नर्मदे सर्वदे ના સૂત્ર ને સાર્થક કરતી ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા નર્મદા ડેમે પણ આજે ઈતિહાસ સર્જી દીધો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવક થઇ છે અને આ કારણે નર્મદા ડેમની જળ સપાટી પહેલીવાર 131.20 મીટરે પહોંચ્યા બાદ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. પાણીની આવક વધતા ડેમના 10 દરવાજા ગુરુવારે મોડી વાગ્યે ખોલવામાં આવ્યા હતા. જ્યારે વહેલી સવારે કુલ 24 દરવાજા 0.92 સેમી ખોલાયા છે અને 6 લાખ ક્યૂસેક પાણી છોડાયું હતું. જોકે અત્યારે 8 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. અને ડેમના ઉપરવાસમાંથી 5.50 લાખ ક્યુસેકની આવક થઇ રહી છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદી કાંઠે અવર-જવર ન કરવા સૂચના આપવામાં આવી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નર્મદા ડેમની લીધી મુલાકાત.
આજે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કેવડીયા જઈ માતા નર્મદાના પાણી ના વધામણા કરી ડેમ ના દરવાજા ખોલ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે છેલ્લા ૨૦ વર્ષની મહેનતની કાર્યક્ષમતા હવે પુરવાર થઈ રહી છે. 1948માં સરદાર પટેલે જોયેલું સપનું હવે પૂરું થઈ રહ્યું છે, નર્મદા ડેમમાંથી થોડા રહેલા પાણીને નર્મદાની તમામ કેનાલ અને બ્રાન્ચ કેનાલમાં ઠાલવવામાં આવી રહ્યું છે. આ વધારાના પાણી થી સૌરાષ્ટ્રના ડેમો તેમજ ઉત્તર ગુજરાતના તળાવ ને પાણી થી ભરવામાં આવશે સરદાર સરોવર યોજના ખરેખર ગુજરાતના લોકો માટે આશીર્વાદ રૂપ પુરવાર થઇ ગઇ છે. નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા આજે રાજ્યના સીએમ ની સાથે સીએમ નીતિન પટેલે પણ ડેમની મુલાકાત લીધી હતી. અને સીએમની સૂચનાથી નર્મદા ડેમમાંથી 6 લાખથી વધારીને 8 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું.
કાંઠા વિસ્તારોમાં હાઇ એલર્ટની અને ક્લાસ વન શ્રેણીના 10 અધિકારીઓને તહેનાત કરાયા
પાણીની સપાટીમાં થઈ રહેલા સતત વધારાને કારણે ગઈ મોડીરાત્રે જ ભરૂચ અને નર્મદા જિલ્લાના ગામો ના નીચાણવાળા વિસ્તારોના લોકોને એલર્ટ કરી દેવાયા હતા. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદી કાંઠે અવર-જવર ન કરવા સૂચના આપવામાં આવી છે. ગુરુવારે મોડી સાંજે ડેમમાં 29,745 એમસીએમ પાણીનો જથ્થો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાણીની આવક વધતા નર્મદા ડેમમાંથી 8 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તેના કારણે કાંઠા વિસ્તારોમાં હાઇ એલર્ટની સ્થિતિ સર્જાઈ છે. તકેદારીના પગલાના ભાગરૂપે ક્લાસ વન શ્રેણીના 10 અધિકારીઓને કાંઠા વિસ્તારના 42 ગામોમાં કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે તહેનાત કરાયા છે. અધિકારીઓને સ્થાનિક મામલતદાર, સરપંચ, તલાટી તથા પોલીસ સાથે સંકલન સાધવા જણાવવામાં આવ્યું હતું. સાથે જ રાહત અને બચાવ કામગીરી માટે ટ્રેક્ટર, જેસીબી તૈયાર રખાયા હતા. નર્મદા જિલ્લામાં કાંઠા વિસ્તારના મોટાભાગના ગામો ઊંચાઈ પર આવેલા છે. તેમ છતાં પણ પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.
નર્મદા ડેમનો વધારાનું પાણી અન્ય જળાશયોમાં ભરવાની તક પ્રથમ વાર મળી છે. આ સાથે જ મુખ્યમંત્રી રૂપાણી એ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આગામી ૩૦ દિવસમાં સરકાર સરદાર સરોવર ડેમની 138 મીટરની મહત્તમ સપાટી સુધી પાણી ભરવાની તૈયારી કરી રહી છે. નર્મદા ડેમની સપાટી 131. 50 મીટરને પ્રથમવાર પાર કરી ગઇ છે. બંને મુખ્યમંત્રીની સાથે ગુજરાતના મુખ્ય સચિવ જે.એન.સિંઘ તથા નર્મદા યોજનાના વડા અધિકારી રાજીવ ગુપ્તા પણ સાથે જોડાયા હતા.દરમિયાનમાં મધ્યપ્રદેશ ના ઉપરવાસ માટે હજુ પણ પોણા બે લાખ ક્યુશેક વધારાના પાણીની આવક ચાલુ રહી છે. જેની સામે 90 હજાર ક્યુસેક પાણીનો જથ્થો છોડવામાં આવી રહ્યો છે.