શીતળાસાતમની જાણી-અજાણી વાર્તાઓ તથા ઉત્સવ પાછળનું વિજ્ઞાન

શીતળા સાતમની કથા આ પ્રમાણે છે. – દેવદેવીઓની પૂજા ભારતવર્ષમાં પરાપૂર્વથી ચાલી આવે છે.
કથા એવી છે કે રાંધણ છઠ્ઠના દિવસે દેરાણી અને જેઠાણીએ વિવિધ પ્રકારની વાનગીઓ રાંધી હતી અને ચૂલો સળગતો રાખીને સૂઈ ગયાહતા.રાત્રે સૂમસામ શાંતિમા શીતળાદેવી ફરવા નીકળ્યા અને દેરાણી રૂપાને ઘેર આવી ચૂલામાં આળોટવા જતાં જ આખા શરીરે દાઝી ગયાં.

તેથી શાપ આપ્યો: “જેવી મને બાળી, એવું જ તારું પેટ એટલે તારી સંતતિ બળજો…” રૂપાએ સવારે ઊઠીને જોયું તો ચૂલો ભડભડ બળી રહ્યો હતો છોકરો પણ દાઝી ગયેલો હતો અને પથારીમાં મરેલો પડયો હતો ! દેરાણી રૂપા સમજી ગઈ કે જરૂર મને શીતળા માતાનો શાપ લાગ્યો છે.

તે તો મૃત બાળકને લઈ શીતળા માતા પાસે ગઈ.રસ્તામાં નાનકડી વાવ આવી. આ વાવનું પાણી એવું હતું કે તે પીતાની સાથે જ માણસનું મૃત્યુ થતું. આ વાવને વાચા થઈ, “બહેન ! તું માઁ શીતળાને પૂછજે કે, મારાં એવાં તે કયા પાપ હશે કે, મારું પાણી પીતાની સાથે જ જીવ મૃત્યુ પામે છે!””ભલે બહેન” એમ કહીરૂપા તો આગળ ચાલી ત્યાં એક બળદ માર્ગમાં મળ્યો. એની ડોકે પથ્થરનો મોટો ડેરો બાંધેલો. ડેરો એવો હતો કે હાલતાં ચાલતાં પગ સાથે અથડાયા કરે અનેપગને લોહીલુહાણ કરી નાખે.બળદને વાચા થઈ, તેણે કહ્યું, “બહેન ! શીતળા માતાને મારા પાપનું નિવારણ પૂછતાં આવજો.”

આગળ ચાલતાં ચાલતાં એક ઘેઘૂર વૃક્ષ નીચે એક ડોશીમાઁ માથુ ખંજવાળતાં બોલ્યાં, “બહેન ક્યાં ચાલ્યા? શીતળા માતાને મળવા…?””હા, માઁ” એમ કહીને રૂપાએ ડોશીનું માથું જોઈ આપ્યું. ડોશીમાઁએ આશીર્વાદ આપ્યા કે, મારું માથું ઠાર્યું એવું તારું પેટ ઠરજો… અને મૃત્યુ પામેલો તેનો પુત્ર આશીર્વાદ મળતાની સાથે જ સાજો થઈ ગયો. માઁ-દીકરો ભેટી પડ્યા. ડોશીમાઁએ શીતળા માતાનું રૂપ લઈ દર્શન દીધા પછી પેલી વાવ અને બળદના દુઃખ પણ દૂર કર્યા.

હિન્દુ ધર્મના સાંસ્કૃતિક વારસામાં દરેક શક્તિઓને અલગ અલગ સ્વરૂપે પૂજવામાં આવે છે. તે જ રીતે પ્રાણીમાત્રના શરીરમાં સ્થાપિત જે ‘રોગ પ્રતિકાર શક્તિ’ છે. તે શક્તિને શીતળા માતાજી સ્વરૂપે પૂજવામાં આવે છે. સ્વચ્છતા અને સ્વાસ્થયનો અભિગમ દર્શાવતા આ વ્રતનું ધાર્મિક સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ છે.

***************

ભવિષ્યપુરાણમાં વર્ણવેલી કથાઃ

ભવિષ્ય પુરાણની વાર્તામાં શુભકારીની શીતળા માતાજી પ્રત્યેની આસ્થા રજૂ કરવામાં આવી છે. હસ્તિનાપુરમાં ઈન્દ્રદ્યુમ્ન નામનો એક રાજા રાજ્ય કરતો હતો. તેને ધર્મશીલા નામની પત્ની હતી. તેને મહાધર્મ નામનો પુત્ર અને શુભકારી નામની પુત્રી હતી. શુભકારીના વિવાહ કૌડિન્ય નગરના રાજા સુમિત્રના પુત્ર ગુણવાનની સાથે કરવામાં આવ્યા હતા. ગુણવાન તેમની પત્નીને લઇ જવા માટે હસ્તિનાપુર આવ્યો પરંતુ તે દિવસે શીતળા સાતમનું વ્રત હોવાથી તેની માતાએ શુભકારીને કહ્યું કે “મા શીતળા સુખ, આરોગ્ય અને અખંડ સૌભાગ્યના આપનાર છે તેથી તું વ્રત કર્યા પછી જજે.” એટલું કહી પૂજાની સામગ્રી તૈયાર કરાવી અને શુભકારીને શીતળા માતાજીનું પૂજન કરવા તળાવ પર મોકલી દીધી. તેની સાથે કર્મકાંડી બ્રાહ્મણ તથા તેની સહેલીઓને પણ મોકલી.

આ સઘળાં લોકો વનમાં ગયાં અને ઘણાં ફાંફાં માર્યાં પણ તળાવ મળ્યું નહીં. પરંતુ તેની સાથે આવેલા બ્રાહ્મણને સાપ કરડી ગયો અને તે મૃત્યું પામ્યો. અને તેની પાસે બેસીને તેની પત્ની રુદન કરવા લાગી. શુભકારી વનમાં ભટકતી હતી. ત્યાં એક વૃદ્ધ સ્ત્રી તેની નજરે પડી. તેમણે કહ્યુ કે “હે કન્યકે! તું મારી પાછળ પાછળ ચાલી આવ. હું તળાવ બતાવું જ્યાં શીતળાદેવીની પૂજા કરવાથી તારો પતિ ચિરંજીવી રહેશે. તે સાંભળી શુભકારી તેની સાથે તળાવ ઉપર ગઈ અને હર્ષથી વિધિપૂર્વક શ્રી શીતળાદેવીની પૂજા કરી, તેથી દેવી પ્રસન્ન થયાં ને વરદાન આપ્યું.

વરદાન મળ્યા પછી શુભકારી હર્ષથી ઘેર જવા માટે ચાલી નીકળી. તેટલામાં પેલો બ્રાહ્મણ, જે સાપ કરડવાથી મરણ પામ્યો હતો તેની પાસે ગઇ અને તેમણે શીતળા સાતમાના વ્રતનું પુણ્ય બ્રાહ્મણીને આપીને શીતળા માતાને પ્રાર્થના કરી અને માતાજીની કૃપાથી બ્રાહ્મણને પુનઃજીવન મળ્યું. બ્રાહ્મણને પણ શીતળા સાતમનું વ્રત કરવાની ઇચ્છા થઈ.

તેણે ભક્તિથી શ્રી શીતળા માતાની પૂજા કરી બીજી બાજુ એ રાજપુત્રીનો પતિ વનમાં આવતો હતો તેટલામાં તેમને સાપ કરડવાથી તે પણ મરણ પામ્યો તે વનમાંથી આવતી રાજપુત્રીને નજરે પડયો. પતિની તેવી હાલત જોઈ તે તથા તેની સખી બ્રાહ્મણી વનમાં વિલાપ કરવા લાગી. પરંતુ શુભકારી તો શીતળામાંને ફરીથી યાદ કર્યાં અને શીતળા માં પ્રસન્ન થયા અને રાજપુત્રીને પણ અંખડ સૌભાગ્યનું વરદાન આપ્યું. અને તેના પતિને પણ પુન જીવન આપ્યું.

આ રીતે શીતળા માતાજીની વ્રત કથા મુુજબ શીતળા માતાજીનું શ્રદ્ધાપૂર્વક વિધિસર વ્રત અને પૂજન કરવામાં આવે તો શીતળા માતાજી દરિદ્રતા, વિધવાયોગ હરીને સૌભાગ્ય, આરોગ્ય, અને સુખ સંપદાની વરદાત્રી છે. માતાજીનાં રૌદ્ર, સૌમ્ય અનેક સ્વરૂપો હોય છે.

તેવી જ રીતે મહાલક્ષ્મીના તાંત્રિક સ્વરૂપે શીતળા માતાજી પૂજાય છે. શીતળા માતાજીને મહાલક્ષ્મીબીજમ્ એટલે કે મહાલક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. ભારતભરમાં જ્યાં જ્યાં તાંત્રિક પૂજનો થાય છે ત્યાં શીતળા માતાજીની પૂજા થાય છે. પુરાણમાં શીતળા દેવીને સપ્ત માતૃકા માની એક માતૃકા (માતા) તરીકે પૂજવાના ઉલ્લેખ જોવા મળે છે. આ રીતે ટૂંકમાં અનેક સ્વરૂપધારી વરદાયીની માતા શીતલા જીવનના તાપોને હરીને શીતળતા પ્રદાન કરે છે. તેનું પ્રતીકાત્મક સ્વરૂપ જ જગતને કલ્યાણકારી સંદેશ આપી જાય છે.

***************

વૈજ્ઞાનિક વાત તથા ઉચ્ચ ભાવનાઃ

પ્રાચીન ઋષિ મુનીઓને મૌસમમાં થતા ફેરફારોને લીધે થતા ઘાતક રોગો પોતાના જ્ઞાન અને અનુભવથી ઓળખ કરી ધાર્મિક પરંપરાઓમાં રોગોનો ઉપચાર અને શમનના અચૂક ઉપાય સાથે જોડ્યા. આ ઉપાય મનુષ્યને ધર્મ સાથે જોડી તનની સાથે જ મનને પણ સંયમિત અને અનુશાસિત રહેવાનું શીખવે છે.

એવા જ રોગોમાં ચેચક(શીતળા) નામના રોગનો પ્રકોપ ખાસ કરીને ગરમીની સિઝનમાં દુનિયામાં અનેક સ્થળોએ આજે પણ જોવા મળે છે. તેને ભારતીય સમાજમાં માતા અને શીતળાના નામથી ઓળખવામાં આવે છે. હિન્દુ ધાર્મિક પરંપરાઓમાં ચૈત્ર મહિનામાં કૃષ્ણ પક્ષની શીતળાષ્ટમી ના રોજ વ્રત રાખવામાં આવે છે. તેમનામાં ભગવતી સ્વરૂપ શીતળાદેવીને વાસી કે શીતળ ભોજનનો ભોગ લગાવવામાં આવે છે. એટલા માટે આ વ્રતના એ નામથી ઓળખવામાં આવે છે.

ધાર્મિક દ્રષ્ટિએ આ વ્રત અને ઠંડુ ભોજન શીતળા માતાની પ્રસન્નતા માટે કરવામાં આવે છે. પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ પરંપરાની પાછળ ચેચક રોગથી બચવા અને તેની પીડાના શમન માટે હોય છે. ધર્મશાસ્ત્રોમાં પણ આ રોગનો સંબંધ માતાના ગર્ભથી જ બતાવ્યો છે. જે પ્રમાણે બાળક ગર્ભમાં હોય છે, ત્યારેથી નાભી માતાના હૃદય સાથે એક રક્ત નળી દ્વારા જોડાયેલી હોય છે. તેના દ્વારા તેને પોષણ મળે છે. આ સંધિનું સ્થાન જ રોગનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે. ગર્ભથી બહાર આવ્યા પછી કાળાંતરે અનિયમિત ખાન-પાન અને મોસમના ફેરફારથી વ્યક્તિને માતા તરફથી પ્રાપ્ત આ રક્તમાં દોષ પેદા થવાથી ચેચક કે અન્ય રોગ થઈ શકે છે.

શીતળા માતનું વાહન ગધેડું છે. ગધેડાનો સ્વભાવ પણ સહનશીલ અને ધૈર્યવાન માનવામાં આવે છે. જે એવી શીખ આપે છે કે ચેચકના રોગી પણ આ રોગની પીડામાં સહનશીલ રહીને ઉચિત સમય સુધી સંયમ રાખવાથી આ રોગથી મુક્તિ મેળવી શકે છે. એવું માનવામાં આવે છે કે ગધેડાની લાદથી ચેચકના દાગ હલકા થઈ જાય છે.

