આટલા વર્ષે આમ અચાનક એને મળવા એ પણ એની સાસરીમાં, ફક્ત રાખડી બંધાવવા માટે… લાગણીસભર વાર્તા…

“પોતીકાપણું”

જેમ જેમ, સરનામાં મુજબ ઘર નજીક આવવા લાગ્યું, તેમતેમ ચંદનના ધબકારા વધવા લાગ્યા. એને વર્ષો પહેલાની, છાયા યાદ આવી, છુટા વાળ ને હેરબેન્ડ થી શોભતી છાયા, એક ગર્ભશ્રીમંત પરિવારની દીકરી હતી અને ચંદન એના પિતાને ત્યાં કામ કરતાં નોકર નો દીકરો !!

પણ, બન્ને સાથે જ ભણતાં, સાથે રમતાં અને ઝગડતાં પણ, ખરા. જો કે, દરવખતે, ચંદન, જાણી જોઈને, પોતાનો જ વાંક હતો એવું બતાવીને, માફી માંગી બાજી સુધારી લેતો.અને એ છાયા ને ય ખબર હતી. એટલે તો, આ પ્રેમ ને ખાતર જ, છાયા ચંદનને, સગા ભાઈ જેવો જ માનતી.અને રાખડી પણ બંધતી..

વર્ષો વીતતા ચાલ્યા…ચંદન, નાનું મોટું કામ અને નોકરીની તલાશમાં ગામ છોડી નીકળી ગયો અને છાયા પણ સાસરે સિધાવી….

હજુ ગયા અઠવાડીયે જ ફેસબુક દ્વારા ફ્રેન્ડ બન્યા. અને પછી, સુખદ આશ્ચર્ય થયું જ્યારે ખબર પડી કે તે બન્ને  આ એક જ સીટી માં જ રહે છે. Hi, hello થી શરૂ કરેલી વાત, ત્યારે જ અટકી કે રક્ષાબંધન ના દિવસે, રૂબરૂ મળવાનું નક્કી કર્યું. ચંદન તો આવવા રાજી જ નહોતો એને ખૂબ જ ક્ષોભ થતો હતો કે એક અજાણ પુરુષ, એની પત્ની ના બાળપણના ગરીબ, સાથીદાર ને એના ઘરે આવવા માટે પરવાનગી આપે કે નહીં !! અને વાતચીત પરથી જણાતું જ હતું કે, છાયાને  પિયરથી પણ વધુ જાહોજલાલી સાસરિયે છે. તેથી જ ચંદન આવવા માટે હા જ નહોતો કહી શકતો !! પણ, છાયા પાસે એનું ક્યારેય નહોતું ચાલ્યું, તો હવે શેનું ચાલે ??

હવે, ચંદન એક આલીશાન બન્ગલો પાસે આવી તો પહોંચ્યો, અને, એ દરવાજે આવી બેલ મારવા જતો હતો, ત્યાં એણે , દરવાજો ખુલ્લો જ દેખાયો. એ અચકાતાં અચકાતાં અંદર પ્રવેશ્યો.

એણે અવાજ સાંભળ્યો, ” બેટા, તું પૂછતી હતી ને કે મમ્મા, તમારે કોઈ ભાઈ નથી ? તો જો આજે મારો ભાઈ આવે છે !! મારો ખોવાયેલો ભાઈ !!”

અને, ચંદન તરફ નજર જતાં, છાયા તેનો પતિ શ્રીકાંત અને બાળકોએ ચંદન ને આવકાર્યો.છાયા ચંદનનું હૈયાના હેતથી, કકું ચોખા વડે પૂજન કરીને ચંદનની સુની કલાઈ માં રાખડી બાંધી. છાયાનો પરિવાર એને એટલો પ્રેમ આપે છે અને છોકરાઓ તો જાણે સગા મામા મળી ગયા હોય તેમ ચંદન સાથે ભળી જાય છે.

ચંદન ને, સંકોચ થાય છે કે બેન ને આપવા માટે પોતાની પાસે, બસ, થોડીક ચોકલેટ અને મામૂલી રકમ !!

પણ, ચંદને આપેલી સાવ મામૂલી ચોકલેટ, બાળકો પાસેથી લઈ ને, શ્રીકાંત એવી મજે થી ખાઈ રહ્યો હતો કે જાણે સુદામા ના તાંદુલ, શ્રીકૃષ્ણ આરોગી રહ્યા હોય !! અને વાત કરતાં કરતાં સહજ જ શ્રીકાંત, ચંદનના ખભે હાથ પરોવી, તેની જોડાજોડ બેસી ગયો. સાથે જમ્યા પણ ખરા !!

અને… ચંદન નો ક્ષોભ સરી ગયો.. એને પણ, લાગ્યું કે આજે એ સાચે જ પોતાની બેન ના ઘરે આવ્યો છે. એને, વર્ષો પછી, અહીં પોતીકાપણા નો અહેસાસ થયો.

આજે આ હળાહળ, ખારા સમુદ્ર જેવા કળિયુગમાં એને અહીં મીઠી વીરડી મળી આવી. આજે એના રક્ષાબન્ધન નો તહેવાર જ નહીં પણ, જીવતર સુધરી ગયું લાગ્યું.

લેખક : દક્ષા રમેશ ” લાગણી”

અદ્ભુત સુંદર વાર્તા. ક્યારેક જ આવા સંબંધો જોવા મળે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,735 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 − = 0