મિત્રો, આપણે શાક તો દરરોજ અલગ અલગ બનાવતા હોઈએ છીએ પણ કયારેક રૂટિનથી અલગ ખાવા માટે રેસ્ટોરન્ટમાં જતા હોઈએ છીએ. પરંતુ બહારનું ખાવાનું ઘર જેવું શુદ્ધ અને હાઈજેનીક થોડું હોય, ખબર હોવા છતા પણ આપણે હોંશે હોંશે ખાઈએ છીએ. જો બહાર જેવું જ ચટપટું હટકે શાક ઘરે બનાવીએ તો, શુદ્ધ અને હાઈજેનીક તો હોય જ સાથે બજેટમાં સાવ સસ્તું પડે છે તો શા માટે બહાર જેવું જ ટેસ્ટી શાક ઘરે ના બનાવીએ, તો મિત્રો, આજુ હું સ્વાદિષ્ટ અને મસાલેદાર કોર્ન-કેપ્સિકમ વિથ પનીરનું પંજાબી શાક બનાવવાની રેસિપી શેર કરું છું જે બનાવવી પણ સિમ્પલ છે અને બહાર જેવો જ ટેસ્ટ આવે છે તો ચાલો બતાવી દઉં પંજાબી સબ્જીની રીત
સામગ્રી :
- Ø 1/2 કપ બાફેલી મકાઈ
- Ø 100 ગ્રામ પનીર
- Ø 50 ગ્રામ કેપ્સિકમ
- Ø 4 મીડીયમ સાઈઝના ટમાટર
- Ø 5 મીડીયમ સાઈઝના કાંદા
- Ø 15 કળી લસણ
- Ø 1 લીલું મરચું
- Ø 1 ઇંચ જેટલું આદુ
- Ø 1 ટેબલ સ્પૂન બારીક સમારેલી કોથમીર
- Ø દોઢ (1 અને 1/2) ટેબલ સ્પૂન લીંબુ નો રસ
- Ø 1/2 ટેબલ સ્પૂન કિચન કિંગ મસાલો
- Ø 1/2 ટેબલ સ્પૂન ધાણાજીરું
- Ø 1 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું
- Ø 1/2 ટેબલ સ્પૂન હળદર
- Ø 1/4 ટેબલ સ્પૂન હિંગ
- Ø મીઠું સ્વાદ અનુસાર
- Ø વઘાર માટે સૂકા લાલ મરચા, તજ અને તમાલપત્ર
- Ø 100 મિલી તેલ
તૈયારી :
- Ø કાંદા અને ટમાટરને એકસાથે કૂકરમાં લઈ બે સીટી વગાડી બાફી લો. ત્યારબાદ અલગ અલગ પીસીને પેસ્ટ બનાવી લો.
- Ø મકાઈને પણ બાફીને દાણા કાઢી લો.
- Ø આદુ, લીલા મરચા અને લસણની પેસ્ટ બનાવી લો.
- Ø કેપ્સિકમ ને નાના ટુકડામાં કાપી લો અને કોથમીર સમારી લો.
- Ø પનીરના એક-બે પીસને ખમણી લો જે આપણે ગાર્નિશિંગ માટે યુઝ કરીશું.
રીત :
1) સૌ પ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો, સ્ટવની ફ્લેમ મીડીયમ રાખી તેલ ગરમ થવા દો. તેલ ગરમ થઈ જાય પછી તેમાં વઘાર માટે તજ, તમાલપત્ર અને સૂકા મરચા નાખો. ત્યારબાદ તેમાં આદુ-મરચા અને લસણની પેસ્ટ ઉમેરી એકાદ મિનિટ સાંતળો.
2) ત્યારપછી તેમાં કાંદાની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરો લો. અને એકાદ મિનિટ માટે ચડવા દો. એકાદ મિનિટ પછી તેમાં ટમાટરની પેસ્ટ ઉમેરી મિક્સ કરી લો.
3) બરાબર મિક્સ કરી તેમાં હિંગ, હળદર, લાલ મરચું પાવડર, કિચન કિંગ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો, ઢાંકણ ઢાંકીને ત્રણેક મિનિટ માટે ચડવા દો,વચ્ચે વચ્ચે હલાવતા રહેવું.
4) ત્રણેક મિનિટમાં બધું જ ચડીને સરસ ગ્રેવી તૈયાર થઈ જશે. પછી તેમાં પનીર, બાફેલી મકાઈ તેમજ કેપ્સિકમ ઉમેરી મિક્સ કરી લો. પનીરને શેલો ફ્રાય કરીને પણ નાખી શકાય. તેમાં લીંબું નો રસ ઉમેરી ફરી બે મિનિટ માટે ચડવા દો.
5) બે મિનિટ પછી તેમાં ધાણાજીરું ઉમેરી મિક્સ કરી લો. તો તૈયાર છે કોર્ન-કેપ્સિકમ વિથ પનીરનું પંજાબી સબ્જી, સ્ટવ ઑફ કરી દો અને કોથમીર, કેપ્સિકમ તેમજ પનીરના ખમણથી ગાર્નિશ કરી ગરમા-ગરમ સર્વ કરો.
આ શાકને પરોઠા સાથે સર્વ કરવાથી ખાવાની ખુબ જ મજા પડી જશે.
ખરેખર ખુબ જ ટેસ્ટફૂલ બને છે, હું તો અવારનવાર બનાવું છું અને મારા ઘરના બધા સભ્યોને ખુબ જ પસંદ પડે છે, તમે પણ ટ્રાય કરજો, એકવાર બનાવીને ટેસ્ટ કરશો તો બહારનું પંજાબી શાક ખાવાનું ભૂલી જશો.
મકાઈની સીઝન પણ છે, તો આપના મેનુમાં વૈવિધ્ય લાવો અને આજે જ બનાવો કોર્ન-કેપ્સિકમ વિથ પનીર નું પંજાબી શાક.
આ રેસિપીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો::
રસોઈની રાણી : અલ્કા સોરઠિયા ( રાજકોટ )