વર્લ્ડ કપમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રવિવારે મેલબોર્નમાં વન ડે મુકાબલો ખેલાવાનો છે. વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા ભારત સામેની કુલ ત્રણેય મેચ જીતી ચુક્યું છે. તેમણે જીતનો સિલસિલો જારી રાખવા માટે આ વખતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતના ભૂતપૂર્વ કોચ ગેરી કર્સ્ટનની મદદ લેવાનું નક્કી કર્યું છે. સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર કર્સ્ટનના માર્ગદર્શન હેઠળ જ ભારત ૨૦૧૧માં વર્લ્ડ કપ જીત્યું હતુ. જો કે આ વખતના વર્લ્ડ કપમાં ખાસ કરીને રવિવારની મેચમાં ભારતને હરાવવાનો ઇરાદો પાર પાડવામાં કર્સ્ટન સાઉથ આફ્રિકાની મદદ કરતાં જોવા મળશે.
સાઉથ આફ્રિકાએ વર્લ્ડ કપ અગાઉ જ ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન માઇકલ હસીને ટીમના બેટિંગ કોચ તરીકે નિમ્યો હતો. હવે ભારત સામે રવિવારે રમાનારી વન ડે અગાઉ ભારતના તમામ ક્રિકેટરોની રજેરજ જાણતો કર્સ્ટન પણ સાઉથ આફ્રિકાના ટીમ મેનેજમેન્ટમાં જોડાઇ ગયો છે, જે ભારત માટે ચિંતાનો વિષય કહી શકાય. દિલ્હી ડેરડેવિલ્સના ટીમ મેનેજમેન્ટમાં કોચ તરીકે જોડાયેલા કર્સ્ટને આઇપીએલની હરાજીમાં ભાગ લીધો હતો, જે પછી તે સીધા મેલબોર્ન પહોંચી ગયા છે અને સાઉથ આફ્રિકાના બેટ્સમેનો અને બોલરોને ભારત સામે કેમ જીતવું તેનું માર્ગદર્શન આપી રહ્યા છે
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે અત્યાર સુધી વર્લ્ડ કપમાં રમાયેલી ત્રણે મેચમાં સાઉથ આફ્રિકા વિજેતા બનીને બહાર આવ્યું છે. જો કે ભારતની ટીમ આ વખતે ઇતિહાસ રચવા માટે આતુર છે.
વર્લ્ડ કપમાં ભારતને હરાવવામાં કર્સ્ટન સાઉથ આફ્રિકાની મદદ કરશે
1,726 views