શું લગ્ન પછી એ પુરુષને બધા જ હક મળી જાય, લાગણીસભર કરુણ વાર્તા…

આજે હોસ્પિટલમાંથી માનસીને ડિસ્ચાર્જ કરશે. અમોલ ઓફિસ પછી એને લેવા આવી પહોંચશે. અમોલનું આખું પરિવાર સવારેજ એને મળવા આવ્યું હતું. માનસીની તબિયતમાં સુધારો જોઈ બધાએ હાશકારો લીધો હતો. જયારે હોસ્પિટલમાં એની ભરતી થઈ હતી ત્યારે તો અશક્તિ અને નબળાઈ ચરમસીમાએ હતી. નબળું શરીર ચાલી શકવા પણ સક્ષમ ન  હતું. ગાયનેકોલોજિસ્ટની તપાસમાં શરીરમાં લોહીની કમી તારવવામાં આવી હતી. લગ્ન પહેલાની તંદુરુસ્ત અને હૃષ્ટપૃષ્ટ માનસી  આમ અચાનક લગ્ન પછી ‘એનેમિક’ કઈ રીતે થઈ ગઈ એની ચિંતા માનસીના માતા-પિતાને આશ્ચર્યમાં ડુબાડી રહી હતી.

લગ્નને એક વર્ષ થવા આવ્યો હતો. અમોલ તો માનસીને અનન્ય પ્રેમ કરતો હતો. એની માનસી પ્રત્યેની કાળજી અને માવજત એના સજ્જન વ્યવહારમાં સાફ છલકાતી હતી. થોડા કલાકો માટે પણ માતાપિતાને મળવા આવતી માનસીને અમોલનાં કોલ સતત આવ્યા કરતા. થોડા કલાકોની અસહ્ય જુદાઈ બાદ કેવો  તરતજ માનસીને ઘરે લઈ જવા પહોંચી જતો. ઓફિસેથી ઘરે અને ઘરેથી ઓફિસ. કોઈ  મિત્રોના મોટા ટોળાઓ નહીં. રાત્રે નિયમિત ઘરે પહોંચી રહેવાની સુટેવ. સમાજમાં સારો એવો માનમોભો. આર્થિક સધ્ધરતા. અઠવાડિયાને અંતે માનસી જોડે ડિનર, શોપિંગ કે ફરવાના નિશ્ચિત કાર્યક્રમો.  એની સંસ્કારી ભાષાથી  લઈ એનો નમ્ર, શાંત સ્વભાવ. દરેક રીતે ગર્વ લઈ શકાય એવો જમાઈ.
અમોલના પરિવારના દરેક સભ્ય પણ માનસીને અનન્ય પ્રેમ અને માન સન્માન આપતાં હતાં. એક વહુને , એક ભાભીને મળવા જોઈએ એ તમામ અધિકારો અને હક માનસીને સહ આદર મળી રહ્યાં હતાં. એની ફરજપૂર્તિ માટે એની ઉપર કોઈ પણ પ્રકારના દબાણ કે નિયમો લાદવામાં આવ્યા ન હતા. સંપૂર્ણ રીતે એ એનું પોતાનુંજ ઘર છે એવું વાતાવરણ માનસી માટે રચવા પરિવારના તમામ સભ્યો સહર્ષ પોતપોતાનો ભાગ ભજવી રહ્યાં હતાં. માનસીના માતા-પિતાને પોતાની દીકરીને સુરક્ષિત હાથોમાં સોંપ્યાનો અનેરો સંતોષ હતો. આજના સમયમાં દીકરીઓને આવું સભ્ય અને સંસ્કારી ઘર મળી રહે એ તો સદ્દભાગ્યજ કહેવાય !

 

લગ્ન પછીના જીવન પરિવર્તનો અને બદલાયેલી રહેણીકરણીની અસર માનસીના  મન અને શરીરને થકાવી રહી હતી. લગ્ન પછીના શારીરિક, માનસિક અને હોર્મોન્સના બદલાવો દરેક યુવતીના જીવનને જુદી જુદી રીતે સ્પર્શતા હોય છે. સ્વભાવગત માનવીય ફેરફારો દરેક વ્યક્તિના જીવનની ભિન્ન ક્રિયા – પ્રતિક્રિયા માટે જવાબદાર હોય છે. માનસીનું અતિ સંવેદનશીલ અને અંતર્મુખી અંતરજગત હજી જીવનના નવા ફેરફારો સામે ઝઝૂમી રહ્યું હતું. ધીરે – ધીરે સૌ ઠીક થઈ રહેશે. માનસીના  માતાપિતાએ એક સમાન સાંત્વનાની અદલાબદલી કરી લીધી હતી.

અઠવાડિયા સુધી બન્ને એકની એક વ્હાલી દીકરીની પડખે ઊભા પગે હતાં. લોહીની કેટલી બધી બોટલો એક પછી એક માનસીના શરીરમાં વહેતી કરવામાં આવી હતી. વાઈટામીન અને કેલ્શ્યમના અનેક સ્ત્રોતો લાંબા લચક ડોક્ટરના પ્રિસ્ક્રિપશનના કાગળિયાઓ પર ઉતરી આવ્યા હતા.

માનસીની તબિયતમાં સુધારો નોંધાયો હતો. પણ એનું શાંત અંતરજગત હજી પણ એટલુંજ મૌન, સૂનું અને ખોવાયેલું હતું. આંખોમાં અનેકાનેક પ્રશ્નો હતા પણ એ શબ્દોમાં ઉતરવા જરાયે તૈયાર ન હતા. નવું જીવન ઘણી બધી નવીનતા લાવ્યું હતું. એ નવીનતાથી એની દ્રષ્ટિ જાણે ચોંકી ઊઠી હોય એમ હેરત ભરી આત્મા એના શરીરના ખૂણામાં લપાઈ બેઠી હતી. જાણે ઊંડાણોમાંથી ડરીને ઝાંખી રહેલી એ ભયભીત આત્મા એને પૂછી રહી હતી, ‘આનુજ નામ સંબંધ ? આનુજ નામ લગ્ન જીવન ?’

માનસીને ડિસ્ચાર્જ થવાને નામનીજ ક્ષણો બચી હતી.

“હું દવાઓ લઈ આવું છું.”

માનસીના પિતા દવાઓ લેવા નીચેના માળ ઉપર આવેલી કેમિસ્ટમાં ગયા. માનસીની માતા પેક કરેલા સામાન ઉપર એક અંતિમ દ્રષ્ટિ ફેરવી રહ્યાં હતાં. અમોલનો આવી પહોંચવાનો સમય થઈ ચૂક્યો હતો. ઓરડાનો દરવાજો અર્ધો ખુલ્લો મુકાયો હતો. દરવાજાના બહારના ભાગ તરફથી અફરાતફરી અને દોડાદોડીનો શોર સંભળાઈ રહ્યો હતો. શૂન્યાવકાશમાં ખોવાયેલી માનસીનું ધ્યાન ઓરડા બહારથી પડઘો પાડી રહેલ શોર ઉપર સ્થળાન્તર પામ્યું.

“શું થયું મમ્મી ? આ શોર કેવો ?”

“દેશની એક અન્ય યુવતીને ‘બ્રેવ હાર્ટ’થી નવાજમાં આવી રહી છે…” સામાન ઉપરથી માનસીની માતાની નજર નિસાસા જોડે દરવાજાની બહાર મંડાઈ. સામેના વોર્ડ તરફથી લોકોના અવાજો અને કેમેરાના ફ્લેશનો ધ્વનિ વધુ ઉશ્કેરાયો.

“બ્રેવ હાર્ટ ?” માનસીના પ્રશ્નમાં ધ્રુજારો અનુસર્યો.

“હા બેટા , કોલેજ જતી એક યુવતી પર બળાત્કાર થયો છે. પરિસ્થિતિ બહુ નાજુક છે. બચવાની આશ નહિવત છે. સાંજથી મીડિયા અને દેશના લોકોના ક્રોધનો જ્વાળામુખી ફાટ્યો છે. હવે બહુ થયું. ફાંસીની સજાની માંગ થઈ રહી છે. સરકાર સામે પ્રતિકારો થઈ રહ્યા છે. કડક તાત્કાલિક પગલાંઓ લેવાની માંગણી મૂકાઈ રહી છે. આખો દેશ એકજુથ થઈ અન્યાય સામે ઊભો થયો છે. હવે સમય બદલાયો છે. સ્ત્રીના શરીર દ્વારા એની આત્માની હત્યા કરનાર હેવાનોનો હવે આ જાગ્રત સમાજ સ્વીકાર કરવા સહેજે તૈયાર નથી. વર્ષો નીકળી ગયા. પણ આખરે સમાજ બદલાયો ખરો.”
બારણામાં ખડકાટ સાથે આમોલ અને માનસીના પિતા ઓરડામાં પ્રવેશ્યા અને વાતની દોર ત્યાંજ છૂટી ગઈ. માનસી ફરીથી પોતાના શૂન્યાવકાશ જગતમાં ખોવાઈ ગઈ. બધોજ સામાન ગાડીઓમાં ગોઠવાઈ ગયો. ઘરે પરત થવાનો સમય આખરે આવી પહોંચ્યો.
આમોલ પોતાની ગાડીમાં માનસીને સીધોજ પોતાના ઘરે લઈ જવા ડ્રાયવીંગ સીટ ઉપર સજ્જ હતો. માનસીના પિતા પોતાની ગાડીમાં પોતાની પત્નીની રાહ જોઈ રહ્યા હતા. એક અઠવાડિયાની દોડાદોડી અને થાક પછી બન્ને પતિ – પત્નીએ પોતાના જ ઘરે પહોંચી આરામ કરવાને પ્રાધાન્ય આપ્યું હતું. મા અને દીકરી હોસ્પિટલના કોરિડોરમાંથી ધીમે પગલે લિફ્ટ તરફ આગળ વધી રહ્યા હતા.
મીડિયા અને ઉપસ્થિત લોકોના ટોળા ગરમ પાણી જેમ ઉકળી રહ્યા હતા. બળાત્કારની ભોગ બનેલ યુવતીના પરિવારજનોના હૃદયદ્રાવક અશ્રુ હોસ્પિટલની દીવાલોને પીગાળી રહ્યા હતા. ચારે તરફ ફેલાયેલા ઓહાપાથી ડરી માનસીએ પોતાની માનો હાથ વધુ મજબૂતીથી થામી લીધો.

લિફ્ટ લઈ બન્ને પોતાની ગાડીઓ નજીક આવી પહોંચ્યા. માનસીના હાથની પકડ વધુ ગાઢ બની.

“હું રવિવારે આવીશને તને મળવા.” પ્રેમ પૂર્વક દીકરીનો ચ્હેરો ચૂમી માએ સાંત્વના આપી.

“માં એક પ્રશ્ન પૂછું ?” માનસીના ચ્હેરા ઉપર બાળક જેવો ભય ઉપસી આવ્યો. લાંબા સમયથી હૃદયના ઊંડાણોમાં દીકરીએ સંગ્રહી રાખેલી મૂંઝવણ આખરે બહાર આવી રહી હતી એ વાતની ખુશી જોડે માએ સંમતિમાં ડોકું હલાવ્યું.
“શું એક પત્નીને સમાજ ‘બ્રેવહાર્ટ ‘ માફક સાથસહકાર ન આપી શકે ? શું લગ્ન પહેલાં અને લગ્ન પછી સ્ત્રીના શરીરના અધિકારો એક સમાન નથી રહેતા ? શું લગ્ન પછી એક પુરુષ કાયદાના દાયરાઓથી મુક્ત ?”
આમોલની ગાડીનો હોર્ન ગુંજ્યો અને દીકરીનો હાથ પોતાના હાથમાંથી છૂટી ગયો.

ધીમા નિર્જિવ પગલે માનસી આમોલની ગાડી તરફ આગળ વધી રહી. એક માના સંવેદના જગતમાં ભૂકંપ વ્યાપી  ગયો.
પોતાની ગાડી નજીક પહોંચતા ડગલાંઓ સૂન થઈ રહ્યા.  ગાડીનો દરવાજો ખુલ્લો મૂકી એ નિઃશબ્દ ઉભા રહી ગયા. “શું થયું?” પતિના પ્રશ્નનો શું ઉત્તર આપવો? અચાનક માના હૈયામાંથી નીકળેલો અવાજ હવામાં ગુંજ્યો:
“માનસી…”

આમોલની ગાડીનો દરવાજો પકડી ઊભી માનસીની નજર પાછળ પોતાની ગાડીનો દરવાજો ખુલ્લો મૂકી ઊભીમાં ઉપર પડી. માની આંખોમાં લેવાયેલા નિર્ણયનું સ્પષ્ટ પ્રતિબિંબ નિહાળતી માનસીની આંખોમાંથી એક નાનકડી બુંદ ગાલ ઉપર સરી આવી. દોડતી જઈ એ પોતાની માતાપિતાની ગાડીમાં ગોઠવાઈ ગઈ.

“પણ…” માનસીના પિતા કશું સમજી શક્યા નહીં.

“આપણી દીકરીને ઘરે લઈ જઈએ…” પત્નીના અવાજની મક્કમતામાં કોઈ છૂપો તર્ક પામી ગયેલા માનસીના પિતાએ સમય વેડફ્યા વિનાજ ઘર તરફ ગાડી હાંકી.
પોતાની ગાડીમાં ગોઠવાયેલો અમોલ કશુંજ સમજી શક્યો નહીં.

મેરેજ સર્ટિફિકેટ પાછળ છુપાયેલો બળાત્કારી એટલું પણ ન સમજી શક્યો કે હવે સમય બદલાયો છે ?

 લેખક : મરિયમ ધુપલી

ઓહ અદ્ભુત અને લાગણીસભર વાર્તા…

Comments

comments


3,985 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + 2 =