આ મારું ઘર છે – એક દિકરીએ કર્યું પોતાની માતા સાથે એવું કે તમને વિશ્વાસ નહિ થાય..

આ મારું ઘર છે. ‘તમારું નામ ?’ ‘સરસ્વતી.’ ‘પતિનું નામ ?’ ‘મધુસુદન.’ ‘આખું નામ લખાવો’ ‘મધુસુદન મહેતા.’ ‘અહીં બેઠાં છે તે તમારાં કોણ થાય ?’ ‘કોઈ નહીં.’ ‘પણ એ લોકોના કહેવા મુજબ તો, એ લોકો તમારાં દીકરી–જમાઈ છે.’ ‘હતાં, હવે નથી.’
‘કેમ, એવું તે શું થયું ? તમે એમના વિરુધ્ધ ફરિયાદ પણ નોંધાવી છે. તમને ખ્યાલ છે ને કે, તમારી ફરિયાદને આધારે એ બંનેને જેલ થઈ શકે છે. તમે ચાહો તો મામલો ઘરનો છે, કોરટ–કચેરી કરવા કરતાં તમે બહાર સમજુતી કરી લો.’

‘મારે હવે કોઈ સમજુતી નથી કરવી. આખી જિંદગી બધાં સાથે સમજુતી કરી કરીને થાકી ગઈ. હવે આ ઉંમરે મારી પાસે સમય પણ નથી ને મારામાં હવે સમજુતી કરીને કોઈની દયા પર રહેવાની તાકાત પણ નથી. આજે શાંતિથી રહેવાના દિવસો આવ્યા છે ત્યારે હું કંકાસ કરીને જીવન પૂરું કરવા નથી માગતી. તમે મારી ફરિયાદ લેશો ને એના પર ધ્યાન આપીને મને ન્યાય આપશો એ આશાએ અહીં આવી છું. તમારાથી ન થતું હોય તો મને ના કહી દો. હું કોઈ વકીલને રોકી લઈશ. હવે તો સરકારે પણ મહિલા આરક્ષણના ઘણા કાયદા ઘડ્યા છે, મને બધી ખબર છે ને મને કોર્ટમાં ન્યાય મળશે એની ખાતરી છે.’

‘ભલે બહેન, ગુસ્સે ન થાઓ. હું તમારી ફરિયાદ નોંધું છું. બોલો, કાલે રાતે શું થયું હતું ?’

સાંજનો લગભગ સાત–સાડા સાતનો સમય હતો. સરસ્વતીએ દીવો કરીને ટીવી ચાલુ કર્યું. ફરતાં ફરતાં સમાચારની ચૅનલ પર આંગળી અટકી ત્યારે મહિલાઓના કાયદાનો કોઈ કાર્યક્રમ ચાલી રહ્યો હતો. અમસ્તાં જ એણે પ્રોગ્રામ ચાલુ રાખ્યો ને રસોડામાં કૂકર મૂકવા ગઈ. એ એકલી કેટલુંક ખાવાની, એ વિચારે ઘણી વાર તો એ સવારનું વધેલું ઘટેલું ચલાવી લેતી. મધુના ગયા પછી તો જીવનને જેમતેમ થાળે પાડવામાં જ એનું મન ઘડીક આમ તો ઘડીક તેમ ઝોલાંખાયા કરતું. મધુ સાથે તો વાતોમાં કેટલાંય વર્ષો આમ પાણીના રેલાની જેમ વહી ગયાં તેય ભાન ના રહ્યું. રોજ સવારે ને સાંજે પરવારીને પણ બંને હીંચકે બેસતાં ને મોટે ભાગે વીતી ગયેલા દિવસોની, તો ઘણી વાર આવનારા દિવસોની પણ વાતો થતી રહેતી.

મધુ વારંવાર કહેતો, ‘સરુ, મારા ગયા પછી તારું શું થશે ?’
‘ભઈ, જે બધાંનું થાય તે મારું થશે. છોડ ને એ બધી વાત. ચાલ, હું કંઈ ફાકવાનું લઈ આવું.’
‘સાથે આપણી મસાલા ચા પણ…’
‘એ તો તું ના કહેત તો પણ હું બનાવી જ લાવત ને ? હવે આટલે વરસે પણ કહેવું પડે ?’
‘જો મેં નક્કી કર્યું છે કે, એમ તો બધું તારું જ છે છતાંય મારી બધી પ્રોપર્ટી તારા નામે કરી દઉં. કાલે સવારે વકીલની હાજરીમાં બધા પેપર્સ તૈયાર થઈ જશે. બંને દીકરીઓના ઘરે કોઈ ખોટ નથી એટલે હમણાં એમના નામે કંઈ નથી કર્યું. તારા ગયા પછી એમને બંનેને સરખે ભાગે બધું મળે એવો મારો વિચાર છે પણ પહેલી મરજી તારી. તું ધારે તે કરી શકે કે પછી, જેને જે આપવું હોય કે ન આપવું હોય તેની તને છૂટ. બોલ, મંજુર છે ?’
‘ભઈ, તું કરે તે બધું બરાબર જ છે પણ નાનીનો વર જરા મને ઠીક નથી લાગતો. હમણાં તો એના બાપનું ઘર ને મિલકત છેએટલે ખબર નથી પડતી. એ શું કમાય છે ને શું ઉડાવે છે તેની મને કાયમ શંકા થયા કરે ને એટલે જ નાની માટે કંઈક અલગથી અથવા થોડું વધારે કરવાની મારી ઈચ્છા છે. જોકે, તું હા પાડે તો જ.’

‘એક બાપ તરીકે આ બધું મારા ધ્યાનમાં નહીં આવ્યું હોય એમ તું માને છે ? પણ હજી થોડો સમય જવા દે. થોડી ઠોકર ખાવા દે. એની મેળે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. મારું મન તો હમણાં કોઈને કંઈ જ આપવાની ના પાડે છે. પછીથી જોઈશું. એમ પણ દીકરી તો આપણી જ છે ને ? એને તકલીફમાં જોઈને આપણે એમ જ બેસી રહીશું કે ? ચાલ, તું બિલકુલ ચિંતા નહીં કર ને જવાની તૈયારી કર.’
‘જવાની તૈયારી ? કોના જવાની ? ને ક્યાં ?’
‘આપણે રાતના શોમાં મૂવી જોવા જઈએ છીએ. બહુ દિવસથી જોયું નથી તો ચાલ જરા ફરી આવીએ.’

રાતે મૂવી જોઈ પાછા ફરતાં કાર એક્સીડન્ટમાં મધુને ગુમાવી બેઠેલી મધુની સરુ, થોડા દિવસ તો સૂનમૂન જ રહી. બંને દીકરી જમાઈઓના જવાનો દિવસ આવી પહોંચે તેની આગલી રાતે સરુએ બધાંને ભેગાં કર્યાં.

‘તમારા પપ્પાની ઈચ્છા મુજબ મારા ગયા પછી તમને બંનેને સરખે ભાગે બધું મળશે, ત્યાં સુધી હું આ મિલકતની કાયદેસર હકદાર છું. તમને ક્યારેય પણ કોઈ પણ તકલીફ પડે તો તમારી માનું ઘર હંમેશાં ખુલ્લું જ છે તે યાદ રાખશો. તમે લોકો પણ તમારા કામ ને છોકરાંઓની સ્કૂલને લીધે વધારે રોકાવાનાં નથી, હું જાણું છું. હું મારી મેળે એકલી ટેવાઈ જઈશ. તમે તમારી નિરાંતે કાલે જઈ શકો છો. મારી ચિંતા નહીં કરતાં. કામ પડે તો હું ફોન કરીશ.’ મમ્મીની સ્પષ્ટ વાતોથી બંને બહેનોને નવાઈ તો લાગી પણ પપ્પાના ગમમાં કદાચ એવું હશે એમ વિચારી સૌ ચૂપ રહ્યાં.

‘મમ્મી, તમે અમારી સાથે રહેવા ચાલો.’ મોટા દીકરી જમાઈએ આગ્રહ કર્યો.

‘મમ્મી, મોટીબેન બરાબર કહે છે. તું અહીં એકલી કેવી રીતે રહેશે ? તને મારે ત્યાં જ લઈ જાત પણ તું જુએ છે ને, અમારું સંયુક્ત કુટુંબ.’ જમાઈએ પણ એ વાતમાં ટાપસી પૂરી.

‘તમારા સૌના પ્રેમ ને આગ્રહ મને ગમ્યાં પણ થોડા દિવસ મને એકલી રહી જોવા દો. નહીં ગમે તો હું વારાફરતી તમારે ત્યાં રહેવા આવતી રહીશ, બસ ?’ નાની કેમ એવું બોલી ? સરુબહેને વિચારને ઝાટકી નાંખ્યો.

મોટી દીકરી તો એના ઘરમાં વ્યસ્ત થઈ ગઈ પણ રોજ સમયસર ફોન પર મમ્મીની ખબર કાઢવાનું ન ચૂકતી. નાની દીકરી જમાઈ સાથે રોજ સાંજે અચૂક આંટો મારી જતી. એકાદ મહિના પછીની વાત.

‘મમ્મી, આવડા મોટા ઘરમાં તમે એકલાં રહો એના કરતાં એકાદ નાનો ફ્લૅટ લઈ લો અથવા દીદીને ત્યાં જતાં રહો. અમને કાયમ તમારી ચિંતા રહે છે. હવે તો એકલાં રહેતાં લોકોના બહુ કિસ્સાઓ છાપામાં આવતા જ રહે છે.’

‘મમ્મી, આ ફ્લૅટની તો હવે કિંમત પણ બહુ વધી ગઈ છે. સહેજે એકાદ કરોડ આવી જાય.’ જમાઈએ દાણો દાબ્યો.

‘હા, પણ હમણાં મારે પૈસાની કોઈ જરૂર નથી ને અહીંના એરિયાથી પણ હું ટેવાયેલી છું. પછી વિચારીશ.’

‘તમારો વિચાર થાય તો મને જણાવજો. મારો દોસ્ત એક સારો બિલ્ડર છે. સારો ભાવ આપશે.’

વળી થોડા દિવસ પછી.

‘મમ્મી ફ્લૅટ બાબતે કંઈ વિચાર્યું ?’ મમ્મીનો નકાર સાંભળી નાની દીકરી ને જમાઈનો સવાલ પછી રોજ રોજ સરુના માથામાં ઠોકાવા લાગ્યો. જ્યાં સુધી પોતાનાથી પહોંચી વળય ત્યાં સુધી મોટીને કંઈ નથી જણાવવું વિચારીને સરુબહેને વાત મનમાં જ રાખી. હવે બંનેની દાનત પરખાઈ ગઈ હતી. જમાઈ તો પારકો હતો, દીકરી પણ ? એમના દિલને ધક્કો તો લાગ્યો પણ જમાનો જોઈ ચૂકેલાં સરુબહેનને એની નવાઈ ન લાગી. સરુબહેનની સામે મધુનો ચહેરો ઝબકી ગયો. એમને વકીલની વાત યાદ આવી. બીજી સવારે વકીલને બોલાવી, બે સાક્ષીની હાજરીમાં સરુબહેને બધી મિલકતના કાગળ તૈયાર કરાવી લીધા ને પહેલી તકે જઈ લૉકરમાં મૂકી દીધા. એક કૉપી વકીલ પાસે રાખી. હાશ ! હવે કોઈ ચિંતા નહીં. આજે પેલા લોકો આવે તો ચોખ્ખી ના કહી દઈશ. ‘હવે તમારે અહીં આવવું નહીં ને મારી ચિંતા તમારે કરવાની જરૂર નથી.’ (સમજી લઈશ કે મારે એક જ દીકરી હતી. સરુબહેને મન મજબૂત કર્યું.)

રસોડામાંથી કૂકરની સિટીના અવાજની પાછળ પાછળ દરવાજે બેલ વાગવાનો અવાજ સાંભળી સરુબહેને ઘડિયાળમાં નજર કરી. હમણાં વળી કોણ ?

કી હોલમાંથી દીકરીનો ચહેરો દેખાતાં સરુબહેનના ચહેરાની રેખાઓ તંગ થઈ. આજે તડ કે ફડ કરી જ નાંખું વિચારી એમણે બારણું ખોલ્યું કે, દીકરી ને જમાઈ અંદર ધસી આવ્યાં.

‘મમ્મી, આજે ફ્લૅટનું નક્કી કરીને જ જવાનાં છીએ. તમારી મરજી હોય કે ન હોય. ફ્લૅટ અમારા નામે કરી દો ને અમારી સાથે રહેવા આવી જાઓ.’

સરુબહેનના નકારની જ રાહ જોઈ રહેલાં બંનેએ સરુબહેન પર હુમલો કર્યો. સરુબહેનને ધમકાવીને ને ઢોરમાર મારીને બંને નીકળી ગયાં. આખી રાત સરુબહેને કણસતાં વિતાવી.

સવાર પડતાં જ સરુબહેને પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી ને બંનેને જેલમાં મુકાવી દીધાં.‘મધુ, આ ઘર મારું છે ને ?’ સરુબહેને મધુના ફોટા પર હાથ ફેરવતાં પૂછ્યું.

લેખક : કલ્પના દેસાઈ

દરરોજ આવી અનેક લાગણીસભરવાર્તાઓવાંચો ફક્ત અમારા પેજ પર.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,370 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + 9 =