હવે તું નહિ હું તને રાખડી બાંધીશ, અદ્ભુત લાગણીસભર વાર્તા…

ચારેકોર હસીખુશીની છોળ ઉડતી હતી.. ઘરનું પ્રાંગણ શણગાર્યું હતું અને લગ્નગીતો દરેક દિશાએથી વાયરા સાથે વહીને વન્તિથીના કાનમાં પડઘાતા હતા. લાલ સાડીમાં સજ્જ વન્તિથીના હ્રદયની ધડકન ઘડી ઘડી વધી જતી હતી. મનમાં ગભરામણ થતી હતી અને મગજમાં ઝંઝાવાત ફૂંકાઈ જતો… ‘મેં લીધેલો આ નિર્ણય યોગ્ય તો હશે ને?’ બસ એક જ સવાલ તેના મન-મગજ-હ્રદયમાં વારેવારે ઉછળીને લપાઈ જતો હતો..

‘બેટા વન્તિથી.. ચલ પૂજા કરવાની છે.. મહારાજ બોલાવે છે તને.’ વર્ષાબહેન વન્તિથીના નામની પોકાર કરતાં કરતાં તેના ઓરડા સુધી પહોંચી ગયા.

આંખના ખૂણેથી ટપકું-ટપકું થતાં આંસુને આંગળીથી ઉડાડી દઈ, મોઢા પર મુસ્કાન ધારણ કરીને વન્તિથીએ દરવાજો ખોલ્યો.

‘હા મા… ચાલ, આવતી જ હતી… પપ્પા ક્યાં છે? અને વિદર્થ…’

વાક્ય અધૂરું મુકીને વન્તિથીએ તેની મા સામે જોયું. વર્ષાબહેનની આંખોમાં સહેજ વિષાદ છવાયેલો હતો.

‘બેટા તને ખબર તો છે કે એ જો અહીં આવશે તો તારા લગ્નની એકપણ રીવાજ-રસમ આપણે શાંતિથી નહીં કરી શકીએ..’

‘પણ મા, હું એના વગર લગ્ન કરી લઈશ એ તે કેમ વિચારી લીધું?’

‘જેમ તે લગ્ન માટે અચાનક જ હા કહી દીધી એમ મેં વિચારી લીધું કે તું વિદર્થ વગર પરણી પણ જશે જ…’ ને વન્તિથી ચુપચાપ તેની મા સામે કટાક્ષમાં જોઈને આગળ ચાલવા લાગી..

વિનોદભાઈ અને વર્ષાબહેનને એક દીકરો અને દીકરી… મોટા દીકરા વિદર્થનો જનમ થયો ત્યારે તેનું વજન સાડા ચાર કિલો હતું. વર્ષાબહેન મોતમાં મોંમાંથી પાછા આવ્યા હતા. શરૂઆતમાં તો ગોળમટોળ વિદર્થને જોઈને ઘરના દરેક સભ્યો તેના પર ઓવારી જતાં. પરંતુ જેમ જેમ મહિનાઓ પસાર થતા ગયા તેમ તેમ તેનું વજન અતિશય વધતું ગયું અને તેનું ગમેતેમ હસવું, ગમેતેને મારી લેવું, ગાંડાની જેમ રડી પડવું… બધું જ અજુગતું લાગવા લાગ્યું. વિદર્થ જ્યારે ત્રણ વર્ષનો થયો ત્યારે દરેકને વિશ્વાસ બેસી ગયો કે તે સામાન્ય છોકરો નથી. મંદબુદ્ધિનું અને એબનોર્મલ બાળક છે. વિનોદભાઈ અને વર્ષાબહેને જાતજાતની બાધા-માનતા રાખી. પણ પરિણામ શૂન્ય.. દિવસે ને દિવસે વિદર્થ વધુ ને વધુ જાડો અને કદરૂપો થતો ગયો… વિદર્થ જ્યારે નવ વર્ષનો હતો ત્યારે વન્તિથીનો જન્મ થયો. રૂપાળી ને નમણી વન્તિથીને જોઈને જ વર્ષાબહેન અને વિનોદભાઈની આંખો ઠરી જતી. શરૂઆતના બે વર્ષ સુધી વન્તિથીને તેના ભાઈ વિદર્થ સામે લાવવાનું વર્ષાબહેન બને ત્યાં સુધી ટાળતા.. પરંતુ એક વાર બે અઢી વર્ષની વન્તિથીને હોલમાં રમતી વિદર્થ જોઈ ગયો અને અગિયાર વર્ષની ઉંમરે વિકરાળ લાગતો વિદર્થ વન્તિથીને બટકું ભરવા દોડ્યો. વર્ષાબહેન વચ્ચે આવી જતાં એ દિવસે વન્તિથી તો બચી ગઈ પરંતુ વિદર્થને મારી-મારીને વર્ષાબહેને અધમુઓ કરી નાખ્યો.

એ પછી વિદર્થને રોજ સવારે વિનોદભાઈ એક ઓરડામાં બંધ કરીને તેમના કામ પર જવા લાગ્યા. સમય પસાર થતો ગયો એમ વિદર્થ વધુ ને વધુ કદરૂપો અને જાડો થતો ગયો. આ તરફ વન્તિથી એટલી જ દેખાવડી અને સુંદર થતી ગઈ.

એ દિવસે વન્તિથીનો જન્મદિવસ હતો. આઠ વર્ષની વન્તિથીએ એના સ્કુલ ફ્રેન્ડસ માટે પાર્ટી રાખી હતી. તેના ઘરમાં જ તેની બાર બહેનપણીઓ આવી હતી. કેક કાપ્યાં બાદ બધા મળીને ડાન્સ કરતા હતા. વર્ષાબહેન રસોડામાં હતા અને વિનોદભાઈ ગુલાબજાંબુ લેવા બહાર ગયેલા કે અચાનક જ હોલની બાજુના ઓરડામાં અંદરથી કોઈ બહારથી બંધ કરાયેલા બારણાને ટકોરા મારવા લાગ્યું. આ ટકોરાનો અવાજ સાંભળી ડાન્સ કરતાં કરતાં વન્તિથીની એક બહેનપણીએ એની સ્ટોપર ખોલી દીધી. જેવો દરવાજો ખુલ્યો કે વિદર્થ અંદરથી બહાર નીકળ્યો.

જોરજોરથી રાડો પાડતો અને વિચિત્ર અવાજો કરતો વિદર્થ બહાર આવતા જ બધાંને નાચતાં જોઈ ગાંડાની જેમ હસવા લાગ્યો. રસોડામાં કામ કરતા વર્ષાબહેન તરત જ ત્યાં આવ્યા અને આ જોઈને ગભરાઈ ગયા.. તેઓ જેવા વિદર્થની નજીક જવા ગયા કે વિદર્થ વન્તિથી પાસે પહોંચી ગયો..

પોતાની નાની આઠ વર્ષની બહેનને વહાલ કરી તેની પાસે બેસી ગયો… જાણે હાથી નાનકડા ગલુડિયાની બાજુમાં બેઠો હોય તેવું દ્રશ્ય હતું… વર્ષાબહેનને આ જોઈ બહુ નવાઈ લાગી…!

‘મમી… ભાઈને અહીં બેસવા દે ને… જો એ કંઈ નથી કરતો… કાલીઘેલી ભાષામાં વન્તિથીએ કહ્યું ને વર્ષાબહેન રડી પડ્યાં…

એ પછી તો જાણે નિયમ થઈ ગયો. વિદર્થ એની વહાલી બહેન વન્તિથી સાથે એકદમ નોર્મલ વર્તન કરે. એ સિવાય કોઈ બીજું જો એની સામે એકવાર આવી પણ જાય તો જાણે એ માણસને ખાઈ જવાનો હોય તેમ તેની સામે જુએ ને પછી ગાંડાની જેમ પોતાની છાતી પર હાથ પછાડે ને વિચિત્ર અવાજો કરે.

