પંજાબી ફ્લાવર – ફલાવરની એક અલગ જ ને ટેસ્ટફૂલ સબ્જી નોંધી લો બનાવવી હશે ત્યારે કામ આવશે….

મિત્રો, તમે ફલાવર એટલે કે ફૂલગોબીની અનેક રેસિપી બનાવી હશે અને ખાધી હશે. આજે હું ફલાવરની એક અલગ જ ટેસ્ટફૂલ અને સ્પાઈસી રેસિપી શેર કરું છું જે ખુબ જ સ્વાદિષ્ટ બને છે અને જે લોકોને ફલાવર પસંદ નહિ હોય એ લોકો પણ હોંશે હોંશે ખાશે. તો ચાલો બતાવી દઉં પંજાબી ફલાવર બનાવવાની રેસિપી.

સામગ્રી :

# 200 ગ્રામ ફલાવર,
# 2 મોટા ટમેટા,
# 2 મોટા કાંદા,
# 1/2 કપ તપકીર(આરા) નો લોટ,
# 2 ટેબલ સ્પૂન આદુ, લસણ અને મરચાની પેસ્ટ ( 1/2 ઇંચ આદુ, 15 કળી લસણ અને 2 લાલ મરચા),
# 1 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર,
# 1/2 ટેબલ સ્પૂન હળદર,
# 1/2 ટેબલ સ્પૂન ધાણાજીરું,
# 1/2 ટેબલ સ્પૂન કિચન કિંગ મસાલો,
# થોડી કોથમીર,
# મીઠું સ્વાદ પ્રમાણે,
# વઘાર માટે તજ, તમાલપત્ર, સૂકું લાલ મરચું અને બાદિયા.

તૈયારી :

ફલાવરને મોટા પીસીસમાં કાપી લો. કાંદા, ટમેટાને ઝીણા સમારી લો. કોથમીરને પણ ઝીણી સમારી લો.

રીત :

1) સૌ પ્રથમ એક બાઉલમાં આરાનો લોટ નાંખો. તેમાં થોડુ પાણી નાખી ડોઈને ઘાટ્ટુ મિશ્રણ બનાવી લો.

2) તેમાં કાપેલા ફલાવર નાખી, તેના પર આરાનો લોટ બરાબર ચડાવો.

3) ત્યારબાદ તેને કડાઈમાં તેલ ગરમ કરી તળી લો. આ રીતે તળવાથી ફલાવર ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. તળવા માટેનું તેલ મીડીયમ ગરમ થવા દેવું, જો તેલ બરાબર ગરમ ના હોય તો ફલાવર ચવડ થઇ જાય. ફ્લેવર સહેજ ડાર્ક થાય એટલું જ તળવાનું છે.

4) વઘાર માટે તેજ ક્ડાઈમાં 3 થી 4 ટેબલ સ્પૂન તેલ રાખી, વધારાનું તેલ કાઢી લો. તેમાં તજ, તમાલપત્ર, સૂકું મરચું અને બાદિયા નાખો. ત્યારબાદ તેમાં આદુ-લસણ-મરચાની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરી એકાદ મિનિટ સાંતળો.

5) તેમાં બારીક કાપેલા કાંદા, અડધો કિચન કિંગ મસાલો, હળદર, લાલ મરચું પાવડર નાખી બરાબર મિક્સ કરો.

6) પછી બારીક કાપેલા ટમેટા ઉમેરી, ઢાંકણ ઢાંકી ચડવા દો. સ્ટવની ફ્લેમ મીડીયમ રાખવી અને વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું.

7) ટમેટા ચડીને મિક્સ થઇ જાય અને તેલ છૂટું પડી જાય ત્યાં સુધી ચડવા દેવું.

8) ત્યારબાદ બચેલો કિચન કિંગ મસાલો, મીઠું અને ધાણાજીરું નાખી મિક્સ કરો.

9) તેમાં ફ્રાય કરેલ ફલાવર ઉમેરો અને ગ્રેવીમાં મિક્સ કરી લો.

10) તૈયાર છે પંજાબી ફલાવર, કોથમીરથી ગાર્નિશ કરી રોટલી, પરોઠા સાથે સર્વ કરો.

આ રીતે આરાના લોટમાં બોળીને તળવાથી ફલાવર ખુબ જ ટેસ્ટફૂલ બને છે. તો આજે જ ટ્રાય કરજો અને તમારા અનુભવ મારી સાથે શેર કરજો.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

Comments

comments


4,062 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + 3 =