ભારતમાં પોતાનો બજાર હિસ્સો વધારવા માટે ઝેકોસ્લોવેકિયાની કાર કંપની સ્કોડા તેની પ્રીમિયમ હેચબેક કાર ફાબિયાને ભારતમાં ફરી લોન્ચ કરવા જઇ રહી છે, તેમ મીડિયાનાં અહેવાલોમાં જણાવાયું છે. જૂની ફાબિયાનાં નબળા વેચાણને જોતાં કંપનીએ 2013માં જ તેનું ઉત્પાદન અને વેચાણ બંધ કર્યું હતું. કંપની નવી જનરેશનની ફાબિયાનાં એ મોડેલને ભારતમાં લોન્ચ કરી શકે છે, જેને 2014નાં પેરિસ મોટર શો ખાતે રજૂ કરવામાં આવ્યું હતું. નવી જનરેશનની ફાબિયા લોન્ચિંગ પછી મારૂતિ સુઝુકી સ્વિફ્ટ,હ્યુન્ડાઇ આઇ20 અને ફોક્સવેગન પોલો સહિતની કાર્સ સાથે પ્રીમિયમ હેચબેક સેગમેન્ટમાં હરીફાઇ કરશે.
નવી જનરેશનની સ્કોડા ફાબિયા તેનાં બંધ કરાયેલા મોડેલ કરતા સાઇઝમાં મોટી છે. ડિઝાઇનમાં તે સ્કોડાની જ નવી સિડેન ઓક્ટાવિયા જેવી છે. નવી ફાબિયાની ઉંચાઇ પહેલા કરતા 30 એમએમ ઓછી અને પહોળાઇ 90 એમએમ વધારે છે. જૂના મોડેલ કરતા સાઇઝમાં મોટી હોવા છતાં કંપનીનું કહેવું છે કે આ કાર પહેલા કરતા 17 ટકા વધુ ઇંધણ કાર્યક્ષમ હશે, જે કારનાં ઓછા વજનને આભારી છે. નવી ફાબિયાનું વજન પહેલા કરતા 65 કિલોગ્રામ ઓછું છે.
ફાબિયાનું નવી જનરેશનનું મોડેલ વૈશ્વિક બજારોમાં 3 ડીઝલ અને 4 પેટ્રોલ એન્જિન વર્ઝનમાં આવશે ત્યારે ભારતમાં કારને આમાંથી કયા વર્ઝનમાં ઉતારવામાં આવે છે તે જોવાનું રહે છે.