જિજીવિષા… – એક વૃદ્ધ પુરુષ અને એક વૃદ્ધ સ્ત્રી બંને અલગ અલગ જીવી રહ્યા છે એક જેવું જીવન…

યે મોહ મોહ કે ધાગે, તેરી ઉંગલીઓ સે જા ઉલ્જે….!

પરોઢમાં કુદરતની મુસ્તાકી માણવા માટે બાલુદાદા હાથમાં લાકડી અને ચશ્માં લઈને ભ્રમણ કરવા નીકળી પડે. લાકડીની જરૂર હવે પછીની જિંદગાનીમાં ડગમગ થતાં શમણાંને સ્થિર રાખવા માટે તો ચશ્માં દ્વારા ધૂંધળા ચિત્રોની વણઝારમાં એકાદ ચિત્રની સ્પષ્ટ સુરખી જો મળી આવે એ માટે.

સૂરજની પહેલાં બગીચામાં પહોંચી જાય. પહોંચે જ ને ! હવે કોઈ પૂછનારું જ નથી રહ્યું કે “ક્યાં જાઓ છો?” “કે ક્યારે પાછા આવશો?” દરવાજો જાતે બંધ કરવો અને આવીને જાતે જ ખોલવો. બાલુદાદા માટે ઘર હવે બસેરાં હોવા છતાં એ બેઘર છે.

પુષ્પોને સુપ્રભાત કહેવાનો નિત્ય ક્રમ. તો દરેક વૃક્ષો એના મિત્રો. જયારે પોતાના જ સાથ છોડીને નીકળી પડે છે, ત્યારે બીજા પરત્વે ધોખા કરવાનો બાલુદાદાને કેમ ગમે? મોંધીડોસી બે વર્ષ પહેલાં મોંધી બનીને રહ્યાં. આવજો કહેવા પણ રોકાઈ નહીં. હા, થોડી એની યાદોં ઘરમાં શરતચૂકથી રહી ગયેલી. બાથરૂમમાં મોંધીની બિંદીઓ, રસોડાની દીવાલે મોંઘીએ લખેલું કે “દૂધવાળાનો મહિનો પૂરો થઇ ગયો છે.” અને પાંત્રીશ વર્ષ પહેલાનું લગ્નનું પાનેતર. મોંઘીએ અનાયાસે આપેલી યાદોને બાલુદાદા રોજ સવાર, બપોર અને સાંજ ડોકટરની દવાની સાથે લેવાનું રાખેલું. અને પછી બહાર આ બગીચે આવીને નવા ભાઈબંધોને મળવાનું. હા, પહેલાં કોઈ વખત મોંઘી સાથે ગામમાંથી ખરીદી કરીને અહીં બેસતાં. એટલે બાંકડો દરેક વાતનો સાક્ષી હતો આ સારસ પંખીડાનો. આજે પણ આ બાંકડો બહાનું બતાવ્યા વગર બાલુદાદાને મોંઘીદાદીની વાતો એક પછી એક તાશના પન્ના માફક ખૂલ્લી મૂકવા માંડે. દાદા પણ જુગારીની માફક મોંઘીની યાદમાં ઓળઘોળ બની બમણું રમવા તૈયાર બની જતાં. એટલે આ બગીચાને પોતાનો દોસ્તાર બનાવીને મોટાભાગનો સમય અહીં જ પસાર કરવાનું યોગ્ય જણાતું.

જો લાઈબ્રેરી જાઉં તો ત્યાં બધાં પૂછ્યા કરે: “કેમ કાકા ઓસ્ટ્રેલિયાથી તમારા દીકરાના કોઈ સમાચાર?” આ સમાજને બીજના ઉજરડા ખુલ્લાં કરીને નમક છીડકવાની શું ગમ્મત થતી હશે? આપણા સમાજમાં કોઈનું એકાંત તોડવું એ ગૂનો કેમ નથી ગણાતો? એટલે નાછૂટકે દાદાએ લાઈબ્રેરીને બદલે અહીં બગીચે આવીને બેસવાની લિજ્જત ઈજ્જત સાથે લેતાં રહે છે.