રૂપક વડે વિજ્ઞાનની સમજ

શીતળા માતાનું પ્રાચીન કાળથી અધિક માહાત્મ્ય રહ્યું છે. માતાના હાથોમાં કળશ (લોટો), સૂપ (પંખો),માર્જન (ઝાડુ) અને લીમડાનાં પાંદડાં ધારણ કરેલી દર્શાવાવામાં આવેલ છે. માતાને શીતળા જેવા રક્તસંક્રમણના રોગોની દેવી તરીકે દર્શાવવામાં આવેલ છે. આનું પ્રતિકાત્મક મહત્વ છે, જેમ કે પંખા વડે હવા નાખી રોગીના શરીરની બળતરા શાંત કરવી, ઝાડુ વડે ફોડલા ફફોડી શકાય, કળશના ઠંડા જળથી શરીરને ઠંડુ કરી શકાય તેમ જ લીમડાના પર્ણો વડે ફોડલાને સડવાથી બચાવી શકાય. ગદર્ભની લાદના લેપનથી શીતળાના ડાઘ મટી શકે એવી પણ માન્યતા છે

આ પર્વ સાધન-પૂજાનો મહિમા સમજાવે છે. જે સાધનો દ્વારા આપણે કાર્ય સાધીએ છીએ તે પવિત્ર છે તેથી તેમનું પૂજન કરવું જોઈએ. સ્ત્રી સગડી, ઘંટી, સાવરણી, સૂપડું વગેરેની પૂજા કરે છે, જ્યારે ખેડૂત હળ તથા અન્ય ખેતીનાં ઓજારોની પૂજા કરે છે. વેપારી ત્રાજવાં અને ચોપડાઓનું પૂજન કરે છે. પંડિત કે વિદ્વાન પોતાના પુસ્તકનું પૂજન કરે છે. ચૂલો કે સગડી એ ઘરના દેવતા છે. આપણે અગ્નિદેવતાના ઉપકારને કેમ ભૂલી શકીએ? તેથી બહેનો દ્વારા ચૂલો કે સગડીની પૂજા કરવામાં આવે છે. જ્યારે તેમાં આંબાનાં રોપાનું રહસ્ય એ છે કે પોતાના કુટુંબને આમ્રવૃક્ષની શીતળતા સતત મળતી રહે અને આબાના પરિપક્વ ફળ જેવો મીઠો મધુર સ્વાદ રસોઈમાં મળતો રહે તેવી ભાવના રહેલી છે.

મહત્વ :
આપણા ઘણા ઉત્સવ પ્રાદેશિક હોય છે. આ ઉત્સવ પણ આપણા વડીલોએ ઘણી બાબતો વીચારીને કરી છે. પહેલાના જમાનામાં શિતળાનામનો રોગ થતો હતો. વળી, આ સમય શ્રાવણનો છે, જે વરસાદનો સમય છે. આ સમયમાં શરીરને રોગપ્રતિકારક શક્તિની ખાસ જરૂર હોય છે. તેથી એક દિવસ ભોજનમાં રુખુ-સુકુ ચલાવીને શરીરને આરામ આપવાની વાત છે. જો કે હાલ તો અનેક વાનગીઓ માટે આ તહેવાર ઉજવવામાં આવે છે. આપણું પાલન-પોષણ કરનાર અન્નને જેમ શાસ્ત્રઓએ દેવતા કહ્યા છે તે રીતે અગ્નિને પણ દેવતા કહ્યા છે. તેના પૂજનની પણ આ એ પ્રચલિત વિધિ છે.

શીતળા દેવીનું શીતળા સપ્તમી વ્રત કરનાર સ્ત્રીને અકાળે વૈધવ્ય આવતું નથી. આ વ્રત ‘વૈધવ્યનાશન’ વ્રત કહેવાય છે. જે વ્રતધારી સાધન-પૂજા અને કર્મ-પૂજાનું મહત્વ સાચા અર્થમાં સમજી જે પૂજાવિધિ કરે છે તેમના ઉપર આદ્યશક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે અને આજીવન શીતળતાની સુખદ અનુભૂતિ થાય છે. શીતળા-માતા સેવાની દેવી છે, માટે સેવા કરનાર વ્યક્તિ મનની શાંતિ મેળવે છે. વ્રત કરનાર સિવાય અન્ય કોઇ એટલી શાંતિ મેળવી શકતું નથી. આ દિવસે ચૂલો કે સગડી સળગાવવી નહિ, આખો દિવસ ટાઢું ખાવું અને શીતળા માઁની વાર્તા સાંભળવી અથવા વાંચવી. આ પર્વને શીતળા સાતમ કે ટાઢી સાતમ કહે છે. આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ખોળો પાથરીને પ્રાર્થના કરે છે.આ પવિત્ર પર્વ સાધન-પૂજાનો મહિમા સમજાવે છે. જે સાધનો દ્વારા આપણે આપણું કાર્ય સાધીએ છીએ તે નિમિત્તરૂપ સાધનોમાં રહેલા સુષુપ્ત ચૈતન્યની આપણે વિધિ-વિધાન સહિત પૂજા કરવી જોઇએ.

ચૂલો, સગડી કે ગેસના ચૂલા એ તો ઘરના દેવતા છે. ભારતની ભાતીગળ સંસ્કૃતિ આ અગ્નિદેવના ઉપકારને કેમ ભૂલી શકે? માટે સ્ત્રીઓ શીતળા સાતમને દિવસે સગડી તથા સાધન સામગ્રીનું પૂજન કરીને કૃતજ્ઞતા અનુભવે છે.આંબાના રોપનું રહસ્ય એ છે કે, સારાયે કુટુંબીવર્ગને આમ્રવૃક્ષની શીતળતા સતત મળતી રહે અને આંબાના પરિપક્વ ફળ જેવો મીઠો મધુર સ્વાદ રસોઈમાં સૌને મળતો રહે એવી ભવ્ય ભાવના છુપાયેલી છે.ભારતીય સંસ્કૃતિએ પ્રત્યેક સેવાના સાધનને પવિત્ર ગણીતેનું પૂજન કરવા અનુરોધ કર્યો છે. સ્ત્રી સગડી, ઘંટી, સાવરણી, સૂપડું વગેરે સેવાના સાધનોની યથાર્થ જ છે.”स्वे स्वे र्मण्यभिरत, संसिद्धि लभते नरः”ઉપર્યુક્ત સાધનોને માત્ર પવિત્ર માનવામાં જ સાધન-પૂજા પરિપૂર્ણ થતી નથી. દા.ત. આપણા વસ્ત્રોને સ્વચ્છ અને પવિત્ર રાખવા એ વસ્ત્રોની પૂજા છે, શરીરને સ્વચ્છ રાખવું એ તે શરીરની પૂજા છે. માતા-પિતા કે ગુરુની સેવા કરવી વગેરે આપણી કર્મપૂજા છે.શીતળા માતાએ સાવરણી અને સૂપડું જેવાં ક્ષુદ્ર સેવાના સાધનોને તેમની મહત્તા અને ઉપયોગિતા જોઈ તેમણે પોતાની પાસે રાખ્યા છે. માન્યતા એવી છે કે, પ્રસ્તુત ધનોની પૂજા કરવાથી સંતતિને રોગો થતા નથી, તેમનું આરોગ્ય જળવાય રહે છે.આડકતરી રીતે જોઇએ તો સૂપડું એ સ્વચ્છતા અને શુદ્ધિનું પ્રતીક છે. એ જ રીતે સાવરણી એ પણ સ્વચ્છતા અને સુઘડતાનું પ્રતીક છે. આ સાધનો દ્વારા સ્વચ્છતા અને સુઘડતા રાખવામાં આવે તો રોગોનું પ્રમાણ આપોઆપ ઘટી જાય છે. એવો આ શીતળા સાતમના ઉત્સવનો અમૂલ્ય સંદેશ છે.જીવનમાં સ્વચ્છતા અને સુઘડતા લાવવા માટે સ્ત્રી આ પવિત્ર પર્વના દિવસે શીતળા માતાની આરાધના-ઉપાસના કરે છે. આ સાધન-પૂજા અને કર્મ-પૂજા પોતાના જીવનમાં સાકાર થાય એવી પ્રાર્થના આ દિવસે સ્ત્રીઓ માઁ જગદંબાને કરે છે. તળા માતાની ક્ષમા, સહનશીલતા અને ઔદાર્ય અજોડ છે. વ્રતધારી સ્ત્રીઓ માઁ શીતળાને આજના પવિત્ર દિવસે પ્રાર્થના કરી પોતાની મનોકામના પૂર્ણ થાય એમ ઇચ્છે છે અને આદ્યશક્તિ એમની આકાંક્ષાઓ જરૂર પૂર્ણ કરે છે.શીતળા સપ્તમી વ્રત કરનાર વ્રતીએ આદ્યશક્તિ તળા દેવીની પ્રાર્થના કરવી જોઇએ. शीतलायै नमः એ મંત્રોચ્ચાર કરી દેવીની સ્થાપના કરવી. દેવીનું પૂજન કર્યા પછી સાત ગૌરીની પૂજા કરી સાતેય ગોયણીઓને પ્રેમપૂર્વક જમાડવી.

છેલ્લે આ પ્રાર્થના સાથે વિરમીએ – “શીતળામાતા, સૌનું જીવન શીતળ બનાવી સૌનું કલ્યાણ કરજો”

સંકલન – દિપેન પટેલ

Comments

comments


5,256 views

Leave a Reply

Your email address will not be published.


8 × = 56