“દૂધીનો ઈન્સ્ટન્ટ હાંડવો” જોતાં જ બાળકો પણ થઈ જશે ખુશખુશાલ અને તમારો પ્રોબ્લેમ પણ ફૂલ્લી શોલ

તમે હાંડવાનું ખીરું પલાળતા અગાઉથી ભૂલી ગયા છો? કોઈ જ ટેન્શનના લો આજે ઝટપટ બની જાય એવો અને ખૂબ જ પૌષ્ટિક એવો દૂધીનો ઇન્સ્ટન્ટ હાંડવો બનાવાની રીત લાવી છું. જે નોનસ્ટિક પેનમાં ફટાફટ બની જાય છે અને બહારનું ક્રિસ્પી પડ પણ વધુ હોવાથી ખાવાની વધુ મજા આવે છે. આને ડંગેલા પણ કહેવામાં આવે છે.

બાળકો સ્કૂલ થી આવે ત્યારે બનાવીને તૈયાર રાખો .. આમ પણ દૂધીના નામથી જ બાળકો દૂર ભાગતા હોય છે. હાંડવામાં લોટ જેટલી જ દૂધી લઇને બનાવો. ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બની જાય છે અને બાળકોને ખબર પણ નહીં પડે કે આમાં દૂધી છે.

દૂધીના હાંડવા માટેની સામગ્રી:

 • 350 ગ્રામ હાંડવાનો લોટ,
 • 300 ગ્રામ દૂધી,
 • 1 મોટો બાઉલ દહીં,
 • 1 ચમચી આદુ મરચાની પેસ્ટ,
 • 8-10 મીઠા લીમડાના પાન,
 • 1 ચમચી મરચું,
  1/8 ચમચી ખાવાનો સોડા,
 • 1/2 ચમચી હળદર,
 • મીઠું સ્વાદાનુસાર,
 • 1 ચમચી ખાંડ( ગળપણ ના જોવે તોના ઉમેરો),
 • પાણી મિશ્રણ બનાવવા,
 • 2 ચમચા તેલ,
 • 1/4 ચમચી રાઇ,
 • ચપટી હિંગ,
 • 2 ચમચા સફેદ તલ.

રીત:

સૌ પ્રથમ એક તપેલામાં હાંડવાનો લોટ લો. તેમાં દહીં અને મીઠું ઉમેરો. અને જરૂર મુજબ પાણી ઉમેરીને ચમચાથી પાડી શકાય એવું મિશ્રણ તૈયાર કરો.

હવે એક કડાઈમાં 1 ચમચો તેલ મુકો તેમાં રાઈ ,તલ, હિંગ, હળદર લીમડા ના પાન અને દૂધી નું છીણ નાખીને સાંતળી લો. તેમાં આદુ મરચાંની પેસ્ટ અને મરચું,મીઠું નાખીને બરાબર મિક્ષ કરો અને 1 મિનિટ માટે સાંતળો.

હવે આ દૂધીનું વઘારેલું મિશ્રણ હાંડવાના લોટમાં ઉમેરો જેમાં તમે દહીં નાખીને ખીરું બનાવ્યું છે. ત્યારબાદ જો ગળપણ ભાવે તો ખાંડ ઉમેરીને મિક્સ કરો.

દૂધી વઘારી હતી એજ કડાઈમાં એક ચમચો ગરમ પાણી અને 1/2 ચમચી તેલ ગરમ કરો અને ખીરામાં સોડા નાખીને ઉપર આ ગરમ પાણી ઉમેરી મિક્સ કરો. 10 મિનિટનો રેસ્ટ આપો.

હાંડવો બનાવાનું ખીરું તૈયાર છે.

એક નોનસ્ટિક પૅનમાં અડધી ચમચી તેલ લઇને તેમાં રાઈ અને તલ ઉમેરો પછી ઉપર બનાવેલું ખીરું નાખો.. લગભગ એક મોટો ચમચા જેટલું જ ઉમેરો જેથી પાતળા પડ વાળો ક્રિસ્પી હાંડવો બને.

હવે, નીચેની બાજુ ગોલ્ડન બ્રાઉન થાય એટલે બીજી બાજુ પલટીને ત્યાં પણ તમને જેટલું કડક ભાવે એવું પડ થાય ત્યાં સુધી ધીમી આંચ પર થવા દો.

આ હાંડવો સોસ, કોથમીરની ચટણી, અને દહીં જોડે ખૂબ જ સરસ લાગે છે.

નોંધ:- તમે દુધી જોડે ડુંગળી, ગાજર, કોબી પણ ઉમેરી શકો. લસણનો ટેસ્ટ ભાવે તો એ પણ ઉમેરી શકાય.
હાંડવાની જાડાઈ જેટલી ઓછી રાખશો એટલું પડ ક્રિસ્પી વધુ બનશે. નોનસ્ટિક તવા પર નાનાં નાનાં ઉત્તપામ જેવા હાંડવા પણ બનાવી શકો છો.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Comments

comments


3,630 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − = 1