ઘરની સાફ-સફાઈનું ધ્યાન સૌ કોઈ રાખે છે. આપણામાંથી મોટાભાગના લોકો ઘરમાં વિવિધ મશીનોનો ઉપયોગ કરતાં હોય છે. જેમ કે કપડા ધોવાનું મશીન, ડીશ વોશર, ફ્રીઝ વગેરે જેવા ઉપકરણો દરેકના ઘરમાં હોય જ છે. પરંતુ એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે ઘરને ચકાચક રાખતાં લોકો આ ઉપયોગી ઉપકરણોની સફાઈનું ધ્યાન રાખતાં નથી.
રોજિંદા જીવનમાં અતિઉપયોગી અને આવશ્યક બની ગયેલા આ ઉપકરણોની સાફ સફાઈ પણ ખૂબ જરૂરી હોય છે. જો આ ઉપકરણો યોગ્ય સમયે સાફ કરવામાં ન આવે તો તેમાં જે કિટાણું ઉત્પન્ન થાય છે તેનાથી સ્વાસ્થ્ય પર અસર પડે છે. ખરાબ ઉપકરણ ભોજનને ખરાબ કરે છે અને તેનાથી પેટમાં પણ કિટાણુ જાય છે જેનાથી શરીરને ઈન્ફેકશન લાગી શકે છે. તો ચાલો આજે જાણો કે આવા ઉપકરણો સાફ કરવામાં ન આવે તો કેવાં જોખમ ઊભાં થઈ શકે છે.
ફ્રિઝ
ફ્રિઝની સફાઈનું ધ્યાન રાખવામાં ન આવે તો તેમાં રાખેલા ભોજનમાં લિસ્ટરિયા, સાલ્મોનેલા જેવા બેક્ટેરીયા જન્મે છે અને તે પેટના રોગનું કારણ બને છે. ફ્રીઝમાં સૌથી વધારે બેક્ટેરિયા શાકભાજી રાખવાની જગ્યામાં ઉત્પન્ન થઈ શકે છે. ફ્રીઝની સફાઈ મહિનામાં એકવાર જરૂર કરવી જોઈએ અને તેમાં પણ ખાસ તો શાકભાજી અને અન્ય ખાદ્ય સામગ્રી રખાતી હોય તે જગ્યાની સફાઈ કરવી.
ઘરમાં કપડા ધોવાનું મશીન હોવું તે હવે સામાન્ય વાત થઈ ગઈ છે. વોશિંગ મશીનમાં પણ સ્ટેફિલોકોકસ ઓરિયસ જેવા બેક્ટેરિયા જન્મે છે જે કપડાના માધ્યમથી શરીરના સંપર્કમાં આવે છે અને તેનાથી ત્વચામાં બળતરા, ફંગશ તેમજ અન્ય ત્વચા સંબંધિત રોગ થઈ શકે છે. આ બીમારી ક્યારેક ગંભીર સ્વરૂપ પણ ધારણ કરી લે છે.
ખાદ્ય પદાર્થોમાંથી બેક્ટેરિયાને વિકસિત થવાનું પોષણ મળે છે. માઈક્રોવેવના ઉપયોગથી આપણે સરળતાથી ભોજન ગરમ કરી શકીએ છીએ પરંતુ જો લાંબા સમય સુધી તેને સાફ કર્યા વિના તેનોઉપયોગ કરવામાં આવે તો બેક્ટેરિયા જન્મે છે અને તે આપણાં શરીરને નબળું અને બીમાર કરી શકે છે.
ઘરમાં જે ઉપકરણોનો ઉપયોગ થતો હોય છે તેની સાફ સફાઈની ખાસ તકેદારી રાખવી. આ વસ્તુઓ સાફ કરવા માટે હુંફાળા પાણી અને લીંબુનો ઉપયોગ કરવો જોઈએ. લીંબુના ઉપયોગથી બેક્ટેરિયાનો નાશ થાય છે. માઈક્રોવેવનો જ્યારે પણ ઉપયોગ કરો તો તે ઠંડું થાય ત્યારબાદ જ તેને બંધ કરવું. જો ગરમ માઈક્રોવેવને બંધ કરવામાં આવે તો તેમાં ભેજ આવે છે અને તેના કારણે બેક્ટેરિયા જન્મે છે.
લેખન સંકલન : અશ્વિની ઠક્કર
બીજા મિત્રો સુધી પણ આ માહિતી પહોંચતી કરો.