ધીમે ધીમે સમય પસાર થતો ગયો એમ વિદર્થ વધુ ને વધુ વિકરાળ થતો ગયો. વન્તિથી હવે કોલેજમાં આવી ગઈ હતી. અઢાર વર્ષની વન્તિથી ઓગણત્રીસ વર્ષનાં વિદર્થને વધારે ના મળી શકતી. આખો દિવસ તેના ગિટાર કલાસીસ અને કોલેજમાં જ તે વ્યસ્ત રહેતી.

એ દિવસે રવિવાર હતો. ‘મા… આજે વિચારું છું ગિટાર ક્લાસમાં નથી જવું…’ ‘તો તો બહુ સારું દીકરી… ઘરે તારે આરામ થઈ જશે. રોજ આવા ધોળા કરી કરીને તું થાકી ગઈ હશે ને વહાલી…’‘હા મા.. થાક તો લાગ્યો છે. પણ આજે વિદુ સાથે આખો દિવસ રહેવાનું વિચારું છું એટલે ગિટાર ક્લાસમાં જવાની ના કહું છું..’

‘પણ બેટા વિદુને છેલ્લા એક મહિનાથી એના ઓરડામાંથી બહાર નથી કાઢ્યો… અચાનક તું આજે આટલા દિવસ પછી એને મળીશ તો કદાચ તારી સાથે એ થોડું વિચિત્ર અને કદાચ અજુગતું વર્તન પણ કરે.’

વન્તિથી આ સાંભળીને વિચારમાં પડી ગઈ.

વર્શાબહેનની વાત તો સાચી જ હતી. ભાઈને છેલ્લા પંદર દિવસથી પોતે પણ નહોતી મળી. નેશનલ લેવલની મ્યુઝિક કોમ્પિટિશનમાં તેના ગિટાર ક્લાસનું ગ્રુપ પાર્ટીસિપેટ કરી રહ્યું હતું. એમાં તેને સેકન્ડ લીડની પોઝિશન મળી હતી. રોજ સવારે આઠ વાગ્યે કોલેજ જાય અને બે વાગ્યે આવે. આવીને, જમીને સહેજ ફ્રેશ થઈને ફરી ત્રણ વાગ્યે ગિટાર ક્લાસમાં જાય તો રાત્રે નવ વાગ્યે તે ઘરે પાછી આવતી. છેલ્લા પંદર દિવસથી તેનું આ જ રૂટીન બની ગયેલું. નવ વાગ્યે આવ્યા બાદ તેને ખાવાના પણ હોશ ના હોય. જે વર્ષાબહેન પીરસે એટલું ને એ જ ખાઈને તરત વન્તિથી સૂઈ જાય.

‘મા.. આજે પણ નહીં મળું તો એક દિવસ વધુ ઉમેરાશે… એના કરતા મને વિદુને મળી લેવા દે… હમણાં એક મહિના પછી રક્ષાબંધન છે… આ વખતે અલગ ગીફ્ટ માંગીશ દર વખત કરતા. એને કહીશ કે મને માફ કરી કરી દે. એક મહિના પહેલા જ રક્ષાબંધનની ગીફ્ટ લઈ લઈશ.’

એટલું બોલીને વન્તિથી વિદર્થના ઓરડા તરફ ગઈ. વિનોદભાઈ ઘરે ના હોય તો તેઓ વિદર્થને બાંધીને જતા. ફક્ત વન્તિથી જ તેને છોડી શકતી. એ સિવાય વર્ષાબહેનને પણ વિદર્થ ગમે ત્યારે મારી દેતો.

‘વિદુ.. ભઈલા.. કેમ છે મારો વીરો?’

બહારથી દરવાજો ખોલતાં સાથે જ વન્તિથી બોલવા લાગી… અંદરથી કંઈ જવાબ ના મળ્યો એટલે તેણે એ અંધારા ઓરડાની લાઈટ ચાલુ કરી. ને સામેનું દ્રશ્ય જોઈ અવાક રહી ગઈ..

ઓરડામાં ખૂણાના પલંગ પાસે નખાયેલી હાલતમાં વિદર્થ ચુપચાપ સુતો હતો… તેના માથાના વાળ વિખાયેલા હતા અને આંખો સોજી ગયેલી હતી. રડીરડીને લાલ થઈ ગઈ હોય તેવી પણ લાગતી હતી. તેની બાજુમાં પડેલી બુકમાં તેણે પેન્સિલથી વન્તિથીનું ચિત્ર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. વીસ-ત્રીસ જેટલા કાગળ આવા પ્રયાસોમાં વપરાઈને ઓરડામાં ઠેર-ઠેર પડેલા હતા.

વન્તિથી દોડીને તેની પાસે ગઈ.

‘વિદુ શું થયું ભઈલા.. આ શું હાલત કરી છે તે તારી?’

તેની સામે જોઈને વિકરાળ લાગતા વિદર્થે કહ્યું, ‘તું મને મળવા નથી આવતી વનું… હું તારી કિટ્ટા છું… જતી રે…’ એમ કહીને તે જોરજોરથી રડવા લાગ્યો. આ જોઈને વન્તિથીનું હ્રદય દ્રવી ઉઠ્યું. વિદર્થની સામે જોઈને તેનો હાથ પકડીને તે બોલી, ‘મારા ભઈલા… માફ કરી દે… આજ પછી મારી જિંદગીમાં એક દિવસ પણ એવો નહીં વીતે કે તને હું મળું નહીં…’ ને પછી તરત જ તેના ભાઈના ખોળામાં લપાઈ ગઈ. એ દિવસ પછીથી ખરેખર વન્તિથીની જિંદગી વિદર્થની આસપાસ વણાઈ ગઈ… ત્યાં સુધી કે તેણે શહેરની બહાર જવાનું જ બંધ કરી દીધું. વિદર્થને દિવસમાં એક વાર મળે નહીં. એને વહાલથી વળગે નહીં ત્યાં સુધી વન્તિથી સૂઈ ના શકતી.

વર્ષાબહેન ભાઈ-બહેનનો આ પ્રેમ જોઈ ખુશ થતાં. પરંતુ અંદરખાને ક્યાંક તેમને આ ખૂંચતું. વન્તિથી તેના જીવન સાથે ખિલવાડ કરી રહી છે. તેના સપનાઓ અધૂરા છોડી રહી છે એ બધું તે સમજી રહ્યા હતા. બે-ત્રણ વખત તેમણે વન્તિથીને સમજાવવાની કોશિશ કરી પરંતુ અસફળ જતા તેઓએ એ પણ છોડી દીધું હતું.

વર્ષો વીતતા ગયા. વન્તિથી મોટી થઈ રહી હતી અને વિદર્થ એથી પણ વધુ મોટો.

ચોવીસ વર્ષની અત્યંત સ્વરૂપવાન અને ગુણવાન વન્તિથી માટે તેમની નાતમાંથી ખાનદાન અને રુઆબદાર કુટુંબના યુવકોનાં અનેક માંગા આવવા લાગ્યા. એમ.બી.એ. પૂરું કરીને વન્તિથીએ એક વર્ષ મ્યુઝિક ક્લાસ જોઈન કર્યા હતા અને હવે તે ચાર-પાંચ છોકરાઓને ઘરે ગિટાર શીખવવા જતી. આ ઉપરાંત અડધા દિવસની જોબ પણ કરતી.
એ રાત્રે પણ વર્ષાબહેન અને વિનોદભાઈ એની ચિંતામાં જ હતા.

‘વિનોદ, આ છોકરી તો માનતી જ નથી… એકેય છોકરા માટે ‘હા’ નથી કહેતી… અત્યારે ઉંમર છે એટલે આવા સારા ઠેકાણા આવે છે. આપણી નાતમાં ચોવીસ વર્ષ પણ બહુ વધારે કહેવાય. છતાંય વનું માટે મોટા કુટુંબના ઠેકાણા આવે છે. તમે પ્લીઝ એને સમજાવો ને કે લગ્ન માટે ‘હા’ કહી દે.’

‘નહીં મમી… સારું થયું આજે તે આ વાત કાઢી છે… કહી જ દઉં તને… હું લગ્ન નહીં કરું… આખી જિંદગી કુંવારી જ રહીશ…’

  • વિનોદભાઈ અને વર્ષાબહેનની વાત સાંભળી રહેલી વન્તિથી અચાનક અંદર આવીને બોલી.
  • વર્ષાબહેન આ સાંભળીને ચુપ થઈ ગયાં.

‘દીકરા, આવું ના બોલીએ… તું તો અમારી ડાહી દીકરી છે… તને ખબર છે તારા માટે તો મેં કેવા કેવા સપનાં જોયાં છે?’

વિનોદભાઈએ વન્તિથીને કહ્યું કે તરત જ એ બોલી, ‘પપ્પા હું જતી રહું પછી મારા વિદુનું કોણ? તમે તો એને બિચારાને કેટલું મારો છો…? અને મમી તો એને સંભાળી જ નથી શકતા… ને ના કરે ને નારાયણ કાલ સવારે તમે નહીં હોવ તો મારા વિદુને ક્યાંક આશ્રમમાં જવાનો વારો આવે એવું હું નથી ઈચ્છતી એટલે પ્લીઝ, આજ પછી આ લગ્નની વાત ના ઉખેડતાં…’ ને વિનોદભાઈ કે વર્ષાબહેનનો જવાબ સાંભળ્યા વગર વન્તિથી એના ઓરડામાં ચાલી ગઈ.

  • એ દિવસ પછી ઘરમાં કોઈએ વન્તિથીના લગ્નનું નામ ના લીધું.
  • એમ કરતા કરતા વન્તિથી ઓગણત્રીસ વર્ષની થઈ ગઈ.

એ દિવસે એના પપ્પાનો જન્મદિવસ હતો… ઘરના ચારેય બહુ ખુશ હતા… એ દિવસે ખાસ બધા સાથે મળીને બહાર હોટલમાં જમવા ગયેલાં.

‘અરે વિનોદભાઈ… કેમ છે?’

અચાનક જ પાછળથી કોઈએ એ ચારેય જે ટેબલ પર બેઠા હતા ત્યાં આવીને વિનોદભાઈને કહ્યું. ચમકીને વિનોદભાઈએ તેમની સામે જોયું.
‘હસમુખભાઈ.. શું વાત છે અહીં અચાનક.. કેટલા દિવસે મળ્યા નહીં?’

વિનોદભાઈ આગન્તુંક સાથે આત્મીયતાથી વાત કરવા લાગ્યા. વર્ષાબહેન પણ તેમને જોઈ ખુશ થયા..

‘અરે આ આપણી વન્તિથી છે… કેટલી મોટી થઈ ગઈ દીકરી..’

વન્તિથીને જોઈને હસમુખભાઈએ કહ્યું, ‘બેટા તમે અત્યારે રહો છો ત્યાં તો તારો જનમ થયો એના પાંચ વર્ષ પછી વિનોદભાઈ રહેવા ગયેલા. એ પહેલા તમે શિવાજી પાર્કમાં રહેતા. અમે તમારા જુના પાડોશી. તને બહુ રમાડી છે દીકરા. શું કરે છે તું અત્યારે? લગ્ન ક્યાં કર્યા છે? બહુ સારું ઘર મળ્યું હશે તને તો હે ને દીકરી?’

હસમુખભાઈનો પ્રશ્ન સાંભળી વન્તિથીને શું બોલવું તે ના સૂઝ્યું. વિદર્થ ક્યારનો બહાર જવા ઉંચો-નીચો થઈ રહ્યો હતો. વન્તિથી માંડ માંડ એને કંટ્રોલ કરી રહી હતી. હસમુખભાઈના સવાલનો જવાબ આપતા વિનોદભાઈ બોલ્યા, ‘અરે હજુ ક્યાં લગ્ન કર્યા જ છે હસમુખભાઈ.. જો ને દીકરી પરણવાની જ ના કહે છે.. આ અમારા વિદર્થથી દુર જ નથી જવા માગતી.’ તરત જ હસમુખભાઈના ચહેરાનાં હાવભાવ ફરી ગયાં.. વિદર્થ સામે અછડતી નજર નાખીને બોલ્યા, ‘ભારે કરી ભાઈ તે તો. આના માટે તારી આવી સ્વરૂપવાન ને સંસ્કારી દીકરીને ઘરમાં બેસાડી રાખી છે… હશે જે હોય તે. ચાલો મળીએ પછી.’

કહીને હસમુખભાઈ અચાનક જ ત્યાંથી ચાલ્યા ગયા, બસ આ જ છે સમાજ.. તમારા મનમાં ગેરસમજ, બેજવાબદારી, નિષ્ફળતા અને આશંકાનું બીજ રોપી દે છે… જે વટવૃક્ષ બનીને તમારા રોજીંદા કાર્યમાં ટૂંક જ સમયમાં વણાઈ જાય છે… એની ડાળીઓ ફૂટી નીકળે છે… ને નડતરરૂપ બની જાય છે.

એ દિવસ બાદ વિનોદભાઈ વન્તિથીએ લગ્ન ના કરવા માટે લીધેલા નિર્ણય માટે પોતાની જાતને જવાબદાર સમજવા લાગ્યા. લોકોને જેમ-જેમ ખબર પડતી ગઈ તેમ-તેમ મહેણાં-ટોણા અને જાતજાતની વાતચીત વધતી ગઈ. વિનોદભાઈ દિવસ-રાત ઘરની બહાર રહેવા લાગ્યા… ઘરે આવે તો પણ એકદમ ચુપચાપ રહે. વિદર્થ પર ક્યારેક નકામો ગુસ્સો કરીને તેને અઢળક માર મારવા લાગે.. વર્ષાબહેન સાથે સરખી વાત ના કરે. વન્તિથીને પણ કામ પૂરતી જ બોલાવે. વર્ષાબહેન આ વર્તાવનું કારણ જાણતા હતા. પરંતુ તેઓ કંઈ પણ કરી શકવા અસમર્થ હતા. બાપ-દીકરી બંને પોતાની જીદ પર અટલ હતાં.

એક દિવસ વન્તિથી તેના ગિટાર શીખતા વિદ્યાર્થીઓના ઘરેથી વહેલી આવી ગઈ.
‘પણ વર્ષા… તું સમજતી કેમ નથી? જો વિદર્થ નહીં હોય તો જ વન્તિથીના લગ્ન શક્ય છે… હું એક બેજવાબદાર અને નકામાં બાપનું લેબલ ઓઢીને જીવવા નથી માગતો… અને આમ પણ વિદર્થનું જીવન કેવું છે એ તું જાણે જ છે ને? એ આશ્રમમાં બધા આવા જ લોકો રહે છે.. વિદર્થને ત્યાં સારું લાગશે…’

  • ‘પણ વિનોદ… વિદર્થને એ આશ્રમમાં મોકલવા વન્તિથી માનશે?’

‘નહીં માને તો ગમે તેમ મનાવીશ… ભલે મારે મરવું પડે.. મને મંજૂર છે.. પણ વિદર્થ મને આ ઘરમાં હવે નહીં જ જોઈએ.. એ છોકરાએ તારું ને મારું જીવન બગાડ્યું છે.. પણ એના લીધે મારી ફૂલ જેવી દીકરીનું પણ જીવન બગડે એ મને નહીં પોષાય..’

