ઉનાળામાં એક નહીં અનેક હેલ્થ-પ્રોબ્લેમ્સ થતા જોવા મળે છે. એમાં એક મહત્ત્વનો હેલ્થ-પ્રોબ્લેમ એટલે કે સ્કિન-ડિસીઝનો સમાવેશ કરી શકાય. સમાન્ય રીતે ઉનાળામાં ખૂબ જ તાપ, ગરમી, પરસેવો અને ભેજયુક્ત વાતાવરણને કારણે સ્કિનને લગતા પણ ઘણા રોગો થઈ શકે છે. ગરમીમાં ફંગલ ઇન્ફેક્શન, અળાઇ અને સનબર્ન જેવી સમસ્યાઓ સામાન્ય છે. તેનાથી બચવા માટે નિષ્ણાતની સલાહ વગર કોઇ ક્રીમ વગેરે વાપરવી નહીં. તેનાથી સ્કિન કાળી પડી શકે છે.
ગરમીની મોસમમાં સૂર્યના તેજ કિરણો ત્વચા માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. પરિણામે ત્વચાનો રંગ કાળો પડી જાય છે જેને ‘સનટેન’ કહેવામાં આવે છે. અમુક લોકોની ત્વચા વધુ પડતી સંવેદનશીલ હોય છે જે સૂરજના તેજ કિરણોને સહન નથી કરી શકતી. જેના પરિણામે સનટેન અથવા સનબર્ન થાય છે. અમુક લોકો ‘સનબર્ન’ અને ‘સનટેન’ને એક જ માની બેસે છે, પણ નામ પ્રમાણે આ બંનેની તકલીફ સાવ જ જુદી છે. આપણા દેશની આબોહવા પ્રમાણ અહીંના લોકોને સનટેનની તકલીફ સૌથી વધારે થાય છે.
સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો ‘યૂવી-એ’ અને ‘યૂવી-બી’ની અસરથી ત્વચા કાળાશ પડતી થઈ જાય છે એને સનટેન કહે છે. તડકામાં રહેલું વિટામિન ડી આપણી તંદુરસ્તી માટે બહુ જરૂરી છે, પરંતુ સૂર્યના કિરણોથી આપણું શરીર એક હદ સુધી જ વિટામિન ડી મેળવે છે. એટલે વધારે સમય સુધી તડકામાં રહેવું એ નુકસાનકારક છે. એમાંય ખાસ કરીને ઉનાળામાં. જેથી આજે અમે તમને ઉનાળામાં થતાં સ્કિન સંબંધી સમસ્યાઓ વિશે અને તેના સરળ ઉપાય અને ડાયટ વિશે જણાવીશું.
-તડકામાં રહેલા નુકસાનકારક અલ્ટ્રાવાયોલેટ કિરણો સનટેન માટે જવાબદાર હોય છે. સનટેન એક એવી મૂંઝવણ છે જેનો સામનો દરેક ઉંમરની વ્યક્તિની કરવો પડે છે. એનાથી બચાવ માટે રોજ એસપીએફ પ્રોટેક્શનવાળી સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઇએ. મોટા ભાગના લોકો સનસ્ક્રીન લોશન કે ક્રીમ વાપરતા નથી, કારણ કે એ અંગે તેમનામાં જાગૃતિનો અભાવ છે. સનસ્ક્રીનનો ઉપયોગ ન કરવાથી વિટામિન-ડીની ઊણપ સર્જાય છે. તેથી ઉનાળામાં સ્કિનની હેલ્થ જાળવવા સનસ્ક્રીન જરૂરી છે. સનટેન અને સનબર્ન સિવાય પણ સ્કિનના અમુક એવા રોગો છે જે ઉનાળામાં વ્યક્તિને હેરાન કરી શકે છે, જેના વિશે આપણે આજે જાણીએ.
