દરેક મહિલાઓમાં નથી હોતી આવી હિંમત કે આમ આખા ગામની સામે… લાગણીસભર વાર્તા…

પાદરે ઊતર્યા યાદોના ગાડાંને પોટલે બાંધી વેદનાને વાચા ફૂટી

માત્ર એક શનિ-રવિ તો માગ્યા છે તારી પાસે! એમાં પણ આમ ફટાકથી ના કહી દેવાની? દેવ્યાનીબેને, શ્ર્લોકને રીતસર ખખડાવી નાખ્યો. પરંતુ સાથે જ તેમને એ પણ ખબર હતી કે તેમના આમ ખખડાવી નાખવાથી શ્ર્લોકને કોઈ જ ફર્ક પડવાનો નથી. એ ખૂબ જીદ્દી છે. દેવ્યાનીબેન કાયમ કહેતા, ‘આખરે, દીકરો તો મારો જ ને, વ્હાલ સાથે આ જીદ્દ પણ વારસાઈમાં મારી જ તો મડી છે! પણ હું પણ તારી મા છું દીકરા એ વાત યાદ રાખજે.’ શ્ર્લોક તેમના આ બબડાટ સામે હસી પડતો અને દેવ્યાનીબેનના ગાલે એક વ્હાલભરી પપ્પી કરીને ચાલી જતો, ‘આવજે મમ્મી, સોમવારે સવારે મળીએ.’

‘પણ હેં, દેવુબહેન આ તમારો શ્ર્લોક દર શનિવારે અને રવિવારે જાય છે ક્યાં?’ લોકો પૂછતાં અને દેવ્યાનીબેન આ પ્રશ્નના જવાબ સામે કોઈ બહાનું ગોતે તે પહેલાં તો લોકો જ, એકબીજાના કાનમાં કહી દેતા, ‘નક્કી કંઈ લફરું હશે છોકરાનું, તમે જોજો ને! બાપ વગરનો દીકરો એકલી માએ કેટલા વીસે સો કરીને ઉધેર્યો છે! છતાં ભાઈસા’બને માની પડી જ નથી. એક દિવસ કોઈ હણીજીને લાવીને આ ઘરમાં બેસાડી દેશે, ત્યારે માને બિચારીને રડતાં પાર નહીં આવે.’ દેવ્યાનીબેનને ગામ, મહોલ્લામાં થતી આ રીતની બધી જ ઓટલા પંચાતની જાણ હતી. પરંતુ, આ બધી બાબતોને લઈને ખુલાસાઓ કરવા તેમને આજ પહેલાં ક્યારેય જરૂરી નહોતા લાગ્યા અને આજે પણ નથી જ લાગતું. બાજૂનાં જ ગામમાં રહેતાં દેવ્યાનીબેનના દૂરના સગા અને બચપણના મિત્ર એવા શાર્દૂલભાઈ ક્યારેક ઘરે આવતાં ત્યારે કહેતાં પણ ખરાં, ‘દેવુ, આ હંધુય ગામલોક તારી પરિસ્થિતિ વિશે અને શ્ર્લોક વિશે કેવી કેવી વાતો કરે છે? એમનાં મોઢાંય નથી દુખતાં!’ શાર્દૂલભાઈના શબ્દો સાંભળી દેવ્યાનીબેન હસી પડતાં, ‘લોકોના મોઢે કોણ તાળા મારી શક્યું છે, શાર્દૂલ? કે હું એ જફા કરું! મને મારા શ્ર્લોક પર વિશ્વાસ છે, પછી છો ને ગામલોક બોલ્યે રાખતું!’

