રાફેલ ડીલ – હંગામા હૈ કયો બરપા ?
વિરોધીઓ છેલ્લા કેટલાક સમયથી રાફેલ ડીલ મુદ્દે સરકાર પર હુમલાઓ કરી રહ્યા છે. વિમાનની અસલી કિંમત વિશેનો વિવાદ દુશ્મન દેશોને તેમાં મૌજુદ તકનીકી ખાસિયતો વિશે વાકેફ કરવા પૂરતો છે. તેમના બફાટને લીધે દેશની સુરક્ષા પર, યુદ્ધનીતિ પર તથા એક વિશ્વસનીય અને વ્યુહાત્મક ભાગીદાર એવા સહયોગી દેશ ફ્રાંસ સાથેના આપણા સબંધો પર બૂરી અસર પડી રહી છે.
એન.ડી.એ. સરકાર દ્વારા ખરીદવામાં આવી રહેલા રાફેલ વિમાન અને યુપીએ સરકાર દ્વારા ઈચ્છિત રાફેલ વિમાનો વચ્ચે જમીન-આસમાનનો ફર્ક છે. અત્રે નોંધ લેવી ઘટે કે યુ.પી.એ. સરકાર દ્વારા રાફેલ પ્લેન ખરીદવા અંગે દાસોલ્ટ કંપની સાથે (ફ્રાંસ સરકાર સાથે નહીં) ફક્ત વાતચીત થઇ હતી, કોઈ પ્રકારનો સોદો પાર પડ્યો નહોતો. જયારે અહીં બે મિત્ર દેશો, ભારત અને ફ્રાંસની સરકારોએ એક આંતરરાષ્ટ્રીય વિમાન સોદા પર મત્તું માર્યું છે.
વધુ સરળ શબ્દોમાં સમજાવું તો – જો યુપીએ સરકાર મારુતિ સુઝુકી સ્વીફ્ટ એલ.એક્સ.આઈ મોડેલ ખરીદવા માટે વિષ્ટિ કરી રહી હતી, તો મોદી સરકારે મારુતિ સુઝુકી સ્વીફ્ટ ઝેડ.એક્સ.આઈ.નો (ટોપ મોડેલનો) સોદો પાર પાડ્યો છે. સ્વભાવિક છે કે ટોપ મોડેલમાં વધુ ડીઝાઈન ફીચર્સ આવેલા હોવાથી તે મોંઘુ તો હોવાનું જ.
પ્રશ્ન: આટલો મોંઘો સંરક્ષણ સોદો ગુપ્તતાની સંધિ હેઠળ છુપાયેલો રાખવાનું કારણ શું ?
ઉત્તર: રાફેલ યુદ્ધવિમાન અમુક ખાસ તકનીકી ક્ષમતાઓથી સુસજ્જ થઇને આવી રહ્યું છે જેની ભારતીય વાયુસેનાને તાતી જરૂર છે જે વિશ્વમાં અન્ય કોઈ પાસે નથી. ફ્રેંચ ઉત્પાદકો આ સ્ટેટ ઓફ આર્ટ તકનીકી પ્રણાલીઓને વિકસાવવાનો ખર્ચ જાહેર કરવા માગતા નથી.
પ્રશ્ન: ફ્રાંસ આ તકનીકી પ્રણાલીઓની કિંમત ગુપ્ત રાખવા માગે છે, તેનું કારણ શું ?
ઉત્તર: ભવિષ્યમાં ફ્રેંચ ઉત્પાદકો આ પ્રણાલીઓને અન્ય દેશોને નફાકારક રીતે વેચવા માગે છે. જો તેમણે ભારતને આ તકનીક વેચી તેની કિંમત જાહેર થઇ જાય તો ભવિષ્યમાં બીજા રાષ્ટ્રો સાથે સોદા પાર પાડતી વખતે તેમની પાસે નફો રળવાના વિકલ્પો સમાપ્ત થઈ જાય.
પ્રશ્ન: આ સોદો આટલો મોંઘો કેમ છે ?
ઉત્તર : યુ.પી.એ. દ્વારા કેવળ ૮.૫ બિલિયન યુરોમાં ૧૨૬ રાફેલ વિમાનોની ડીલ કરવામાં આવી હતી. તેનું સત્ય એ છે કે આ ડીલને સૈન્ય નિષ્ણાતોએ ‘હાસ્યાસ્પદ’ ગણાવી છે. એટલે સુધી કહેવાયું કે તમે એક એવી કાર લઈ રહ્યા છો જેમાં કેવળ પૈડા અને સ્ટીયરીંગ લાગેલ છે !
વર્ષ ૨૦૧૩માં જ્યારે રાફેલ વિમાનોને ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે તેની કિંમત ૧૨.૫૭ બિલિયન યુરો થઇ ચૂકી હતી. ૨૦૧૪માં આ જ કિંમત ૩૦૦ ટકા વધીને ૨૫.૫ બિલિયન યુરો થઇ ગઈ. આ બધું પાછલી સરકારના સમયમાં જ બન્યું. વર્તમાન એન.ડી.એ. સરકારે સત્તામાં આવ્યા બાદ અડચણોમાં સપડાયેલા આ સોદાને મહામુશ્કેલીથી બચાવ્યો અને ભારત માટે યથાસંભવ સારામાં સારો સોદો પાડ્યો, કારણ કે નવા યુદ્ધવિમાન ખરીદવાની પ્રક્રિયામાં એક દસકાથી વધુ સમય ગયા બાદ પણ પણ તેને અંતિમ રૂપ યુ.પી.એ.ના સમયે આપી શકાયું નહોતું આ તરફ, ભારતીય વાયુસેનાની યુદ્ધક્ષમતા લગાતાર નબળી પડતી ગઈ.
પ્રશ્ન: રાફેલ સોદાની કિંમત ઉપર લઈ જવાવાળી આ એવી તે કઈ ઉમેરાયેલી સુપર-સિક્રેટ તકીનીકી પ્રણાલીઓ છે ?
ઉત્તર: આ પ્રણાલીઓને કહેવામાં આવે છે, ઇન્ડિયા સ્પેસિફિક અપગ્રેડ્સ એટલે કે ભારતીય સંરક્ષણ જરૂરતો અનુસાર કરાયેલા અભ્યુત્થાન. માય નેશન ન્યુઝ પોર્ટલમાં દર્શાવાયેલા અજીત કુમાર દુબેના રીપોર્ટ મૂજબ, હાલમાં ઇન્ડિયા સ્પેસિફિક અપગ્રેડ્સ, શસ્ત્રોની કિંમત, જાળવણીનો ખર્ચ, સીમ્યુલેટર્સ, રીપેરીંગમાં મદદ અને તકનીકી સહાયતાનો સમાવેશ થયા બાદએક રાફેલ વિમાનની કિમત ૧૬૪૬ કરોડ રૂ. છે. યુપીએ સમયનો સોદો પાર પડ્યો હોત તો આ બધી સુવિધાઓ સાથે રાફેલની કિમત ૧૭૦૫ કરોડ રૂ. થઈ હોત. એટલે કે એક રાફેલ માટે મોદી સરકારના મુકાબલે ૫૯ કરોડ રૂ. વધારે ચુકવવામાં આવત.
પ્રશ્ન: રાફેલના અપગ્રેડેડ વર્ઝન ખરીદવાની એવી તે શી જરૂર ?
ઉત્તર : ઇન્ડિયા સ્પેસિફિક અપગ્રેડ્સમાં સમાવેશ થાય છે:
૧. લો બેન્ડ જામર (રેડિયો સિગ્નલ જામર),, ૨. ટોવ્ડ એરે ડીકોય સીસ્ટમ
(વિમાન સાથે દોરીથી જોડાયેલા નાના ટ્રાન્સમીટર જેનું કામ દુશ્મન મિસાઈલન થાપ ખવડાવવાનુ છે.)
૩. એક્ટીવ ઇલેક્ટ્રોનિકલી સ્કેન્ડ આરે રડાર તેની કેટેગરીનું મોસ્ટ એડવાન્સ્ડ ઇલેક્ટ્રોનિક રડાર છે. મુખ્ય રડારમાં ઓલ આસ્પેક્ટ લૂક-અપ અને લૂક-ડાઉન ડીટેકશન અને ક્લોઝ કોમ્બેટ માટે મલ્ટીપલ એર ટારગેટ્સનુ ડીટેકશન ઓલ વેધર અને જામરની વચ્ચે પણ થઇ શકે છે. રીયલ ટાઈમ થ્રી ડીમેન્શન્લ મેપિંગ રડારની વધારાની ખાસિયત છે.
૪. ઓપટ્રોનીક – પેસીવ લોંગ ડીસ્ટન્સ આઈડેન્ટીફીકેશન: આંતરિક ફ્રન્ટ સેક્ટર ઓપટ્રોનીક દ્વારા જમીની તથા હવાઈ બંને પ્રકારના લક્ષ્યોની દૂરી સહીતની ટેલી-લેન્સ ઈમેજ પાયલોટને મળે છે. લક્ષ્યની સ્પષ્ટ ટીવી ઈમેજ પાયલોટને આકાશમાં દૂર તથા ઊંચે રહીને દુશ્મન સમક્ષ છતા થયા વિના લક્ષ્યભેદના નિર્ણયમાં મદદરૂપ થાય છે.
