ખૂબસુરત’થી ભારતીય દર્શકોની ચાહના મેળવનાર ફવાદ ખાનની ‘હમસફર’ સાથી પણ હવે બોલીવુડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. અહીં વાત થઈ રહી છે ફવાદ ખાનની લોકપ્રિય શ્રેણી ટહમસફરટની સહ અભિનેત્રી માહિરા ખાનની. માહિરા ખાન મોટી બજેટની ફિલ્મ ‘રઈસ’થી બોલીવુડમાં ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મમાં માહિરા બોલીવુડ બાદશાહ શાહરૂખ ખાન સાથે રોમાન્સ કરતી જોવા મળશે.
‘પરઝાનિયા’ ફેમ રાહુલ ધોળકિયા આ ફિલ્મનું દિગદર્શન કરી રહ્યા છે, ફિલ્મના નિર્માતા ફરહાન અખ્તર અને રિતેશ સિધવાની છે.
નિર્માતા રિતેશ સિધવાનીએ આ અંગે ટ્વીટર પર જાહેરાત કરતા ‘રઈસ’ની મુખ્ય અભિનેત્રી તરીકે માહિરા ખાનને લોન્ચ કરી છે.
કરાચી મૂળના અભિનેત્રી માહિરા ખાને આ પૂર્વે ‘બોલ’ જેવી ખ્યાતિપ્રાપ્ત ફિલ્મમાં કામ કર્યું છે. માહિરાએ સાથી કલાકાર અલી અસકરી સાથે લગ્ન કર્યા છે, જેઓ પહેલા જ બોલીવુડમાં નામના મેળવી ચૂક્યા છે.
માહિરા ખાને પાકિસ્તાનની લોકપ્રિય શ્રેણી ‘હમસફર’માં ખિરાદનું પાત્ર ભજવ્યું છે, જે ભારતીય દર્શકોમાં પણ ઘણી લોકપ્રિય છે.
શાહરૂખ ખાન હાલ યશરાજ ફિલ્મસની ‘ફેન’ માટે શૂટિંગ કરી રહ્યો છે. નવા વર્ષમાં ફેબ્રુઆરીથી ‘રઈસ’નું શૂટિંગ શરૂ થઈ રહ્યું છે. આ ફિલ્મ મુંબઈ ઉપરાંત ગુજરાતના કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં શૂટ થવાની છે.
આ ફિલ્મમાં શાહરૂખ ગુજરાત મૂળના ગેંગસ્ટરની ભૂમિકામાં છે, જ્યારે નવાઝુદ્દિન સિદ્દિકી મુંબઈના પોલીસ અધિકારીની ભૂમિકામાં છે.