ફોટોડર્મેટાઇટિસ
અમુક લોકોને સૂર્યના તાપને કારણે એલર્જી થવાની શક્યતા રહે છે તો ઘણા લોકો વધુ સમય તાપમાં રહે ત્યારે અચાનક તેમને એલર્જી ફૂટી નીકળે છે. આ સમસ્યાને ફોટોડર્મેટોઇટિસ અથવા સન-પોઇઝનિંગ કહે છે. ડોક્ટરની ભાષામાં તેને એલર્જિક કૉન્ટૅક્ટ ડર્મેટાઇટિસ પણ કહે છે. આમાં એલર્જીન એટલે કે એલર્જીકારક પદાર્થ સૂર્યપ્રકાશથી એક્ટિવેટ થઈ જાય છે. આમાં શરીરનો ખુલ્લો ભાગ લાલ થઇ જાય છે, અમુક વખત દાણાદાણા જેવી ફોડકીઓ અને ક્યારેક સોજો પણ આવી શકે છે. આ સમસ્યામાં સારવાર બહુ અગત્યની છે.
ફોટોએજિંગ
આજકાલ સૌને ઉંમર કરતાં વધુ જુવાન દેખાવું ગમે છે. પરંતુ જો અકારણ સમય પહેલાં જ વૃદ્ધત્વ દેખાવા લાગે એ કોને ગમે? સૂર્યપ્રકાશવા સીધા સંપર્કમાં આવવાથી તેના કિરણો સ્કિન પર પડે છે. તેનાથી સ્કિનની સાત લેયર પાર કરીને અંદર જાય ત્યારે સ્કિનમાં ફ્રી-રેડિકલ્સ જન્મે છે જે કોલોજીન અને ઇલૅસ્ટિન બનાવે છે. એને લીધે ચામડી લચી પડે છે, કાળા કૂંડાળા દેખાય છે, સ્પૉટ્સ પણ વધી જાય છે. સ્કિનને હેલ્થી રાખવા તે ટાઇટ રહે તે જરૂરી છે. લચી પડેલી ચામડી શરીરનું રક્ષણ કરી શકતી નથી. આ એક એવું ડૅમેજ છે જે સરળતાથી રિપેર થઇ શકાતું નથી. તેની સાવધાનીના ભાગરૂપે ડોક્ટરની સલાહ અનુસાર એન્ટિએજિંગ ક્રીમનો ઉપયોગ કરવો જોઇએ.
ફંગલ ઇન્ફેક્શન
શરીરનો જે ભાગ ઢંકાયેલા રહે છે. જેમ કે બગલ, પગની અંદરની બાજુ, પગનાં તળિયાં વગેરે પર ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતા વધારે રહે છે. આ ભાગોમાં ઉનાળાની ગરમીને કારણે બહુ પરસેવો થાય છે અને ત્યાં ફૂગ જન્મે છે. જેને આપણે દાદ, ખાજ, ખુજલી કહીએ છીએ. જે લોકો બહુ ટાઇટ કપડાં પહેરતાં હોય, પાઉડર ન લગાવતા હોય, આખો દિવસ શૂઝ પહેરી રાખતા હોય અને જેમને ડાયાબિટીસ હોય તેમનામાં ફંગલ ઇન્ફેક્શનનું પ્રમાણ વધુ જોવા મળે છે. જો સાવચેતી રાખવામાં ન આવે તો આ ઇન્ફેક્શન એવું ઇન્ફેક્શન છે જે ફેલાઇ જાય છે. તેથી તેની સમયસર સારવાર અત્યંત જરૂરી છે. જે લોકોને આ ઇન્ફેક્શન થતું રહેતું હોય તેમણે ઉનાળામાં દિવસમાં બે-ત્રણ વાર નહાવું, નહાયા બાદ બગલમાં અને અંતરિયાળ ભાગમાં એન્ટિફંગલ પાઉડર છાંટવો.
કેવી રીતે બચશો આ સમસ્યાઓથી?
