એક ઓરડામાં ચાર મિણબતીઓ ધીમે ધીમે સળગી રહી હતી. ઓરડામાં આ ચાર મિણબતીના કારણે પુરતો પ્રકાશ હતો. પ્રકાશિત આ ઓરડામાં નિરવ શાંતિ હતી. ચારે મિણબતીઓ અંદરો-અંદર વાતો કરી રહી હતી અને વર્ષોથી મનમાં ભરીને રાખેલી વાતો આજે ખુલીને એકબીજાને કહી રહી હતી.
પ્રથમ મિણબતીએ કહ્યુ , ” મારુ નામ શાંતિ છે. મને એવુ લાગે છે કે કોઇને મારી કંઇ જ પડી નથી. બધા માત્ર મને મેળવવાની અને સાથે રાખવાની વાતો કરે છે પરંતુ કોઇ મને મેળવવા કે સાથે રાખવાનો યોગ્ય પ્રયાસ કરતું જ નથી ઉલટાનું મારા કરતા અશાંતિને લોકો વધુ ચાહે છે અને એને જ સતત સાથે લઇને ફરે છે. જો લોકોને ખરા અર્થમાં મારી જરૂર જ ન હોય તો પછી મારા પ્રકાશિત રહેવાનો કોઇ મતલબ નથી.” આટલુ બોલતા-બોલતા જ પ્રથમ મિણબતી ઓલવાઇ ગઇ.
બીજી મિણબતીએ પોતાની વ્યથા વર્ણવતા કહ્યુ, ” હું પ્રેમ છું. એક સમય હતો કે મારા માટે લોકો પોતાનો જીવ પણ આપી દેતા હતા અને હવે તો લોકોએ મને પણ જીવવા જેવો નથી રહેવા દીધો. મને બહુ બદનામ કરી દીધો છે. દુ:ખ તો એ વાતનું છે કે લોકોએ મારી સાથે પણ સ્વાર્થને જોડી દીધો છે. પોતાના મતલબ માટે મારુ ગળુ દબાવી દેવાનું હવે સાવ સહજ થઇ ગયુ છે. મને લાગે છે લોકોને મારી બહું જરુર નથી.” આટલુ બોલતાની સાથે બીજી મિણબતી પણ બુઝાઇ ગઇ.
ત્રીજી મિણબતીએ અત્યંત દુ:ખી હદયે પોતાની વાત કરતા કહ્યુ , ” મારુ નામ વિશ્વાસ છે. એક સમયે મારી બોલ-બાલા હતી. લોકો મને સાચવીને રાખતા અને આજે તો મારી સાથે જ દગો થાય છે. અરે બીજે તો ઠીક છે પણ પતિ-પત્નિ જેવા ખુબ નાજુક સંબંધોમાં પણ મને હવે સ્થાન નથી. હું જાઉં તો ક્યા જાઉં ? મને ભરયુવાનીમાં જ વૃધ્ધાવસ્થા આવી ગઇ હોય એવુ અનુભવાય છે હવે બહુ ઓછા શ્વાસ બાકી રહ્યા છે અને એ પણ પુરા કરવાની મને કોઇ ઇચ્છા નથી જ્યાં તમારુ કોઇ મૂલ્ય જ ન હોય ત્યાં જીવીને શું કરવુ છે? “બોલતા-બોલતા જ ત્રીજી મિણબતી રડી પડી અને પોતાના આંસુથી જ ઓલવાઇ ગઇ.
હવે તો માત્ર એક જ મિણબતી પ્રકાશિત હતી આથી ઓરડામાં પ્રકાશ સાવ ઓછો થઇ ગયો હતો. અચાનક ઓરડાનો દરવાજો ખુલ્યો અને એક નાનો બાળક ઓરડામાં દાખલ થયો. એણે જોયુ કે ત્રણ મિણબતીઓ ઓલવાઇ ગઇ હતી આથી તે ખુબ દુ:ખી થયો.
એણે ફરિયાદના સ્વરમાં બુજાયેલી આ મિણબતીઓને કહ્યુ, ” તમે એક બાળક તરીકે મને અન્યાય કર્યો છે. મારા આવતા પહેલા જ તમે તમારી જાતને ખતમ કરી દીધી. હું તો હજુ બહુ જ નાનો છું મે ક્યાં તમારુ કંઇ બગાડ્યુ છે તો પછી તમે મને આ અંધારુ કેમ આપ્યુ? તમારે મારા માટે પ્રકાશિત રહેવાની જરુર હતી”.
બાળકની આ વાત સાંભળી રહેલી ચોથી મિણબતી બાળક પાસે ગઇ. હજુ પણ પ્રજ્જ્વલ્લિત આ મિણબતીએ બાળક ના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો એના કપાળ પર એક પ્રેમભરી ચુમી આપી ને કહ્યુ, ” બેટા કોઇ ચિંતા ન કર હું છું ને હજુ. હિંમત ન હાર બેટા, ચાલ આપણે બંને સાથે મળીને આ બુઝાયેલી ત્રણે મિણબતીઓને પુન:પ્રગટાવિએ.” બાળક આશ્વર્ય સાથે ચોથી મિણબતીની સામે જોઇ રહ્યો. ભગવાન જેવી લાગતી આ મીણબતીને બાળકે પુછ્યુ “આપ કોણ છો? “. ચોથી મિણબતીએ સ્મિત સાથે બાળકનો હાથ પોતાના હાથમાં લઇને કહ્યુ, ” બેટા હું આશા છું”
મિત્રો, જીવનમાંથી લુપ્ત થઇ રહેલા શાંતિ, વિશ્વાસ અને પ્રેમને પુન: પ્રાપ્ત કરવા હોય તો આશાની મિણબતીને ક્યારેય બુઝાવા ન દેતા. આશા જીવંત હશે તો શાંતિ, વિશ્વાસ અને પ્રેમ પણ જીવંત થશે એમા શંકાને કોઇ સ્થાન નથી.