દિવાળીના વેેકેશન પછી વિદ્યાર્થીઓ ફરીથી પોતાની આગામી પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા હશે, કારણ કે એક જ દિવસમાં તૈયારી ન થઈ શકે. પરીક્ષાની તૈયારી દરરોજ કરવી પડે. એટલે કે પરીક્ષાના આગલા દિવસોમાં બધું વાંચવાને બદલે દરરોજ થોડું થોડું વાંચવું. જોકે, ઘણાં વિદ્યાર્થીઓને ફરિયાદ હોય છે કે તેમને વાંચેલું યાદ નથી રહેતું કે થોડા સમયમાં ભૂલી જવાય છે કે પછી વાંચવાનો જ કંટાળો આવે છે. આવા વિદ્યાર્થીઓએ વાંચનની પદ્ધતિમાં ફેરફારથી લઈને કેટલીક બાબતોને અનુસરવું જોઈએ, જેથી તેમને વાંચનમાં મજા આવશે અને વાંચેલું યાદ પણ રહેશે.
- તણાવનું નિયંત્રણ કરો, તણાવથી ચેતાકોષોમાં હાનિકારક રસાયણો પેદા થાય છે, તેથી મગજ પ્રત્યે પ્રેમાળ અને કુમળું વર્તન રાખો.
- ધ્યાન અને યોગ મગજની કાર્યક્ષમતા અચૂક વધારે છે, તેથી તે અવશ્ય કરો.
- પૂરતી ઊંઘ મેળવો. ઓછી ઊંઘથી લાંબાગાળે મગજની કાર્યશક્તિ અને યાદશક્તિ ઘટે છે.
- તમાકુ, શરાબ અને દવાઓના રવાડે ચડશો નહીં. નશો મગજ માટે હાનિકારક છે.
- મિત્રો બનાવો, સામાજિક સંબંધો કેળવો.
- સર્જનાત્મક અભિગમ અને પોઝિટિવ થિંકિંગ અપનાવો.
- નિયમિત શારીરિક-માનસિક વ્યાયામ કરો.
- વિટામિન્સ અને ખનિજતત્ત્વોથી સમૃદ્ધ સમતોલ આહાર લો. વધારે પડતો ચરબીયુક્ત આહાર ટાળો.
રિબોઝોમલ મેમરીના સિદ્ધાંત મુજબ નીચેનાં સૂચનોથી ફાયદો થાય છે
- એક ધ્યાનથી દરેક પેરેગ્રાફ વાંચો અને તેમાં લખેલા મુદ્દા બરાબર યાદ રાખો. તે રીતે બીજો પેરેગ્રાફ વાંચો અને થોડું વાંચ્યા બાદ પાઠયપુસ્તક બાજુએ મૂકી વાંચેલું યાદ કરો. અગત્યના મુદ્દાઓ યાદ કરી લખો તથા અન્ય સાથે વાંચેલા મુદ્દાઓની ચર્ચા કરો. ત્યારબાદ વાંચેલા મુદ્દાઓને યાદ કરેલા મુદ્દાઓ સાથે સરખાવો.
- દરેક નવું પ્રકરણ વાંચતા પહેલાં બેથી ૫ાંચ મિનિટમાં આગળનું વાંચેલું પ્રકરણ ઊડતી નજરે યાદ કરી લેવું.
- ૨૪ કલાકે, ૭, ૧૫ અને ૩૦ દિવસે ફરીથી ટૂંક સમય માટે જે તે વાંચેલા વિષયો ૨થી ૧૫ મિનિટ માટે ફક્ત મુદ્દાસર યાદ કરવામાં આવે તો કોઈ પણ નબળા વિદ્યાર્થીને પણ તે સચોટ રીતે લાંબો સમય યાદ રહે છે, તેમાં કોઈ શંકા નથી.
- જ્યાં શક્ય હોય અને જરૂર હોય (દા.ત. કોઈ એક પ્રશ્નનાં અનેક કારણો કે મુદ્દાઓ યાદ રાખવા હોય) તો નેમોનિક્સ કે જોડકણાંનો પ્રયોગ કરી શકાય. દા.ત. છમ્ઝ્રડ્ઢ. કેટલાંક લોકો વળી ચિત્રથી (ગ્રાફિક મેમરી) કે સંગીતમય રીતે (મેલડીથી) પણ યાદ રાખતા હોય છે. આ અને આવા પ્રયોગો લાંબા લિસ્ટની જગ્યાએ જાતે ગોઠવીને વાપરી શકાય.
