આજે એની આંખોમાં એ સળવળાટ દેખાયો છે, લાગણીસભર નાનકડી વાર્તાઓ…

૧. વિકલાંગ કોણ ? – રેખા સોલંકી

હોસ્પિટલનાં કમ્પાઉન્ડમાં જ રહેતી અને સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતી એ માએ પોતાની દીકરીને શીખવેલ અણગમતા સ્પર્શની પદ્ધતિ કામ લાગી. ઓરમાન બાપથી ડરતી, કંપતી માની સોડમાં ભરાઈ ગયેલી ભીરું દીકરીની આંખોએ કંઈક અઘટિત ઘટનાની મૌન ચાડી કરી.
બાવીસ બાવીસ વરસ સુધી આકરા તપ જેમ જેની ચાકરી કરી, ઘરપરિવાર સામે ઝઝૂમીને, જિંદગીની તમામ ખુશી જેના એક સ્મિત પર કુરબાન કરી એ વ્હાલસોયી દીકરીને આજે એણે ગળે લગાડી, કપાળે ચૂમી ભરી હળવેકથી સુવાડી અને દીકરીની લાળથી ખરડાયેલા હાથ છેલ્લીવાર ધોયા અને એ સાથે જ હોસ્પિટલની બહાર ઊભેલું કૂતરું જોરથી રડ્યું..

૨. હાજીપીરનો હુકમ – શૈલેષ પંડ્યા૧

“તૈણ તૈણ વરહથી વરસાદનો એક છાંટો નથ પડ્યો, સા’બ…” કડવાશથી બોલાયેલા શબ્દોએ મારી ભીતર પણ કડવાશ ભરી દીધી. મારી આંખોમાં રણની રેતી જેવું કંઈક ખૂંચ્યું. મેં નજર ફેરવી, સામે ઊંટોના બે પગ વચ્ચે દેખાતી ક્ષિતિજમાં સૂરજ ડૂબવાની તૈયારીમાં હતો.
મેં લીમડાના ઝાડ નીચે ઢોલિયો ઢાળ્યો. અફાટ રણ વચ્ચે જાણે કે બે જ લીલા, એક હું ને બીજો લીમડો.
સળગતા સૂર્યનું ચોસલું ધીમેધીમે બહાર આવી રહ્યું હતું. પાણીના રેલાની જેમ રેતી મારી તરફ એ ધસમસે છે. આંખોમાં રેતી અંજાઈ. મારી ભીતર અફાટ રણ વિસ્તર્યું. યુગોથી તરસ્યું રણ જાગી ગયું છે, મારી પાંગતે આવીને મારી ભીતરી ભીનાશને લાંબી જીભથી ચસચસ ચૂસી રહ્યું છે. સામે લીમડો પણ કાળઝાળ રેતીથી ઢંકાઈ ગયો. મેં હાથ ઊંચો કર્યો, ઓહ..! મારો હાથ રેતીની જેમ ખરી ગયો, પગ.. એ પણ… ઓહ… કેટલાક કાંટાળા થોર… મારી તરફ…

લીમડાની બધી લીલોતરી ચૂસાઈ ગઈ… હવે મારો વારો… હું ચીસ પાડવા જાઉં છું… પણ ગળામાં જાણે કે રણનો ટુકડો અટવાયો હોય એમ અવાજ રૂંધાયો… ચારે તરફ નિર્જીવતા, નિસ્તબ્ધતા, ઘેરી ભયાનકતા; અને આ બધાની વચ્ચે પણ ભયાનક હતી અમારી હયાતી, હું અને ખોખા જેવો થયેલો લીમડો, અમે રેતી થઇ ખરવા લાગ્યા.

‘પણ મારે… મારે તો જીવવુ’તું.’ મેં સામે દેખાતી હાજીપીરની દરગાહ તરફ યાચક દ્રષ્ટિ ફેંકી.
હાજીપીરની દરગાહ તરફ જતા ટોળા વચ્ચે મેં એને જોઈ.. હા.. હા.. એ …એજ હતી! ભીનીભીની હેતની હેલી જેવી મારી વર્ષા અને મારામાં ભીનાશ આવી, હું ભીંજાતો રહ્યો.

૩. અજ્ઞાત પ્રેમ –મીરા જોશી

પત્ર મનીયાને પોસ્ટમાં નાખવા આપતાં જ ડેલી પર ઊભેલા અજીત સાથે એની નજર મળી.
‘હું તમને વાળું દઈ દઉં.’ – કમરે બાંધેલા પાલવને છોડતા અનંતાએ કહ્યું.
‘હા….’
‘રોટલી આપું?’
‘ના’ – એક શબ્દમાં જવાબ. ફરી રોજ જેવી વાસી શાંતિ.
પથારીમાં પડ્યા પડ્યા અજીત અનંતાના ચહેરાને જોઈ રહ્યો. એના સાડલાની સુગંધથી ખેંચાઈને નજીક આવવા ગયો. પણ..
ઊભો થયો, ને ગામના રખડું રસ્તાને ચીરતો ટપાલપેટી પર પહોંચ્યો.
**
‘અનંત, આપણી સુખદ સ્મૃતિ પર વિરહનો સમય ધૂળની જેમ છવાયો છે. તારા જવાબથી મનને આધાર મળે છે… પણ આંખોને તારી હજુયે વાટ છે. – તને ઝંખતી અનંતા.’
પત્ર વાંચ્યા બાદ અજીતે જેમ હતો તેમ પેટીમાં નાખી દીધો.
બે દિવસ બાદ અનંતાને એક પત્ર મળ્યો. પત્રનું ઠેકાણું, અક્ષરો બધું જ એને ચોંકાવી ગયું. અનંતના નામથી આવેલા અન્ય પત્રો એણે જોયા ને બધો જ તાગ પામી ગઈ.
અનંતાએ પત્ર પતિને આપ્યો.
ફાટી આંખે અજીત પત્ર વાંચતો રહ્યો.
‘અનુ, શું લખું તને, આટલા વર્ષ બાદ. એક ક્ષણ તને ભૂલ્યો નથી. તારો જ અનંત.’
અનંતાની વહેતી આંખોમાં પોતાની ચાલાકીનું રહસ્ય પીગળી ગયું હતું. સાત વર્ષથી પોતે જ અનંતના નામથી એ પત્રોનો જવાબ આપતો હતો. કારણ, જેને એની પત્ની ચાહતી હતી એ અનંત ક્યાં હતો.. એ કોઈને નહોતી ખબર. ને આજે અચાનક અનંતનો પત્ર..
એકાએક અનંતાએ અજીતના હાથમાંથી પત્ર લઈ ફાડી નાખ્યો. ને એને વળગી પડી.

૪.માણહ જાત! – સ્વાતિ શાહ૪

ધીરેથી હોસ્પીટલની બહાર કચરાપેટીમાં એ ફેંકાયું ને એ જોઈ પાસે ઊભેલું કૂતરું જોરથી રડ્યું. તેને જોઈ ભૂરી પૂંછડી પટપટાવતી બોલી, “કાળીયા, આમાં પોક હું મૂકસ… આ માણહ જાતના કરમ ભૂંડા, ને પાસા આપણને લાકડીયે લેય સે. મુઆવનું નખોદ જાય ! છોડી જનમતાંવેંત એને હડકવા થાય સે. મારે ચાર ધાવેસ તી આ પાંચમી, આનેય ધવડાવીશ. લાય એને કચરામાંથી બા’રો કાઢ.”
“કપડાય નથ ને ભૂખની રોવે સે. આ આંસળ દઉં એના મોઢામાં, એલી બસ કર હવે રડવાનું, તમારી માણહ જાતના કરમ પર આટલા જોરથી રોઈશ તો આખો જન્મારો રોતી જ રૈ’શ.” ને એણે પોતાનું આંચળ એના મોંમા મૂકી દીધું.

૫. જીવતેજીવ – વિભાવન મહેતા

સ્કૂલમાં પણ બધા રમેશને તાબોટા પાડીપાડીને ચીડવતા. રમેશ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ એની લઘુતાગ્રંથિ પણ વધતી ચાલી. રમેશની મા એનાં લગ્ન ગરીબ કુટુંબની મંજુલા સાથે કરાવી સ્વર્ગે સિધાવી. રમેશના મોટાભાઈ વિધુર હતા. ઘરમાં મંજુલાના આવ્યા પછી એમની આંખોની ચમક છાની ન રહી. જતાં આવતાં એ મંજુલાને અડપલાં કર્યા કરતા. રમેશ ઓસરીમાં બેઠો બેઠો જોયા કરતો.
એ મોડી રાતે પોલીસની જીપ આવી અને ઇન્સ્પેક્ટર ઓસરીમાં એની પાસે આવી ઊભો રહ્યો ત્યારે રમેશ દિવસભરની ઘટના મનમાં વાગોળ્યા કરતો હતો. બપોરે મંજુલા મેડા પરથી ઉતરી ત્યારે રમેશે એની સફેદ સાડી પર લાલ છાંટા જોયા… ને પોતાની જાત પર હસ્યો. એણે રાહ જોઈ પણ દરવખતની જેમ મોટાભાઈ નીચે નહોતા ઉતર્યા. રાતે જમવાટાણે પણ નહીં. એ સૂવાટાણે મેડા પર ગયો ત્યારે એણે મોટાભાઈને લોહીથી લથપથ પથારીમાં ચત્તાપાટ પડેલા જોયા હતા, છાતીની વચ્ચોવચ્ચ ખંજર ખૂંપેલું હતું. પાછળ પાછળ મંજુલા પણ ઉપર આવી હતી ને કેવી સિફતથી એણે ખંજરનો હાથો પોતાની સફેદ સાડીના પાલવથી લૂછી નાંખ્યો હતો અને પછી રમેશના જમણા હાથમાં પકડાવી દીધો હતો. પછી એ સડસડાટ રમેશનો હાથ પકડી મેડા પરથી નીચે ઉતરી ગઈ હતી, ઉપર જવાનું બારણું બંધ કરી, કપડાં બદલી એણે ફોન કર્યો હતો.
ઈન્સ્પેક્ટર આવ્યો ત્યારે રમેશ વિચારતો હતો કે મંજુલાએ એના જીવતેજીવત સફેદ સાડી કેમ પહેરી હતી?

૬. એક્ટિવામાં ટ્રેક્ટરનું ટાયર – ધર્મેશ ગાંધી

“તદ્દન બબુચક છે. આમ એક્ટિવામાં તે વળી કંઈ ટ્રેક્ટરનું ટાયર ફિટ થતું હશે ? બેમાંથી એકેય ગાડી સીધી નહિ ચાલે.” દીકરાનો પ્રયોગ જોઈ પિતાએ પિત્તો ગુમાવ્યો, “ભણ્યો પણ ગણ્યો નહિ, તે આનું નામ.. જરાયે ગતાગમ કે અનુભવ નથી. કોથળા ભરીને રૂપિયા ખર્ચ્યા, તને મિકેનીકલ એન્જિનિયર બનાવવા, ને તું?”
“ડેડ, તો પેલી બુલડોઝરને મારા ગળે શું કામ બાંધો છો? માત્ર ઑડીની અપેક્ષાથી?”
“તમને તો ડેડ, ગતાગમ અને અનુભવ બંને છે, હેં ને?”

૭. ગરમાળો – નીવારોઝીન રાજકુમાર

“શું યાર, રોજ આ થપેડા કરવાનાં! કંટાળો નથી આવતો?”
તેલ રગડી રગડી સફેદ ચુના જેવા મેકઅપનો થર અને નાકનું લાલ ટેચકું સાફ કરી રહેલા જનકને જોઈ રઘુ બોલી ઉઠ્યો. લાલ વાળની વિગ, આખી બાંય પર લાલ આડા લીટાવાળો પીળોપચ ડ્રેસ એને કાયમ થોડો અડવો લાગતો.
જવાબમાં હાથમાં રહેલા રૂનો એના પર ઘા કરતાં જનક બોલી ઉઠ્યો, “મારી જિંદગીનો એક દિવસ જીવીજો… મજા આવશે…”
“મને તો એક જગ્યાએ રહેવાનો કંટાળો આવે.”
“મારી આજુબાજુ તો રોજેરોજ આખી દુનિયા આવી જાય છે. નવી નોકરીઓ શોધીને તું થાકી નથી જતો? જ્યારે મારે તો ભરપેટ ખાવા માટે ભરપેટ ખાવા આવતા લોકો સાથે ફોટો જ પડાવવાનો હોય છે. લોકોને હસાવવા, મસ્તી કરવી એ પુણ્યનું કામ છે. અડધી રાતે ઘરે જઈ ઊંઘતા બાળકોને જોઉં છું ત્યારે એ આનંદ બેવડાઈ જાય છે. બોલ, કાલે પહેરવો છે આ મારો ગરમાળો ?”
“તું તો આનંદી કાગડો છે.” રઘુના અવાજમાં પ્રશંસા હતી. અને જનકે હળવેથી ડ્રેસપરરહેલા m પર હાથ પ્રસરાવી લીધો.

૮. બળાપો – જાહ્નવી અંતાણી

‘તું મારી સાથે આવું કેમ કરે છે? સમજતો કેમ નથી? હું સહેજ આગળ વધું, તું નીચે ઉતારી પાડે; હું જરાક ખુશ થાઉં, તેમાં તું ખૂંચ કાઢે. મારે શું કરવું? તને મારી જરાય દયા નથી આવતી?’ સ્વગત બબડતો સુદેશ હાથમાં ટુવાલ લઈ નાહવા ચાલ્યો. નાહતાં નાહતાં ફરી દિમાગ ચકરાવે ચઢી ગયું, ‘હમણાંની જ વાત છે, મોટું ઘર લેવા માટે લોન પેપર ફાઇનલ કર્યા તેમાં દીકરાએ પરદેશ ભણવા જવાની ફરમાઇશ કરી; દીકરી યુવાનીના ઉંબરે ઊભી જ છે અને એ… હું એકલો કેટલે ઠેકાણે પહોંચું ? તું કાયમ કેમ આવું કરે છે ?’
એ બળાપા કાઢતો હતો ત્યાં જ એક અવાજ પડઘાયો, ‘કારણ કેહું સમય છું.’ અને સુદેશ ગીઝરના ગરમ પાણીના ફુવારાથી દાઝી ગયો.
દીકરી બારણું ધડધડાવતી કહી રહી હતી, “પપ્પા, તમારા માટે અર્જન્ટ ફોન છે, જલ્દી બહાર આવો.”

૯. ઈશ્વર કૃપા –પાર્મી દેસાઈ

આજે નારી સંરક્ષણ ગૃહમાં એક સાથે બે સામાજિક સંસ્થાના સફળ સંચાલન બદલ પુરુષોત્તમભાઈનું બહુમાન કરાયું.
“ફૂલ નહીં ને ફૂલની પાંખંડી…” એમ કહી તેમણે બે-ચાર શબ્દો ઉચ્ચાર્યા, એમની આંખોમાં રંગીન ફૂલોની રંગત દેખાઈ આવી.
“મારું મુખ્ય કામ તો નારી સંરક્ષણગૃહને વ્યવસ્થિત રીતે સંભાળી આપ સૌની સંભાળ લેવાનું જ છે… પણ ઈશ્વર કૃપાથી અનાથ આશ્રમના સંચાલનની પણ શક્તિ મળી રહે છે.”

૧૦. નો છાપું, નો ટી.વી. – નીલમ દોશી

સમાચાર પર નજર પડતા જ રાધિકાએ છાપાનો ડૂચો વાળી માળિયા પર ઘા કર્યો. રહીમ બ્રશ કરીને આવ્યો, રોજની જેમ બંને સાથે ચા પીવા બેઠા. ચાનો કપ લેતા રહીમે પૂછયું, “છાપું ક્યાં?”
“ખબર નહીં… આજે છાપાવાળો દેખાયો જ નથી.”
”રવિવારે છાપું ન આવે એ કેમ ચાલે? એની વે, હું નાકા પર જઇને લેતો આવું.”
”રહેવા દે, આવી જશે… એક દિવસ ન વાંચે તો નહીં ચાલે ? આજે કોઈ રૂટિન કામ નહીં.. નો છાપું… નથિંગ.” રાધિકાએ કહ્યું. “ઓ.કે.. ચાલ.. જરા ટી.વી જોઇએ બસ ?” રહીમ ટી.વી. ચાલુ કરવા ઊભો થયો, “રિમોટ ક્યાં?”
“ખબર નહીં… ક્યાંક આડુંઅવળું મૂકાઈ ગયું હશે. પણ જવા દે… આજે નો ટી.વી., નો રૂટિન.. બસ તું અને હું.”
“ઓ.કે. મેડમ, એઝ યૂ પ્લીઝ..”
ફોન રણક્યો, રહીમે ઉપાડ્યો, “ના.. છાપું નથી જોયું, કંઇ ખાસ ?” સામે છેડેથી શહેરમાં ફાટી નીકળેલા હિંદુ મુસ્લીમ રમખાણના સમાચાર સાંભળતા રહીમ સ્તબ્ધ… નિ:શ્વાસ સાથે એણે ફોન મૂક્યો. પાછળ ફર્યો, રાધિકાની ભીની આંખની લિપિ ઉકેલી રહ્યો. રાધિકાએ તેને ખભે માથું ઢાળી દીધું. રહીમનો હાથ હેતથી પસવારતો રહ્યો. બંને એકમેકના ધબકારા સાંભળી રહ્યાં, “તારી વાત સાચી છે રાધિ… આજે નો છાપું… નો ટી.વી…”
અને ત્યાં ફોન ફરી રણક્યો, અમંગળની આશંકાએ ભીતરમાં ખળભળાટ… ધ્રૂજતા હાથે રહીમે ફોન ઉપાડયો.

સૌજન્ય : સર્જન માઈક્રોફિક્શન ગ્રુપ

આપને કઈ વાર્તા પસંદ આવી જણાવો.

Comments

comments


3,680 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 7 = 13