એનિવર્સરીને ભૂતકાળની ભેટ – આટલી સુંદર સાંજ પછી સવારમાં આવી ભેટ મળવાની આશા તો એને નહિ જ હોય…

એનિવર્સરીને ભૂતકાળની ભેટ

વર્ષો પછી ફરી વસંત ઋતુ એ જૂની સોડમ લઈને આવી હતી. વર્ષો પછી તેણે ફરી મારું નામ લઈને બોલાવ્યો હતો.’ બૃહદ કંઈક અલગ મૂડમાં હતો તેનો આશય કદાચ એકાદ કવિતા લખી નાખવાનો હતો. પરંતુ, કવિ હ્રદય ખરો પણ સાહિત્યનો માણસ નહીં તેથી કવિતા તો નહીં લખી શક્યો છતાં, એક આશિક મિજાજને શોભે તેવી રોમાન્સથી ભરપૂર બે પંક્તિઓ જરૂર કહી નાખી. ‘શું વાત છે બૃહદ અર્થશાસ્ત્રી! આજે અર્થશાસ્ત્ર નહીં પણ કવિતાશાસ્ત્રની સફર આરંભી છે ને કાંઈ?’ મીમાંશા બોલી અને તેની પૃચ્છાથી તો બૃહદ જાણે ઓર ખીલી ઉઠ્યો. તેણે ફરી પોતાના મૂડને અનુરૂપ બે વાક્યો દોહરાવ્યા. ‘શાંત જળમાં પત્થર ફેંકવાનો ગૂનો કરવા સબબ, તેણે ચુંબંનની સજા ફરમાવી છે,’ ‘વાહ વાહ ક્યા બાત હૈ!’ મીમાંશા બોલી અને બૃહદને જાણે ઢોળાવ મળી ગયો.

તેણે દોહરાવ્યું, ‘શાંત જળમાં પત્થર ફેંકવાનો ગૂનો કરવા સબબ, તેણે ચુંબંનની સજાફરમાવી છે, ને અમે હથેળીઓને હવાલે પત્થરોનું ટોળુ કરી લીધું.’ ઓહ માય ગોડ, બૃહદ ક્યા ખુબ…’

છેલ્લી પંક્તિ સાંભળીને તો મીમાંશા પણ ગેલમાં આવી ગઈ. શું વાત છે બૃહદ, તારો આવો મૂડ મેં આ પહેલાં ક્યારેય નથી જોયો. અને તને ખબર છે કે હવે હું તારા મનોજગતમાં આ મોસમ કેમ રચાઈ છે તે કારણ જાણ્યા વિના છોડવાની નથી. અને બૃહદે, ખાલી થયેલા રેડ વાઈનના ગ્લાસમાં ફરી થોડી વાઈન ભરી અને આંખો મીમાંશાના ચહેરા પર સ્થિર કરતાં બોલ્યો, ‘વાંક મોસમનો નથી દોસ્ત, વાંક એ નજર અને એ હોંઠનો છે જેમની વચ્ચેથી આજે વર્ષો પછી મારું નામ દોહરાવાયું છે.