- પાઠયપુસ્તકમાં અગત્યનાં વિધાનોની નીચે પીળા રંગની રેખા દોરો, જેથી બિનજરૂરી માહિતી વાંચવામાં, યાદ રાખવામાં સમય વ્યર્થ જતો નથી અને જરૂરી માહિતી મગજમાં ગોઠવાઈ જાય છે.
- અમુક વાંચન બાદ આંખોને પટપટાવો, જેથી આંખોનો થાક ઊતરી જાય. આંખો બંધ કરી, હાથની હથેળી વડે હળવેથી દબાવો. હથેળીની ઉષ્મા અને શક્તિ આંખને તાજગી આપે છે.
- એકદમ થાકી જવાય ત્યાં સુધી એક જ સ્થિતિમાં રહીને વાંચવું નહીં. શક્ય હોય તો રૂમમાં એક-બે આંટા મારી ઊંડા શ્વાસ લઈ જરૂરી ર્સ્ફૂિત મેળવી શકાય.
- પરીક્ષા ખંડમાં મૂંઝવતા પ્રશ્નો આવે ત્યારે આંખો બંધ રાખી વાંચેલી માહિતી યાદ કરો, જેથી તરત સ્મરણશક્તિ જાગૃત થશે.યાદશક્તિ વધારવાનો કોઈ ચોક્કસ રામબાણ ઇલાજ નથી, પરંતુ ઉપર દર્શાવેલ ઉપાય મુજબ જો વાચન-અભ્યાસ કરવામાં આવે તો માત્ર વિદ્યાર્થીઓને જ નહીં, પરંતુ દરેક વ્યક્તિને ચોક્કસ ફાયદો થશે જ તેમ કહીં શકાય.
વિદ્યાર્થીઓ માટે સ્મરણશક્તિમાં વૃદ્ધિ કરવાની સરળ પદ્ધતિ
- અભ્યાસ કરતી વેળા તમારે જરૂરી પાઠયપુસ્તક, પેન, નોટ અન્ય સાહિત્ય સાથે જ રાખવું, જેથી વારંવાર ઊભા થવું પડે નહીં.
- શક્ય હોય ત્યાં સુધી વાંચનની જગ્યા એક જ રાખવી. વાંચનરૂમ હવાઉજાસવાળો અને શાંતિભર્યો હોય તે જરૂરી છે. ત્યાં ટીવી અને ટેપરેકોર્ડર વગેરે ખલેલજનક સામગ્રી ન હોય તેનું ધ્યાન રાખવું. અભ્યાસ દરમિયાન એકાગ્રતા જાળવવા મોબાઇલ, ટેલિફોન વગેરેથી પણ શક્ય હોય ત્યાં સુધી દૂર રહેવું.
- ક્યારેય સૂતાં-સૂતાં કે આડીઅવળી અંગમુદ્રામાં વાંચશો નહીં, પલાંઠી વાળીને બેસવું અથવા ટેબલખુરશીનો ઉપયોગ કરવો.
- નિયમિત અભ્યાસ માટે સમયપત્રક બનાવી તેને ટેબલ પર કે ભીંત પર રાખો. અભ્યાસ સમયે તમને કોઈ ખલેલ ન પહોંચાડે તે માટે માતા-પિતા તથા મિત્રને તેની જાણ કરો.
- મનથી ઉત્સાહપૂર્વક અભ્યાસ કરો.
- અભ્યાસ શરૂ કરતા પહેલાં અને અભ્યાસ કર્યા બાદ એક મિનિટ આંખો બંધ રાખી ધીમે ધીમે ઊંડા શ્વાસ લો. ખાસ કરીને અઘરા વિષયના અભ્યાસ બાદ પાંચ મિનિટ માટે ઊંડા શ્વાસ લો જેથી મનની એકાગ્રતા વધશે.