અને ખરેખર બન્યું પણ એવું જ, એક દિવસ સોમવારે સવારે શ્ર્લોક એક છોકરીને લઈને હજી તો ગામના પાદરે જ પ્રવેશ્યો એટલામાં તો વાત ધૂળની ડમરીઓ કરતાં પણ વધુ ઝડપે ઊડતી ઊડતી, દેવ્યાનીબેનના ઘર સુધી પહોંચી ગઈ. ‘દેવુઆંટી, શ્ર્લોકભાઈ કોઈ છોરી હારે આવતા દેખાઈ છે!’ દેવ્યાનીબેન આ સાંભળી ઘરનો ઓટલો ઊતરી આવ્યા, સામે શ્ર્લોકને આવતા જોયો અને સાચે જ તેની સાથે કોઈ છોકરી આવી રહી છે તે જોતાં જ દેવ્યાનીબેન ઉતાવળે ઘરની અંદર ગયા અને પાણી ભરેલો લોટો, સાથે કંકુ અને ચોખા ભરેલો થાળ લઈને બહાર આવ્યાં. શ્ર્લોકને જોઈ તેમણે હળવું સ્મિત કર્યું. કોઈ યુવાન દીકરો પોતાની ઘરડી માની વર્ષો જૂની ઈચ્છા પૂર્ણ કરે અને તે સમયે તે માના ચહેરા પર જે રીતે સંતોષનો ભાવ જન્મે, કંઈક તેવો જ ભાવ હમણાં દેવ્યાનીબેનના ચહેરા પર જન્મયો હતો. ‘જોયું મેં નહોતું કહ્યું, નક્કી આ છોરાને કોઈ લફરું હશે. આજે તો એની માડીનીએ લાજ મૂકી દીધી છોરાંએ. ને શરમને તો જાણે પાદરના તળાવમાં જ નીચોવી નાખી હોય એમ છીનાળને ઘરે પણ લેતો આવ્યો.’ મહોલ્લાના છેવાડાના ઘરમાં રહેતા જોષીકાકાને ત્યાંના મંછાકાકી બોલ્યાં. તેમણે જેનાં કાનમાં આ વાત કહી તે જયંત વાણિયાને ત્યાંની વહુ તો પાછી એમાંય નવી માહિતી લઈ આવી હતી. ‘જવા દો ને કાકી હવે તમને શું કહું! મેં તો સાંભળ્યું છે કે, શ્ર્લોક આ છોરી હારે શહેરમાં જ છીનારું કરી વળ્યો’તો. હવે પાપનો પરચો દેખાવા માંયડો એટલે દેવુબેને જ તેને મોકલ્યો, કે જે હોય તે, ને જેવી હોય તેવી લઈ આવ ઘરે. વિધવા માને બિચારીને એક નો એક પોયરો તે કરે બી હું!