આઠ વર્ષનો લીવ ઈન રિલેશનશીપનો સંબંધ. મીમાંશા અને બૃહદ એક જ છત નીચે સાથે રહેતાં હતાં. જેમ લગ્ન નામનું બંધન આ સંબંધમાં નથી હોતું તે જ રીતે મીમાંશા અને બૃહદની માનસિકતામાં પણ ક્યાંય માલિકીભાવ કે એકબીજા પર હક્કનો દાવો કરવા જેવું કશું નહોતું. બંને આ સંબંધથી ખુશ હતાં, બંધાયેલા હતાં અને છતાં એક-મેકથી આઝાદ હતાં. મલ્ટિનેશનલ કંપનીમાં સિનીયર એક્ઝિક્યુટીવ તરીકેની પોસ્ટ પર કામ કરતી મીમાંશા અને યુનિવર્સિટીના ઈકોનોમિક્સ ડીપાર્ટમેન્ટના ડીન તરીકે કાર્યરત બૃહદ. બંને વચ્ચે નવ વર્ષ પહેલાં એક પ્રોજેક્ટ બાબતે મુલાકાત થયેલી. જ્યાં એક પ્રોજેક્ટ એલોકેશનના ઓક્શન માટે મીમાંશા પોતાની કંપનીના ક્વોટેશન્સ સબમીશન માટે ગઈ હતી અને બૃહદ તે પ્રોજેક્ટનો ઈકોનોમિક એડવાઈઝર હતો. પ્રોજેક્ટ મીમાંશાની કંપનીને એલોટ થઈ ગયો અને તેની ઈન્ચાર્જ મીમાંશાને જ બનાવવામાં આવી હતી. ત્યારપછી બૃહદ અને મીમાંશા વચ્ચે ટેકનિકલ ડિસ્કશન માટે અનેક મિટીંગ્સ થતી રહી અને આ મિટીંગ્સમાં થતી ચર્ચાઓ વચ્ચે ક્યાં, ક્યારે અને કઈ રીતે બંને એકબીજા પર પોતાની પસંદગી ઊતારી બેઠાં તેની બંનેને ખબર પડી ત્યાં સુધીમાં તો છ મહિના જેટલો સહિયારો સમય વિતી ચૂક્યો હતો. પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયો પણ બૃહદ અને મીમાંશાની મિટીંગ્સ હજીય બીજા છ મહિના સુધી ચાલુ રહી હતી. જે ત્યારબાદ લીવ ઈન રિલેશનશીપમાં પરિણમી અને આજે તો તે સંબંધને પણ આઠ વર્ષ પૂર્ણ થઈ ગયા હતાં. આઠમી એનિવર્સરીના સેલિબ્રેશન તરીકે બંનેએ ડીનર વિથ વાઈનનો પ્રોગ્રામ બનાવ્યો હતો.

મીમાંશા ઓફીસથી જલ્દી આવી ગઈ અને તેણે ઘરનો આખોય ડ્રોઈંગ રૂમ એ રીતે સજાવી લીધો જાણે કોઈ નવપરિણીત યુગલ પહેલીવાર તે ઘરમાં પ્રવેશ કરવા જઈ રહ્યું હોય. બૃહદે કહ્યું હતું કે સાત વાગ્યા સુધીમાં તો તે આવી જશે. પણ નવ વાગ્યા છતાં તે નહીં આવ્યો ત્યારે મીમાંશાએ તેને ફોન કર્યો, ‘ક્યાં છે યાર, હું અહીં રાહ જોતાં જોતાં થાકી ગઈ હવે.’

‘કેટલાં આઠ ને? આઠ વર્ષ જ થયાને? બસ તો તું આઠ સુધી કાઉન્ટ કર એટલામાં હું ઘરના દરવાજે પ્રગટ થઈશ.’ બૃહદે કહ્યું. અને મીમાંશા જાણે ઝૂમી ઊઠી. તે ફટાફટ બેડરૂમ તરફ દોડી અને આદમકદ આયના સામે ઊભા રહી વાળ અને સાડી ફરી એકવાર ઠીકઠાક કરી લીધાં. ત્યાં તો દરવાજે ડોરબેલ વાગી. મીમાંશાએ દોડીને દરવાજો ખોલ્યો અને બૃહદને જોઈ તેણે આંખ મીચકારી, ‘હાય સેક્સી ઈકોનોમિસ્ટ!’ તેણે કહ્યું અને બૃહદે દરવાજાની વચ્ચે જ મીમાંશાને પોતાની બાહોપાશમાં જકડી લેતાં કહ્યું, ‘નોપ, આઈ એમ નોટ સેક્સી ટૂ ડે, યુ આર હોટ, લવલી એન્ડ સેક્સી ઈન્ડીડ.’ લીવ ઈનને આઠ વર્ષ થઈ ગયા હોવાની સાબિતી ભલે બંનેના વાળની સફેદી આપી રહ્યા હતાં છતાં બંને વચ્ચેની હૂંફાળપ, નજદીકી અને એક-મેક પ્રત્યેનો આવેગ હજીય એટલાં જ અકબંધ હતાં જેટલાં કોઈ કોલેજીયા લબરમૂછીયાઓની ચાહતમાં હોય.

બાહુપાશમાં જકડાયેલી મીમાંશાની મનશા આજે બૃહદ થોડાં વધુ બળ સાથે તેને જકડે તેવી હતી અને જાણે બૃહદને મીમાંશાની આંખોમાં રોપાયેલાં શબ્દો વાંચવાની આદત પડી ગઈ હોય એમ તેણે પોતાની પકડ થોડી ઓર મજબૂત કરી. શ્વાસોની હૂંફાળપ મહેસૂસ થઈ શકે એટલી નજદીકીની એ પળો થોડી વધુ લંબાઈ ત્યારે આખરે, મીમાંશાએ કહેવું પડ્યું, ‘દરવાજો બંધ કરવા જેટલી તો જગ્યા આપ!’ અને બૃહદ જાણે મીઠા ઘેનમાંથી જાગ્યો. ‘ઓહ યાહ, સૉરી યાર… ચાલ હું ફટાફટ બાથ લઈ લઉં? પછી શાંતિથી ‘અ પાર્ટી વિથ લેડીની ઈન ફાઈન વિથ વાઈન’ની પાર્ટી કરીએ.’ બૃહદ બોલ્યો અને બેડરૂમ તરફ ચાલી ગયો. મીમાંશા દરવાજો બંધ કરવા જતી હતી ત્યાં જ તેના દિમાગમાં વિચાર ઝબક્યો, ‘હું આટલી મહેનતથી આવી સરસ તૈયાર થઈ છું અને છતાં સાહેબનું ધ્યાન પણ નથી.’ પણ એટલામાં તો જાણે બૃહદ અચાનક ક્યાંકથી ઝબક્યો હોય તેમ બોલ્યો, ‘હેય સ્વીટ લેડી, યુ લૂક્સ સો પ્રીટી ટૂ ડે, વિલ યુ બી માય ડેટ ફોર ટૂ નાઈટ?’ અને બૃહદના આ શબ્દો સાંભળીને મીમાંશાને જાણે વાઈનના ઘૂંટ પહેલાં જ કંઈક નશા જેવો અહેસાસ થવા માંડ્યો. ‘જા ને, જા ને હવે ડોબા… પહેલાં બાથ લઈને કંઈક હેન્ડસમ હન્ક બન, ત્યારપછી વિચારું.’ તેણે કહ્યું અને બંનેનો ચહેરો અને આંખો હસી પડી.

બસ કંઇક આવી હતી આ લીવ ઈન રિલેશનશીપ. પીસ્તાલીસની આસ-પાસનો બૃહદ હશે અને ચુમ્માલીસની આસ-પાસની મીમાંશા. પરંતુ, ઉંમર આ બંનેના ઘરના હેતાળ વાતાવરણમાં ક્યાંય વચ્ચે દખલઅંદાજી કરી શકે તેમ નહોતું. નોકરી અલગ, કામ અલગ અને ઘણીવાર તો કામનો સમય પણ અલગ. છતાં, આઠ વર્ષનો આ સહવાસ હજીય તેની સુવાસ અકબંધ રાખી શક્યો હતો. પણ આજની આ ડેટનો એકાદ કલાક વીત્યો હશે અને જ્યારે બૃહદ અચાનક બોલ્યો, ‘વર્ષો પછી ફરી વસંત ઋતુ એ જૂની સોડમ લઈને આવી હતી. વર્ષો પછી તેણે ફરી મારું નામ લઈને બોલાવ્યો હતો.’ ત્યારે મીમાંશાને અચંબો થયો. તેણે બૃહદને રોમેન્ટીક મૂડમાં અનેકવાર જોયો હતો, અનુભવ્યો હતો અને તેની સાથે રોમાન્સની એ પળો અનેકવાર મનભરીને માણી પણ હતી. પરંતુ, આમ કાવ્યાત્મક વાક્યો અને કોઈ મુશાયરામાં બોલતાં કવિની અદાથી તે જે રીતે આ શબ્દો બોલ્યો તેથી મીમાંશાને નવાઈ લાગી રહી હતી. તેણે આજ પહેલાં બૃહદને આવા રૂપમાં ક્યારેય નહોતો જોયો. ‘બોલને, બૃહદ પ્લીઝ. આમ શું કરે છે.’ તેણે કહ્યું. અને બૃહદ જાણે કોઈ જૂના છતાં ચીરપરિચીત રસ્તે સફરમાં નીકળી પડ્યો.

‘પથિકા અને હું, અમદાવાદની એચ.એલ કોલેજમાં સાથે ભણતાં હતાં. પથિકા એટલી સુંદર હતી કે અડધી કોલેજ તેને પ્રપોઝ કરવાના ચોઘડિયાં કઢાવવામાં વ્યસ્ત રહેતી. પણ પથિકા, ગમે એટલાં સારા ચોઘડિયાંમાં થયેલાં પ્રપોઝને પણ એ રીતે ઠુકરાવી દેતી, જાણે ચણા ખાઈ લીધાં પછી હાથમાં પકડેલાં ફોતરાં ફેંકી રહી હોય. આખીય એચ.એલ કોલેજનો એક એક યુવાન તેના રૂપનો કાયલ હતો, જેમાંનો એક હું પણ ખરો. પરંતુ, મારા મિત્રોના જ્યોતિષાચાર્યોએ કાઢેલાં ચોઘડિયાંઓનું પરિણામ જોઈ મારામાં એટલી હિમ્મત નહોતી બચી કે હું તે વિશે વિચાર પણ કરી શકું. આથી મેં પથિકા તરફથી ધ્યાન હટાવી ભણતરના પથ તરફ ધ્યાન આપવાનું બહેતર સમજ્યું અને મારા ઈકોનોમિક્સના ક્લાસીસ અને બુક્સમાં ખૂંપેલો રહ્યો.’ બૃહદની ભૂતકાળ સફરનો આરંભ થયો. ‘વાઉ, ધેટ્સ ઈન્ટરેસ્ટીંગ!’ મીમાંશા બોલી.

‘પથિકાના પપ્પા, એલ.ડી. કોલેજમાં ઓફીસ સુપરિન્ટેન્ડન્ટ હતાં, આથી તેને માટે તો કોલેજ મતલબ બીજું ઘર સમાન. પરંતુ, હું હોસ્ટેલમાં રહીને ભણતો હતો. બાપાની અમરેલી નજીક નાની ખેતી હતી. આથી મારા આર્થિક સંજોગો પણ મને આમ કોઈ રૂપગર્વિતા પાછળ કોલેજના વર્ષો ખર્ચી નાખવાની પરવાનગી નહોતા આપી રહ્યા. પથિકા, ભણવામાં એવરેજ પણ મેં પહેલેથી જ જોયું છે કે છોકરીઓને ક્લાસમાં પહેલી પાટલી પર બેસવાનું અજબનું આકર્ષણ હોય છે. કદાચ તેમનું માનવું હશે કે પહેલી પાટલી પર બેસવાથી હોંશિયાર વિદ્યાર્થી તરીકે ગણના થતી હશે. પથિકા પણ તેવી જ છોકરીઓમાંની એક એટલે તે પણ હંમેશા ક્લાસમાં પહેલી જ પાટલી પર બેસતી. અને હું છેક છેલ્લી પાટલી પર તો નહીં પરંતુ, કાયમ પાછળની તરફ જ બેસવાનું પસંદ કરતો. એક દિવસ ખબર નહીં અચાનક પથિકાને શું થયું, તે ત્રીજા લેક્ચરમાં તે પાછળ મારી પાટલી પાસે આવીને બેસી ગઈ. પાછળ બેસતાં બધાં રોમિઓ માટે તો જાણે તે જ દિવસ દિવાળીની રાત જેવો સાબિત થઈ ગયો હતો. પથિકાને આમ તેમની નજીક આવીને બેઠેલી જોઈ બધાં ગેલમાં આવી ગયા.

સાહેબે પૂછેલ સવાલનો જવાબ આવડતો હોય કે નહીં આવડતો હોય બધા પથિકાને ઈમ્પ્રેસ કરવાના આશયથી હાથ ઊંચો કર્યે જતા હતા. અને તે લેક્ચર ખત્મ થયો અને પથિકા બોલી, બૃહદ, હાય. આય એમ પથિકા. હા, હું ઓળખુ છું તમને! મેં કહ્યું હતું. બૃહદ, મારે મળવું છે તમને, પ્લીઝ લેકચર્સ પછી લાયબ્રેરીમાં આવશો? તેણે પૂછ્યું અને મને તેની વાત સંભળાય અને સમજાઈ તે પહેલાં તો પથિકા તરફ નજર અને કાન સ્થિર કરીને બેઠેલ મારી આસ-પાસના બધા રોમિઓને સંભળાઈ પણ ગઈ અને સમજાઈ પણ ગઈ. અને હું કંઈ પ્રત્યુત્તર આપું તે પહેલાં તો બધાંના મોઢેથી પથિકા માટે ઠંડી આહ અને મારા માટે જલદ જેલસી નીકળી પડી. જોકે મને પોતાને પણ પથિકાના શબ્દો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો આથી મેં ફરી કન્ફર્મ કર્યું, પ્લીઝ, લાયબ્રેરીમાં, આફટર લેકચર્સ? તે બોલી અને મારો જવાબ સાંભળ્યા વિના જ ફરી પોતાની પહેલી પાટલીવાળી જગ્યા પર જઈને બેસી ગઈ. મારા બધા દોસ્તો હવે મારી તરફ એ રીતે જોઈ રહ્યા હતા જાણે મેં તેમના બાપા પાસે તેમની વારસાઈ મિલકત લખાવી લીધી હોય. ખેર, પણ સાચું કહું, તે પછીના લેક્ચરમાં પ્રોફેસરે શું ભણાવ્યું હતું તે મને આજની તારીખે પણ ખબર નથી. લેક્ચર્સ પતાવીને હું લાયબ્રેરીમાં ગયો ત્યારે પથિકાએ કહ્યું, સૉરી બૃહદ મારે તમને આ રીતે લાયબ્રેરીમાં મળવા બોલાવવા પડ્યા, પણ એક્ચુઅલી મને તમે ઈકોનોમિક્સના લેકચર્સની જે બ્રીફ નોટ્સ તૈયાર કરો છો એ આપશો? અરે, આ છોકરીને કઈ રીતે ખબર કે હું ઈકોનોમિક્સના દરેક લેકચર્સની બ્રીફ તૈયાર કરું છું? મેં તો આજ સુધી આ વાત કોઈને કહી નહોતી અને કોઈને આપી પણ નહોતી. તો પછી! પણ હું એ વિશે કંઈ પૂછું તે પહેલાં જ પથિકા બોલી. મને ખબર છે તમે રોજ ઈકોનોમિક્સમાં ઈમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ લખી લો છો અને ત્યારપછી તેના પરથી એક બ્રીફ નોટ બનાવો છો. જે એક્ઝામ ટાઈમે રિવીઝન માટે ઉપયોગી બને. અરે પણ તમને કંઈ રીતે આ વાતની ખબર પડી? મેં પૂછ્યું હતું અને તે બોલી હતી, લેકચર પછી અમે તો બધાં ક્લાસની બહાર જતા રહીએ છીએ પણ મેં અનેકવાર ક્લાસની બારીમાંથી જોયું છે કે તમે ત્યાં જ બેઠા રહી નોટ્સ બનાવી રહ્યા હોવ છો. અને મીમાંશા આવું કહેતીવેળા પથિકાના ચહેરા પર જે ગુલાબી ઝાંય આવી ગઈ હતી.

