આ વાત ની શરૂવાત થાય છે સોક્રેટીસ ની એક કથા થી કે જયારે એક દિવસ તેના એક શિષ્યએ મોટી દુકાન ની શરૂઆત કરી હતી અને તેના ઉદ્દઘાટન માટે સોક્રેટીસ ને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. તે આવ્યા ને ઉદ્દઘાટન કર્યુ ત્યારબાદ શિષ્ય એ પોતાની ગુરુ દક્ષિણા સ્વરૂપ તેમને કહ્યું કે સાહેબ મારી આ નવી દુકાન મા ઓછા માં ઓછી એકવીસ હજાર જીવન જરૂરિયાત વાળી વસ્તુઓ છે અને તેમાં થી તમને જે ભી ગમે તે તમે કોઈ પણ સંકોચ વગર લઈ શકો છો.
આ સંભાળીને પેહલા તો સોક્રેટીસ હસ્યા અને પછી કીધું કે આમાંથી એક પણ વસ્તુ જીવન જીવવા માટે જરૂરી નથી લાગતી અને તેમને તો આ વાત નો આશ્ચર્ય થતો હતો કે લોકો આ બિનજરૂરી એકવીસ હજાર વસ્તુઓ વાપરે છે કઈ રીતે જેનો કઈ પણ ઉપયોગ જીવન જીવવા માટે નથી.
જો હવે અહીંયા થી આપણી વાત ની શરૂવાત થાય છે કે આપણે પણ આવી ઘણી બિનજરૂરી વસ્તુઓ વગર ઘડીભર નથી ચલાવી શકતા. બાથરૂમ ની સાવ સામાન્ય ઓડોનીલ જેવા એર-ફ્રેશનર વગર કેટલા લોકોના શ્વાસ રૂંધાઈ ગયા? હારપીક વગર કોની લાદી સાફ નથી રહી? ફેશવોશ વગર કઈ મહિલા ને મુછો ઉગી નીકળી? હોમથીએટર થી કયો પુરુષ કલાકાર બની ગયો? કંડીશનર થી કોના વાળ પંચોત્તેર વર્ષ સુધી મુલાયમ અને કાળા રહ્યાં?
આવા અનગિનત પ્રશ્નો છે કે જેનો જવાબ કદાચ આપળી પાસે નહિ હોય કેમકે આ વસ્તુઓ નો ઉપયોગ માત્ર ને માત્ર શોખ માટે કરવામાં આવે છે તેના જીવન સાથે કાઈ પણ લેવા-દેવા નથી. આ બધી વસ્તુઓ ના હોય તો પણ જીવન તો જીવી જ શકાય.
કુદરત ની બધી વ્યવસ્થાઓ સામે આપણે પડકાર કરીએ છીએ બાકી તો બગલો ક્યાં શેમ્પુ થી સ્નાન કરે છે? મોર પોતાના રંગ માટે ક્યુ કંડીશનર વાપરે છે? બિલાડી ને ક્યાં મોતીયા આવ્યા છે? સસલાના વાળ કાં કોઈ દિવસ ખરતાં નથી? કઈ બકરી ના દાંત મા પાયારીયા થયું છે?
બામ કે ઇન્હેલર વગર પણ કુતરા નું નાક ગંધ-સુગંધ પારખે જ છેને, અલાર્મ વગર પણ કુકડો તો ઉઠે જ છે, મધમાખીમા હજુ ઈન્સ્યુલીન નુ ઈન્જેકશન લીધા વગર સુગર કંટ્રોલ મા જ છે. સી.સી. ટીવી કેમેરા વગર કઈ ટીટોડી ના ઈંડા ચોરાઈ ગયા? આજ ના માણસ ને દુઃખી કરવો સાવ સહેલો છે. માણસ પોતે પૈસા વાપરીને વસ્તુઓ લે છે અને દુઃખી થાય છે.
નેટ ગયું તો દુઃખી,લાઈટ જાય તો દુઃખી,ગાડી ના એક ટાયર માંથી હવા નીકળી જાય તો દુઃખી,મોબાઈલ નું ચાર્જર બગડે તો દુઃખી,ટીવી નો કેબલ કપાઈ તો દુઃખી,મચ્છર ની અગરબત્તી ન મળે તો દુઃખી,બહેનો ને યોગ્ય મેકઅપ ના મળે તો દુઃખી, કપડાં ની જોડી નું જોઈતું મેચીંગ ના મળે તો દુઃખી. આજ ના સમય મા માણસને માત્ર દસ મીનીટ મા જ વીસ પ્રકારે દુઃખી કરી શકાય.
આપણે માત્ર અદેખાઈ ને લીધે બજાર માંથી ઘણી એવી બિન-ઉપયોગી વસ્તુઓ ખરીદીને લાવીએ છીએ કે જેની જરૂર જીવન જીવવા માટે હોતી નથી. આ માટે એક કામ કરી શકાય પેહલા એક સૂચી બનાવો અને તેમાં લખો કે તમારા ઘર માં આવી કેટલી વસ્તુઓ છે કે જે ના હોય તો પણ દિવસ કે મહિનો સેહલાઈ થી નીકળી જાય.
જયારે તમે આ સૂચી ત્યાર કરી લેશો અને તેના ભાવ કાઢી ને સરવાળો કરશો તો તમે જોશો કે તેનો આકડો એક સામાન્ય કર્મચારી ના પગાર જેટલો આવે છે. તો આપણે આવી બિન-જરૂરી વસ્તુઓની ખરીદી ટાળવી જોઈએ. અહીંયા વાત કંજુસાઈ કે કરકસર કરવાની નથી પણ સમજણ ની છે. માત્ર ઈર્ષા ને લીધે ખોટી વસ્તુઓ ખરીદવી તેમજ ખોટો ખર્ચ કરવા કરતા બચત કરો. આમ કરવાથી ઓછા માં ઓછું તમે મહીને ૩૦૦૦ જેટલા રૂપિયા થી પણ વધુ ની બચત કરી શકો છો.