દરવાજે ઉભી રહીને વિનોદભાઈ અને વર્ષાબહેનની વાત સાંભળી રહેલી વન્તિથી તરત જ ફરી બહાર ચાલી ગઈ. અવાજ ના થાય એ રીતે બહાર જઈને રસ્તા પર ક્યાંય સુધી એકલી ચાલતી રહી.

  • એક કલાક સુધી એકાંતમાં જ શહેરના એક વિસ્તારનાં અંધારા ખૂણામાં રડ્યા બાદ તે ઘરે પહોંચી.
  • વર્ષાબહેન રસોડામાં હતા અને વિનોદભાઈ હિસાબ કરતા હતા.
  • ‘પપ્પા, હું લગ્ન કરવા માટે તૈયાર છું…’ આવતાવેત સીધી વિનોદભાઈ પાસે જઈને વન્તિથી બોલી.

વિનોદભાઈ આ સાંભળતા જ ચોંકી ગયા.. અંદરખાને ખુશ થયેલા વિનોદભાઈએ પૂછ્યું, ‘શું થયું દીકરા? અચાનક?’

‘કંઈ નહીં પપ્પા… મને હવે લગ્ન કરવા છે બસ. હવે કારણ ના પૂછતા બાકી નિર્ણય જલ્દી જ બદલાઈ જશે.. તમે બસ છોકરા જોવાનું શરુ કરી દો…’

વર્ષાબહેન આ સાંભળતા રહ્યાં… ને વન્તિથી ચુપચાપ આટલું કહીને ઓરડામાં ચાલી ગઈ…

વિનોદભાઈ માટે તો આ અત્યંત ખુશીના સમચાર હતા. બીજા જ દિવસથી તેઓએ નાતમાં છોકરા જોવાના શરુ કરી દીધા. ત્રીસ વર્ષની વન્તિથી માટે કુંવારા પુરુષો બહુ ઓછા હતા તેમની જ્ઞાતિમાં. એટલે તેમણે બીજી નાતમાં છોકરાઓ જોવા શરુ કર્યા ને આખરે તિથક પર પસંદગી ઉતારી. સોફ્ટવેર એન્જીનીયર તિથક મુંબઈમાં બહુ સારું કમાતો હતો. તેનું કુટુંબ પણ ખાનદાન હતું.

વન્તિથીએ તો તેના પપ્પાને છોકરો બહુ ગમે છે તે જાણીને બે જ મુલાકાતમાં લગ્ન માટે હા કહી દીધેલી. છ મહિના પછીના લગ્ન લેવાયાં હતાં.

આજ વન્તિથીના લગ્નનો દિવસ હતો. પરંતુ તેના ચહેરા પર ખુશી નહોતી.

મહારાજ સમક્ષ બેસીને પૂજા કરી રહેલી વન્તિથીના મનમાં ઘડી ઘડી વિદર્થનો વિચાર છવાઈ જતો હતો. આખરે છેલ્લા મંત્રના ઉચ્ચારણ વખતે અચાનક પંડિતજીને અટકાવીને તે બોલી, ‘નહીં… હું આ લગ્ન નહીં કરી શકું… મારા ભાઈને છોડીને હું નહીં જઈ શકું… સોરી પપ્પા… સોરી મમી… પણ પ્લીઝ વિદર્થની રક્ષા એ મારો ધર્મ છે એમ હું સમજુ છું… મેં તેને રાખડીઓ બાંધતી વખતે હંમેશા તેની પાસેથી એક જ ગીફ્ટ માગેલી. કે તે મારી પાસે જ હંમેશા રહે… આજે હું જ એ ગીફ્ટને ઠોકર મારી રહી છું. ના મારાથી એ નહીં બને. પ્લીઝ પપ્પા તિથકને જાણ કરી દેજો. હું વિદર્થ પાસે જાઉં છું.’

