વીકએન્ડમાં સામાન્ય રીતે સાંજે રસોઈ કરવાનો ખૂબ કંટાળો આવતો હોય છે. આવા સમયે જે ખૂબ સરળ હોય અને પૌષ્ટીક હોય તેવી રસોઈ બનાવી દેવાનું મન થાય છે. તો આવો આજે સનડેના દિવસે ઘરે બનાવીએ પ્રોટીન વાળા પૌષ્ટીક પરાઠા….
સામગ્રી:
મગની ફોતરાંવાળી દાળ – ૧/૪ કપ
ઘઉંનો લોટ – ૧ કપ
તાજું પનીર – ૧/૩ કપ
ઝીણા સમારેલા લીલા કાંદા – ૧/૨ કપ પાન સાથે
આદું-મરચાંની પેસ્ટ – ૧-૧/૨ ટેબલસ્પૂન
મીઠું – સ્વાદ અનુસાર
તેલ – પરોઠાં શેકવા માટે
રીત
- મગની દાળ ૧ કલાક પલાળવી. પલાળેલી દાળનું પાણી નિતારી, મિક્સરમાં જરૂર પૂરતું જ પાણી ઉમેરી વાટવી.
- પનીર છીણી લેવું.
- સમારેલા લીલા કાંદા ચિલી કટરમાં વાટવા.
- પરોઠાં માટે કણેક બાંધવા વાટેલી દાળમાં પનીર, લીલા કાંદા, આદું-મરચાંની પેસ્ટ તથા મીઠું ઉમેરવું. (કણેક બાંધવા જરૂર પડે તો જ સહેજ પાણી છાંટવું). સુંવાળી-નરમ કણેક તૈયાર થશે.
- બાંધેલી કણેકમાંથી ૧૦ લૂઆ પાડવા. દરેક લૂઆને હાથેથી પાન આકાર (કટલેટ્સ જેવો) આપવો. હલકા હાથે વણી લેવા. ત્રિકોણ પરોઠાં વણવા.
- ગરમ તવી ઉપર તેલ ચોપડવું. મધ્યમ તાપે આછા બદામી રંગનાં પરોઠાં બંને તરફ તેલ મૂકી તળવા.
- ગરમ ગરમ પ્રોટીન રિચ પરોઠાં મસાલાવાળા દહીં સાથે સર્વ કરવા.