દેવ્યાનીબેનની વાત સાચી હતી. લોકોનાં મોઢેં ક્યાં તાળા મારવા જવું! લોકો આવીને આવી કંઈ કેટલીય વાત કરતા રહ્યાં અને દેવ્યાનીબેને શ્ર્લોકની સાથે આવેલી છોકરીને ગળે વળગાડી અને હેતપૂર્વક ઘરનો ઉંબરો ઓળંગાવી અંદર લઈ ગયાં. લોકોના મોઢેં વગોવાયેલી વાતો આમપણ દુનિયાના કોઈપણ ટપાલખાતાં કરતાં વહેલી પહોંચી જ જતી હોય છે. એ વાતની સાબિતી શાર્દૂલભાઈની એન્ટ્રીએ આપી દીધી. શાર્દૂલભાઈ આવ્યા, અને આવતાની સાથે જ, ‘દેવુ આ બધું હું શું સાંભળું છું? આપણો શ્ર્લોક આજે સવારે કોઈ છોરી હારે…’ દેવ્યાનીબેન, શાર્દૂલભાઈની વાતનો જવાબ આપે તે પહેલાં જ શ્ર્લોક અંદરના રૂમમાંથી બહાર આવ્યો અને તેની સાથે ઊભેલી છોકરીને જોઈ શાર્દૂલભાઈ અવાક રહી ગયા. ‘અરે, દેવુ આ તો…!’ દેવ્યાનીબેન અને શ્ર્લોક બંનેને જાણે શાર્દૂલભાઈના આ રીએક્શનની પહેલેથી જ ખબર હતી, બંને એક-મેક તરફ જોઈને હળવું હસ્યા. ‘બેટા, શાર્દૂલઅંકલને માટે ચા મૂકો.’ અને શ્ર્લોકની બાજૂમાં ઊભેલી છોકરી ઘરે આવેલા મહેમાનને જોગવવા હેતુ ચા મૂકવા માટે અંદર ચાલી ગઈ. શાર્દૂલભાઈના મોઢા પરથી આશ્ચર્યનો ભાવ હજીય ઉતર્યો નહોતો.
‘હા શાર્દૂલ, તેં બરાબર ઓળખી. આ આપણી ભાણાકાકાને ત્યાંની રૂપલી જ.’ દેવ્યાનીબેન બોલ્યા. ‘હા એ જ ને, મને થયું જ કે આ તો આપણી રૂપલ… પણ દેવુ, રૂપલ અને શ્ર્લોક ? ભાણો તો તારા સસરાના ઘરે નામુ લખતો, આ રૂપલ માટે તો તે સમયે પણ તારા સસરાએ કહેલું કે, એ તો મારા ઘરની છોરી છે. તો દેવુ, એ સંબંધે તો શ્ર્લોક અને રૂપલ બંને ભાઈ -બહેન થયા નહીં કહેવાય ? અને હવે આજે તું આ છોકરાઓને આમ ! સાચું કહું દેવ્યાની, મારી વાતનું ખોટું નહીં લગાડતી પણ તેં છોકરાને ખૂબ ફટવી માર્યો છે. લાડમાં ને લાડમાં તારો શ્ર્લોક શું કરી રહ્યો છે એ પણ તને નથી દેખાતું ? દેવ્યાનીબેન, શાર્દૂલભાઈની આ મૂંઝવણ દૂર કરવા જતાં હતાં પણ એટલામાં જ શ્ર્લોક ત્યાં આવીને બેસી ગયો. દેવ્યાનીબેનને બોલતાં અટકાવી, શ્ર્લોકે શાર્દૂલભાઈને કહ્યું, ‘હા મામા, આપની વાત સાચી છે, ભાણાકાકા અમારા ઘરે નામુ લખતાં અને આ રૂપલ અને હું સાથે જ રમીને મોટા થયાં છીએ. પછી ભાણાકાકાના ભાઈએ બધી ખેતી એમને પૂછ્યા વિના જ વેંચી નાખી અને બાકી બચેલો જમીનનો એક નાનો ટૂકડો પણ રૂપલના કાકા વેચી નહીં મારે તેથી તેમણે ગામડે ચાલ્યા જવું પડ્યું હતું. પણ જે રૂપલને હાટૂં તે જમીન બચાવી લેવા ભાણાકાકા ગામડે ગયા હતા તે જ બાપડીને મોટી કરવામાં તે જમીન પણ ખર્ચી નાખવી પડી. બાપ હવે ઘરડો પણ થયો હતો અને પરિસ્થિતિથી હારી પણ ગયો હતો. દીકરીને મોટી કરવી આરતની વાત હઈશે પણ જેના હાથ નીચે રૂપિયા ગાજતા હોય તેના હાટૂં, ગરીબ બાપ માટે તો આજે પણ દીકરીનું મામેરૂં પૂરવું એટલું જ દુષ્કર છે જેટલું વર્ષો પહેલાં હતું. હારી ગયેલો બાપ એક’દિ અચાનક તમારી દેવુને મળી ગયો. ત્યારે બધી વાત હમજાણી. હું હોસ્ટેલથી ઘરે આવ્યો ત્યારે મમ્મીએ મને તો કહ્યું કે રૂપલ અને ભાણાકાકા કંઈક અવઢવમાં છે, મને લાગે છે ભાણાને કંઈક તકલીફ હોવી જોઈએ. શ્ર્લોક દીકરા તું તપાસ કર.’

‘ખરેખર ભાણાભાઈને…? અરે પણ તારા સસરા તો કહેતાં હતાં ને કે આ રૂપલને તો શહેરમાં ભણાવશું… અમારા શ્ર્લોકની હારે હારે જ રૂપલી પણ ભણી જાહે… તો પછી…’ શાર્દૂલભાઈ માટે જાણે આ બધી વાતો કોઈ રહસ્યમયી કહાની પરથી ઉખડતી જતી એક પછી એક પરત જેવી હતી. ‘હા, શાર્દૂલ. રૂપલ સાચે જ ભણવામાં ખૂબ હોંશિયાર છે. તેથી જ તો મેં શ્ર્લોકને કહ્યું હતું કે દર શનિ-રવિ જઈને રૂપલને ભણાવતો રહે. બાપડી ગજબની યાદશક્તિ લઈને જન્મી છે. શ્ર્લોક ભણાવે છે પણ પરિક્ષાઓમાં શ્ર્લોક સારું લખીને આવે છે અને આ અમારો શ્ર્લોક, જિંદગીમાં કોઈ’દિ ફર્સ્ટક્લાસ નથ લાવ્યો પણ રૂપલી હરસાલ લઈ આવે છે.’ દેવ્યાનીબેને, શાર્દૂલભાઈને કહ્યું. ‘ચાલો કોઈ લાયક છોડીને ભણાવીએ એ તો સારું કહેવાય. શ્ર્લોક તું અને દેવુ પરમાર્થનું કામ કરે છે, ભાઈ! પણ તો પછી હવે આમ…’ શાર્દૂલભઆઈ આગળ કંઈક બોલવા જતાં હતાં એટલામાં તો રૂપલ ચા લઈને પ્રવેશી. તેને આવતી જોઈ શાર્દૂલભાઈ આગળ બોલતાં અટકી ગયા. ‘વાહ, ચા તો ફક્કડ બનાવે છે, છોરી!’ શાર્દૂલભાઈએ પહેલો જ ઘૂંટ ભરતા કહ્યું અને રૂપલ ખુશી અને શરમ બંને અનુભવવા માંડી હોય એમ શ્ર્લોક તરફ જોઈ રહી. ‘બા, ખાવાનું શું બનાવીએ? કાકા પણ અહીં જ જમશે ને?’ રૂપલે દેવ્યાનીબેનને પૂછ્યું. ‘શું જમશે, શાર્દૂલ? આજે રૂપલના હાથનું ભાણું જમીને જ રવાના થજે.’ દેવ્યાનીબેને શાર્દૂલભાઈને કહ્યું. અને શાર્દૂલભાઈ જાણે કોઈ મોટી વાનગી બનાવવાની ફરમાઈશ કરવાના હોય તેમ રૂપલ તરફ જોઈને વિચારી રહ્યાં. ‘રૂપલ શાની, દેવું. આપણે હાટૂં તો રૂપલી. કેમ બરાબરને?’ કહેતાં શાર્દૂલભાઈએ પળવારમાં વાતાવરણ હળવું કરી નાખ્યું. જાણે તે રૂપલને જતાવવા માગતા હતા કે ગામ લોકો ભલે ગમે તે કહે પણ આ દેવ્યાની અને તેના નિર્ણયોને કોઈ પહોંચી શકે તેમ નથી.

‘તું તારે ચિંતા કર મા, છોડી… આ દેવુનું ઘર એટલે મારે હાટૂં તો બીજું ઘર સમાન. તું જે જમાડહે તે જમીને તને વખાણીને જ જાઈશ.’ રૂપલને તો જાણે શાર્દૂલભાઈમાં તેનો બાપ ભાણો જ દેખાયો. તે આંખમાં ભીનાશ જેવું લાગ્યું અને તે અંદર રસોડા તરફ ચાલી ગઈ. શ્ર્લોક પણ તેની પાછળ-પાછળ રસોડે ગયો અને બંનેને જતાં જોઈ રહેલાં દેવ્યાનીબેને શાર્દૂલભાઈની અધૂરી રહી ગયેલી પૃચ્છાને વાચા આપતાં કહ્યું. ‘શાર્દૂલ, હવે રૂપલ મોટી થઈ ગઈ. આ હમણાં મહિના પછી કોલેજનું પરિણામ આવહે અને તેનું ભણવાનું પણ પુરૂ થાહે, રૂપલને હવે માંડવે મોકલવી પડહે ને, ભાઈ? અને ભાણો તો તને કહ્યું એમ પો’રીને પરણાવવાના વિચાર માત્રથી અડધો થઈ ગ્યો છે. એટલે મેં જ શ્ર્લોકને કહ્યું કે ભાણાને હમજાવીને પો’રીને આપણે ત્યાં જ લઈ આવ. આપણે તેનું મામેરું ભરી દઈહું. આમેય તે મારે કોઈ છોડી નહીં, અને પપ્પાજી તો કહેતાં જ હતાં ને કે અમારે જેવો શ્ર્લોક તેવી રૂપલ. એટલે….’ દેવ્યાનીબેન બોલ્યે જતાં હતાં અને શાર્દૂલભાઈએ ઊભા થઈ દેવ્યાનીબેનના માથે હાથ મૂકતાં કહ્યું, ‘મને ગર્વ છે દેવુ, કે મુને તારા જેવી બેન મળી, ભલે દૂરનું હગપણ રહ્યું પણ દેવુ તું હાચે જ મારી નાની નહીં મોટી બહેન સાબિત થઈ રઈ છે, બે’ન!’

ભાઈ-બહેનની વાત ચાલતી હતી એટલામાં તો શ્ર્લોક આવ્યો અને કહેવા માંડ્યો, ‘મમ્મી, રૂપલને જરા પાદરના મંદિર લગી લઈ જઈ લાવું છું. ગાંડી તો ભેંકણો તાણવા બેઠી છે.’ શ્ર્લોકની વાત સાંભળીને દેવ્યાનીબેન અને શાર્દૂલભાઈ બંનેના મોઢાં પર હસવું આવી ગયું. ‘હા ભાઈ, ફેરવી લાવ છોડીને… આમેય મારે શાર્દૂલ હારે થોડી વાતો કરવાની છે.’ દેવ્યાનીબેને કહ્યું. અને શાર્દૂલ, રૂપલને લઈ બહાર નીકળ્યો કે સાથે જ ફરી એકવાર ગામલોકોની નજર ચાર થઈ ગઈ. ‘જોયું, જોયુંને તમે, છે કોઈ લાજ-શરમ? આ છોકરાવં શહેરમાં ભણવા જાય એટલે લાજ-શરમ બધું ત્યાં જ મેલીને આવતાં રેઈ… આ છોડીને આમ ગામમાં લઈને એ રીતે ફરવા નીકળ્યો છે જાણે… જોષીકાકાના ઓટલે બેઠેલી ગામપંચાત હજી તો આગળ કંઈ બોલવા જાય તે પહેલાં જ શ્ર્લોકે જોષીકાકા તરફ હાથ ઊંચો કર્યો ‘જોષીકાકા, મારા સિવાય ગામમાં બધું બરાબર તો છે ને?’ અને ઓટલે બેઠેલાં બધાં જાણે છોભીલા પડી ગયાં. અને શ્ર્લોકની મોટરબાઈક સડસડાટ કરતાં ત્યાંથી રવાના થઈ ગઈ.
‘રૂપલ, તને યાદ છે, આ જ મંદિરના ઓટલેથી તું મારા હાથમાંથી પાંચીકા લઈને ભાગી હતી અને પછી પડી ગઈ હતી તે?’ શ્ર્લોકે જૂની વાતો યાદ કરાવતા રૂપલનો મૂડ બદલવાનો પ્રયત્ન કરતાં કહ્યું. અને રૂપલ જાણે સાચે જ તે દિવસોની વચમાં પહોંચી ગઈ હોય તેમ બરાબર તે જ પગથિયે ઊભી રહી ગઈ. ‘શ્ર્લોક!’ રૂપલ બોલી. ‘હં બોલ,’ શ્ર્લોકે ચાહતો હતો કે રૂપલ તેની સાથે વાત કરે. ભાણાભાઈના ઘરની તકલીફો ભૂલી હવે તેના આવનારા સુનહરા ભવિષ્યના સપનાં જોવા શરૂ કરે. ‘શ્ર્લોક, મારા જેવી છોકરીને હાટૂં, તારે અને દેવુમાસીએ આમ હું કામને ગામલોકની વ્હોરી લેવી જોઈએ? હું કોણ લાગું છું તમારી? આમ આટલાં અહેસાન કોઈ… હું મારું પાછલા જનમનું કોઈ હગપણ હઈશે?’ રૂપલે કહ્યું. ‘સગપણની તો મને નથી ખબર રૂપલ પણ મને એટલી ખબર છે કે, મારા બાપા ગયા ત્યાં લગી તારી અને ભાણાકાકાની ફીકર કરતાં રેતા’તા અને મમ્મી આજેય એટલી જ કરે છે. હું તો તારી હારે મોટો થયો છું, રૂપલ તો મોટા ભાઈની એટલી ફરજ નહીં બને કે એની બહેનને હારા ઘરે પરણાવવાની એને પડોજણ હોય?’ શ્ર્લોક બોલ્યો અને રૂપલ, શ્ર્લોક તરફ એ રીતે જોતી રહી જાણે તેણે ઘણું બધું કહેવું હતું પણ તેને શબ્દો નહોતા જડી રહ્યા. છતાં મહાપ્રયત્ને તે એટલું જ બોલી શકી કે, ‘ભાઈ-બહેન જેવું તો આપણે કોઈ હગપણ નહીં, શ્ર્લોક. ખાલી હારે રમ્યાને બાપૂની નોકરીને કારણે હું તારે ઘેર આવતી રે’તી એટલું જ.’
‘એટલું જ? એટલું જ પૂરતું નથી, રૂપલ? મમ્મીના ચહેરા પર તેં ક્યારેય એવું ભાળ્યું છે કે આપણે કોઈ હગપણ નહીં? શ્ર્લોકે પૂછ્યું અને રૂપલ ચૂપ થઈ ગઈ.

‘ચાલ હવે એ વાત્યુ છોડ અને એ બોલ કે તુને કેવો છોકરો ગમે? તું તો ભણેલી-ગણેલી, હમણાં ગ્રેજ્યુએટ હો થઈ જાહે, તો તારી દેવુઆંટીને કેવું પડહે ને કે તારે હાટૂં કેવો છોકરો ગોતે?’ શ્ર્લોકે પૂછ્યું અને રૂપલ શરમાઈ ગઈ. શરમની મારી ગુલાબી થઈ ગયેલી રૂપલ મંદિરના ગર્ભગૃહ સુધી દોડી ગઈ. તેણે ઈશ્વરની મૂરત સામે હાથ જોડ્યા અને ખબર નહીં મનોમન શું માગ્યું પણ બસ દસ મિનિટ સુધી તેણે આંખો નહીં ખોલી. ‘અરે, આટલું બધું શું માંગે છે એની જોડે? કોઈ રાજકુંવર નહીં માગતી હં, દેવુઆંટીને કે મુને એ નહીં જડે.’ કહેતાં શ્ર્લોકે રૂપલની મજાક કરી અને રૂપલ પળવારમાં જાણે વર્ષો પહેલાંની રૂપલી બની ગઈ. તે શ્ર્લોકની પીઠ પર ઢબ્બો મારવા તેના તરફ ભાગી અને શ્ર્લોક દોડતો જઈ પેલા જૂના પગથિયે જ ફરી અટકી ગયો.

