આપણને સંગીત સાંભળવું ગમે છે. માણસો તો ઠીક કેટલાક પ્રાણીઓ પણ સંગીતના તાલે ડોલવા લાગે છે. સંગીતના સૂર એક જાતનો અવાજ છે. ઘોંઘાટ પણ અવાજ જ છે. પરંતુ સંગીત સાંભળવું આપણને ગમે છે અને ઘોંઘાટમાં માથંુ પાકી જાય. સંગીતમાં શું જાદુ છે. તે જાણો છો ? અવાજ કોઇ પણ વસ્તુની ધ્રુજારીથી પેદા થાય છે અને હવામાં તરંગો રૃપે ફેલાય છે. અવાજના તરંગોને તરંગલંબાઇ હોય છે. જેમ પ્રકાશની જુદી જુદી તરંગ લંબાઇથી વિવિધ રંગો રચાય છે તે જ રીતે અવાજના જુદી જુદી તરંગલંબાઇના વિવિધ સૂરો રચાય છે. ઘોંઘાટ આડેધડ તરંગ લંબાઇના મોજાં છે. જ્યારે સંગીત વ્યવસ્થિત અને નિયમિત કંપનથી પેદા કરવામાં આવતો અવાજ છે. ધાતુનો ચિપિયો દિવાલ સાથે અથડાય ત્યારે ધ્રુજે અને અવાજ કરે, સાયરન પણ નિયમિત કંપનથી અવાજ કરે પણ તે સંગીત કહેવાય નહીં. સિતાર કે વાયોલીનના તાર ઝણઝણે ત્યારે તેના મૂળ તરંગોની સાથે તેના અધિસ્વર પણ પેદા થાય છે. બંને તરંગો જોડાઇને કર્ણપ્રિય અવાજ બને છે. વિવિધ વાજિંત્રોમાંથી જુદા જુદા અધિસ્વર પેદા થાય છે. અભ્યાસુ સંગીતકારો આ સ્વરોને ઓળખીને જાતજાતની ધૂન બનાવે છે અને સંગીત જાદુઇ અસર પેદા કરે છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર