વર્ષ 2013માં આવેલી રોહિત શેટ્ટીની ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસ તો તમને યાદ જ હશે, જેમાં રાહુલ (શાહરૂખ ખાન) પોતાના દાદાની અસ્થીઓ રામેશ્વરમમાં વિસર્જિત કરે છે. ઉપર વાદળી આકાશ અને નીચે વાદળી રંગનો ચોખ્ખો ચખાક સમુદ્નનો નજારો. પરંતુ આ નજારો ફિલ્મમાં કમ્પ્યુટરાઈઝ્ડ નથી કરાયો, પરંતુ હકીકતમાં આટલો સુંદર નજારો છે. જો તમે ક્યાંક ફરવા જવાનું પ્લાન કરો છો, તો તમારા માટે આનાથી વધુ સારુ ડેસ્ટિનેશન કોઈ ન હોઈ શકે. પામબન આઈલેન્ડ સુધી પહોંચવા માટે તમને પહેલા તો પામબન બ્રિજ પરથી પસાર થવું પડશે.મુંબઈ-બાન્દ્રા કુર્લા પુલ પહેલા પામબન બ્રિજ ભારતનો સૌથી પહેલો લાંબો બ્રિજ હતો. તમિલનાડુમાં સ્થિત તે ભારતનો એવો પુલ છે, સમુદ્રની ઉપર બનેલો છે. તમે અંદાજ લગાવી શકો છો કે અહીંથી પસાર થવું કેટલું એક્સાઈટિંગ અને અલગ એક્સપીરિયન્સ બની રહે. તે નેચર અને ટેકનોલોજીનો બેજોડ નમૂનો છે. જે ઉચ્ચ તીવ્રતાવાળા ભૂકંપની સામે પણ અડીખમ ઊભો રહે છે.
તમિલનાડુનો આ પુલ રામેશ્વરમથી પામબન ટાપુને જોડે છે. આવામાં જો તમે રામેશ્વરમ જવા માંગો છો, તો તમારી સફર રોમાંચક બનાવવા માટે પામબન બ્રિજ પરથી પસાર કરી શકો છો. સમુદ્રની લહેરોની વચ્ચેથી પસાર થવાનો વિચાર કરીને જ એક્સાઈટમેન્ટ થવા લાગે છે. પુલ પર ઊભા રહીને તમે અહીંના સુંદર નજારાને પોતાના કેમેરામાં કેદ કરી શકો છો. રોડ ટ્રિપથી પણ વધુ એક્સાઈટિંગ એ હોય છે, તમારી નીચે આખેઆખો સમુદ્ર છે. જો તમે અહીં સારા ગ્રૂપ સાથે નીકળો તો તમે ક્યારેય કંટાળશો નહિ.
પામબન પુલનો ઈતિહાસ
તમારા માટે જાણવું બહુ જ રોમાંચક રહેશે કે, પામબન પુલને બ્રિટિશ રેલવે દ્વારા 1885માં બનાવવાનો શરૂ કરાયો હતો. બ્રિટિશ એન્જિનિયર્સની ટીમના નિર્દેશનમાં ગુજરાતના કચ્છમાંથી લઈ જવાયેલા કારીગરોની મદદથી તેને ઊભો કરવામાં આવ્યો હતો. 1914ના વર્ષમાં આ પુલ બનીને તૈયાર થયો હતો. ફેબ્રુઆરી, 2016માં આ બ્રિજે 102 વર્ષ પૂરા કર્યા હતા. આટલો જૂનો હોવા છતાં પણ આ પુલ એવોને એવો અડીખમ ઊભો છે.
પામબન બ્રિજની બનાવટ
આ બ્રિજની ખાસિયત એ છે કે, તે વચ્ચેથી ખુલે પણ છે. જોકે, ક્રોક્રિંટના 145 થાંભલા પર ટકેલા આ પુલને સમુદ્રી લહેરો અને તોફાનથી ખતરો બની રહે છે. પહેલા તે દેશનો સૌથી મોટો પુલ કહેવાતો હતો, જેની લંબાઈ 2.057 કિલોમીટર છે.
લેખન સંકલન : અશ્વિની ઠક્કર
તો કોની સાથે જવા માંગો છો તમે આ જગ્યાએ ?