‘જોજે ગાંડી ફરી અહીંથી પટકાઇશ નહીં.’ શ્ર્લોક બોલ્યો અને રૂપલ દોડતી-દોડતી અચાનક અટકી પડી. ‘સાલા લુચ્ચા, ઊભો રહે તું ઊભો રહે…’ કહેતાં રૂપલ અડધી જ પળમાં ફરીવાર શ્ર્લોક તરફ દોડી. દેવ્યાનીબેનનો વ્હાલ અને હૂંફાળપ તેમજ શ્ર્લોકનો ઘરોબો રૂપલને સાચે જ આ ઘર તેના બીજા પીયર જેવું મહેસૂસ કરાવી રહ્યાં હતાં. ભાણાભાઈ વચ-વચમાં આવીને રિતસર જાણે દેવ્યાનીબેનના પગે પડી જતાં. અને દેવ્યાનીબેન તેને એક જ વાત કહ્યા કરે, ‘ભાણાભાઈ તમે આમ જ કરવાના હોય તો હું તમને ભાઈ નહીં કહું. તમને પપ્પાજીએ શું કહેલું? ભાણા તારી રૂપલી એટલે મારી દીકરી… કહેલું કે નહીં? બસ તો પછી… હવેથી એકપણ વાર તમારે આમ…’ ‘અરે પણ બુન તમે તો મારી રૂપલીને દીકરી બનાવી લીધી તે ભાર હું કેમ ભૂલું, તમે તો મારા અન્નતદાતા છો.’ ભાણાભાઈ બોલતા.

આમને આમ એક મહિના જેટલો સમય તો ક્યાં વીતી ગયો તેની પણ ખબર નહીં રહી. દેવ્યાનીબેન, શાર્દૂલભાઈ અને શ્ર્લોક મળીને આજુબાજુના ગામથી લઈને દૂર-નજીકના શહેર સુધીના અનેક એકથી એક ચઢિયાતા છોકરાઓ રૂપલ માટે જોવા માંડ્યા. આખરે ભાણાભાઈના ગામની બાજૂના જ ગામનો સુયશ નામનો છોકરો દેવ્યાનીબેનની નજરમાં જચી ગયો. તેમણે સામે ચાલીને રૂપલ માટે સુયશને ત્યાં માંગું નાખ્યું. બંનેની મુલાકાત ગોઠવાઈ અને સુયશને રૂપલ ગમી પણ ગઈ. દેવ્યાનીબેનના ઘર સાથે પણ સુયશના પરિવારનો મેળ ખાય એમ હતું આથી, ગોળધાણાં વહેંચાયાં અને વાજતે ગાજતે રૂપલના લગ્ન લેવાયાં. રૂપલને દેવ્યાનીબેને પોતાની દીકરી માફક રંગેચંગે જે રીતે પરણાવી તે જોઈ ગામ આખાની પંચાત કરતાં લોકોના મોઢે તો જાણે ન માત્ર તાળા લાગી ગયા પરંતુ, હવે બધા દેવ્યાનીબેન અને શ્ર્લોકના ચાર મોઢે વખાણ કરતાં થાકતાં નહોતાં.

