“અતિથી દેવો ભવ” એ આપણા દેશની સંસ્કૃતિ છે જ્યાં મહેમાનોનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવે છે. સાથે મહેમાનોને જાત-જાતના મિષ્ટાનો પીરસવામાં આવે છે. મહેમાનોની મહેમાનગતિમાં કોઈ કચાશ ના રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે તો પછી જમ્યા ઉપર મુખવાસ આપવાનું શી રીતે ભૂલી શકાય ?
મિત્રો, આપની સાથે અવનવી રેસિપી જેવી કે સ્વીટ, સબ્જી, અથાણાં, ચટણી વગેરે બનાવવાની આસાન રીત શેર કરી છે, આજે હું ઇન્સ્ટન્ટ મુખવાસ બનાવવાની રેસિપી શેર કરું છું. જે આપ સૌને ખુબ જ પસંદ પડશે. હું તલનો ટ્રેડિશનલ મુખવાસ ફટાફટ કઈ રીતે બનાવવો તે બતાવવા જઈ રહી છું.
સામાન્ય રીતે તલનો મુખવાસ બનાવવા માટે તલને 5 થી 6 કલાક હળદર મીઠાવાળા પાણીમાં પલાળી, પાણી નિતારી, તલને સૂકવીને શેકવામાં આવે છે. આ પ્રોસેસમાં ખુબ જ ટાઈમ લાગે છે. આજની હેક્ટીક લાઈફ-સ્ટાઈલમાં આટલો બધો ટાઈમ કોની પાસે છે ? માટે જ આજે હું ક્રિસ્પી ઇન્સ્ટન્ટ મુખવાસ બનાવવાની રેસિપી શેર કરવા જઈ રહી છું.
સામગ્રી :
- * 1 કિલો તલ (સફેદ અથવા કાળા કોઈપણ લઈ શકાય )
- * 200 ગ્રામ ધાણાદાળ
- * 100 ગ્રામ અજમા
- * 100 ગ્રામ વરીયાળી
- * 50 ગ્રામ સુવા દાણા
- * મીઠું અને હળદર
તૈયારી :
- તલ, ધાણાદાળ, વરીયાળી, અજમા અને સુવાદાણાને ચાળીને સાફ કરી લેવા
રીત :
સૌ પ્રથમ તલને એક મોટા વાસણમાં લઈ તેમાં બે ટેબલ સ્પૂન મીઠું અને એક ટેબલ સ્પૂન હળદર ઉમેરો. તેમાં પોણો(3/4) કપ જેટલું પાણી ઉમેરી હાથ વડે સરસ રીતે મિક્સ કરો. બરાબર મિક્સ કરવું જેથી તલના દરેક દાણા પર હળદર મીઠું સરસ રીતે ચડી જાય.તેવી જ રીતે અજમા પર પણ અડઘી(1/2) ટેબલ સ્પૂન મીઠું, પા(1/4) ટેબલ સ્પૂન હળદર અને દોઢ(1 અને 1/2) ટેબલ સ્પૂન પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
એજ રીતે સુવાદાણા પર પા(1/4) ટેબલ સ્પૂન મીઠું, તેનાથી અડધી હળદર અને અડધી(1/2) ટેબલ સ્પૂન પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો. તલ, અજમા અને સુવાદાણાને પાંચ મિન્ટ સુધી હળદર – મીઠાવાળા રહેવા દો.
પાંચ મિનિટ પછી એક જાડા તળિયાવાળી કડાઈમાં થોડા-થોડા તલ શેકો. શરૂઆતમાં સ્ટવની ફ્લેમ હાઈ રાખો અને ધીમે ધીમે સ્લો કરતા જાઓ. જ્યાં-સુધી પાણી બળી જાય અને તલનો દરેક દાણો છૂટો પડી જાય ત્યાંસુધી તલને શેકવા. તલનો દાણો પણ સહેજ ફૂલી જશે.
એજ રીતે અજમા અને સુવાદાનાને પણ સેકી લો.
વરીયાળી અને દાણાદાળને પણ એકાદ મિનિટ સુધી શેકી લો જેથી સરસ ક્રિસ્પી થઈ જાય.
શેકેલા તલ, અજમા અને સુવાદાનાને ભાત ચાળવાના આંકથી ચાળી લો.
હવે એક મોટા વાસણમાં શેકેલા તલ, અજમા, સુવાદાણા, વરીયાળી, દાણાદાળ લઈ બરાબર મિક્સ કરી લો.
તો તૈયાર છે ઇન્સ્ટન્ટ મુખવાસ, સાવ ઠંડુ પડે ત્યારબાદ કાચની એર-ટાઈટ બોટલ ભરીને સ્ટોર કરો. આ રીતે બનાવેલો મુખવાસ દોઢેક વર્ષ સુધી આરામથી ખાઈ શકાય. ફ્રેન્ડ્સ, છે ને ખુબ જ ઝડપથી બનતો મુખવાસ. મેં તો બનાવ્યો, તમે ક્યારે બનાવો છો ?
નોંધ :
તલ પલાળવામાં ખુબ જ ઓછું પાણી વાપર્યું છે અને ઓછા સમય માટે તલ પલાળ્યા છે છતાં તલ સરસ ફૂલી જાય છે અને મુખવાસ ખુબ જ ક્રિસ્પી બને છે.
વરીયાળીને પણ અજમા અને સુવાદાણાની જેમ હળદર-મીઠાના પાણીમાં પલાળીને શેકી શકાય.
અજમા અને સુવાદાણાનો સ્વાદ પસંદ ના હોય તો તેને સ્કિપ કરી શકાય.
અજમા અને સુવાદાણા પલાળતી વખતે હળદર-મીઠા સાથે લીંબુના રસના થોડા ટીપા પણ નાખી શકાય.
આ રેસિપીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો :
રસોઈની રાણી: અલકા સોરઠીયા (રાજકોટ)
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.