હલો મિત્રો આજે હું લઇ ને આવી છું. ઠંડી ઠંડી દહીં ફુદીના ની ચટણી.જયારે પણ આપણે હોટેલ માં જમવા જઈએ છીએ અને પેહલા જે ચટણી મળે છે. તેની તો વાત જ અલગ હોય છે. એ ખાટી મીઠી ચટણી કોઈ ને ના ભાવે એવું તો બને જ નહિ ને? તો ચાલો આવે બનાવીએ હોટેલ સ્ટાઇલ દહીં ફુદીના ની ઠંડી ખાટી મીઠી ચટણી. જેને વેફર્સ, ફ્રાઈમ્સ તેમજ તમને પસંદીના ફરસાણ જોડે ખાવા થી ખુબ જ સરસ લાગે છે.
સામગ્રી:
- ૧ વાડકો દહીં,
- ૧ વાડકો ફુદીનો,
- ૧/૨ વાડકો કોથમરી,
- ૪ નંગ લીલા મરચા,
- ૧ નંગ લીંબુ,
- ૧ ચમચી જીરું,
- ૧/૨ ચમચી નમક,
- ૫-૬ કળી લસણ.
રીત:
સૌપ્રથમ આપણે સામગ્રીઓ લઈશું. ત્યાર બાદ આપણે કોથમરી અને ફુદીના ને પાણી થી ધોઈ અને સુકવી લેવા. ત્યાર બાદ ફુદીનો, કોથમરી અને મરચા ને જીણા સમારી લેવા.
ત્યાર બાદ તેને એક મિક્ષ્ચર માં કાઢી લેવું. અને તેને બારીક પીસી લેવું.તમે ચાહો તો ફુદીનો, કોથમરી અને મરચા ને ખંડણી દસ્તા માં પણ પીસી શકો છો.
હવે આપણે લઈશું દહીં. ઘરે બનાવેલું થોડું ખાટુ મીઠું દહીં હોય તે લેવું. જેથી ચટણી ખાટી મીઠી બને. ત્યાર બાદ દહીં ને ચમચી વડે હલાવી ઘોરવું બનાવી લેવું. ત્યાર બાદ તેને પણ મિક્ષ્ચર ના જાર માં ઉમેરી દેવું.
ત્યાર બાદ ટેસ્ટ માટે આપણે તેમાં સમારેલું લસણ ઉમેરીશું. તમે લસણ ના ખાતા હોય તો તેને અવગણી પણ શકો છો. ત્યાર બાદ તેમાં નમક અને શેકેલું આખું જીરું ઉમેરીશું.
હવે બધું જ મિક્ષ કરી મિક્ષ્ચર ના મોટા જાર માં પીસી લેવું.
હવે આપણી પાસે ખુબ જ સરસ દહીં ફુદીના ની ચટણી તૈયાર છે.
હવે ચટણી ને સર્વિંગ બાઉલ માં કાઢી તેને વેફર્સ કે કોઈ પણ ફરસાણ જોડે સર્વ કરી શકાય છે.
નોંધ:
દહીં ની ચટણી વધારે તીખી કરવી હોય તો લસણ ની ચટણી ઉમેરી શકાય છે. તેમજ લસણ ના ખાતા હોય તે તેને અવગણી પણ શકે છે. સાવ મોળું કે ખુબ જ ખાટુ દહીં ઉપયોગ માં ના લેવું. નહિતર ચટણી માં ટેસ્ટ નહિ આવે. પાણી વાળું દહીં ઉપયોગ માં ના લેવું નહિતર ચટણી ખુબ જ પાતળી થઇ જશે.
રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)