જ્ઞાાનના કેન્દ્ર એવા તક્ષશિલા વિશ્વવિદ્યાલયમાં આચાર્ય રહેલા ચાણક્ય રાજનીતિના ચતુર ખેલાડી હતા અને આ જ કારણે તેમની નીતિ કોરા આદર્શવાદ પર નહીં, પરંતુ વ્યાવહારિક જ્ઞાાન પર ટકેલી છે. આ વાત તેમની નીતિઓ પરથી સ્પષ્ટ થાય છે.
- મૂર્ખતા કષ્ટદાયક છે, યૌવન પણ કષ્ટદાયક છે અને બીજાના ઘરે નિવાસ કરવો એ સૌથી વધારે કષ્ટદાયક છે.
- મનુષ્યે દરરોજ એક શ્લોક (વેદમંત્ર), અડધો શ્લોક, એક પાદ અથવા એક અક્ષરનો સ્વાધ્યાય કરવો જોઈએ અને દાન-અધ્યયન વગેરે શુભ કર્મો કરતા દિવસને સફળ બનાવવો, દિવસ વ્યર્થ ન જવા દેવો.
- પત્નીનો વિરહ, પોતાના લોકોથી પ્રાપ્ત અનાદર, બચેલું ઋણ, દુષ્ટ રાજાની સેવા, દરિદ્રતા અને મૂર્ખાઓની સભા. આ બધું અગ્નિ વગર જ શરીરને બાળે છે.
- નદીના કિનારે ઊગેલું વૃક્ષ, બીજાના ઘરમાં જનાર અથવા રહેનારી સ્ત્રી અને મંત્રીઓ રહિત રાજા. આ બધું શીઘ્ર જ નષ્ટ થઈ જાય છે.
- બ્રાહ્મણોનું બળ તેજ અને વિદ્યા છે, રાજાઓનું બળ સેના છે, વૈશ્યોનું બળ ધન અને પશુપાલન છે તથા શૂદ્રોનું બળ સેવા છે.
- વેશ્યા નિર્ધન મનુષ્યને, પ્રજા પરાજિત રાજાને, પક્ષી ફળ રહિત વૃક્ષને અને અતિથિ ભોજન કરીને ઘરને છોડી દે છે.
- બ્રાહ્મણ દક્ષિણા લઈને યજમાનને, શિષ્ય વિદ્યાપ્રાપ્તિ પછી ગુરુને અને પશુ સળગતા વનને ત્યાગી દે છે.
- મનુષ્યે દુરાચારી, કુદૃષ્ટિવાળા, ખરાબ સ્થાનમાં રહેનાર અને દુર્જન મનુષ્યની સાથે મિત્રતા ન કરવી, કારણ કે તેમની સાથે મિત્રતા કરનાર મનુષ્ય જલદી નષ્ટ થઈ જાય છે.
- પ્રેમ બરાબરીવાળા લોકોમાં સારો લાગે છે, સેવા-નોકરી રાજાઓ (સરકાર)ની ઉત્તમ હોય છે, વ્યવસાયોમાં વેપાર સર્વોત્તમ છે અને ઉત્તમ ગુણોવાળી સ્ત્રી ઘરમાં સુશોભિત હોય છે.
- કોના કુળમાં દોષ નથી? રોગે કોને નથી પજવ્યા? આપત્તિઓ અને કષ્ટ કોના પર નથી આવ્યાં? હંમેશાં સુખ કોને મળે છે?
- મનુષ્યના આચાર તેના કુળ-શીલને, વિચાર તેના દેશને, માન-સન્માન તેના પ્રેમને અને શરીર તેના ભોજનને પ્રગટ કરે છે.
- કન્યા સર્વશ્રેષ્ઠ કુળમાં આપવી જોઈએ, પુત્રને વિદ્યાભ્યાસમાં લગાવવો જોઈએ, શત્રુને આપત્તિ અને કષ્ટોમાં નાખવો જોઈએ તથા મિત્રને ધર્મકાર્યોમાં વાળવો જોઈએ.
- દુર્જન અને સર્પ- આ બંનેમાં સાપ સારો છે, દુર્જન નહીં, કારણ કે સાપ તો એકાદ વાર જ ડંખે છે, પરંતુ દુર્જન ડગલે ને પગલે હાનિ પહોંચાડે છે.
- રાજા પોતાની પાસે કુલીન લોકોનો સંગ્રહ એટલા માટે કરે છે, કારણ કે ઉન્નતિ અને અવનતિ, ઉત્કર્ષ અને વિપત્તિ, જય અને પરાજય એમ કોઈ પણ અવસ્થામાં તેઓ રાજાને છોડતા નથી. તેઓ હંમેશા રાજાનો સાથ આપે છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર