ભારતીય ભોજનમાં ચટણીનું એક આગવું સ્થાન છે. ચટણી એ આપણી થાળીનો સ્વાદ વધારો કરવામાં મદદ કરે છે.
ગણી ના શકાય એટલી જુદા જુદા પ્રકારની ચટણી શાક, ફ્રુટ અને લીલા પત્તામાંથી બનવવામાં આવે છે. જેના સ્વાદમાં પણ ઘણી વિવિધતા જોવા મળે છે જેમ કે તીખી, મીઠી, ખાટી અને મિક્સ સ્વાદ વાળી ચટણી…
આજે હું એક તીખી અને ખા
ટી ચટણીની રેસિપી લઇને આવી છું. જે ચોક્કસ થી તમારા ભોજનને વધુ સ્વાદિષ્ટ બનાવશે.જેમાં મેં લાલ મરચાં ,ટામેટાં અને અજમાંનો ઉપયોગ કર્યો છે અને આ બધા ની ફ્લેવર મળી ને એક ખૂબ જ ચટાકેદાર ચટણી બને છે. શિયાળા ની ઠંડી માં ચોક્કસ થી એક વાર ટ્રાય કરજો.
આ ચટણી તમારા શાક ના વઘાર માં મુકશો તો પણ શાક પણ બહુ જ ટેસ્ટી બની જશે.ખૂબ જ ઓછી સામગ્રી થી અને ફટાફટ બની જતી લાલ મરચાં અને ટામેટાંની ચટણી માટેની
સામગ્રી :–
- 8-10 નંગ લાલ સૂકા મરચાં,
- 3 ટામેટાં કાપેલા ટામેટાં,
- 1 ચમચી અજમો,
- 2 ચપટી હિંગ,
- મીઠું સ્વાદાનુસાર,
- 1 ચમચી તેલ,
1 લીંબુ,
રીત:-
સૌ પ્રથમ સૂકા લાલ મરચાંના ડીટીંયા નીકાળી લો અને ગરમ પાણી માં 15 -20 મિનીટ પલાળી લો. મરચાં ના બિયાં નીકાળવાની જરૂર નથી.
હવે એક મિક્સર જાર માં ટામેટાં , ગરમ પાણી માંથી નીકળેલા મરચાં , અજમો , હિંગ અને મીઠું નાખીને ક્રશ કરીને પેસ્ટ બનાવી લો. પાણી ઉમેરવું નહીં કેમ કે ટામેટાંમાંથી પાણી નીકળશે જ.
ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી હિંગ નાખો અને ટામેટાં – મરચાંની પેસ્ટ ઉમેરીને ધીમી આંચ પર જ્યાં સુધી મિશ્રણ ઘટ્ટ ના થાય ત્યાં સુધી પકાવો.
જ્યારે પાણીનો ભાગ બળી જાય અને પેસ્ટ ઘટ્ટ બને પછી ગેસ બંધ કરો અને લીંબુનો રસ ઉમેરીને બરાબર મિકસ કરો.
ઠંડુ થાય એટલે આ ચટણી ને પુરી, થેપલા ,પરાઠા, ઢોકળાં, છોલે – પુરી, પુલાવ કે મનગમતી વાનગી સાથે સર્વ કરો.
આ ચટણી ફ્રીઝ માં 6-8 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. આ ચટણી ને કોઈ પણ ગ્રેવી વાળા શાક ના વઘાર માં પણ મુકશો તો શાક નો સ્વાદ બમણો થઈ જશે.
નોંધ:- તમે ઈચ્છો તો થોડી ખાંડ પણ ઉમેરી શકો છો પણ આ ખાંડ વિના પણ બહુ ટેસ્ટી લાગે છે.લીંબુ કે મરચાંનું પ્રમાણ વધુ કે ઓછું કરી શકો છો. અજમો ઉમેરવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે.
રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.