ભાણાભાઈને ક્યારેય આશા પણ નહોતી કે પોતે તેની દીકરી રૂપલને જિંદગીમાં ક્યારેય આ રીતે પરણાવી શકશે. એટલું જ નહીં આટલું સારું ઘર પોતાની દીકરી માટે મળશે તેવું પણ તેમણે ક્યારેય નહોતું વિચાર્યું. એક જ મહિનો રહી આ ઘરમાં છતાં જાણે રૂપલના જવાથી દેવ્યાનીબેનનું ઘર સૂનું થઈ ગયું. બે દિવસ સુધી કોઈ સગી મા પોતાની દીકરીને વળાવીને રડતી હોય તેમ દેવ્યાનીબેન રડતાં રહ્યાં. રૂપલના સાસરે ચાલ્યા જવાથી એકલતા અનુભવી રહેલાં દેવ્યાનીબેનને જોઈ એક દિવસ શાર્દૂલભાઈએ વાત મૂકી. ‘દેવુ, માન્યુ કે રૂપલના સાસરી ચાલી જવાથી તને ખોટ સાલે છે પણ તેનો ઈલાજ તારી નજર સામે છે છતાં કેમ આંખે પાટા બાંધી બેઠી રહી છે?’ દેવ્યાનીબેનની નજર શાર્દૂલભાઈનો ઈશારો પકડવાની કોશિશ કરી રહી. ‘અરે દેવુ, આપણો શ્ર્લોક પણ તો હવે પરણવા લાયક થયો છે. રૂપલના આપણે લગ્ન લીધા તો શ્ર્લોકના લગન હાટૂં કેમ નઈ વિચારી શકીએ?’ શાર્દૂલભાઈએ જે વાત કહી એ વાત દેવ્યાનીબેન જેવા અનુભવીના દિમાગમાં નહીં આવી હોય એ કઈ રીતે બને. હું તો કે’વારની કહ્યા કરું છું શ્ર્લોકને, શાર્દૂલ. પણ મારી વાત એ કાને ધરે ત્યારે ને…’ દેવ્યાનીબેને કહ્યું. શાર્દૂલભાઈ ઊભા થયા અને શ્ર્લોકના રૂમમાં જઈ ચઢ્યા.

‘શ્ર્લોક, શું કરે છે? ચાલને દીકરા જરા આંટો મારી આવીએ…’ કહેતાં તેમણે શ્ર્લોકને સાથે લીધો અને બંને મામા-ભાણીયા પહોંચ્યા ગામના પાદરે આવેલા મંદિરે, ‘શ્ર્લોક!’ શાર્દૂલભાઈએ વાતની શરૂઆત કરતા કહ્યું. ‘હં!’ શ્ર્લોકે માત્ર હુંકાર ભર્યો. ‘બેટા, રૂપલને સાસરીએ વળાવ્યા પછી દેવુને ઘર સૂનું સૂનું લાગે છે, મને કહેતી હતી કે શાર્દૂલ, રૂપલ ગઈને જાણે ઘર ખાલી થઈ ગ્યું,’ શાર્દૂલભાઈના શબ્દો સાંભળી શ્ર્લોક મંદિરના દાદર ચઢતો અટકી ગયો. એકીટસે તેણે શાર્દૂલ તરફ જોયે રાખ્યું.

‘હં મામા, તમે રૂપલીની વાત કાઢી અને જૂઓ તે પણ કયા પગથિયે આવીને અટકી. આ જ, આ જ પગથિયે તો રૂપલી… પાદરના મંદિરના એ પગથિયાં અને જૂની નહીં વિસરાતી યાદો, શ્ર્લોક અચાનક જાણે કોની સામે શું બોલવું તે પણ ભૂલી ગયો હતો. ‘મમ્મીને તો ઘર જ ખાવા દોડે છે એને સૂનું લાગે છે, મામા રૂપલીના ચાલી જવાથી મારું તો આયખું જ…’ શ્ર્લોકથી બોલી જવાયું પણ અચાનક તેને ભાન થયું કે તે શું બોલી રહ્યો છે. તેથી તેણે જીભ વાળી લીધી. ‘બસ મારે હવે લગ્ન નથી કરવા, મામા.’ શાર્દૂલભાઈની ઉંમર અને જમાનાભરના અનુભવ વચ્ચે વિતાવેલી જિંદગીની સમજણ એટલું તો સમજાવી જ ગઈ કે ભાણ્યો ભલે બોલતાં-બોલતાં અટકી ગયો હોય પણ તેના મનમાં રહેલી વેદના હું નહીં સમજી શકું એવો ભોટ તો નહીં જ.

લેખક : આશુતોષ દેસાઈ

લાગણીસભર વાર્તા, આપના અભિપ્રાય કોમેન્ટમાં જણાવો.

Comments

comments


3,872 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 5 = 25