૧. ફાનસ – ભારતીબેન ગોહિલ
ઘડિયાળનો કાંટો ચાર પર પહોંચતાની સાથે જ મોહનલાલ ઊઠ્યા. રાત્રે જ તૈયાર કરી રાખેલ ફાનસ હાથમાં લીધું ને નીકળી પડ્યા.
વર્ષોથી પોતાના હાથે જ ખોલ-બંધ કરેલ ફાટક જે હવે ઓટોમેટિક થયેલ હતું તેના પર હાથ મૂક્યો. ટ્રેન આવી પહોંચી. ટ્રેનનો લય-તાલ, ગંધ-સુગંધ, ભીડ-ખાલીપો કંઈ કેટલુંય શ્વાસમાં ભરી લીધું. ટ્રેન પસાર થઈ ગઈ. ને તે એકલા ઘડીક ઊભા રહ્યા. કોઈ ચહલપહલ ન જણાતા ચાલતા થયા.
ઘરમાં વાતચીત થઈ રહી હતી. વરસાદના દિવસો આવી રહ્યા છે. બાપુજી રોજ આમ કહ્યા વગર નીકળી જશે તો ?
બસ – પછી તો એક મજબૂત દરવાજો મૂકાઈ ગયો ને રાત્રે તેને તાળું. એક દિવસ, બીજો દિવસ ને ત્રીજો દિવસ. મોહનલાલ ઊઠે… હાથમાં ફાનસ લે ને દરવાજા સુધી જાય. નિરાશ થઈ પાછા સૂઈ જાય. બંધ દરવાજો ને બંધ ફાટક તેને માટે આકરા બંધન સમાન !
ચોથે દિવસે એ બધાં બંધન તોડી લાંબી સફરે નીકળી જ ગયા.
પરિવારજનોને ખિસ્સામાંથી એક ફોટો ને દીકરાને સંબોધીને લખેલી ચિઠ્ઠી મળ્યા.
‘બેટા ! વીસ વરસ પહેલા આવેલી ટ્રેનમાંથી તું એકલો ઊતરી ગયેલો. મને થાય કે કદાચ કોઈ શોધતું આવે એ ફાટકે. એટલે…’
હજી પેલું ફાનસ રોજ ફાટકે જાય છે… પણ ઉપાડનારા હાથ મોહનલાલના નથી !
૨. આબરુ – ધવલ સોની
સરપંચ ભવાનીસિંહે મૂછે તાવ દીધો એ જોઈને અમરસિંહ આછેરું મલકી ઉઠ્યો.
ગામના ચોરે શ્યામલી પથ્થરોના ઢગલા વચ્ચે છેલ્લા શ્વાસ ગણી રહી હતી. મધ્યપ્રદેશના આ અંતરિયાળ ગામના આદિવાસી લોકોને મન માણસના જીવ કરતાં ગામની આબરૂનું વધારે મહત્વ હતું.
પૂર્વજોના જમાનાથી દુશ્મન રહેલા પડોશી ગામના અશોક સાથે શ્યામલીની પ્રેમની બાતમી મળતાં અડધીરાતે આખું ગામ ભડકે બળ્યું હતું.
અમરસિંહે અશોકનું મૃત શરીર ફેંક્યુ અને ગામલોકો શ્યામલી પર પથ્થરો લઈ તૂટી વળ્યા, બસ એ જ રીતે જેમ થોડીવાર પહેલાં…
ગામવાસીઓ પર ફરી રહેલી શ્યામલીની આંખમાં પીડાએ છેલ્લી હાજરી આપી અને અમરસિંહનું અકળ સ્મિત વધુ રહસ્યમય બનતું ગયું.
૩. સિનજર કી રાતેં – ગોપાલ ખેતાણી
ઇ.સ. ૨૦૬૫ની સર્વોત્તમ ઈરાકી આત્મકથાનક ‘સિનજર કી રાતેં’માં સમીરા ધ્યાનમગ્ન બની ગઈ હતી.
“બેટા સમીરા, જમી લે દીકરા !” ધ્રુજતા અવાજે કહ્યું. “સમીરા, શું થયું છે ? બે દિવસથી તું ખાતી નથી, જો નાનીમા પણ ચિંતા કરે છે.”