એકાંતને મંગલકારી બનાવવા માટેનો રિયાજ બાલુદાદા કરી રહ્યાં હતાં. અહીં મિત્રો નવા. તો વાત પણ નવી. વળી પાછા આતો લેહેરતાં મિત્રો. ખુશ્બો ફેલાવતાં મિત્રો. મૌની મિત્રો. મિત્રો તો આવા જ હોવા જોઈએ. જે સદૈવ લહેરાવવાનું શીખવી મહેકાવી જાય. દુઃખોને જોજનો દૂર ફંગોળી જાય. એની હાજરીમાં હરયાળી જ હરયાળી લહેરાયા કરે. દે તાલ્લી..!

આજે નહાતી વખતે મોંઘીની બિંદીઓને એકલું લાગતું હોવાથી બાલુદાદાનાં આંસુને રમવા માટે બોલાવ્યા. હવે રોજ રોજ મોંઘીની યાદનો ડોજ લેવા કરતાં ઉપર જઈને તેને મળવાની તાલાવેલી લાગી.

આમ પણ દવાનો ડોજ લાંબો સમય જો લેવામાં આવે તો તેની સાઈડ ઇફેક્ટ તો થાય જ. પછી એ ડોજ દવાનો હોય કે કોઈની યાદનો. ત્યાં જઈને બધું કહી દેવું છે કે “હવે તો આપણો દીકરો ફોન પણ નથી કરતો. તારા વગર તડપવું ક્યાં સુધી? ત્યાં ભગવાનને કહે ને કે મને તારી પાસે બોલાવી લે..!”

બાલુદાદા ભારે હૈયે સ્નાન બાદ બગીચે પહોચ્યાં. બધાં મિત્રોને આજે મળવાનું મુનાસિફ ન જણાયું. મોંઘી સાથે બેસતાં એ બાંકડે બેસવાનું મન હતું. એ તરફ ડગલા ભરવા લાગ્યા. એ બેસતી ત્યાં જ બેસીને જેમ રિશેષમાં ભૂલકાંઓ વર્ગની બહાર નીકળવા માટે થનગને તેમ આંસુઓને આજે છુટ્ટાં મૂકવા છે…!

પરંતુ આજે આ બાંકડા પર કોઈ સ્ત્રી સ્વેત વસ્ત્રમાં બેઠી હતી. એક ક્ષણ તો બાલુદાદાને લાગ્યું કે મોંઘી બેઠી છે. પગમાં પાંખો ફૂટું ફૂટું થઇ રહી હતી. ચશ્માં સાફ કરી તાદ્રશ સ્વપન નિહાળવા અધીરા બન્યા. અને લાકડીને સહારો આપવા તૈયાર રહેવા આદેશ આપી દીધો. પરંતુ યાદદાસ્તે સાંકળ ખખડાવીને કહ્યું કે આ મોંઘી નથી. અને પગ થંભી ગયા. હતાશાઓ તો ઉપરના ગજવે જ હાથવગી હતી, તેને ડોકું કાઢ્યું.
ઓહ… આ મોંઘી કેમ નથી મારા ભગવાન? યાદ આવે છે આપને સીતાજીના અપહરણ વખતે આપની વિહ્વળતા? શા માટે તડપ આપો છો? આવા વિચાર સાથે બાલુદાદા એક લથડિયું આવી ગયું, પરંતુ બાજુનું વૃક્ષ સહારો આપવા દોડી આવ્યું.

ત્યાં એ બાનું ઊભા થઇ રહ્યા હતાં. અને બાલુદાદા તરફ આવી રહ્યા હતાં. થોડો સમય હતો તેમાં આંસુઓ અને હતાશાઓને સંતાડવાનો વ્યર્થ પ્રયાસ કર્યો.

મોંઘી જેવાં લગતા સન્નારી બોલ્યાં કે એકાંત હું પણ સાડીના છેડે બાંધીને રાખું છું. અને ડૂસકાઓ આ ચાવીઓના જુડાથી અળગા નથી થતાં. શું તમે આ પૂષ્પો, વૃક્ષો અને બાંકડાની સાથે મારી સાથે વાતો નહીં કરો? બાલુદાદાએ આકાશ તરફ નજર નાખી તો મોંઘી હકારમાં માથું ધુણાવી રહી હતી…!

લેખન : નરેન્દ્ર જોષી

ઓહ સુંદર લાગણીસભર વાર્તા. આપના વિચારો અને અભિપ્રાય કોમેન્ટમાં જણાવજો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,562 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + 7 =