‘મૂછાળી મા’ – ગુજરાતમાં બાળસાહિત્ય વિશેની સમજનો અને બાળશિક્ષણની વ્યવસ્થિત પદ્ધતિનો પાયો નાખનાર આ ગુજ્જુ લેખકે બાળકો ના કુતુહાલ ને ઉત્તેજે, એમની કલ્પનાઓને જાગૃત કરીને એમના પસંદીદા રસ ને પોષી એમને માહિતી સાથે આનંદ આપનારું કવિતા, વાર્તા અને નાટક રૂપી સાહિત્ય વિપુલ પ્રમાણ માં પ્રગટાવ્યું..
ભારતમાં મોન્ટેસરી શિક્ષણની રજૂઆતમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો એવા ગિજુભાઈ બધેકા (૧૫ નવેમ્બર ૧૮૮૫ – ૨૩ જૂન ૧૯૩૯) શિક્ષણવિદ્ હતા, તેઓ “મૂછાળી મા” ના હૂલામણાં નામથી જાણીતા હતા.
જીવન ઝરમર
- તેમનો જન્મ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ચિત્તળ ગામમાં થયો હતો.
- તેમના માતા નું નામ કાશીબાઅને નું નામ પિતા ભગવાનજીભાઈ હતું.
- તેમનું જન્મનું નામ ગિરજાશંકર હતું. તેમનો ઉછેર ભાવનગરમાં થયો હતો.
- ૧૯૦૭માં તેઓ ધંધાર્થે પૂર્વ આફિક્રા અને પછી મુંબઈ ગયા હતા.
- તેઓ શિક્ષણવિદ્ બન્યા પહેલાં ડિસ્ટ્રીક્ટ હાઇકોર્ટમાં વકીલ હતા.
- તેમના પુત્રના જન્મ પછી તેમણે બાળઉછેર અને શિક્ષણમાં રસ દાખવવાની શરૂઆત કરી.
- ૧૯૨૦ના દાયકામાં તેમણે બાલ મંદિરની સ્થાપના કરી હતી.
- પછીથી, નાનાભાઈ ભટ્ટ, હરભાઈ ત્રિવેદી અને ગિજુભાઈએ ભાવનગરમાં શ્રી દક્ષિણામૂર્તિ વિનય મંદિર શાળાની સ્થાપના કરી હતી.
- તેમણે શિક્ષણના ક્ષેત્રના અનેક પુસ્તકો પ્રકાશિત કર્યા હતા, જેમાં દિવાસ્વપ્ન અત્યંત વખણાયું છે.
- કેળવણીકાર. બાળ-કેળવણીના પ્રણેતા.
- ગુજરાતમાં બાળ-શિક્ષણનો પાયો નાખ્યો.
- શિક્ષકો અને વાલીઓને ઉપયોગી પુસ્તકો લખ્યાં.
- બાળકો માટે લોક-વાર્તાઓને બાળભોગ્ય સ્વરૂપ આપ્યું.
- સરળ અને સુબોધ શૈલીમાં પુસ્તકો લખ્યાં.
- પક્ષઘાતથી મુંબઈની હરકીશનદાસ હૉસ્પિટલમાં ૨૩ જૂન ૧૯૩૯ના રોજ મુંબઈ ખાતે તેમનું અવસાન થયું હતું.
મુખ્ય સર્જન :દિવાસ્વપ્ન.
ગિજુભાઈએ ૨૦૦ જેટલાં પુસ્તકો લખ્યા હતા, જેમાં બાળસાહિત્યનો પણ સમાવેશ થાય છે.
- શિક્ષણ – વાર્તાનું શાસ્ત્ર, માબાપ થવું આકરૂં છે, સ્વતંત્ર બાલશિક્ષણ, મોન્ટેસરી પધ્ધતિ, અક્ષરજ્ઞાન યોજના, માબાપ થવું આકરું છે, બાલ ક્રીડાંગણો, શિક્ષક હો તો, ઘરમાં બાળકે શું કરવું
- બાળસાહિત્ય – ઈસપનાં પાત્રો, કિશોર સાહિત્ય ( 1-6) , બાલ સાહિત્ય માળા( 25 ગુચ્છો) , બાલ સાહિત્ય વાટિકા ( 28 પુસ્તિકા) , જંગલ સમ્રાટ ટારઝનની અદ્ ભૂત કથાઓ ( 1-10) , બાલ સાહિત્ય માળા ( 80 પુસ્તકો)
- ચિતન – પ્રાસંગિક મનન (૧૯૩૨), શાંત પળોમાં (૧૯૩૪)
ગાંધીજી ના શબ્દો
“ગિજુભાઈ વિષે હું લખનાર કોણ? એમના ઉત્સાહ અને એમની શ્રધ્ધાએ મને હંમેશા મુગ્ધ કર્યો હતો. એનું કામ ઉગી નિકળશે “
તારીખ ૧૫ -૫-૧૯૪૦
- સન્માન
- 1928 – બીજા મોન્ટેસરી સમ્મેલનના પ્રમુખ
- 1930 – બાળસાહિત્ય માટે રણજિતરામ સુવર્ણચંદ્રક
એમની એક રમુજી રચના
એક હતો પેમલો ને એક હતી પેમલી.
લાકડાં કાપવાથી થાકીપાકી પેમલો સાંજે ઘેર આવ્યો અને પેમલીને કહ્યું,”પેમલી ! આજ તો થાકીને લોથ થઇ ગયો છું.
તું જો મને પાણી ઉનુ કરી આપે તો નાહીને પગ ઝારું અને થાક ઉતારું”
પેમલી કહે – કોણ ના કહે છે ? લો પેલો હાંડો ; ઉંચકો જોઇએ !
પેમલે હાંડો ઉંચક્યો ને કહે – હવે ?
પેમલી કહે – હવે બાજુના કૂવામાંથી પાણી ભરી આવો.
પેમલો પાણી ભરી આવ્યો ને કહે – હવે ?
પેમલી કહે – હવે હાંડો ચૂલે ચડાવો.
પેમલે હાંડો ચૂલે ચડાવ્યો ને કહે – હવે ?
પેમલી કહે – હવે લાકડાં સળગાવો.
પેમલે લાકડાં સળગાવ્યાં ને કહે – હવે ?
પેમલી કહે – હવે ફૂંક્યા કરો; બીજું શું ?
પેમલે ચૂલો ફૂંકીને તાપ કર્યો ને કહે – હવે ?
પેમલી કહે – હવે હાંડો નીચે ઉતારો.
પેમલે હાંડો નીચે ઉતાર્યો ને કહે – હવે ?
પેમલી કહે – હવે હાંડો ખાળે મૂકો.
પેમલે હાંડો ખાળે મૂક્યો ને કહે – હવે ?
પેમલી કહે – હવે નાહી લો
પેમલો નાહ્યો ને પછી કહે – હવે ?
પેમલી કહે – હવે હાંડો ઠેકાણે મૂકો
પેમલે હાંડો ઠેકાણે મૂક્યો અને પછી શરીરે હાથ ફેરવતો બોલ્યો – હાશ ! જો, શરીર કેવું મજાનું હળવુંફૂલ થઇ ગયું ! રોજ આમ પાણી ઉનું કરી આપતી હોય તો કેવું સારું !
પેમલી કહે – હું કયાં ના પાડું છું ? પણ આમાં આળસ કોની ?
પેમલો કહે – આળસ મારી ખરી ; પણ હવે નહીં કરું.
પેમલી કહે – તો ઠીક, હવે સૂઇ જાઓ.
(આળસ કોની?)
-ગિજુભાઇ બધેકા(મૂછાળી માં)