દુનિયાની સૌથી જાણીતી અને નામી કંપની એપલે જાન્યુઆરી મહિનામાં જાહેર થયેલા રિપોર્ટમાં કમાણીનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. એક રિપોર્ટ અનુસાર કંપનીએ માત્ર ત્રણ મહિનામાં જ 1.1 લાખ કરોડ રૂ. નો નફો કર્યો છે. ઓક્ટોબરથી ડિસેમ્બર 2014 દરમિયાન એપલે 7 કરોડ 45 લાખ એટલે કે દર કલાકે 34000 ફોન વેચ્યા હતા. તેનાથી કંપનીની કમાણી 30 ટકા વધવાની સાથે 4.57 લાખ ડોલર રૂ. સુધી પહોંચી છે. એપલનાસહ-સ્થાપક સ્ટીવ જોબ્સનો જન્મ 24 ફેબ્રુઆરી, 1955ના રોજ થયો હતો. વિશ્વની સૌથી સફળ કંપનીનું નામ સ્ટીવ જોબ્સ અને સ્ટીવ વોઝનિયાકે ‘એપલ’ જ કેમ રાખ્યું તે અંગે ઘણી વાતો પ્રચલિત છે.
જેમ કે, સ્ટીવ જોબ્સ અને સ્ટીવ વોઝનિયાક કંપનીનું નામ વિચારતા હતા ત્યારે તેમની ઇચ્છા હતી કે તેમની કંપનીનું નામ ફોન બુકમાં તે સમયની પ્રચલિત કોમ્પ્યુટર કંપની અટારી કરતાં આગળ આવે આથી તેમણે એપલ નામ પસંદ કર્યું.
તે સિવાય પ્રચલિત અન્ય એક વાત અનુસાર, બંને સહ-સ્થાપકોને કંપનીનું નામ અન્ય કમ્પ્યૂટર કંપનીઓ જેવી કે IBM, ડિજિટલ ઇક્વિપમેન્ટ અને સિનકોનની જેમ ઠંડું અને કાલ્પનિક રાખવાની ઇચ્છા ન હતી.
તે સિવાય સંભળાતી અન્ય એક વાત અનુસાર, બંની જણાં તે સમયના પ્રચલિત બ્રિટિશ બેન્ડ ધ બીટલ્સના બહુ મોટા ફેન હતા ને ધ બીટલ્સના મ્યુઝિક લેબલનું નામ એપલ રેકોર્ડ્ઝ હતું, આથી પોતાના ફેવરિટ બેન્ડને ટ્રિબ્યુટ આપવા માટે બંને જણાએ કંપનીનું નામ એપલ રાખ્યું.
પોતાની બાયોગ્રાફીમાં લેખક વોલ્ટર આઇઝેકસનને સ્ટીવ જોબ્સે કંપનીના નામ વિશે જણાવ્યું હતું કે, હું ઘણીવાર ફ્રુટેરિયન ડાયેટ્સ પર હતો ત્યારે એપલ જ ખાતો હતો, જેના માટે ઘણીવાર હું એપલ ફાર્મમાં જતો હતો. વળી, જ્યારે કંપનીનું નામ વિચારતા હતા ત્યારે અચાનક જ એપલ નામ મારાથી બોલાયું. એપલ કમ્પ્યૂટર્સ સાંભળવામાં પણ ‘થોડું હળવું, ઉત્સાહી લાગ્યું તે વિચિત્ર’ લાગ્યું ન હતું, આથી એપલ નામ જ રાખ્યું.
એપલના સહ-સ્થાપક સ્ટીવ વોઝનિયાકે 2006માં પોતાના પુસ્તક iWOZમાં કંપનીના નામ અંગે જણાવ્યું હતું કે, અમારી પાર્ટનરશિપ થઇ તે પછી અમે લોકો કંપનીના નામ અંગે વિચારણા કરતાં હતા. કંપની સ્ટાર્ટ કરવા માટે એક નામની વિચારણા ચાલતી હતી, ત્યારે હું અને જોબ્સ હાઇવે 85 પરથી પસાર થતાં હતા ત્યારે ઓરેગોનમાં ‘એપલના બગીચા’માં અમે જતાં હતા અને અચાનક સ્ટીવે નામ સજેસ્ટ કર્યું કે, આપણે કંપનીનું નામ એપલ કમ્પ્યૂટર રાખીએ તો? સ્ટીવનું સાંભળીને મેં કહ્યું કે, એપલ રેકોર્ડ્ઝ કંપની પણ છે ને? એપલ રેકોર્ડ્ઝ બીટલ્સ બેન્ડનું મ્યુઝિક લેબલ હતું. અમે લોકોએ પછી ટેક્નિકલ લાગે તેવા પણ ઘણા નામો અંગે ચર્ચા કરી, પરંતુ અમને બીજું કોઇ સારું નામ ન સૂઝ્યું, આથી અમે થયું એપલ જ સારું નામ છે આપણે બીજું નવું નામ વિચારવાની જરૂર નથી.
બાદમાં વર્ષો પછી 1989માં સ્ટીવ વોઝનિયાકે વ્યક્ત કરેલ ચિંતા સાચી પડી, એપલ રેકોર્ડ્ઝે એપલ કમ્પ્યૂટર, ઇન્ક પર દાવો માંડ્યો હતો. વર્ષ 2006માં એક સ્થાનિક ન્યૂઝપેપર સાથેના ઇન્ટરવ્યૂમાં વોઝનિયાકે સ્વીકાર્યું હતું કે, કંપનીનું નામ એપલ રાખવું તે આઇડિયા સ્ટીવનો જ હતો ને કદાચ લાંબો સમય સુધી એપલના બગીચામાં સ્ટીવ જતો હતો તેને કારણે તેને આ આઇડિયા આવ્યો હશે.
કંપની પર લખાયેલા Apple Confidential 2.0: The Definitive History of the World’s Most Colorful Company પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે, કંપનીનું નામ એપલ રાખતા પહેલા જોબ્સ અને વોઝનિયાકે એક્ઝિક્યૂટેક્સ અને મેટ્રિક્સ ઇલેક્ટ્રોનિક્સ જેવા નામો પર પણ ચર્ચા કરી હતી, પરંતુ છેવટે બંનેને એપલ કમ્પ્યૂટર નામ જ યોગ્ય લાગ્યું.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર