શું તમે જામનગર ના ધૂધરા ખાધા છે ? નહીંને તો હવે તેના માટે ત્યાં જવાની જરૂર નથી. હવે જાતે ઘરે બનાવો જામનગરના ટેસ્ટ ફૂલ ઘૂઘરા. જે ખાઈને તમારૂ રોમ રોમ છલકી ઉઠશે.
સામગ્રી:
૫૦૦ ગ્રામ મેંદો (ચાળીને)
સ્વાદ મુજબ મીઠું
૫૦૦ ગ્રામ બટેટા
નાઈલોન સેવ
મસાલા શીંગ
તેલ
ધાણાજીરું, હળદર અને બે ચમચી જેટલો ગરમ મસાલો
પંદર સુકા લાલ મરચા અને લસણ
એક કપ બાફેલા વટાણા
રીત:
આ માટે સૌપ્રથમ તમારે મેંદાના લોટ માં સ્વાદ મુજબ નું નમક અને થોડું તેલ નાખીને તેને મિક્ષ કરી લેવાનું છે, બાદમાં તેમાં થોડું થોડું પાણી ઉમેરવાનું છે. આ લોટ રોટલી કરતા થોડો કઠણ અને પરોઠા કરતા થોડો ઢીલો હોવો જોઈએ. લોટ બંધાઈને તૈયાર થાઈ પછી તેને ઢાંકીને દસ મિનીટ રહેવા દેવાનો છે.
હવે બાફેલા બટેટા લઈને તેમાં એક કપ જેટલા સફેદ બાફેલા વટાણા નાખવાના છે. હવે તમારા સ્વાદ પ્રમાણે મીઠું, ધાણાજીરું, હળદર અને બે ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દેશું. બાદમાં તેમાં થોડી સમારેલી કોથમીર ઉમેરીને તેને બરાબર મિક્ષ કરી મસાલો તૈયાર કરી લેવાનો છે.
હવે બનાવીશું ધૂધરા માટેની લાલ ચટણી. તેના માટે દસ સુકા લાલ મરચા લેવાના છે. જેને ચટણી બનાવતા પહેલા અડધો કલાક પહેલા ગરમ પાણીમાં પલાળી દેવા જેથી તે એકદમ સોફ્ટ થઈ જશે. હવે તેમાં લસણ ની 5 કળી અને નમક નાખીને મરચાને મીક્ષરના નાના જાર માં પાણી વગર ક્રશ કરવાના છે.
હવે આપણે ઘૂઘરા બનાવવાનું શરુ કરવાનું છે. પહેલા બાંધેલા લોટ માથી મીડિયમ સાઇઝ ના પરોઠા જેવી પૂરી બનાવવાની છે. પણ તેનો શેપ લંબગોળ રાખવો. હવે આ પૂરી માં જરૂરિયાત મુજબ નો બટેટાનો મસાલો ભરવાનો છે. અને કિનારીને દબાવીને સારી રીતે શીલ કરી દેવાની છે.
બાદમાં ધૂધરાને તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે, આ તેલ માં ઘૂઘરા ને ફ્રાઈ કરવાના છે પણ હા ગેસ ધીમો જ રાખવાનો છે, 4-5 મિનીટ પછી તેને ફેરવી લેવાના છે. જ્યાં સુધી તે ગોલ્ડન બ્રાઉન અને કેસરી થાય ત્યાં સુધી તેને તળવાના છે.
ઘૂઘરા સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા બાદ તેને એક પ્લેટમાં લઈ લઈએ અને તેના પર હવે કોથમીર મરચાની ચટણી નાખશું, તથા લાલ ચટણી નાખીશું. હવે તેના પર નાઈલોન સેવ નાખવાની છે, જો ફાવે તો થોડી મસાલા શીંગ પણ નાખીશું અને ડુંગળી પણ નાખી શકે છે. થોડી સમારેલી કોથમીર નાખો, હવે આ ઘૂઘરા સર્વ માટે તૈયાર છે.