ઘણા લોકો એમ માને છે કે ફરવા જવું ખૂબ જ મોંઘું પડે છે. ફરવા જવાને માટે તમે કઇ પ્લેસને પસંદ કરો છો તે પણ તમારા માટે મહત્વનું બને છે. ભારતમાં અનેક એવી જગ્યાઓ છે જ્યાં તમે સસ્તામાં અને સારી રીતે તમારી ટ્રિપને મેનેજ કરી શકો છો. અહીં તમે તમારા ફેમિલિ સાથે મુલાકાત પણ લઇ શકો છો. આ એવી પ્લેસ છે જ્યાં તમે ફનની સાથે ટ્રાવેલની મજા લઇ શકો છો. કેટલીક ધાર્મિક અને કેટલીક એડવેન્ચરને માટે બેસ્ટ પ્લેસની અહીં વાત કરવામાં આવી રહી છે. આ પ્લેસ પર તમે ખૂબ જ નજીવા ખર્ચમાં જઇ શકો છો અને સાથે અનહદ આનંદને માણી શકો છો. રૂ.5000માં આ પાંચ પ્લેસ તમારા માટે બેસ્ટ ઓપ્શન હોઇ શકે છે.
ઋષિકેશ
સફેદ પાણીની સાથે વોટર રાફ્ટિંગની મજા અહીં સરળતાથી લઇ શકાય છે. ગંગા નદી અને ઋષિકેશની સાથે અહીં એડવેન્ચર અને સ્કીકર્સને માટે અનેક ઓપ્શન મળી રહે છે. દિલ્હીથી લગભગ 225 કીમીના અંતરે આવેલું આ પ્લેસ ફેમિલિ આઉટિંગ માટે બેસ્ટ ઓપ્શન છે. અહીં લોકલ ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ પણ મળી રહે છે. વોલ્વો બસની સુવિધા તમને અહીં સુધી જવામાં મદદ કરી છે. આ માટેનું ફેર રૂ. 200-1400 સુધીનું એક વખત માટેનું હોય છે. જો તમે અહીં આશ્રમમાં રોકાવવા ઇચ્છો છો તો તમે તેના માટે એક દિવસનું રૂ, 150નું ફેર ચૂકવીને રહી શકો છો. તે ખૂબ જ સસ્તું છે અને સાથે જ તમે તેને એન્જોય કરી શકો છો.
કસૌલી
જો હિલસ્ટેશનની મુલાકાત કરવા ઇચ્છો છો તો શિમલાનું કસૌલી તમારા માટે બેસ્ટ પ્લેસ હોઇ શકે છે. ફેમિલિ સાથે વીકએન્ડ મનાવવા માટે કસૌલી એક અલગ જ અનુભવ કરાવે છે. કસૌલી જવા માટે શ્રેષ્ઠ રસ્તો કાલકા સુધી ટ્રેન દ્વારા પહોંચવાનો છે. જે કસૌલીથી 37 કિ.મી. દૂર છે. બસ દ્વારા કસૌલી-કાલકા, શિમલા, ચંદીગઢથી સંકળાયેલું છે. વિમાનમાં જવું હોય તો નજીકનું એરપોર્ટ ચંદીગઢ ખાતે આવેલું છે, જે 65 કિ.મી. દૂર છે. કાલકાથી શિમલા જતી ટ્રેનમાં બેસી કસૌલીથી 12 કિ.મી. દૂર આવેલ ધરમપુર સ્ટેશન ઊતરી ત્યાંથી સ્થાનિક બસમાં પણ કસૌલી જઈ શકાય છે. આ ટેક્સીનું ભાડું રૂ.1500ની આસપાસનું હોય છે. કસૌલીમાં રોકાવવાને માટે અનેક પોકેટ ફ્રેન્ડલી હોટલ્સ પણ મળી રહે છે. અહીં જે રૂમ્સ મળે છે તેનું ભાડું રૂ. 1000થી પણ ઓછું હોય છે. એટલે કે તમે લગભગ રૂ. 2500માં અહીંની મુસાફરી કરી શકો છો. આ ફેર એક સાઇડનું છે.
વૃંદાવન
તમે કોઇ ધાર્મિક ટૂરની ઇચ્છા રાખી રહ્યા છો અને તેને માટેના ઓપ્શનની શોધમાં છો તો વૃંદાવનની ટ્રિપ તમારા માટે બેસ્ટ છે. ફોટોગ્રાફી લવર્સને અહીં આનંદ મળી રહે છે. હવે આ પ્લેસ ઘણું બદલાઇ ગયું છે અને તે ધાર્મિકની સાથે સાથે ફરવા- ફોટોગ્રાફીને માટેનું સ્થાન બની ગયું છે. ઐતિહાસિક બાબતોની જાણકારી સાથે અનેક ચીજોની મજા લઇ શકો છો. નાઇટ સ્ટે માટે અહીં રૂ. 600માં હોટલ્સ મળી રહે છે. જે તમને સસ્તામાં સારી સુવિધા આપી શકે છે.
બિનસાર
દિલ્હીથી 9 કલાક દૂર આવેલું આ પ્લેસ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી માટે જાણીતું છે. અહીં અનેક જૂના પક્ષીઓ જોવા મળે છે અને સાથે જ તમે હરણ , ચિત્તાની મુલાકાત પણ લઇ શકો છો. અહીં જવા માટેનો સુંદર ઓપ્શન દિલ્હી-કોઠગોદમ હોઇ શકે છે. આ બિનસાર પાસેનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે. અહીંથી તમે લોકલ બસની સુવિધા સાતે આગળ વધી શકો છો. બિનસાર જવા માટે ટોટલ ખર્ચ લગભગ રૂ. 1500નો આવી શકે છે.
કસોલ
ભારતનું આ સ્થળ ટ્રેકિંગની સાથે જ નેચરલ બ્યુટી માટે બેસ્ટ ગણવામાં આવી રહ્યું છે. આ હિલ સ્ટેશન પર ટૂરિસ્ટનો વધારે રશ રહે છે. બાર શોખીનો, રેસ્ટોરન્ટ લવર્સ અને હાઇ સોસાયટી ટૂરિસ્ટ અહીં મોટી સંખ્યામાં આવે છે. પહાડો સાથે પ્રકૃતિની મજા અહીં વિશેષ જોવા મળે છે. કસોલ જવા માટે તમે ઓવરનાઇટ મુસાફરી કરી શકો છો અને સાથે જ બસની ટિકિટ પણ ગણી લેવામાં આવે તો તમે રૂ. 800માં એકતરફી મુસાફરી કરી શકો છો. આ કિંમતમાં આટલી સુંદર પ્લેસની મુલાકાત ઘણી આહ્લાદક બની રહે છે. તો તમે પણ લઇ લો કસોલની મુલાકાત.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર