લોકો કહે છે ને કે શિવજીની મહિમા અપરંપાર છે, અને લોકો એમનેમ તો કહેતા ન હોય. આ શ્રાવણના પવિત્ર મહિનામાં અમને શિવજીની મહિમાનો દાખલો મળી આવ્યો છે છત્તીસગઢના ગરીયાબાદ જિલ્લાના મરોદા ગામમાં.
આ ગામના ગાઢ જંગલોની વચમાં આવેલ આ શિવલિંગ ભૂતેશ્વર નાથના નામથી પ્રસિદ્ધ છે જેને દુનિયાનું સૌથી મોટું પ્રાકૃતિક શિવલિંગ હોવાનું માનવામાં આવે છે.
આ શિવલિંગ બીજા શિવલિંગથી તેની રહસ્યમય વિશેષતાને કારણે અલગ પડે છે. એ રહસ્યની વાત એ છે કે આ શિવલિંગની લંબાઈ દર વર્ષે ચમત્કારી રીતે વધતી જ રહે છે જેને કારણે શ્રદ્ધાળુઓને અહીં ખૂબ જ આસ્થા અને વિશ્વાસ છે. ફક્ત આ જ કારણ નથી આ શિવલિંગની લોકપ્રિયતાનું. અહીં થનારા ચમત્કારો પણ અહીંની લોકપ્રિયતાનું એક મુખ્ય કારણ બની ગયું છે.
– શિવલિંગનું માપ
જમીનથી ૧૮ ફૂટ ઊંચું અને ૨૦ ફૂટ ગોળાકાર આ શિવલિંગની ઊંચાઈ દર વર્ષે માપવામાં આવે છે જેમાં દર વર્ષે ૬થી ૮ ઇંચ જેટલો વધારો જોવા મળી રહ્યો છે.
સેંકડો વર્ષો પહેલાં શોભા સિંહ નામનો એક વ્યક્તિ એ ગામમાં રહેતો હતો. તે રોજ સાંજે પોતાના એક ખેતરને જોવા જતો હતો. આ દરમિયાન તેણે દૂરથી જોયું કે એક નાનકડા શિવલિંગ જેવી આકૃતિમાંથી સાંઢ અને સિંહનો અવાજ આવતો હતો. આ વાત શોભાસિંહે ગામવાસીઓને કરી જે કારણે ગામવાળાઓએ પ્રાણીઓને શોધવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો. પરંતુ કોઈ મળ્યું નહિ. અને આ ઘટના પછી આ શિવલિંગ ખૂબ જ પ્રખ્યાત થયું. ગામવાસીઓની માહિતી મુજબ એ શિવલિંગ પહેલા ખૂબ જ નાનું હતું. પણ સમય સાથે તેની લંબાઈ અને પહોળાઈ વધતી જાય છે.
જંગલની વચ્ચે હોવા છતાં પણ અહીં શ્રદ્ધાળુઓની કમી દેખાતી નથી. અને આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. લોકો શિવલિંગની વધતી જતી લંબાઈ જોવા ખાસ કરીને અહીં આવે છે અને અહીંની માન્યતા છે કે આ શિવલિંગ આગળ કરવામાં આવતી પ્રાર્થના અવશ્ય પૂરી થાય છે.
લેખન સંકલન : યશ મોદી
બીજા મિત્રો સુધી આ માહિતી અચૂક શેર કરજો.