તેં એ સમયે તે જોઈ હોત ને તો, ઓહ માય ગોડ. વોટ અ સ્વીટ સ્માઈલ ઈટ વોઝ! બૃહદ બોલ્યે જતો હતો અને મીમાંશા આતુરતાથી તેની વાત સાંભળી રહી હતી. પ્લીઝ, બૃહદ ના નહીં કહેતા. મને ઈકોનોમિક્સમાં ખાસ ગતાગમ પડતી નથી અને તમે નોટ્સ નહીં આપો તો હું નક્કી ફેઈલ થવાની.’ તે સમયને યાદ કરતાં હમણાં આ વાક્ય બોલતાં બૃહદનો ચહેરો એવો ગુલાબી થઈ ગયો હતો કે એકવાર તો મીમાંશાને પણ પથિકા પ્રત્યે જલન મહેસૂસ થવા માંડી. પરંતુ, બંનેના સંબંધની બુનિયાદ જ ઐક્ય છતાં આઝાદીના મૂળ પર રચાયેલી હતી આથી તેણે મનમાં આવેલી એ જેલસીવાળી લાગણીને દૂર ફગાવી અને બોલી, ‘વાઉ, સો લકી ગર્લ બૃહદ…’
‘બસ એ લકી ગર્લ અને હું નહીં? કેવી વાત કરે છે યાર, મીમાંશા. જે છોકરી પર અડધી કોલેજ ફીદા હતી તે છોકરી આમ મારી પાસે નોટ્સ મેળવવા માટે આજીજી કરી રહી હતી અને છતાં એ જ લકી, હું નહીં?’ બૃહદ બોલ્યો. અને મીમાંશાને બૃહદની આ નાના છોકરા જેવી જીદ્દ પર વ્હાલ આવી ગયું તેણે બૃહદના ગ્લાસમાંથી રેડવાઈનનો એક ઘૂંટ ભર્યો અને વાઈનથી ભીંજાયેલા પોતાના હોંઠને બૃહદના હોંઠને હવાલે કરતાં અડધો ઘૂંટ તેના અધખુલ્લાં હોઠો વચ્ચે ધરી દીધો. જેને કારણે ભૂતકાળની એ સફરને થોડી પળોનો વિરામ લેવો પડ્યો.

‘સૉરી ટૂ ઈન્ટરપ્ટ યુ બૃહદ, હં, સો હવે આગળ…’ મીમાંશાએ કહ્યું. અને બૃહદે વાઈનથી ભીના થયેલાં હોંઠ સાફ કરતાં કહ્યું, ઈકોનોમિક્સ અને તે નોટ્સે મને તે દિવસે ગજબ સપોર્ટ કર્યો હતો. મારી અને પથિકા વચ્ચે દોસ્તી થઈ ગઈ. ઓફિશ્યલ પ્રોફેસર તો પછી બન્યો, મીમાંશા તે પહેલાં જ પથિકા માટે ઈકોનોમિક્સનો પ્રોફેશર બની ચૂક્યો હતો. અમારી વચ્ચેની દોસ્તી નોટ્સથી વધીને પ્રેમ સુધી વિસ્તરી ગઈ હતી, કદાચ. પણ કોલેજનું છેલ્લું વર્ષ આવતા સુધીમાં તો અમારા બંનેની પરિસ્થિતિ એવી થઈ ગઈ હતી કે એક દિવસ પૂરતું પણ જો કોઈ એક બીજાને કોલેજમાં નહીં જૂએ તો જાણે દિવસ પૂર્ણ નહોતો થતો. ક્લાસથી લઈને લાયબ્રેરી સુધીની સફરમાં શરૂ થયેલી અમારી મિત્રતા પ્રેમમાં પરીણમતા સુધી તો અમદાવાદના એક એક એકલાં ખૂણે ફરી ચૂકી હતી. ન છૂટવા અને ન છોડવા સુધીના કોલ અપાયા ત્યારે ક્યાં મને ખબર હતી કે પથિકાને મન એચ. એલ કોલેજના તેના બૃહદ નામના પ્રેમી કરતાં પપ્પાએ નક્કી કરેલાં અમેરિકન સિટીઝનમાં વધુ રસ પડશે. પથિકા ઊડી ગઈ. જમીનનો માર્ગ છોડી હવાઈ પથ પકડીને તે દૂર અજાણ્યા દેશ તરફ ઊડી ગઈ.

રોમેન્ટીક મૂડમાં શરૂ થયેલી ભૂતકાળની યાદો જે વસંત ઋતુની શાયરી લઈને આવી હતી તે બૃહદના છેલ્લાં બે વાક્યોથી જાણે સૂંકાભઠ્ઠ પાનખરમાં પલ્ટાઈ ગઈ. ‘તો પછી તેં ક્યારેય તેનો કોન્ટેક્ટ કરવાની કોશિશ નહીં કરી?’ મીમાંશાએ પૂછ્યું. ‘ના, તે સમયે યુવાની પણ હતી અને પુરૂષ તરીકેનો અહમ્ પણ. મેં તેનો કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન તો નહીં જ કર્યો પણ, તેનું નામ પણ ભૂલાવી દેવાના સજાગ પ્રયત્નો સતત કરતો રહ્યો.’ બૃહદ બોલ્યો.
‘પણ છતાં આજસુધી એમાં સફળતા નથી મળી ખરું ને?’ મીમાંશા બોલી અને બૃહદની નજરો સ્થિર થઈ ગઈ.
‘કદાચ હા, નથી જ મળી.’ તે બોલ્યો.
‘ખેર, પણ આજે આમ અચાનક તેની યાદ, તેની વાતો…’ મીમાંશાએ પૂછ્યું. અને બૃહદ બોલ્યો. ‘ના, અચાનક એમ તો નહીં કહું મીમાંશા, કારણ કે પથિકા ક્યારેય મારા સ્મરણોમાં તો ભૂલાઈ જ નથી. પરંતુ, હા આજે જ કે? તો… ડિપાર્ટમેન્ટમાં એમ.ફીલના ક્લાસીસમાં હું આજનો મારો છેલ્લો લેક્ચર લઈ રહ્યો હતો અને મંગેશ આવીને મને એક મેસેજ આપી ગયો, સમવન વોન્ટ્સ ટૂ સી યુ, સર!’ હું ક્લાસની બહાર નીકળી સ્ટાફરૂમ તરફ જઈ રહ્યો ત્યાં પાછળથી અવાજ સંભાળ્યો, બૃહદ… અને મેં પાછળ ફરીને જોયું તો પથિકા ઊભી હતી. અદ્દલ એ જ વર્ષો પહેલાં હતો તેવો જ કથૈયી આંખોવાળો ચહેરો, બસ ઉંમરનું હળવું પડ ચઢેલું એટલું જ બાકી એચ.એલ કોલેજની પથિકામાં અને આજે મારી સામે ઊભેલી પથિકામાં ખાસ બીજો કોઈ ફર્ક નહોતો. થોડો સમય અમે સાથે બેઠાં ત્યારે મને ખબર પડી કે લગ્ન થયાંના બે જ વર્ષમાં તે ફરી ભારત આવી ગઈ હતી. ખુબસૂરત અને ચંચળ પથિકા તેના અમેરિકન પતિને એક ગામડીયણ બૈરી લાગતી હતી અને વારંવારના અપમાનનો બોજ જ્યારે તેનાથી સહેવાયો નહીં ત્યારે ભારત પાછા આવી રહેવું તેને બહેતર લાગ્યું હતું.
‘ઓહ માય ગોડ!’ મીમાંશા બોલી.

‘યસ, ઓહ માય ગોડ…!’ બૃહદે મીમાંશાના જ શબ્દો દોહરાવ્યા.

‘પણ તો પછી આજે હવે આટલા વર્ષો પછી એ તને…’ મીમાંશાએ પૂછ્યું.

‘યસ, મેં પણ એ જ પૂછ્યું. ત્યારે ખબર પડી કે તે તો ભારત આવી ત્યારથી મને મળવાનો પ્રયત્ન કરતી હતી પણ હું અમદાવાદ અને ત્યાંના તમામ લોકોથી દૂર અહીં મુંબઈમાં, મારી ભાળ મળે પણ તો કઈ રીતે. અને ત્રણ દિવસ પહેલાં તેણે કોઈક પાસે અમારી યુનિવર્સિટીનું સોવિનેઅર જોયું ત્યારે ખબર પડી કે હું મુંબઈમાં, ઈકોનોમિક્સ ડિપાર્ટમેન્ટમાં…’ બૃહદે માહિતી આપી. ‘ઓહ, સેડ…’ મીમાંશાથી બોલી જવાયું.

લીવ ઈનની આઠમી વર્ષગાંઠ બૃહદની ભૂતકાળની યાદો વચ્ચે વીતી. બંને એ ડીનર પતાવ્યું ત્યાંસુધીમાં અડધી રાત વીતી ચૂકી હતી. વાઈનનો નશો પણ હવે ઊંઘ તરફ દોરી જઈ રહ્યો હતો. માદક નશાવાળી ઊંઘમાં ક્યારે સવાર પડી ગઈ તે પણ ખબર નહીં પડી. બૃહદ જાગ્યો ત્યારે મીમાંશા ઓફીસ જવા માટે રવાના થઈ ચૂકી હતી. તેણે કીચનમાં જઈ ફ્રીઝમાંથી પાણીની બોટલ કાઢી ત્યારે જોયું કે, ફ્રીઝના ડોર પર મેગ્નેટ હોલ્ડરમાં એક ચીઠ્ઠી લગાડેલી હતી.

ડીઅર બૃહદ,

તારી સાથેના આઠ વર્ષ અને ગઈકાલની એનિવર્સરી પણ સાચે જ ખૂબ સુંદર વીતી. બસ, અફસોસ એટલો ખરો કે આ આઠ વર્ષમાં પણ હું તારો સંગાથ બની શકી પ્રેમ નહીં. પણ ફરિયાદ નથી કારણ કે, પથિકા તારો પ્રેમ બની શકી પણ સંગાથ નહીં. તું એને નહીં ભૂલી શકે સ્વાભાવિક છે, સમજી શકાય તેમ છે. આથી જ મને લાગે છે કે, આ ઘરમાં આઠ વર્ષ આપણે સંગાથ માણ્યો હવે હું ચાહુ છું કે બાકીના વર્ષ તું પ્રેમ માણે.

તારા મોબાઈલમાંથી પથિકાનો નંબર લઈ મેં તેને ફોન કરી દીધો છે. તેણે કહ્યું છે કે બપોર સુધીમાં ઘરે પહોંચી જશે.

-મીમાંશા.

બૃહદ માટે આ પરિસ્થિતિ સાવ અણધારી હતી. તેને શું વિચારવું તે પણ સમજાતું નહોતું, ત્યાં જ બારણે ડોરબેલ વાગી. ‘ઓહ, બૃહદ. આય કાન્ટ બિલીવ ધેટ ઈટ્સ રિઆલિટી. આપણે ફરી એકવાર…’ પથિકા ઘરમાં પ્રવેશતાંની સાથે બૃહદને ભેટી પડી. ‘હોલ્ડ, હોલ્ડ ફોર અ મોમેન્ટ, પથિકા. જિન્દગીમાં પ્રેમ માત્ર એક જ વાર થાય છે એવું દુનિયા માનતી હશે. પણ સાચુ કહું તો મને આ ફીલોફોફી સાવ વાહિયાત લાગે છે. એ સાચું કે હું તને ચાહતો હતો અને તું આજ સુધી મારા દિલ-દિમાગમાંથી ભૂલાઈ પણ નથી. પરંતુ, આય એમ સૉરી, મારો વર્તમાન કંઈક ઓર છે અને હું એ વર્તમાનથી ખૂબ ખુશ છું.

મીમાંશા તો પાગલ છે, પણ હું નથી. સો પ્લીઝ. આય એમ સૉરી. જેમ હું તારી સાથેના ભૂતકાળમાં ખુશ હતો તે જ રીતે મીમાંશા સાથેના વર્તમાનમાં પણ ખુશ છું. બંને વચ્ચે નિર્સંવાદ દસ મિનિટ વીતી અને પથિકા સાથે જ બૃહદ બિલ્ડીંગની નીચે ઉતર્યો ત્યારે તેણે મીમાંશાની ઓફીસ તરફ જવા માટે ટેક્સી પકડી અને પથિકા તેની વિરૂધ્ધ દિશામાં.

લેખક : આશુતોષ દેસાઈ

અદ્ભુત પ્રેમકહાની આપને આ વાર્તા કેવી લાગી એ જણાવજો અને મિત્રોને પણ શેર કરો.

 

 

Comments

comments


3,723 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 1 = 5