ભાવનગર જિલ્લાના ઘાંસીયા મેદાનો, શેત્રુંજી નહેર કાંઠા, ડુંગર માળ અને વન વિભાગની અનામત વીડીઓ સિંહ માટે અનુકુળ છે. સપ્ટેમ્બર – ઓકટોબર – નવેમ્બરના સંવનન કાળ પછી સિંહો મુક્ત રીતે વિહરતા થયા છે. વન વિભાગ દ્વારા જિલ્લાનો સલામત સ્થળોને બૃહદ ગીર જાહેર કરી વસવાટ – પાણી સાનુકુળ હેર ફેર સાથે સામાજીક વનીકરણ યોજના હેઠળ લોકોમાં વન્ય જીવન સાથે સહ અસ્તિત્વ કેળવી આપણા રાષ્ટ્રીય ગૌરવ સમાન કેસરી સિંહોને માટે આપણા વિસ્તારમાં લોક ભાગીદારીથી સ્થાયી થવા સાનુકુળતા કરીએ તો સિંહ દર્શન માટે જિલ્લો મીની ગીર બની શકે છે.
– તળાજા પંથકમાં સંભળાતી વનરાજોની ડણક
– ગોહિલવાડમાં ધીરે ધીરે સાવજો સક્રિય થયા : વાડી વિસ્તારના લોકો ભયભીત બન્યા
– તળાજા, મહુવા, સિહોરના બૃહદગીર વિસ્તારોમાં સિંહોની હિલચાલ વધી ડુંગરો-વાડી વિસ્તારોમાં વન્ય પ્રાણીઓ પશુઓના મારણ કરી ક્ષુધા તૃપ્ત કરે છે
તળાજા પંથકમાં છેલ્લા દસ પંદર દિવસથી શેત્રુંજી નદી અને નહેર કાંઠામાં ડાલા મથ્થા કેસરી સિંહોની ડણક આ વિસ્તારમાં સિંહ પરિવારોની સક્રિય હાજરી બતાવે છે. અઠવાડીયા પહેલા માયધારની સીમમાં બે દિવસ સુધી જુદી જુદી વાડીઓમાં થયેલ મારણમાં બે સિંહો હતા તેમજ ત્યારબાદ પીંગળીની સીમમાં પણ વનરાજાએ મારણ કર્યુ. અગાઉ વરલ તરફ સિંહની હાજરી નોંધાઇ હતી. જયારે પંદર દિવસમાં જેસરની ડુંગરમાળ, કુંઢડા નજીક ગેબરવીડી, મહુવા, બગદાણા નજીકના વિસ્તારોમાં જંગલના રાજાના પરિવારના આંટા ફેરા અને બે દિવસ પહેલા ધરાઇ નજીક બે માદાસિંહણો મૃત હાલતમાં મળી આવતા સિંહ પરિવારો ભાવનગર જિલ્લાના બૃહદ ગીર વિસ્તારમાં સક્રીય થયાનું જણાઇ આવે છે.
ગીર જંગલમાંથી નિર્વાસીત થયેલ સિંહ પરિવારો બૃહદ ગીર વિસ્તારમાં આવવા માટે ગીરનું નાકુ ગણાતા અમરેલીના ખાંભા નજીકની મીતીયાળાની ડુંગરમાળામાં થઇને વાયા સાવરકુંડલાની ધોળીકુઇ અને રાણીગાળા વિસ્તાર અને પછી જેસરની ડુંગરમાળા, દેપલા, રાણીગામ થઇને ભાવનગર જિલ્લામાં વિસ્તાર પામે છે.
જેસર – પાલિતાણા કુંઢડા નજીક ગેબરની વીડીથી જંગલ ખાતાના જિલ્લાના બૃહદ ગીરમાં દાઠા – મહુવા, દરિયાકાંઠા તરફ તથા કુંઢડાથી તળાજાના શેત્રુંજી કાંઠા વિસ્તારના ભેગાળી, દાત્રડ, ટીમાણા, દિહોર, નેશિયા થઇ માઇધાર, શેવાળીયા, પીંગળી, બાખલકા, મામસી, નેસવડ, નહેરકાંઠામાં રાત્રી દરમિયાન મુક્ત વિહાર કરી પાણીના સ્ત્રોત નથી કે ઘાંસની વીડીઓ, શેરડી, કેળ, જુવારના ઉભા મોલમાં, શેત્રુંજી નદીના કોતરોમાં આરામ ફરમાવી રાત્રી દરમિયાન સીમમાં રઝળતા પશુઓનું મારણ કરી ક્ષૃધા તૃપ્ત કરે છે, કયારેક પાલતું પશુઓને પણ શિકાર બનાવે છે. જે અંગે સાવધાની સાથે સહયોગથી ગોહિલવાડનો બૃહદ ગીર – મીનીગીર બનીને સહેલાણીઓ માટે આકર્ષણરૂપ બની શકે તે માટે વન વિભાગ સક્રિય રહેશે.
તળાજા તેમજ ગ્રામ્ય પંથકમાં અવારનવાર જંગલી પ્રાણીઓના હુમલાથી આ પંથકની જનતા ભયભીત બની રહી છે. ખાસ કરીને રાિત્ર અથવાતો વહેલી સવારે આવા જંગલી પ્રાણીઓ અચાનક આવીને વાડી ખેતરોમાં બાંધેલા ગાય, બકરી, ભેંસ જેવા પ્રાણીઓને નિશાન બનાવે છે. અમુક કિસ્સાઓમાં તો પશુઓને ફાડી ખાવાના બનાવો બનતા હોય છે ત્યારે ખેતીવાડી કરીને પશુઓનો નિભાવ કરીને ગુજરાન ચલાવતા માલધારી પરિવારો માટે આફત આવી પડે છે અને આજીવિકાનું સાધન ઝુટવાઇ જાય છે.
વનવિભાગે વાડી વિસ્તારના ખેડૂતોની અને માલઢોરોની સુરક્ષા માટે જંગલી પ્રાણીઓને તાકિદે પકડવા માટે કાર્યવાહી કરવાની લોકોની માંગ ઉઠવા પામી છે. અવારનવાર રાત્રિના ખેતરોમાં પાણી વાળતા ખેડૂતો પર પણ આવા જંગલી પ્રાણીઓ હિંસક હુમલો કરતા હોય છે અને ખેડૂતોને ઘાયલ કરતા હોય છે ત્યારે ભય પામેલા ખેડૂતો રાત્રિના ખેતરમાં પ્રાણીઓના હુમલાથી થર થર કંપે છે.
સિંહ ઓજસ્વિતા – બહુનામી
“ર્પેન્થર લિઓ પાર્સિકા’નું વૈજ્ઞાનિક નામ ધરાવતા એશિયાટીક વનરાજ, કેસરી, જંગલ સમ્રાટ શાર્દુલ, હરિ (સંસ્કૃત) નામોથી વિખ્યાત છે. ગીર જંગલમાં સિંહની બે જાતમાં નાના કદના “ગઢિયા’ અને પ્રમાણમાં મોટા કદના “વેલેર’ તરીકે ઓળખાય છે. ગીરનો સિંહ લાંબામાં લાંબો 9′ ફૂટ 7 ઇંચ નોંધાયો છે. હિન્દુ વૈદિક, જૈન, બૌદ્ધ સંપ્રદાય ગ્રંથોમાં સિંહને પુજનિય ગણેલ છે. સિંહ કલ્યાણ, શૌર્ય અને સુચિતાનો પ્રતિક ગણાય છે.
ભાવનગર જિલ્લા બૃહદ ગીરમાં સિંહો
ગીરના એશિયાટીક સિંહની 2010માં વૈજ્ઞાનિક ઢબે થયેલ વસતી ગણતરીમાં સિંહની સંખ્યા 411 થઇ હતી. જેમાં ભાવનગર જિલ્લામાં 33 સિંહોનો વસવાટ નોંધાયો હતો. સિંહની વસતીમાં પાંચ વર્ષમાં જ 13 ટકાની વૃદ્ધિ જણાઇ હતી. ભાવનગરનાં મહુવા, તળાજા, પાલિતાણા, સિહોરના ઘાંસીયા મેદાનો, શેત્રુંજી નદી અને નહેર કાંઠા તેમજ ભાવનગર – ઘોઘા નજીકની ડુંગરમાળ તરફ સિંહોનું આકર્ષણ વધુ છે. 2007માં જે સંખ્યા 20 હતી તેની 2010માં 33 થઇ હતી અને હવે તેમાં વધી હોય તેવી પુરી સંભાવના છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર