મેંદા ની ફરસી પુરી બધા ના ઘરે બનતી જ હોય છે. ખાસ કરી ને દીવાળી માં આ નાસ્તો અચૂક થી બનાવાય છે. ઘણા ના ઘરે મેંદો નથી લાવતા અને ઘઉં ના લોટ વાપરવાનો જ આગ્રહ રાખતા હોય છે કેમકે મેંદો શરીર ને નુકસાનકારક હોય છે.
આજે હું ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી એવી ઘઉં ની ફરસી પુરી ની રેસિપી લાવી છું. જે બનાવશો તો ચોક્કસ થી મેંદા ની ફરસી પુરી ના બદલે આ પુરી જ બનાવશો.
બાળકો ને ટીફીન માં કે દિવસ માં કોઈ પણ ટાઈમ પર આપી શકાય એવો નાસ્તો છે.
સામગ્રી:-
- 1 1/2 કપ ઘઉં નો લોટ ( મેં મલ્ટીગ્રેન લોટ લીધો છે),
- 3 ચમચી ઘી (મોંણ માટે),
- 1/4 ચમચી જીરું અધકચરું વાટેલું,
- 1/4 ચમચી અજમો અધકચરો વાટેલો,
- 1/4 મરી નો ભુકો અધકચરો વાટેલો,
- મીઠું સ્વાદાનુસાર,
- હિંગ ચપટી,
- કણક બાંધવા માટે હુંફાળું પાણી,
- તળવા માટે તેલ.
રીત:-
સૌ પ્રથમ એક બાઉલ માં ઘઉં નો લોટ લો. તેમાં અધકચરું વાટેલું જીરું, અજમો અને મરી નો ભુકો ઉમેરો. તેમાં ઘી નું મોંણ ઉમેરી ને મીઠું અને હિંગ ઉમેરો. ત્યારબાદ બધું બરાબર હાથેથી મિક્સ કરો.
અને બરાબર મિક્સ થાય એટલે થોડું થોડું હુંફાળું પાણી ઉમેરતા જાવ અને એકદમ કઠણ કણક તૈયાર કરો.
તેલ વાળા હાથ કરી ને એકવાર બરાબર મસળી લો. હવે ભીનું કોટન નું પાતળું કપડું ઢાંકી ને 15-20 મિનીટ નો રેસ્ટ આપો. ત્યાર બાદ કણક બરાબર કૂણવી ને એકદમ નાનાં લુઆ કરો . તેમાંથી નાની મધ્યમ જાડાઈ હોય એવી પુરી વણી લો.
અથવા પુરી ના મશીન માં દબાવી ને બધી પુરી તૈયાર કરી લો. બધી પુરી પહેલા વણી લેવી અને પેપર કે પ્લાસ્ટિક પર પાથરી દો. અને હવે કાંટા ની મદદ થી પુરી માં કાણાં કરો જેથી તળતી વખતે ફુલે નહીં.
હવે ગરમ તેલ માં ધીમા થી મધ્યમ આંચ પર બધી પુરી ગુલાબી રંગ ની થાય ત્યાં સુધી તળી લો.
અને ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બા માં ભરી દો.
આ પુરી 15-20 સુધી એવી જ રહે છે.
નોંધ:-
કણક એકદમ કઠણ જ બાંધવી નહીં તો પુરી ક્રિસ્પી નહીં થાય. મોણ માં ઘી ઉમેરવાથી સ્વાદ માં વધારો થાય છે.
તમે ઇચ્છો તો તેલ નું મોણ આપી શકો. પાણી હુંફાળું ગરમ જ વાપરો જેથી પુરી એકદમ ક્રિસ્પી થાય. પુરી બહુ પાતળી કે જાડી ના વણવી. બહુ પાતળી હશે તો તળવામાં જલ્દી લાલ થઈ જાય અને બહુ જાડી હશે તો ફરસી નહીં બને અને કડક પણ નહીં થાય.
બધી પુરી સાથે વણી ને રાખવાથી થોડી સુકાય છે અને તળાવમાં ક્રિસ્પી બને છે. વણી ને તરત જ તળવામાં આવે તો ફરસી નથી બનતી.
રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો..