“ધરતી પર સ્વર્ગ”
બંસીનું આ રિમેરેજ હતું. તેને બધું સારું હોવા છતાં કંઈક ખૂંચતું હતું. એ સમજી નહોતી શકતી કે એણે પહેલું લગ્નજીવન તોડીને બીજા લગ્ન કરીને શું મેળવ્યું કે શું ગુમાવ્યું ?
એનો પહેલો પતિ, બ્રીજ, સીધો સાદો અને કામમાં રચ્યો પચ્યો રહેતો. ત્યારે, બંસીની કલ્પનાનો, જીવનસાથી તો ટી.વી. સિરિયલ કે ફિલ્મોનો હીરો જેવો હતો કે જે એની સાથે બગીચામાં રોમાન્સ કરે અને હોટલમાં ડિનર કરે ને… ડાન્સ, પાર્ટી…
બંસીએ બ્રીજ સાથે પોતાની લાઈફ એળે જતી જોઈ અને… એણે છેડો ફાડયો. એમ કહીને કે આને સમજાવી સમજાવીને પોતાને ગમતી લાઈફ સ્ટાઇલ મુજબ બનાવતાં મારી જિંદગી બગાડવા નથી માંગતી.. મારે એક જ જિંદગી છે. એ હું જીવવા માંગુ છું… અને બ્રીજ સાથે છેડો છોડીને બંસીએ બોની સાથે કોર્ટમેરેજ કરી, છેડાછેડી બાંધી !
હનીમૂન વખતે તો, બંસી હવામાં ઊડવા લાગી કે પોતાને જેવો જોઈતો હતો એવો સપનાનો રાજકુમાર, બોની, હવે એને મળી ગયો… પણ, ધીમેધીમે, એને સમજાયું કે દરેક સિક્કાની બે બાજુ હોય છે.
બ્રીજ, સરળની સાથે કામમાં અને સમયમાં એકદમ પંચ્યુઅલ હતો. એક સમજદાર અને જવાબદારી સારી રીતે સંભાળી શકે એવો સરસ પતિ હતો.
જ્યારે, બોની જેવો રોમેન્ટિક હતો એવો જ નિસ્ફિકર અને બિન્દાસ્ત હતો. ખૂબ જ પ્રેમ કરતો હતી પણ બોની હતો, કંઈક અંશે, બેજવાબદાર કહી શકાય એવો.
બંસી વિચારી રહી, એણે શુ મેળવવા શું ગુમાવ્યું અને ગુમાવી ને શું મેળવ્યું ?
બંસીએ એક ઊંડો શ્વાસ લીધો ! ખરેખર, એણે લગ્ન તોડ્યા એ જ યોગ્ય ઈલાજ હતો કે ?
પહેલાં લગ્નજીવનમાં ત્યારે એટલી દુઃખી તો નહોતી. જો કે અત્યારે એ, બીજા લગ્નથી, સંપૂર્ણ સુખી તો નથી જ ! પહેલા લગ્નમાં તેણે જીવનમાં કંઈક બાંધછોડ કરવી પડતી હતી તો, બીજા લગ્નમાં કંઈકને કંઈક તો બંધન છે જ અને કંઈક તો છૂટી જ જાય છે ! તો, લગ્ન એ શું ઢીંગલા ઢીંગલીના ખેલ છે ? કે આજે ન ફાવ્યું આની સાથે તો કાલે હવે બીજા સાથે.
બંસી, વિચારી રહી. સ્ત્રી હોય કે પુરુષ, જીવન સાથે એક જાતની સમજાવટ કરવી જ પડે છે. તો જ લગ્નજીવન ટકી રહે ! તો શું ફક્ત લગ્ન એટલે સમજૂતી જ ?
પણ, ના, હવે એને દીવા જેવું સ્પષ્ટ દેખાવા લાગ્યું, લગ્નજીવનમાં કરવામાં આવતી એ સમજૂતીને નજરમાં ન લેતાં, બન્ને પાત્રો, હા, બન્ને પાત્રો, એકબીજાને દિલોજાનથી પ્રેમ કરે તો..?
હા, તો, તો..!
“સ્વર્ગ ધરતી પર” જ છે !
“બસ, પ્યાર કરતે રહો, ફક્ત પોતાના જીવનસાથી ને…!”
લેખક : દક્ષારમેશ “લાગણી”
આ યુવતીએ જે કર્યું એ જે બરોબર કર્યું કે નહિ?