આજે હું ફટાફટ ઉપમા કઈ રીતે બનાવવો તે બતાવવા જઈ રહી છું. ઉપમા એ સાઉથની પોપ્યુલર ડીશ છે, જેને સૌ કોઈ હોંશે હોંશે આરોગે છે. જેને સ્પેશિયલી નાસ્તા માટે બનાવવાનું પ્રિફર કરાય છે. નાના મોટા સૌ કોઈને ખુબ જ પસંદ પડે છે. તો ચાલો બનાવીએ ઉપમા
સામગ્રી :
- Ø 1/2 કપ સુજી ( રવો )
- Ø 1/2 કપ છાશ
- Ø 1 ટેબલ સ્પૂન સીંગદાણા
- Ø 1 ટેબલ સ્પૂન કિસમિસ
- Ø 1 ટેબલ સ્પૂન ચણાદાળ
- Ø 1 ટેબલ સ્પૂન અડદ દાળ
- Ø 1/2 ટેબલ સ્પૂન મીઠું
- Ø 1 ટેબલ સ્પૂન આદુ, મરચાની પેસ્ટ
- Ø ચપટી રાઈ અને જીરું
- Ø 2 ટેબલ સ્પૂન તેલ
- Ø 1 ટેબલ સ્પૂન ઘી
- Ø વઘાર માટે તજ, તમાલપત્ર, સૂકા લાલ મરચા, મીઠો લીંબડો
તૈયારી :
- સુજી ચાળીને સાફ કરી લેવી.
રીત :
1) સૌ પ્રથમ જાડા તળિયાવાળી કડાઈમાં 2 ટેબલ સ્પૂન તેલ અને 1 ટેબલ સ્પૂન ઘી ગરમ કરવા મુકો, સ્ટવની ફ્લેમ સ્લો રાખવી.
2) જ્યાં સુધી તેલ ગરમ થાય ત્યાં સુધીમાં નાના બર્નર પર સુજી શેકી લો. સૂજીને સતત હલાવતા રહીને સહેજ કલર બદલે ત્યાં સુધી શેકવાની છે.
3) તેલ ગરમ થઈ જાય એટલે તેમાં સૌ પ્રથમ રાઈ-જીરું નાખો. રાયદાણા ફૂટી જાય એટલે તેમાં તજ, તમાલપત્ર, સૂકા લાલ મરચા અને મીઠો લીંબડો ઉમેરો. ત્યારપછી તેમાં સીંગદાણા નાખી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ચણાદાળ, કિસમિસ અને અડદની દાળ નાખી સરસ રીતે મિક્સ કરો. સીંગદાણા, ચણાદાળ અને અડદનીદાળ તરત જ શેકાય જાય છે અને કિસમિસ ફૂલી જાય છે.
4) હવે તેમાં ધીમેથી દોઢ કપ પાણી નાખો. પાણી નાખતી વખતે તેલના છિંટા ઉડે છે માટે બીજા હાથમાં ઢાંકણ તૈયાર રાખો અને પાણી ઉમેરીને તુરંત ઢાંકણ ઢાંકી દો. પાણી બરાબર ઉકાળવા દો. ઉકળતા પાણીમાં આદુ-મરચાની પેસ્ટ ઉમેરી દો.
5) પાણી ઉકળી ગયા બાદ તેમાં મીઠું અને અડધો કપ છાશ ઉમેરો. બધું બરાબર મિક્સ કરી તેમાં શેકેલ સુજી ઉમેરી દો. બરાબર હલાવીને મિક્સ કરી લો. બે- ત્રણ મિનિટ માટે ઢાંકણ ઢાંકીને ચડવા દો. વચ્ચે વચ્ચે હલાવતા રહો.
6) ઢાંકણ ખોલીને ચેક કરો, બધું જ પાણી બળી જાય અને સુજીની કણી સરસ છૂટી પડેલી અને ફૂલેલી દેખાય ત્યાં સુધી ચડવા દેવાનું છે.
7) તૈયાર છે ઉપમા, સ્ટવની ફ્લેમ ઑફ કરી દો. સર્વિંગ બાઉલમાં કાઢી કોથમીરથી ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરો.
ઉપમા એ નાસ્તા તરીકે સર્વ કરાતી અને ઝટપટ બનતી ડીશ છે. એનીટાઇમ બનાવીને ખાઈ શકાય છે. બાળકોને ટિફિન બોક્સમાં પણ આપી શકાય અને પીકનીક, ઉજાણીમાં પણ બનાવીને સાથે લઈ જઈ શકાય.
મિત્રો, તો આપણા નાસ્તામાં થોડું વૈવિધ્ય લાવો, બાળકો તેમજ ઘરના સભ્યો હોંશે હોંશે આરોગશે આ ટેસ્ટફૂલ ઉપમા
નોંધ :
મેં ઘી અને તેલ યુઝ કર્યું છે પણ માત્ર તેલમાં પણ ઉપમા બનાવી શકાય.
આ રેસિપીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો :
રસોઈની રાણી : અલ્કા સોરઠીયા
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.