વિનોદભાઈ અને વર્ષાબહેન આ સાંભળીને રડી પડ્યાં. વર્ષાબહેને તેને વારવાની કોશિશ કરી પણ વિનોદભાઈએ તરત જવર્ષાબહેનને ના કહી દીધી.

‘બસ વર્ષા.. હવે નહીં.. આ એને વારવાનો નહીં વખાણવાનો અવસર છે… લોકોની, સમાજની વાતમાં આવીને મેં મારી દીકરીનો પ્રેમ, એના ભાઈ પ્રત્યેનું એનું હેત નજરઅંદાજ કરી દીધેલું… હવે નહીં…  ચાલ.. તિથકના પરિવારમાં ફોન કરી દઈએ…’

વિનોદભાઈ ગર્વથી માથું ઊંચું કરીને છોકરાવાળાને લગ્નની ના કહેવા ચાલ્યા ગયા. ત્યાં હાજર દરેક દીકરીના લગ્ન તૂટવા છતાંય આ રીતે ટટ્ટાર ચાલતા જોઈને વિચારમાં ગરકાવ થઈ ગયેલા…

‘વિદુ… મારા ભઈલા, અહીં આવ જો હું આવી ગઈ… સોરી હો ગઈકાલે રાત્રે તને મળવા નહોતી આવી…’

ઘરે પહોંચતાં જ બહારથી તાળું મારેલા વિદર્થનાં ઓરડાને ઉઘાડીને તરત વન્તિથી બોલી. જાણે બહેનની પ્રતિક્ષામાં જ હોય એમ વન્તિથીને જોઈને વિદર્થનો ચહેરો ખીલી ઉઠ્યો.

‘વનું.. તું આવી ગઈ ને.. પ્લીઝ હવે મને છોડીને ક્યાંય ના જતી હો…  હું ડાહ્યો થઈ જઈશ પણ પ્લીઝ તું ક્યાંય ના જતી…’

વન્તિથીને વળગીને મહાકાય વિદર્થ બોલી રહ્યો હતો. જો કે એની કાલીઘેલી ભાષા એના વિરાટ શરીર સાથે વિરોધાભાસ ઊભો કરતી હતી પરંતુ વન્તિથીને તો પોતાના ભાઈને ભેટીને જાણે સઘળું મળ્યાનો આનંદ પ્રાપ્ત થઈ ગયો.

અચાનક જ વન્તિથીથી અળગો થઈને વિદર્થ તેના પલંગના ગાદલા નીચે રાખેલી રાખડી લઈ આવ્યો અને વન્તિથીને કહ્યું, ‘લાવ તારો હાથ…’

સહેજ નવાઈ સાથે વન્તિથીએ વિદર્થ સામે જોયું… તેની એ નજરને સમજીને વિદર્થ બોલ્યો, ‘કેમ દર વર્ષે તું મને રાખડી બાંધે છે ને? કે જેથી હું તારી રક્ષા કરી શકું… આ વખતે તે મારી રક્ષા કરી ને.? એટલે હું તને રાખડી બાંધીશ.. ચલ લાવ તારો હાથ…’

વન્તિથીની આંખમાં ખુશીના આંસુ આવી ગયાં. પાછળ આવીને ઉભેલાં વર્ષાબહેન પણ આ અદ્ભુત બંધન નિહાળી રડી પડ્યાં..!

વન્તિથી અને વિદર્થ એકબીજાના પુરક-રક્ષક બનીને રહ્યા એ દિવસથી. રાખડીના એ બંધનમાં હવે બંને ભાઈ-બહેન બંધાયેલાં હતાં..! એક નિસ્વાર્થ-પ્રેમ-વહાલ અને સંવેદનાના બંધનમાં… રક્ષાબંધનમાં !

લેખક : આયુષી સેલાણી

 વાર્તા વિષે આપના અભિપ્રાય કોમેન્ટમાં જણાવો.

Comments

comments


3,631 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 9 = 36