કેટલી રાહ જોવડાવી! ” ‘આજે તો કોઈ સારા મંદિર જવું છે. હાઈવે પર લોંગ ડ્રાઈવ કરવું છે…હોટેલમાં ડીનર લેવું છે. જીત તને ચીપકીને તારા બાઈક પર બેસવું છે…..કાર પર તો બિલકુલ નહી હો..! ને બસ નિયતિ બોલાતી જ રહી ને જીત નિયતિના સાનિધ્યમાં રહીને વિચારોમાં ક્યાંક ખોવાઈ ગયો.

“અરે ગાંડી, તું ફરવાના સપના જોવે છે. મારા મોડા આવવાનું કારણ તું જાણીશ પછી તું મને વધારે ચીપકી જઇશ” , મનમાં બોલી જીતે નિયતિના રેશમી મુલાયમ વાળમાં હાથ પંપાળી વ્હાલ કરીને ઊંચકી લીધી .

“જીત, તું પાગલ નથી થયો ને આજે ? હું પડી જઈશ તો ? છોડ, …..”

“મેં તને છોડવા માટે થોડી ઊંચકી છે ?”

“છોડ, હું પડીશ તો મને તો કશું નહી થાય પણ…આપણા..!” , આગળ બોલવા જતી હતી પણ નિયતિ અટકી જાય છે.
“શું પણ આપણા “

અરે, કશું નહી…બોલવામાં લોચા થઇ ગયા…તું તો મને જાણે જ છે કે હું આમ પણ લોચા બહુ મારું બોલવામાં…ચલ હવે મને છોડ તું..મારે આજના દિવસના ઘણાં પ્લાન છે..તારી આ મસ્તીમાં ને મસ્તીમાં મારા મહિનાઓથી બનાવેલા પ્લાન ચોપાટ થઈ જશે…તું ફ્રેસ થા ત્યાં સુધીમાં હું મારો મેકઅપ સરખો કરી લવ…મારી ફેસ બ્યુટી તો મસ્ત જ રહેવી જોઈએ ને ? “

“જી, જાનેમન…..જેવી આપની આજ્ઞા….એમ બોલી જીત બેડરૂમમાં જાય છે…”

આ બાજુ નિયતિએ પણ એની પહેલી એનીવર્સરીની જીતને આખી જિંદગી યાદ રહે એવી ગીફ્ટ આપવી હતી. એણે મહિના પહેલાથી પ્લાન બનાવી બેથી હતી. મહિનાઓ પહેલાની ગીફ્ટ આપવાની તૈયારી ચાલતી હતી. એટલે એને આજે રાહ નહોતી જોવાતી ને જીત મોડું મોડું જ કર્યે જતો હતો.

અંતે અકળાઈને નિયતિએ બૂમ પાડી, “ જીત હવે ઉતાવળ કરે તો સારું, આજ તારા છબરડા જ છે શિડ્યુલમાં….કોઈ પ્લાન જ નથી. રોજ તું આવું કરે છે ? “

  • “ડાર્લિંગ, ફક્ત બે જ મિનીટમાં આવ્યો….જસ્ટ વેઈટ બેબી…!”
  • “બેબી વાળા, જલ્દી કર !”, હવે નિયતિ સાચે ખુબ અકળાઈ ઉઠી.
  • “જો જીત મેં નક્કી કર્યું એ જ હોટેલમાં જમવા જશું. આજે મારી પણ એનીવર્સરી છે…એટલે થોડું તો હું પણ એડવાન્સમાં નક્કી કરી શકું ને ? “
  • “મેડમ, પહેલા મને બહાર તો આવવાદો, બધી ચર્ચા આવી રીતે જ કરીશું…?”
  • “હા, “

“આ આવ્યો તારો હીરો, જો હું કેવો લાગું છું ? “
નિયતિ એકદમ હસવા લાગી…એનો ગુસ્સો જીતની આવી નટખટ ને નિર્દોષ મજાક પર ગાયબ થઇ ગયો..

“જો ડાર્લિંગ, મેં ઓલરેડી હોટેલમાં એડવાન્સ ડીનર બુકિંગ કરાવી નાખ્યું છે…અને એડવાન્સ પણ આપી ચૂક્યો છું…છતાં તું જેમ કહે તેમ જ થશે બસ..”

“હ્મ્મ્મમ્મ્મ, ચિંતા જનક વાત કહેવાય છે યાર મેં પણ તારા જેવું જ કર્યું છે …”

“કઈ હોટેલ તે બુક કરાવી છે ? “

“ક્રિશ્ના “

“અરે, મેં પણ એ જ બુક કરાવી છે. તું ચિંતા નહી કર…ત્યાનો મેનેજર મારો મિત્ર છે. એ અને હું સમજી લઈશું. ચલ, તું ફટાફટ લોક માર ઘરને હું બાઈક બહાર કાઢું .”

બંને ક્રિશ્ના હોટેલ પહોચ્યા.આખો હોલ કેન્ડલથી સજાવેલો ને ગુલાબની પાંખડી આ કપલ પર ઉડાડી હોટેલના સ્ટાફ સાથે નિયતિના અને જીતના મમ્મી પપ્પા એ સ્વાગત કર્યું.

નિયતિ અને જીત તો આશ્ચર્યચકિત જ થઇ ગયા..બંનેના મમ્મી પપ્પાને જોઇને. કેમકે બંનેનાં મનમાં એક જ પ્રશ્ન એકસાથે જ હોઠ પર આવ્યો “ અરે, મારા મમ્મી પપ્પા અહિયાં ક્યાંથી ? એ તો છે ક ગામડે રહે છે .

બંનેને થોડું આશ્ચર્ય તો થયું અને થોડું નહી એટલે બંને એ વાતને ટાળી….ચાલો પહેલા પાર્ટી માણી લઈએ..પછી બીજી વાત…મમ્મી પપ્પા છે એટલે ડબલ આનંદ..એમ વિચારી ખુશી ખુશી પાર્ટીનો આનંદ માણવા લાગ્યા.
ભાગ્યનો સાથ અને ઈચ્છાઓ સંતોષાતી હોવાથી બંને જણા આજે ખૂબ ખુશ હતા. એમાય આ અનેરા અવસરે ને અનાયાસે પોતાના માં-બાપને જોઇને બંનેની ખુશી વધી ગઈ હતી,

મીણબતીઓનો આછો પ્રકાશ ફૂલોથી ડેકોરેટ હોલને વધારે સુંદર બનાવી રહ્યો હતો. હળવા મ્યુઝીક સાથે જમવાનો આનંદ ઓર વધી ગયો હતો…થોડી થોડી વારે પીરસાઈ રહેલ વાનગીઓ આટલું સુંદર આયોજન લગ્નની પહેલી વર્ષ ગાંઠે પર આ વિચારી નિયતિ મનમાં ને મનમાં ખુબ જ ખુશ થઇ રહી હતી. ખરેખર ભગવાને આ જન્મમાં એને ખુબ સારું પાત્ર આપ્યું છે એ વિચારીને એ ભગવાનને પણ યાદ કરતી રહી.

જમતા જમતા નિયતિ એની મમ્મીને પૂછ્યું , મમ્મી તમેં અચાનક આજે આવ્યા ?

જીતે આંગળીથી કશું જ ન બોલવા ઈશારો કર્યો.

એટલે નિયતિની મમ્મી કશું જ ન બોલ્યા ને જવાબ આપવાનું ટાળતા એટલું જ બોલ્યા કે, અત્યારે શાંતિથી જમી લે ઘરે જઈને વાત કરીશું..

આ બાજુ જીતે પણ એના મમ્મી પપ્પાને આ જ પ્રશ્ન પૂછ્યો,

તો નિયતીએ તરત જ બોલી, જીત તું જમી લે આપણે ઘરે જઈને વાત કરીશું …

બધા શાંતિથી પાટીની મજા માનીને ઘરે પહોચ્યા. હજી પાર્ટીની સાચી મજા તો બાકી જ હતી.
ડ્રોઈંગ રૂમમાં બધા ગપ્પા મારતા હતા ત્યાં વચ્ચે નિયતિ બોલી, “ જીત, હું તારી માટે એક ગીફ્ટ લાવી છું..જરા ઉભો થા ને અને અહિયાં આવને મારે તને ગીફ્ટ આપવી છે.

“જીતને નવાઈ લાગી…પણ એ ઉભો થઇ નિયતિ પાસે જાય છે.”
“તારા મમ્મી પપ્પા ભલે અભણ રહ્યા. પણ એમણે કેટલાય દુખ વેઠીને તને મોટો કર્યો. પોતે ગામડામાં રહ્યા ને તને શહેરી જીવનની ભેટ આપી. પોતે તડકામાં ગરમી સહન કરીને મજૂરી કરી અને એ મજૂરી તારે ન કરવી પડે એટલે એમણે તને એ.સી વાળી ઓફિસમાં બેસી શકે એવી આરામદાયક જિંદગી જીવી શકે એવું એજ્યુકેશન તને આપ્યું…તો જેવી જિંદગી એમણે તને આપી એવી જિંદગી શું આપણે એમને ન આપી શકીએ ? એટલે હું કાયમ માટે એમને આપણી સાથે રહેવા જ બોલાવી લીધા..આમ પણ તારા મમ્મી મારું કેટલું ધ્યાન રાખે છે. સગી દીકરીની જેમ મને સાચવે છે. મહિનામાં એકવાર આવે તો પણ મારા માટે કેટલું બધું બનાવીને લેતા આવે છે…જો એ મારી મા બની શકે તો શું હું એમની દીકરી ન બની શકું ?તને ગમી ને તારી ગીફ્ટ ?””

નિયતિની લાગણીઓ અને જીત પ્રત્યેનો પ્રેમ જોઇને બધાની આંખમાં આંસુ આવી ગયા.

હવે જીતનો વારો આવ્યો નિયતિને ગીફ્ટ આપવાનો.

જીત બોલ્યો, નિયતિ તું બાજી મારી ગઈ હો, મારો વિચાર તે પહેલા અમલ કર્યો .

જેવું તે મારા મોમ ડેડ માટે વિચાર્યું એવું જ મેં તારા મોમ ડેડ માટે. ભલે તું એમની સંતાન નથી. પણ એમણે તને સગા મા બાપની જેમ મોટી તો કરી છે ને ? જો એ ન હોત તો તું હોત ? જો એ તને તું એમનું સંતાન નથી તો પણ એક સગી દીકરી જેમ તને મોટી કરી, સારું એજ્યુકેશન આપ્યું..એક દીકરા જેમ તારો ઉછેર કર્યો..તો શું એમને એમની દીકરી પાસે રહેવું ન હોય ! મારા મોમ ડેડને તો બીજા પણ દીકરા અને દીકરીઓ છે..પરંતુ તારા મોમ ડેડનું કોણ ? તું રાત દિવસ મનમાં ને મનમાં તારા મોમ ડેડની ચિંતા કરતી એ હું જોઈ નહોતો શકતો. મનમાં બધું જ સમજતો પણ હું કોઈ ખાસ દિવસની રાહ જોઈ રહ્યો હતો. એટલે હું તને આજના દિવસે એ ખુશી આપવા માંગતો હતો કે , તારા મોમ ડેડની તું દીકરી છે તો હું દીકરો છું. શું એ દીકરાના ઘરે ન રહી શકે ? માટે આજથી મોમ ડેડ આપણી સાથે જ રહેશે !!
નિયતિની આંખો ખુશીથી ને આવા સમજદાર હસબન્ડને પામવાથી ભરાઈ આવી. એ જીતને ત્યાં જ વળગી પડી ને રડવા લાગી…

“જીત ગભરાઈ ગયો, અલી ગાંડી, રડે છે કેમ ? “

“કશું નહી હજી એક ગીફ્ટ આપવાની મારે બાકી છે “
અરે પાગલ, તો એમાં શું રડવાનું ? ચાલ જલ્દી આપ..મને કહે તું શું લાવી છું મારા માટે ? હું લઇ આવું રૂમમાંથી ..”

“એ ગીફ્ટ રૂમમાં નથી “

“તો ક્યા છે? જલ્દી બોલને “

“ હું કન્ફયુઝ છું…કેમ કહું એ ? “

“હે ભગવાન, જલ્દી જણાવ ક્યા છે હું લઇ આવું પણ તું રડીશ નહી પ્લીઝ…હું તને આમ રડતી ન જોઈ શકું..મમ્મી આને સમજાવોને ….”

“જીત, તું ડેડી બનવાનો છે…”
આ સાંભળી જીત પણ રડવા લાગ્યો…આજે નિયતીએ એને બંને ગિફ્ટ એવી આપી કે એણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી.

ખરેખર આવી જીવંત જિવંત ગિફ્ટ કોઈ નસીબદારને જ મળે…!

નિયતિના મમ્મી પપ્પા અને જીતના મમ્મી પપ્પાની પણ આ બંનેની સમજદારી અને પ્રેમ જોઇને આંખ ભરાઈ આવે છે.
નિયતિ ને જીત એમના એક નહી પણ બે બે મમ્મી પપ્પા સાથે ખુશી ખુશી જિંદગી જીવવા લાગ્યા આવનાર નવા મેમ્બરની રાહમાં !!

||અસ્તુ ||

લેખક : તૃપ્તિ ત્રિવેદી

વાર્તા વિષે અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી જણાવજો, દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત આપણા પેજ પર.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,925 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 2 = 5