ઝીંઝાવદર નામનું ગામ. અલૈયાખાચર અહીંના બળીયા ભકત. જેમને ઘેર એક સમયે શ્રીજીમહારાજ પધારેલા, તેમણે મહારાજની, તોની ભકતોની ખૂબ સેવા કરી. મહારાજે અતિ પ્રસન્ન થઇ આશીર્વાદ આપી દીધો કે, “જાવ, અલૈયાખાચર તમારી આ ડેલીમાં જેનો દેહ પડશે તેને અમે અક્ષરધામમાં તેડી જઇશું…”
અલૈયાખાચરને મહાપ્રભુના આ વચનમાં પૂર્ણ વિશ્વાસ હતો જ કે મહારાજનો આશીર્વાદ કદી ખોટો ન પડે. એમાં એક વખત અલૈયાખાચરનો ચાકર (નોકર) જેહલો ખૂબ માંદો પડ્યો ને માંદગી વધી જતા મહાપ્રભુએ એને પોતાના ધામમાં બોલાવી લીધો. અલૈયાખાચરે જેહલાના દેહના અગ્નિસંસ્કારની તૈયારી કરી ને તેને સ્મશાને લઇ જવાયો. પણ…પણ… અલૈયાખાચરના કાકા કુસંગી હતા, તેઓ બહારગામથી ઘેર આવ્યા ને આવતાની સાથે જ જેહલાના મૃત્યુના સમાચાર સાંભળી સીધા જ ઘોડી પર ચડી સ્મશાને આવ્યા ને ‘ઊભા રહો… ઊભા રહો… અટકી જાવ’ અલૈયાખાચરને કહે, ‘મને ખાત્રી કરાવો કે તમારા સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ મુજબ આ જેહલો અક્ષરધામમાં ગયો છે.’ એમ કહી અગ્નિસંસ્કાર વિધી અટકાવ્યો.
અલૈયાખાચર ખડકેલી ચિતા પાસે આવી નિધડકપણે બોલ્યા કે, ‘કાકા, આ મૃત્યુ પામેલો જેહલો જ ઊઠીને એમ કહે કે મને શ્રીજીમહારાજ એમના અક્ષરધામમાં તેડી ગયા છે. તો આપ બોલો સ્વામિનારાયણની કંઠી બાંધી સત્સંગી થાવ કે નહીં ?’ કાકા બોલ્યા, ‘હા… અલૈયાખાચર, મને એ શરત મંજુર છે પણ જેહલો ચિતામાંથી બેઠો થઇ ન બોલે તો … તો શું ?’ ‘તો જાવ કાકા, આ જેહલાની ચિતા ભેળો હું પણ બળી જવા તૈયાર છું.’
આવી આકરી પ્રતિજ્ઞા કરી અલૈયાખાચર તો મહારાજને પ્રાર્થના કરીને પહોંચ્યા જેહલાના મૃતદેહ પાસે ને મૃત્યુ પામેલા જેહલાના કાનમાં જયાં ત્રણ વખત ‘સ્વામિનારાયણ… સ્વામિનારાયણ… સ્વામિનારાયણ…’ આ મહામંત્ર જપ કર્યો ત્યાં તો… અહોહો… આ શું… ? કેવો ચમત્કાર સર્જાયો ? સ્માશનમાં આવેલા સેંકડો માણસોના દેખતા મૃત્યુ પામેલો જેહલો ચિતા ઊપર સળવળ્યો અને… આંખો ખોલી આળસ મરડી બેઠો થઇને બોલ્યો, “હે અલૈયાખાચર, તમે મને અહીં શા માટે બોલાવ્યો ? હું તો અક્ષરધામમાં ભગવાનનું અલૌકિક સુખ ભોગવી રહેલો.
એમાં તમારી આકરી પ્રતિજ્ઞાએ કરી મહારાજે મને અહીં કહેવા મોકલ્યો છે તો કોઇ સંકલ્પ ન કરશો પણ હું અક્ષરધામમાં જ છું… લ્યો, જય સ્વામિનારાયણ…” આટલું કહી ફરી પાછો જેહલો સદાને માટે આંખો બંધ કરી ગયો. વાહ પ્રભુ વાહ ! આ સ્વામિનારાયણ મહામંત્રના પ્રતાપે અક્ષરધામમાં પહોંચ્યાના પરમાણાં પણ મળ્યા.