વધુ તકનીકીમાં જઈને વાચકોને કન્ફયુઝ કરવા નથી અને દુશ્મનોને જાણ પણ કરવા જેવી નથી. ટૂંકમાં જણાવું તો, આ અત્યાધુનિક તકનીકી અપગ્રેડને લીધે રાફેલ યુદ્ધવિમાન તેને લક્ષ્ય બનાવીને છોડાયેલી પાકિસ્તાની અને ચાયનીઝ મિસાઈલોને ઓળખી, જામ કરી અને ગૂંચવી નાખવાની ક્ષમતા ધરાવે છે. સાથે સાથે તે જમીની, હવાઈ (દુશ્મન મિસાઈલો અને વિમાનો) અને જળમગ્ન (સબમરીન) તેમજ પાણી ઉપર (યુદ્ધ જહાજો) રહેલા લક્ષ્યોને અત્યંત લાંબી દૂરીથી નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે.
પ્રશ્ન: શું આ બધી તકનીકી પળોજણ ખરેખર જરૂરી છે ?
ઉત્તર: ભારતીય પરિસ્થિતિઓ અને વાયુસેનાની જરૂરિયાતો અનુસાર કન્ફિગર કરાયેલું રાફેલ વિમાન ફ્રેંચ એરફોર્સ પોતે ઉપયોગ કરે છે તેનાં કરતાં પણ અત્યાધુનિક છે. રાફેલ વિમાન તેની સાઈઝ, કિંમત અને ક્લાસ મુજબ ભારતીય વાયુસેના માટે સર્વોત્તમ છે.
પ્રશ્ન: સરકારે રાફેલને બદલે યુરો ફાઈટર કેમ ન ખરીદ્યા જેને વાયુસેનાએ બીજા નંબરે રાખ્યા હતા ?
ઉત્તર : આ નિર્ણયના અનેક કારણો છે. રાફેલ માટે કેવળ ફ્રાંસ સાથે સોદો પાર પાડવાનો હતો જ્યારે યુરો ફાઈટરના સોદાને અંતિમ સ્વરૂપ આપવા માટે અનેક દેશો સાથે મંત્રણાઓ કરવી પડે તેમ હતી. તદુપરાંત ભારતીય આણ્વીક ત્રિપુટી (ન્યુક્લીયર-ટ્રાયોડ) એટલે કે જળ – સ્થળ અને હવામાંથી આણ્વીક હુમલો કરવાની ક્ષમતા હાંસલ કરવા માટે પરમાણુ હુમલો કરવાની ક્ષમતા ધરાવતું રાફેલ વિમાન એકમાત્ર વિકલ્પ હતું. યુરો ફાઈટરના સંલગ્ન દેશો જર્મની અને ઇટાલી તેમાં આણ્વીક શસ્ત્રો લગાવવાનો વિરોધ કરતા આવ્યા છે. રાફેલ વિમાનની આણ્વીક શસ્ત્ર વહન ક્ષમતા પણ તેનાં સોદાની ગુપ્તતાનું એક પ્રમુખ કારણ છે.
વર્ષ ૨૦૧૩માં યુપીએ દ્વારા અમલમાં લાવવામાં આવેલા હથિયાર ખરીદીના નિયમોમાં સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે ‘રાફેલ ડીલ’ જેવા બે દેશોની સરકારો વચ્ચે થતા સોદાઓમાં કેબીનેટની મંજૂરીની જરૂર નથી. ઉપરાંત બીજા નંબરના વિકલ્પ (યુરો ફાઈટર) વિશે સંજ્ઞાન લેવાની પણ આવશ્કતા નથી. આ બધું તો ઠીક છે પણ કોંગ્રેસી નેતાઓ દ્વારા તેમનાં રાજકીય લાભ માટે ભારત અને ફ્રાંસ આ બે દેશોની સરકારો વિરુદ્ધ બેબુનિયાદ આરોપો લગાવાનું ભર્ત્સના જનક છે.
રાફેલ સોદો એન.ડી.એ. સરકારને માટે બોફોર્સ કૌભાંડ સમો બની રહે તેવી વ્યર્થ કોશિશ વિરોધીઓ કરી રહ્યા છે. ત્યારે તેઓ ભૂલી રહ્યા છે કે રાફેલ સોદામાં ક્યાંય પણ કોઈ વચેટિયા ‘ક્વોટ્રોચી’ની ભૂમિકા નથી.
સંરક્ષણ ક્ષેત્રે ભારતની પરાધીનતા પણ નેહરુ-ગાંધી પરિવારની વારસાઈ છે. રાફેલ ડીલ મેઇક ઇન્ડિયાના નવા વિક્રમો સર્જવાનું છે. પરિવાર વાદ અને તુષ્ટિકરણની રાજનીતિને લીધે સિત્તેર વર્ષોથી પડેલો ઊંડો ખાડો બુરવા માટે મોદીને એક દસકો તો આપો, મારા ભાઈ !
જય હિન્દ
લેખન : પેટ્ટી ઓફિસર મનન ભટ્ટ (સેવા નિવૃત્ત)
ભારતીય નૌસેના