એ પિતાએ એકલા હાથે પોતાના દીકરાને સાચવ્યો હતો એમની સાથે વહુનું આવું વર્તન… સમજવા જેવી વાર્તા…

‘ઓહ ગોડ… પપ્પાજી પ્લીઝ… તમે એક તો આખું રસોડું બગાડી નાખો અને ઉપરથી જ્વલિત તમારા લીધે મને સંભળાવે એ વધારામાં… તમારે શું રોજ સવારે દોઢડાહ્યા થઈને એની ચા બનાવવી હોય છે ?’

સવારના આઠ વાગ્યાનો સમય. શહેરના પોષ વિસ્તારમાં રહેતા હસમુખલાલને સંતાનમાં માત્ર એક દીકરો. જ્વલિતને તેમણે હર્શીદાબહેનના ગયા પછી લાડકોડથી ઉછેરીને મોટો કર્યો હતો. જ્યારે જ્વલિત પાંચ વર્ષનો હતો ત્યારે હર્શીદાબહેનનું મૃત્યુ થયું. બિઝનેસ ટાઈકૂન હસમુખલાલને એ સમયે શું કરવું એ જ નહોતું સૂઝતું. માર્કેટમાં તેમની કંપનીના શેર્સના ભાવ હંમેશાં ઊંચા રહેલા.. ઘરમાં શું ચાલે છે એ વાતની તેમને જરા સરખી પણ ખબર ના રહેતી. બધું જ તેમના વતી હર્શીદાબહેન કરતાં. વ્યવહાર સાચવવાનો હોય કે બાળકોને ઉછેરવાના હોય, પરિવારને એકસૂત્રમાં બાંધીને રાખવાનો હોય કે ઘરની જવાબદારી સંપૂર્ણપણે નિભાવવાની હોય. હર્શીદાબહેન પરફેક્ટ પત્ની અને વહુ હતાં. તેમની અણધારી વિદાયથી હસમુખલાલ હેબતાઈ ગયેલા. તેમનાથી નાના બે ભાઈ પોતપોતાની પત્ની અને બાળકો સાથે અલગ રહેતા. બહેનના લગ્ન ગયા વર્ષે જ થયેલાં. મા-બાપ હતાં નહીં. અત્યાર સુધી તેઓ વડીલ હોવા છતાંય તેમને અદા કરવાની ફરજો પણ હર્શીદાબહેન નિભાવતા આવ્યા હતા એટલે તેમના માટે આ બધું જ ઓચિંતું હતું.

સૌથી મોટો પ્રશ્ન હતો જ્વલિતને સંભાળવાનો. જ્યારે હર્શીદાબહેન હતા ત્યારે તો તે જ જ્વલિત માટે મા હોવા સાથે સાથે બાપ પણ હતા. બિઝનેસ ટુર્સમાંથી બે-ત્રણ મહિને ઘરે પાછા ફરતા હસમુખલાલ માટે પાંચ વર્ષ સુધી તો જ્વલિતને પણ ખાસ હેત હતું નહીં. કેમકે બાપનો જે પ્રેમ મળવો જોઈએ એ તેને મળ્યો જ નહોતો. પરંતુ હર્શીદાબહેનની અંધારી વિદાયથી બધું જ બદલાઈ ગયું. ક્યારેય રસોડામાં ન જતા હસમુખલાલ રોજ સવારે જાગીને દીકરા માટે ગરમ બોનવિટાવાળું દૂધ બનાવતા અને તેને સ્કુલે મૂકવા જતા. એ સિવાય નાના -મોટા કામ કરવા તો ઘરમાં કામવાળા હતા જ છતાંય જ્વલિતને પોતીકી અનુભૂતિ મળે, માની એ મમતા મળે એ માટે થઈને તેના માટે દૂધ અને જમવાનું બને ત્યાં સુધી તેઓ જ બનાવતા. એ સમયે યૂ-ટ્યુબ તો હતું નહીં એટલે ખાસ કુકિંગની બુક લાવીને તેઓ બિઝનેસમાંથી સમય કાઢીને બધી જ રસોઈ બનાવતા શીખ્યા હતા.

ત્યાંથી શરુ થયેલી તેમની આ સફર હજુ પણ વણથંભી ચાલી રહી હતી. આજે પાંસઠ વર્ષની ઉંમરે પણ તેઓ રોજ સવારે વહેલા જાગીને જ્વલિત માટે જાતે જ ચા બનાવતા. જવલિતના લગ્ન થયે દસ વર્ષ થઈ ગયેલા. તેને એક સાત વર્ષનો દીકરો અને પાંચ વર્ષની દીકરી હતી. વીરજ અને વરદાના. તેની પત્ની અને હસમુખલાલની વહુ જીજ્ઞાસાને રોજ જ્વલિત રસોડાની બાબતે સંભળાવતો… એક તો હસમુખલાલની ઉંમર થઈ ગઈ હોવાથી તેઓ ચા બનાવતા સમયે આખું પ્લેટફોર્મ બગાડતા અને જ્વલિત પત્નીને મોડા જાગવા માટે ઠપકો પણ આપતો. તેને લાગતું કે જીજ્ઞાસા જાગતી નથી એટલે હસમુખલાલ ચા બનાવે છે.

ફક્ત ચા જ નહીં, હસમુખલાલને પડેલી રસોડાની ટેવ તેમનાથી હજુ પણ છૂટી નહોતી. જીજ્ઞાસાની રસોઈમાં તેઓ જાતજાતની ખામી કાઢતા અને ઘણીવાર તો પોતે જ રસોડામાં જ જઈને સુધારા-વધારા કરી લેતા.

પચાસ વર્ષની ઉંમરે સઘળો બિઝનેસ દીકરાને સોંપી દીધેલો એટલે પંદર વર્ષથી રીટાયર થયેલા હસમુખલાલ માટે હવે રસોડું જ સર્વસ્વ હતું.

એ દિવસે પણ કંઈક એવું જ થયું.

રવિવારની સવાર હતી. જ્વલિત અને જીજ્ઞાસા મોડા જાગ્યાં. જીજ્ઞાસા તૈયાર થઈને રસોડામાં આવી ત્યારે નવ વાગી ગયેલા. જેવી તેની નજર રસોડામાં ગઈ કે ગંદુ પ્લેટફોર્મ અને ઢોળાયેલી ચા સાથે બળી ગયેલી તપેલી જોઈ તેનું મગજ છટક્યું.

‘પપ્પાજી પ્લીઝ, તમને કેટલી વખત ના કહી છે. આ રીતે જ્વલિત માટે ચા બનાવીને નહીં રાખો. એ આજે આમ પણ મોડા જાગે છે તમને ખબર છે ને ?’

‘અરે વહુ, આ તો હું જરા મારી ચા મૂકતો હતો એટલે એની પણ મૂકી દીધી. મને થયું કે પછી કીટલીમાં કાઢીને રાખી દઈશ.’

‘પણ પપ્પાજી, તમે શું કામ આ બધી જફા કરો છો ? હું નથી શું ?’

અવાજ સહેજ મોટો કરીને ચિડાઈને જીજ્ઞાસા બોલી, ‘પ્લીઝ હવે આ તમારી બાલીશ હરકતો અને બાયલાવેડા કરવાના બંધ કરો તો સારું… મને બહુ ગમશે.’ એટલું કહીને પગ પછાડતી જીજ્ઞાસા ત્યાંથી ચાલી ગઈ..

હસમુખલાલ આ સાંભળીને સુન્ન થઈ ગયા. આ કંઈ પહેલીવારનું નહોતું. ‘પપ્પાજી પ્લીઝ’ એ હવે જીજ્ઞાસાનો તકિયાકલામ બની ગયેલો. કોઈવાર સાંજે ઉપમા બનાવતા સસરાજી કે ક્યારેક સવારના મમરા વઘારતા સસરાજી. ક્યારેક રોટલો ઘડતા સસરાજી તો વળી ક્યારેક ઢોકળા બનાવતા સસરાજીને જોઈને, ટોકીને તે કંટાળી ગઈ હતી. આજે તો તેણે હદ જ કરી દીધી. હસમુખલાલ તેના શબ્દો સાંભળી વિચારમાં પડી ગયા. રસોડાને પ્રેમ કરવો એને બાયલાવેડા કેવી રીતે કહી શકાય ? શું એક સ્ત્રી જ રસોડાની રાણી બની શકે ? વિચાર કરતા કરતા જ તેમની આંખમાંથી આંસુ સરી પડ્યા. તેઓ મૂંગામંતર થઈને ત્યાંથી ચાલ્યા ગયા. એ જ દિવસે તેમણે નિર્ણય કરી લીધો કે તેઓ હવે પછી ક્યારેય રસોડામાં પગ નહીં મૂકે કે જમવાનું પણ નહીં બનાવે.

એ પછી દિવસો વીતી ગયા. શરૂઆતમાં હસમુખલાલને શાંત જોઈને જ્વલિત અને જીજ્ઞાસાને દુખ થતું. જ્વલિતે જીજ્ઞાસા વતી કેટલીય વાર માફી પણ માંગી લીધી હતી. પરંતુ હસમુખલાલ પોતાના નિર્ણય પર અડગ રહ્યા. ધીમેધીમે તેમના એ સ્વભાવને બંનેએ સ્વીકારી લીધો. આમ પણ જ્વલિત અને જીજ્ઞાસાને હસમુખલાલ રસોડામાં ન જાય તે જ જોઈતું હતું !

લગભગ એકાદ વર્ષ વીતી ગયું. આ એક વર્ષમાં હસમુખલાલે રસોડામાં પગ સુદ્ધાં નહોતો મૂક્યો. ત્યાં સુધી કે તેઓ પાણીનો જગ પોતાના ઓરડામાં જ મંગાવીને રાખતા.

શ્રાવણ મહિનાની એ સવાર સુંદર ખીલી હતી. હસમુખલાલે હવે પોતાનું રૂટીન ગોઠવી લીધું હતું. રોજ સવારે તેઓ આઠ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી બગીચામાં અને ત્યારબાદ મંદિરમાં બેસતા. અગિયાર વાગ્યે ઘરે આવીને કલાક આરામ કરતા. બાર વાગ્યે જમીને એક વાગ્યા સુધી કંઈક વાંચન કરતા. ફરી બે કલાક આરામ કરતા. ત્રણ વાગ્યે જાગીને તેઓ પાંચ વાગ્યા સુધી ધાર્મિક પુસ્તક વાંચતા. એ પછી એકાદ-બે કલાક પૌત્ર-પૌત્રી સાથે બેસતા અને વાતો કરતા. સાત વાગ્યે ચાલવા જતા અને આઠ વાગ્યે આવીને ફરી રાતનું જમીને દસ વાગ્યે તો સૂઈ જતા. સવારે છ વાગ્યે જાગીને આઠ વાગ્યા સુધીમાં નહાવાનું પતાવીને ફરી પોતાની રોજનીશી શરુ કરી દેતા. આ જિંદગી હવે તેમને માફક આવી ગઈ હતી.

એ દિવસે સવારના પહોરમાં જ જીજ્ઞાસા અને જ્વલિતને બહાર જવાનું હતું. બંને છોકરાઓને શાળામાં રજા હતી. જ્વલિત અને જીજ્ઞાસા નવ વાગતા જ બહાર નીકળી ગયાં. તો છેક રાત્રે દસ વાગ્યે પાછા ફર્યાં. આવીને બંને બાળકો સાથે વાતો કરીને સૂઈ ગયાં..

બીજા જ દિવસથી જીજ્ઞાસાએ જોયું કે વીરજ અને વરદાનામાં થોડો ઘણો બદલાવ આવી ગયો હતો. હંમેશાં ન ખાવાની હઠ લઈને બેસતાં બંને બાળકો હવે રોજ તે જે ખવડાવે તે ખાઈ લેતાં.  દૂધ બંને રોજ બે વાર પીતાં એ સિવાય બધા જ શાકભાજી ખાતાં. ફ્રુટ્સ પણ જીજ્ઞાસા સુધારીને આપે એટલે હસીને ખાઈ લેતાં. છ વર્ષની દીકરી વરદાનાને દહીં ભાવતું નહીં તે હવે ડાહી બનીને દહીં ખાતી અને આઠ વર્ષનો વીરજ જે બટેકા સિવાય એકપણ શાક ન જમતો તે હવે પાલકની ભાજી પણ ખાવા લાગ્યો હતો.

લગભગ પંદરેક દિવસ સુધી આ બદલાવો અને ફેરફારો જોઈને ખાતરી કરીને સોળમા દિવસે રાત્રે જીજ્ઞાસાએ જ્વલિતને કહ્યું, ‘જ્વલિત કંઈક તો બન્યું છે. છોકરાંઓ બહુ બદલાઈ ગયાં છે. વરદાના હું જો એની નજીક દહીં લઈ જતી તો પણ દોડીને ઓરડામાં ભરાઈ જતી એ હવે પેટ ભરીને હસતા મોઢે હું આપું એટલું દહીં ખાય છે અને આપણો દીકરો તો દુધી, ગલકા, તુરિયા, ટીંડોળા ને પરવળ મોજથી ખાય છે.’

‘હા, તો એ તો સારું છે ને ? બંને છોકરાઓ એની જાતે જ સમજી ગયાં. એ સારી વાત કહેવાય. એમાં આટલી ચિંતા શું કામ કરે છે ?’

‘અરે ! પણ એમ નહીં, તમે જ વિચારોને એવું તે શું બન્યું હશે ?’

‘અરે ! જે બન્યું હોય તે બાપા… આવી વાતમાં રજનું ગજ ના કર…’

જ્વલિતનો જવાબ સાંભળીને જીજ્ઞાસાએ વાત પડતી મૂકી દીધી. પરંતુ તેના મગજમાંથી આ વાત નીકળી નહીં.

એ પછી પણ એક અઠવાડિયું વીતી ગયેલું.

જીજ્ઞાસા રોજ સાંજે પાંચથી સાત વાગ્યા સુધી જીમિંગ કરવા જાય. જ્યારે જીમ ન હોય ત્યારે કિટી પાર્ટીમાં જાય. એ દિવસે તે પાંચ વાગ્યે નીકળી હતી અને પોણા છ વાગતા જ પાછી ફરી ગઈ. તેને સહેજ ચક્કર આવવા લાગતાં તે વહેલી આવી ગઈ. જેવી દરવાજો ખોલીને ઘરમાં દાખલ થઈ તો અંદરનું દ્રશ્ય જોઈને ચોંકી ગઈ.

‘દાદુ મને પણ શીખડાવશો ને આ બનાવતાં.’

નાનકડી વરદાના તેના દાદાજીને કહી રહી હતી… હસમુખલાલ હાથમાં લોયું પકડીને બંને બાળકોની ડીશમાં શીરો પીરસી રહ્યા હતા. તેમના ખભે નેપકીન હતું અને મોઢા પર મુસ્કાન.

‘હાસ્તો દીકરી… તને પણ ને મારા આ વીરને પણ…’

આ સાંભળતા જ જીજ્ઞાસાનું મગજ છટક્યું અને તેણે રાડ પાડી, ‘પપ્પાજી… મારા છોકરાને પણ બાયલો બનાવવો છે તમારે ?’

જીજ્ઞાસાને ત્યાં જોઈ ત્રણેય ચોંકી ગયાં. હસમુખલાલને શું બોલવું તે ન સૂઝ્યું. નાનકડી વરદાના મમીની રાડ સાંભળીને જ રડવા લાગી. વીરજ એકધારી નજરે જીજ્ઞાસાની આંખમાં જોઈ રહ્યો ને પછી બોલ્યો, ‘મમી.. તું દાદુને કેમ ખીજાય છે ? તારે તો એમને થેન્ક્સ કહેવું જોઈએ… એમના લીધે અમે બંને જે ખાતાં નહોતા એ પણ ખાઈએ છીએ ઓકે…’

આ સાંભળતા જ જીજ્ઞાસા નરમ પડી ગઈ. હસમુખલાલ સામે જોઈને તેમની પાસેથી ખૂલાસ માંગતી હોય તેમ બેસી ગઈ. હસમુખલાલ બોલ્યા, ‘અરે વહુ… જે દિવસે તમે બંને બહાર ગયેલા ને એ દિવસે આ છોકરાઓને તો રજા હતી એટલે બંને ઘરે જ હતાં. સાંજ સુધી અમે બહુ ધમાલ કરી. બંનેને કંઈક મેકડોનાલ્ડ્સમાંથી બર્ગર ખાવું હતું એ મંગાવ્યું. રમતો રમ્યા ને પિક્ચર પણ જોયું. સાંજ પડતાં જ બંને આઈસ્ક્રીમ ખાવાની જીદ કરવા લાગ્યાં. વાતાવરણ અત્યારે આમ પણ ખરાબ છે. સવારના પણ બહારનું ખાધું હતું બંનેએ એટલે એમને ના કહીને કંઈક બીજું ખવડાવવાનું મેં વિચાર્યું. તે બનેની આઈસ્ક્રીમ ખાવાની એ જીદ જોઈને મને જ્વલિત યાદ આવી ગયો.

નાનપણમાં એ પણ આઈસ્ક્રીમ ખાવાની બહુ જીદ કરતો. એક વખત મેં એને શીરો ખવડાવ્યો આઈસ્ક્રીમની જીદના બદલામાં. મસ્ત મજાનો રવાનો શીરો બનાવ્યો અને તેને ગરમ ગરમ આપ્યો. એ શીરો એને એટલો ભાવ્યો હતો કે પછી રોજ એ મને શીરો બનાવવાનું કહેતો.

મેં વિચાર્યું આ બંને સાથે પણ એવું કરી શકાય. એટલે એમને મેં કહ્યું કે હું આઈસ્ક્રીમ કરતા પણ સરસ વસ્તુ બનાવીને ખવડાવીશ. બંને માની ગયાં. કેટલા દિવસે મેં રસોડામાં પગ મૂક્યો હતો. બંનેને ઘીથી લથબથ કાજુ-બદામ વાળો શીરો ખવડાવ્યો કે બેય મને વળગી પડ્યા. કહેવા લાગ્યા કે દાદાજી અમારે આ રોજ ખાવો છે એના બદલામાં તમે કહેશો એ કરશું. મેં એમને કહ્યું કે તમારે મમી ખવડાવે એ બધું ખાવાનું તો હું રોજ તમારા મમી જીમ જાય ત્યારે આ શીરો બનાવી આપીશ. વહુ, તમે પણ ચાખો… તમને પણ ભાવશે.’

હસમુખલાલની આ વાત સાંભળી જીજ્ઞાસાનું માથું નીચું નમી ગયેલું. સસરાજીને બાયલા કહીને તેમનું કેવું અપમાન કર્યું હતું એ યાદ આવી ગયું ને તેની આંખમાંથી આંસુ સરી પડ્યાં. તરત જ જઈને તે હસમુખલાલના પગમાં પડી ગઈ.

હસમુખલાલે તેને હેતથી ઊભી કરી અને માથા પર હાથ મૂકીને કહ્યું, ‘ભૂલી જાવ વહુ બધું જ… હું તમારી પરિસ્થિતિ સમજુ છું. તમારી જગ્યાએ કોઈપણ દીકરી હોય એનું આવું જ વર્તન રહેત એના રસોડા સાથે વળગેલા સસરાજી પ્રત્યે. ચાલો આ શીરો ખાવ જોઈએ. મને કહો કેવો બન્યો છે ?’ તેમણે પોતાના હાથે જીજ્ઞાસાને શીરો ખવડાવ્યો.

રાત્રે જ્યારે જ્વલિત આવ્યો ત્યારે વહુ-સસરાજી બંને રસોડામાં જ હતાં. દરવાજામાંથી દાખલ થતાં જ તેણે જીજ્ઞાસાના મોઢે સાંભળ્યું, ‘પ્લીઝ પપ્પાજી…’

તેને ફાળ પડી કે ફરી શું થયું હશે…? તે દોડીને રસોડા સુધી પહોચ્યો. અંદર જોયું તો જીજ્ઞાસા અને હસમુખલાલ મળીને જમવાનું બનાવી રહ્યાં હતાં. જ્વલિતને આમ હેબતાયેલો જોઈને એ બંને હસી પડ્યાં.

જ્વલિતને જ્યારે આખી વાતની ખબર પડી તેણે પણ હસમુખલાલની માફી માંગી. અને એ રાત્રે સૌએ મળીને હસમુખલાલે બનાવેલો શીરો પ્રેમથી ખાધો…!

લેખક : આયુષી સેલાણી

વાર્તા વિષે આપનો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો.

Comments

comments


3,842 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × 5 =