વર્તમાન સમયની ભાગદોડ ભરી લાઈફમાં સાંજ પડતા જ લોકો થાકીને સાવ ચેતન વિનાના થઈ જાય છે. જેના કારણે સાંજના અન્ય કામો સરખી રીતે થઈ શકતા નથી અને સાથે જ બીજી સમસ્યાઓ આવે એ તો નફામાં. જો તમારે રહેવું આખો દિવસ એનર્જીથી ભરપૂર રહેવું હોય અને સાંજે થાકેલા શરીરને ઊર્જાવાન રાખવું હોય તો આ પાંચ વસ્તુઓ તો તમારે અવશ્ય ખાવી જ પડશે.
આ પાંચ વસ્તુઓ દિલની બીમારીને દૂર રાખવાની સાથે કબજીયાત જેવી સામાન્ય તકલીફોને દૂર કરવામાં પણ ફાયદાકારક છે. સાથે જ અનેક રોગો સામે શરીરનું રક્ષણ પણ કરે છે. ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવાનુ કામ પણ આ પાંચ વસ્તુઓ કરે છે. તો આજે જાણી લો કે આ પાંચ વસ્તુઓ કઈ છે જે તમને બનાવી શકે છે શક્તિમાન.
પાલક
પાલક અત્યંત ગુણકારી શાક છે. પાલકમાં અનેક વિટામીન એક સાથે જોવા મળે છે. પાલક સ્કીન અને બ્રેસ્ટ કેન્સર સામે લડવાની સૌથી વધુ ગુણો ધરાવે છે. મજાની વાત એ છે કે એમાં કોલેસ્ટ્રોલ નહિવત્ હોય છે. કોઈ પણ પાણીયુક્ત શાકભાજીઓ આરોગવાથી શરીર ઉતારવાની સાથે એનર્જી જાળવવામાં પણ મદદ મળે છે. પાલકના નિયમિત સેવનથી ફેફસાની બીમારીઓ કે સડાની સમસ્યા પણ દૂર થાય છે. તો જો રહેવુ હોય એકદમ ચુસ્ત દુરસ્ત તો પાલકનુ નિયમિત સેવન શરૂ કરો.
જામફળ
આ ફળ તો તમને બધાને પ્રિય હશે. જામફળને દિલનો હિરો કહેવામાં આવે છે કારણ કે દિલની બીમારીઓને દૂર રાખવા તથા કબજિયાત જેવી સામાન્ય સમસ્યાઓને દૂર કરવામાં તેની કોઈ જ જોડ જડે તેમ નથી. સુગર અર્થાત ડાયાબિટસની રોકધામ માટે પણ આ ફળને ઔષધિના રીતે ઉપાયોગમાં લેવામાં આવે છે. આ ફળ શરીર ઉતારવા માટે પણ ખુબ ઉપયોગી ગણવામાં આવે છે. ઉપરાંત જો શરીરમાં હાડકાની કોઈ ગંભીર ઈજા થઈ હોય તો પણ તબીબો આ ફળ ખાવાની સલાહ આપે છે. નિયમિત રીતે આ ફળનું સેવન કરવામાં આવે તો શરીરને ઘણી તાકાત મળી રહે છે અને થાકેલું શરીર ઊર્જાવાન બને છે.
કોબીજ
કોબીમાં એન્ટી-કેન્સર ગુણો રહેલા હોય છે અને તેથી કોબી મોટાં આંતરડાંના તેમજ સ્તનના કેન્સરનો સામનો કરવા જાણીતી છે. કોબીમાં રહેલા ગ્લુટાઈમાઈન અને એસ-મીથાઈલ – મીથીયોનાઈન નામના તત્વો હોજરીમાંના ચાંદાને મટાડે છે. શરીરમાં બનનાર વિષેલા પદાર્થો સામે લડવા માટે કોબીજ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શાકભાજીઓની કોઈપણ પ્રકારની તુલનામાં એમાં પૌષ્ટિકતા સૌથી વધુ હોય છે. તેમાં રહેલા ફાયબર છે અને તે થકી કબજીયાત દૂર કરે છે અને ફરી થવા દેતું નથી. સાંજે કોબીનું સલાબ કે શાક ભોજનમાં લેવામાં આવે તો થાકની સમસ્યા દૂર થાય છે.
ફુલાવર
કેટલાક લોકોનું મોઢું ફુલાવરનું નામ સાંભળીને બગડી જતું હોય છે. પણ આ શાક હેલ્થ માટે અત્યંત ગુણકારી માનવામાં આવે છે. જન્મની સાથે જ થતી બીમારીથી લડવામાં ફુલાવર ખુબ જ કારગર સાબિત થાય છે. આ માત્ર આપણી રોગપ્રતિકારક શક્તિ જ નથી વધારતું પણ હાડકાંને પણ મજબૂત બનાવવાની ગજબની ક્ષમતા ધરાવે છે. જો તમારે પણ થવુ હોય તાકાતવાર તો ફુલાવરથી મો ફેરવ્યા વગર તેને ચુપચાપ ખાવાનું શરૂ કરી દો અને પછી જુઓ તેની અસર.
ગાજર
ગાજરના ગુણોનો મુકાબલો કોઈ અન્ય શાકભાજી કરી શકતી નથી. ગાજરને સલાડના રૂપમાં કાચા પણ ખાઈ શકાય છે. ગાજરનુ બાફીને શાક પણ બનાવી શકાય છે અને રસ કાઢીને તેનું જ્યૂસ પણ પી શકાય છે. રોગો સામે લડવાની ક્ષમતા વધારવામાં ગાજર બહુ જ રામબાણ માનવામાં આવે છે. એક કપ કાપેલા ગાજરમાં 52 કેલેરી હોય છે અને તેમ છતાં તેમાં કોલેસ્ટ્રોલની માત્રા સાવ ઓછી હોય છે. બાળકોના વિકાસમાં આ સૌથી વધુ મદદગાર સાબિત થાય છે. ફેફસા, સ્કીન અને મોના કેન્સરથી બચવા માટે પણ આ રામબાણ ઇલાજ માનવામાં આવે છે. સાથે જ રોજ ગાજર ખાવાથી વ્યક્તિનું શરીર તાકાતવાન બને છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર