શક્તિશાળી સ્ત્રીઓ આ બદલાવ લાવી છે, પોતાની મહેનતથી….!!

૨૦૧૮ના વર્ષમાં ૨ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી સ્ત્રીઓએ લોકોને આશ્ચર્ય આપ્યું. મેઘન માર્કલ બ્રિટનના ૫માં વારસાઈ રાજકુમારને પરણી અને પ્રિયંકા ચોપરાની નીક જોન્સ સાથે સગાઇ થઇ. આમાં શું નવાઈ છે? છે ઘણી નવાઈ છે. બંને સ્ત્રીઓએ વર્ષોથી ચાલ્યો આવતો શિરસ્તો તોડીને સંબંધમાં બંધાઈ છે. બંનેની સામાન્ય વાત; ‘સફળતા’ પોતાના ફિલ્ડમાં એટલી સફળ રહી છે આ સ્ત્રીઓ કે દુનિયાના બીજા ફિલ્ડના લોકોએ પણ તેમની નોંધ લેવી પડે. બીજું; બંને સેલ્ફમેડ છે, જાતે મહેનત કરીને આગળ આવેલી સ્ત્રીઓ! કોઈ ગોડફાધર નહીં, કોઈ જાણીતું કુટુંબ નહીં. અને ત્રીજો મુદ્દો; બંને પોતાના કરતા ઉમરમાં નાના પુરુષ સાથે જોડાઈ છે.2

મેઘન કેલીફોર્નીયાનામાં જન્મી, ભણી અને મોટી થઇ. મિશ્ર જનીન ધરાવતું સંતાન, કે જે બ્લેક કે વહાઈટ ના કહી શકાય. મેધન ૬ વર્ષની હતી ત્યારે તેના મમ્મી પપ્પાના ડિવોર્સ થયા અને એની મમ્મીએ એકલા હાથે મેઘનને ઉછેરી. ૧૧ વર્ષની ઉમરે મેઘને પ્રોક્ટર એન્ડ ગ્લેમ્બરને પત્ર લખીને જાહેરખબરના સ્ત્રીઓને અન્યાય કરતા શબ્દો બદલવા ફરજ પાડી હતી. એક્ટિંગ ફિલ્ડમાં ડબલ માસ્ટર્સ સુધી ભણેલી મેઘન એક્ટર, મોડલ ઉપરાંત સારી સામાજીક કાર્યકર્તા બની. એક વખત લગ્ન અને ડિવોર્સ જોઈ ચુકેલી મેઘન ડિવોર્સ સમયે કોઈ કકળાટ કે ઝગડામાં પડી ના હતી, શાંતિથી છૂટી પડીને આગળ નીકળી ગઈ. બ્રિટનના રાજકુમાર હેરી સાથે તેની સગાઈની ચર્ચા વહેતી થઇ ત્યારે લોકોને આશ્ચર્ય થયું કારણ બ્રિટનના રોયલ ફેમીલીના ચુસ્ત નિયમોથી દુનિયા વાકેફ છે. તેમાં મિશ્ર જનીન, એક્ટીગ ફિલ્ડ અને બીજીવાર પરણતી મેઘન સાથે પરણવા પ્રિન્સ હેરી મક્કમ રહ્યો.

પ્રિન્સ હેરી ૧૨ વર્ષની ઉમરે માંનુ મૃત્યુ જોઇ ચુક્યો હતો, બ્રિટન રોયલ ફેમિલીના નિયમો મુજબ જીવ્યો, ભણ્યો અને મિલેટ્રી ટ્રેનીગ માટે ગયો, સામાન્ય રીતે રાજકુમાર એક વર્ષની મિલેટ્રી ટ્રેનીગ પછી ફરી સામાન્ય જીવનમાં આવી શકે. હેરી ૨૦૦૫ થી ૨૦૧૫ મિલેટ્રી સાથે સંકળાયેલો રહ્યો. ટ્રેનીગ લેવાથી લઈને આપવા સુધી અને વોર ઝોન પર રહેનાર બહુ ઓછા રાજવીઓમાં હેરી એક છે.1

ઇન્ડિયાની ચર્ચાનો વિષય પ્રિયંકા ચોપરા ૧૧ વર્ષ નાના નીક જોન્સ સાથે પરણે છે!!! કોણ છે પ્રિયંકા ચોપરા? ૧૨ વર્ષે યુ.એસ.એ ભણવા ગયેલી, ૧૫ વર્ષે આર્મી સ્કુલમાં ઇન્ડિયા ભણેલી, ૧૮ વર્ષે મિસ વર્લ્ડ બની ગયેલી છોકરી? ઇન્ડિયન મુવી એક્ટ્રેસ? ના!!! પ્રિયંકા આનાથી ઘણું વધુ છે. પ્રિયંકા ૨૦૧૬માં પદ્મ શ્રી મેળવી ચુકી છે, ૨૦૧૭માં દુનિયાની ૧૦૦ શક્તિશાળી સ્ત્રીઓમાં નામ નોંધાવી ચુકી છે, ૨૦૦૬થી યુનિસેફ માટે દુનિયાભરમાં ફરીને સેવાકીય પ્રવૃતિઓમાં મદદ કરે છે, દોઢ દાયકાના ઇન્ડિયન સિનેમાના ચડાવ ઉતાર જોઇને હોલીવુડમાં ૨૦૧૫થી ડંકો વગાડે છે. સાત ખૂન માફ, બરફી, મેરી કોમથી એક્ટિંગની વ્યાખ્યા બનાવનાર અદાકાર એટલે પ્રિયંકા અને આ બધું જ જાત મહેનત પર, લાંબુ વિચારીને, દુનિયાભરના ખ્યાતનામ લોકો સાથે સંબંધ બનાવીને એક કુશળ વેપારીની જેમ બધું પાર પાડ્યું. પ્રિયંકા પોતે એક બ્રાંડ છે, જેના પર હાથ મુકે તે વસ્તુ ચર્ચાય તેવી બ્રાંડ.

૨૫ વર્ષનો નીક ૬ વર્ષે ગાતો હતો, ૧૨ વર્ષે પહેલું આલ્બમ આપ્યું હતું, ભાઈઓ સાથે, પોતાનું અલગ, નવું બેન્ડ, જુનું બેન્ડ, ટ્રેન્ડ બદલીને, અલગ અલગ રીતે શીખીને ૧૮ વર્ષની ઉમરે અમેરિકાના યુવાનોમાં પોપ્યુલર થઇ ગયેલો યુવાન એટલે નીક જોન્સ.

શક્તિશાળી સ્ત્રીઓને પરણવાની તાકાત જુજ પુરુષો જ કરી શકે. સફળ – બુદ્ધિશાળી સ્ત્રી સાથે જીવવું હજુ પણ પુરુષોને ચેલેન્જ લાગે છે, આકરું લાગે છે. આ બંને સ્ત્રીઓ પોતાની શરતો પર જીવી, ખુબ સફળ થઇ, સમયસર લગ્ન કરીને ઠેકાણે પડી જવાના બદલે પોતાની કરીઅરને જ પ્રાયોરીટી આપી, વધુ મજબુત બની. આવા સંજોગોમાં લાયક જીવનસાથી ના મળવાનું જોખમ દરેક સ્ત્રીને હોય જ પણ લગ્ન એ જ જીવન નથી એ વાત સમજી અને જીવી જાણ્યું આ સ્ત્રીઓ એ. જે વ્યક્તિ જોડાશે તે સમજીને જોડાશે અને આ વ્યક્તિત્વ સાથે જોડાશે તેવી હિંમત જોઈએ. પ્રિયંકા અને મેઘન ૩૬-૩૭ વર્ષની છે. આ ઉમરે પણ પોતાને ગમતું અને ખાસ તો લાયક જીવનસાથી મળી શકે તે વાત આ સ્ત્રીઓએ ઉભી કરી. દુનિયાની કેટલીએય સ્ત્રીઓ ૩૦ એ પહોંચ્યા પછી ડરતી હશે કે સમાધાન કરી લેવાનું વિચારતી હશે તેમને બહુ મોટો ટેકો અને આશા મળી છે.

નકારાત્મક લોકો દુનિયાના દરેક ખૂણે હોય છે. આ બંને સંબંધોમાં ‘ઝાઝું નહીં ટકે’ના વર્તારા કરવાવાળાની કોઈ કમી નથી પણ શું ફરક પડે છે? બધું જોઈ જાણીને, સમાજની દ્રષ્ટીએ ‘સમયસર’, દરેક પાસા પરખીને કરેલા લગ્નો ક્યાં નથી તૂટી જતા? અથવા તમાચો મારીને ગાલ લાલ રાખતા હોય તેમ નિભાવતા હોય છે. એના કરતા આ લોકોએ જે કર્યું તે સરાહનીય છે. સંપૂર્ણપણે પોતાની મરજીથી જીવ્યા, પરણ્યા અને હૃદયથી નિભાવશે કે સંમતીથી શાંતિપૂર્વક છુટા પડશે. આટલી પ્રમાણિકતા કે હિંમત કેટલા લોકોમાં હોય છે? કસકસાવીને જીવવાની અને પોતાની શરતો પર જીવવાની મજા ડરી ડરીને માપી માપીને જીવવાવાળા લોકો ક્યારેય નહીં સમજી શકે. આ બંને સ્ત્રીઓ આવું શાનદાર જીવી છે.

સલામ આ પુરુષોને પણ કે જેમણે પત્ની નહીં પણ જીવનસાથી પસંદ કર્યું, સ્ત્રીત્વ નહીં પણ વ્યક્તિત્વ જોયું. શક્તિશાળી સ્ત્રીઓ માટે સો ટચના સોનાના સમાચાર છે, વધાવી લેજો.

લેખક : ગોરા ત્રિવેદી

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,989 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 + = 11