વિચારે ચડેલી સમીરા બોલી, “આ ખરેખર સાચું છે ? આધુનિક જમાનામાં આવી ઘટના ? નાનીમા, મોમ, સિનજરમાં આટલી ક્રુર ઘટનાઓ ઘટી, એક સ્ત્રી સાત વાર વેચાઈ અને તેના પર…” આંસુ ધસી આવતાં અવાજ રુંધાઈ ગયો.
ટેબલ પર ભેંકાર શાંતિ પીરસાઈ. ધ્રુજતો અવાજ ફરી ધ્રુજ્યો, “ત્રણ દિવસથી ભૂખી માને એના એક વર્ષના બાળકનું માંસ પીરસાયું હતું. અને પેલી યઝીદ સ્ત્રી પર સાડત્રીસ વખત…”
સમીરા હેબતાઈ ગઈ, “આટલું ભયાનક ?”
“ભયાનક ? આ બધાંથી પણ ભયાનક હતી અમારી હયાતી. લાલિશનું પવિત્ર સરોવર કૃપા રાખે !” ટેબલ પર એક મેડલ રાખી ધ્રુજતો અવાજ ઊભો થયો. મેડલ પર અંકિત હતું, “સિનજર કી રાતેં, યઝીદ નૂર મોહમ્મદ !”
૪. ઓઢણી – મિત્તલ પટેલ
એનો ચહેરો જાણે ફૂલ ગુલાબી. દાદર ઊતરતાં એના પગની લયબદ્ધ થાપો જાણે સંગીતની સૂરાવલી રેલાવતી હતી. એને જોતાં જ મોહિતને પ્રથમ નજરવાળો પ્રેમ થઈ ગયો. એની ઝાંખા ગુલાબી રંગની લહેરાતી ઓઢણી મોહિતની ઘડિયાળની કડીમાં ભેરવાઈ ગઈ. ગળા પાસે હલકો ઝાટકો અનુભવતા એ અટકી. ધીમેથી પાછળ ફરીને જોયું. મોહિતની આંખમાં આંખ પરોવી એણે હાથ પકડ્યો. ધીમાધીમા મંદ પવનમાં લહેરાતા કેશ અને મીઠા સંગીત સાથે બંને એકબીજાને અવિરત જોતાં જ રહ્યાં… ક્યાંય સુધી.
“મમ્મી, આ લોકો ક્યારના એકબીજાને કેમ જોયા કરે છે ? એ લોકો શું કરે છે ?”
“ખબર નહિ બેટા, મારી ઓઢણી તો ક્યારેય નથી ભેરવાઈ.” કહી મેં ચેનલ બદલી નાખી.
૫. મુક્તિ જ સાચી ભક્તિ – ડૉ. નિલય પંડ્યા
“મુલાયમ પણ ગંદા પાટિયાંથી પાર્ટીશન પાડીને બનાવેલી ચાર ઓરડીઓ. આખો દિવસ દુર્ગંધ અને આ વિચિત્ર પ્રવાહીના હડસેલા ! શું આમાં જ આપણે આખી જિંદગી સડવું પડશે મોટા ભાઈ ?”
“બહાર કંઈક ખળભળાટ થતો લાગે છે. ચાલ નાનકા, તારી ભાભીનો હાથ પકડજે.” ત્રણે જણાં અંધારી ઓરડીઓ અને બે – ત્રણ ગટરની પાઇપ લાઇન જેવી ભૂંગળીઓ વટાવીને દોડ્યાં ! ખરેખર કંઈક ચીરાવાનો અવાજ આવતો હતો. ત્રણેના ચહેરા પર એક સ્મિત ફરક્યું. આ વખતે તો અહીંથી ભાગી છુટવામાં સફળતા મળશે જ, એ વિશ્વાસ સાથે ત્રણે આગળ વધ્યા.
હા, એ મુખ્ય દિવાલ ચીરાઈ રહી હતી. ધીમેધીમે ફાટ મોટી થઈ રહી હતી. પોતાની મુક્તિની ચાડી ખાતો સૂર્યપ્રકાશ પણ આ અંધારિયા ખૂણાઓને પ્રકાશી રહ્યો હતો ! ત્રણે જણાં ખૂલ્લી થયેલી ફાટની નજીક પહોંચ્યાં. કૂદવાની તૈયારીમાં જ હતાં કે અચાનક એક વિકરાળ પંજાનાં આંગળાઓએ નવી જ ખૂલેલી ફાટને ઢાંકી દીધી !
ત્રણે માત્ર એક નાનકડી તિરાડમાંથી બહાર નજર જ કરી શક્યાં. બહાર આજે પણ એક ભક્ત ઊભો હતો, જે આ સાધુએ ચીરેલી છાતીમાં રામ-લક્ષ્મણ-સીતાનાં દર્શન કરવા મથી રહ્યો હતો ! પણ આ ભક્તની આંખોમાં તરત કંઈક ચમકારો થયો. કદાચ તેણે છાતીમાં કેદ પ્રભુની આગળ જડાયેલાં સાધુના હાથરૂપી જેલનાં સળિયા પણ જોઈ લીધા હતા ! છાતી ફરી બંધ થઈ ગઈ. બાજુના ઝાડ પર અધીરું બનેલું એક વાંદરું પણ નિરાશા સાથે બીજી તકની રાહ જોવા લાગ્યું !
૬. બહારવટું – હેતલ પરમાર
ગાયોનું ધણ વાળવા આવેલ ખીમજીના વાવડ મળ્યાં ને એભલભાએ બત્રીસ પૂતળીનો ખેલ અધૂરો છોડી; પોતાની મૂંછો પર તાવ દેતા દોટ્ય મેલી.
“નાલાયક, અંધારી રાતમાં મારી રૈયતને લૂંટવા આયવો સ, હરામી.”
એ અંધકારનો ફાયદો ઉઠાવી ખીમજીએ ભાના વાંહામાં ખંજર હૂલાવવાનો પ્રયાસ કર્યો, પણ ત્યાં જ એની પીઠ પર સરસરતું ખંજર ભોંકાયું. ખંજર જોઈને ભા સમજી ગયા, “જોરાવરસિંહ…?”
“ભા, તમ હાલો; હું ગા’ લઈને આવું સું.” ને પાણીના રેલાની જેમ જોરાવરસિંહ ફતેહ કરી; મોઢે બુકાની બાંધી પરત ફર્યા ને બોલ્યા, “ભા, તમારી રૈયત પર આંખ ઊંસી કરનારની આંખ્યું કાઢી લઈશ.” ને એભલભાને વરસો પહેલાંના પોતાના વચન યાદ આવ્યા, ‘રૈયતનાં રખોપાની તન હુ ખબર બહારવટીયા, તું જા તારા રસ્તે.’
“જોરાવરસિંહ, આજે હમજાયું, આપણ બેય રૈયતના રખેવાળ; વરહોનાં વ્હાણા વાયા ભાઈબંધ, હવે તો ભેટી જા.”
૭. પ્રકરણ – સંજય ગુંદલાવકર
યેનકેણ પ્રકારેણ ધાડસ કરીને અભયે ત્રણ મેજિકલ શબ્દો કહી દીધા. દિલના ધબકારા વધ્યા. પસીનો છૂટવા લાગ્યો. એ શું બોલતી હતી એ પણ માથા ઉપરથી જાતું હતું. છેલ્લે એટલું જ સાંભળી શક્યો. “તું મળવા આવ તો ખરો…” ને ફોન કપાઈ ગયો. હવે…?
યેનકેણ પ્રકારેણ નીતાએ પોતાને જાળવી. રસોઈ પતાવીને પતિને રવાના કર્યો. અભય ફોન કરી આવો કંઈ બકવાસ કરશે, એવી કલ્પના ય કરી ન શકાય. એના મનમાં આવો વિચાર આવ્યો ક્યાંથી ? એ પણ મારા વિશે ? શું હું…? ના… ના… એ શાક લેવાને બહાને ઘર બહાર નીકળી.
યેનકેણ પ્રકારેણ અભયે પોતાને સાચવ્યો. ‘મળવા આવ તો ખરો…’ આને ધમકી સમજવું કે આમંત્રણ ? ગડમથલમાં એટલું સમજ્યો કે તીર કમાનથી નીકળી ગયું. હવે કમાન અને જબાન બેય સાચવવા પડશે.
યેનકેણ પ્રકારેણ બેયને સામસામે ગોઠવીને નીતાનો પતિ બેઠો. કેમિકલ લોચાવાળા અભયની મેજિકલ પત્નીની રાહ જોવાઈ રહી છે. ચાય ઠરી ગઈ. ધબકારા સતત વધી રહ્યા.
૮. કમનસીબ ક્ષણ – સરલા સુતરિયા
ભીતર તડાક દઈને કશુંક તૂટ્યું હતું. લીલાછમ સપનાની ડાળીએ ઝૂલતી સીમા અચાનક જ વાસ્તવિકતાની કઠોર ભૂમિ પર આવી પડી હતી. એની બહાવરી આંખો ચારે બાજુ ફરી વળી. બધુંય જેમનું તેમ હતું, વ્યવસ્થિત ગોઠવાયેલું. ક્યાંય કશુંય બદલાયું ન હતું. બસ એના નસીબ અને ચાદરની સળ સિવાય !
તકિયાને ટેકે પીઠ ટેકવી બંધ આંખે એ થોડીક મિનિટો પહેલાં વીતી ગયેલી ક્ષણોને ફરી જીવી રહી.
“આજ મારી સાથે લોંગ ડ્રાઈવ પર આવીશ ?” સમીરનો અવાજ એના કાનમાં પડઘાયો ને એણે બંને હથેળીથી કાન દાબી દીધાં. એ ક્ષણની લાલસાને એણે ફગાવી દીધી હોત તો !
લોંગ ડ્રાઈવની ઉતેજના એના એકાંત રૂમમાં આવી પડઘાઈ હતી. ઈજન આપતી નજરમાં એને સ્વર્ગનું સુખ લાગ્યું હતું. એકમેકમાં ઓગળતા બે શરીરો મર્યાદાની અંતિમ સીમા લાંઘે એ પહેલા એનું સત્વ જાગી ઊઠ્યું ને એણે સમીરને ધક્કો મારી દીધો. ઉતેજનાથી હાંફતો સમીર એને પકડવા ધસ્યો પણ સીમાએ પોતાને બાથરૂમમાં કેદ કરી બચાવી લીધી. નાકામ કોશિશોથી થાકી આખરે સમીર ખાસ ગોઠવેલા પોતાના મોબાઈલને લઈ ચાલ્યો ગયો.
સમીરના જવાની ખાત્રી થતાં તેણે બાથરૂમમાં શાવર ચાલુ કર્યો. શાવર નીચે ઊભેલી સીમા પોતાના અંગે અંગ પર ઉપસી આવેલા ચકામાને નફરતથી તાકી રહી, ત્યાં જ એના મોબાઈલમાં સમીર માટે ખાસ ગોઠવેલી રિંગ વાગી.
૯. કળિયુગ – હિરલ કોટડીયા
અરે! નિરવ તું ?”
મને અચાનક વહેલો આવેલો જોઈને મારો ભોળો મિત્ર ઝંખવાઈ ગયો. અને પેલી રસોડાના પાછળના બારણેથી બહાર નીકળી ગઈ અને મારા પલંગ પર પડેલી સળો જાણે મેં હમણાં જ કવિસંમેલનમાં ગાયેલો ગની દહીંવાલાનો શેર મને જ સંભળાવતી હતી…
“તમે રાજરાણીના ચીર સમ અમે રંક નારની ચૂંદડી,
તમે બેઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.”
ગુલાબનું ફૂલ અને છરી મારા ખિસ્સામાં જ રહી ગયાં. પલંગની એ ભોળી સળો સામે જોઇને મેં કાતિલ સ્મિત કર્યું.
૧૦. સણકો – નિમિષ વોરા
સેના નિવૃત યશપાલ છેલ્લા ત્રણ વર્ષથી હરરોજ આંખોમાં આશા લઈ હોસ્પિટલના પગથિયાં ચડે અને સાંજે નિરાશ થઈ પાછા વળે.
રોજ પત્નીની આંખોમાં રહેલા ભાવ તેને જાણીને જ વાંચવા નહોતા, દીકરાએ મા ની સામું જોઈ નિર્ણય લેવાની કેટલીય આજીજીઓ કરી છતાં માન્યા નહિ.
એક દિવસ વહેલી સવારે હોસ્પિટલ પહોંચતા જ પત્નીની ઈચ્છા મૃત્યુના ફોર્મ પર લાઈફ સપોર્ટ સિસ્ટમ હટાવી લેવા સહી કરી પત્નીને માથે હાથ ફેરવતા તેની બાજુમાં બેસી રહ્યા. કાલ રાતથી શરૂ થયેલો દાઢનો દુખાવો વધુ એક સણકો આપતો ગયો.
સૌજન્ય : સર્જન માઈક્રોફિક્શન ગ્રુપ
તમને કઈ વાર્તા પસંદ આવી કોમેન્ટમાં જણાવો.