– સીધા સૂર્યપ્રકાશના કિરણોથી બચવું
– ઘરની બહાર નીકળો ત્યારે ચહેરા ઉપરાંત શરીરના ખુલ્લા ભાગ પર સનસ્ક્રીન ક્રીમ લગાવવું
– સમગ્ર શરીર ઢંકાય જાય એવાં કપડાં પહેરવા
– ઘરેથી બહાર નીકળો ત્યારે હાથનાં મોજાં અને સનગ્લાસનો ઉપયોગ કરવો
– આકરાં તાપથી બચવા છત્રી સાથે રાખવી
– કોટનના સફેદ અથવા હળવા રંગવાળા મુલાયમ કપડાં પહેરવા
સાવધાની અને બચાવ
– ઘરથી બહાર નીકળો ત્યારે પાણીની બોટલ સાથે રાખવી અને થોડી થોડી વારે પાણી પીતા રહેવું
– ભૂખ્યા પેટે બહાર જવું નહીં
– દહીં શક્ય એટલું વધારે ખાવું જોઇએ. તે પેટમાં ઠંડક રાખવાની સાથે ત્વચા માટે પણ લાભદાયક છે
– લીંબુ પાણી, છાશ, નારિયેળ પાણી વગેરે સતત પીવો
– ઇન્ફેક્શનથી બચવા હાથ અને પગની આંગળીઓ વચ્ચેના ભાગને સાફ કરો
હેલ્ધી ત્વચા હેલ્ધી ડાયટ
સ્વસ્થ ત્વચા સુંદરતાનું પહેલું પગથિયું છે. ત્વચાને યુવાન રાખવા હેલ્ધી ડાયેટ જરૂરી છે. ખાણીપીણીમાં પોષક તત્ત્વ સામેલ કરવાથી ત્વચા સ્વસ્થ રહે છે. રોજિંદા ડાયેટમાં એવા ફળ-શાક શામેલ કરવા જેનો ફાયદો ત્વચા પર દેખાય.
ટામેટા
ટામેટામાં વિટામિન ‘એ’ અને ‘સી’ સમાયેલું છે. તેથી ફેસપેક ઉપરાંત નિયમિત તેનું સેવન કરવાથી ત્વચા મુલાયમ અને સુંદર બને છે. આ ઉપરાંત ત્વચામાં કસાવ, આવે છે.
આંબળા
આંબળા વિટામિન ‘સી’નું સૌથી સારું સ્રોત છે. તે લોહીને સાફ કરે છે અને તેના સેવનથી ભૂખ પણ વધે છે. આંબળા ત્વચાને અને હાડકાંને સ્વસ્થ રાખે છે. આંબળાના નિયમિત સેવનથી ત્વચા પરથી કરચલી દૂર થાય છે. કાચા આંબળાનો રસ ચહેરા પર લગાડવાથી ત્વચામાં નિખાર આવે છે.઼
દહીં
દહીંમાં કુદરતી ક્લિંજરનો ગુણ સમાયેલો છે. તડકાથી ટેન પડેલી ત્વચાનો વાન સુધારવામાં દહીં અસરકારક નીવડે છે. દહીં ત્વચાને સાફ રાખે છે. તેના નિયમિત સેવનથી ઘણી બીમારીઓમાં ફાયદો થાય છે. દહીં ‘ડેમેજ સેલ’ને રિપેર કરવામાં પણ મદદ કરે છે.
આદું
આદુંને ત્વચા માટે અસરકારક માનવામાં આવે છે. ત્વચાને લાંબા સમય માટે યુવાન રાખવા આદુંનું સેવન કરવું જોઇએ. ખાલી પટે આદુ ચાવવાથી ત્વચા આકર્ષક બને છે. આદુંના રસને રૂ વડે ચહેરા પર લગાડવાથી ત્વચા પર કુદરતી ચમક આવે છે.
કારેલાં
કારેલાંમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ જેવા અગિણત ફાયદાકારક તત્વો રહેલા છે. આ તત્ત્વો સૌંદર્યને લગતી સમસ્યાઓમાં કારગર નીવડે છે. તે એક એન્ટિ એજિંગનું કામ કરે છે. ખીલના ઘેરા ડાઘ પર કારેલાના પાનનો રસ કાઢીને લગાડવાથી ફાયદો થાય છે.
દ્રાક્ષ
દ્રાક્ષમાં ખનિજ તત્વોની ભરમાર છે. જે શરીરને ઊર્જાવાન રાખે છે. સૂર્યના કિરણોથી હાનિ પામેલી ત્વચા માટે લાભકારી નીવડે છે. તેનું નિયમિત સેવન એન્ટિ એજિંગનું કામ કરે છે.
ઉનાળામાં થતી તજાગરમી
તજાગરમી એ લોકોમાં પ્રચલિત રૂઢ શબ્દ છે. લોકો એમ માને છે કે કોઠામાં ગરમી હોવાથી આ રોગ થાય છે. રૂઢ ભાષામાં કોઠો એટલે પેટ. આયુર્વેદમાં પણ શરીરની અંદરના પાચનતંત્રને લગતા અવયવોને કાષ્ઠ કહે છે. તેથી તજાગરમી એટલે શરીરની અંદરની ગરમી તેવી માન્યતા છે. આ માન્યતા સાવ ખોટી નથી. કેટલાક અંશે સાચી છે.
વૈદ્ય બિંદુ ઓઝા કહે છે, તજાગરમીની અસર ચામડી ઉપર વિશેષ જોવા મળે છે. છતાં તે ચામડીનો રોગ નથી. આ રોગની સૌથી મોટી અસર પગના તળિયે થાય છે. પગના તળિયે ચીરા પડે છે. પગના તળિયાની ચામડી ફાટી જાય છે. બીજી અસર હાથની હથેળીમાં થાય છે. હાથની હથેળીમાં પણ ચીરા પડે છે. ચામડી ઊખડી જાય છે. ઘણી એવી વ્યક્તિઓ પણ હોય છે કે જેમને શરીરની મોટાભાગની ચામડીઓ ચોક્કસ ઋતુમાં નીકળી જાય છે અને નવી ચામડી આવે છે. આ બધાનો સમાવેશ તજાગરમીમાં થઇ શકે.
તજાગરમીને આયુર્વેદમાં શું કહેવાય તે પ્રશ્ન ઊભો થાય. પરંતુ ભગવાન ચરકે એક ખૂબ સુંદર વાત કહી છે કે દરેક રોગનું નામ હોવું અને આવડવું જરૂરી નથી. રોગનાં લક્ષણોને આધારે દોષની જાણકારી થાય અને તે અનુસાર સારવાર થાય એટલું પૂરતું છે. આ રીતે તજાગરમીમાં પિત્ત દોષ તો હશે જ કારણ કે રોગને ગરમી સાથે સંબંધ છે અને તેના નામ સાથે ગરમી શબ્દ યોજેલ છે.
પિત્ત ઉપરથી આ રોગમાં વાયુ પણ ખરો જ. અને તે પણ મોટા પ્રમાણમાં, કારણ કે ફાટવું, ચીરાવું, ઊખડી જવું વાયુને લઇને થાય છે. આ રોગ વધુ પ્રમાણમાં શિયાળામાં જોવા મળે છે તેનું કારણ પણ વાયુ જ છે.
પરંતુ માત્ર અા રોગ શિયાળામાં જ થાય છે તેવું નથી. ઉનાળામાં પણ ઘણાને આ રોગ સતાવતો હોય છે. શિયાળા કરતાં ઉનાળામાં થતો આ રોગ વધુ અાકરો પણ પુરવાર થાય છે. તજાગરમી ગમે ત્યારે થાય પણ તેને મૂળમાંથી કાઢવાની ઇચ્છા રોગીને હોય તે સ્વાભાવિક છે. આ માટેના કેટલાક ઉપાયો અહીં બતાવ્યા છે. ધીરજપૂર્વક લાંબો સમય કરવામાં આવશે તો રોગ જરૂર જડમૂળમાંથી જશે. ગરમીને જડમૂળમાંથી કાઢવા માટે કાળી દ્રાક્ષ, ગરમાળાનો ગોળ, સાકર, આખા ધાણા, વરિયાળી વગેરે સરખે ભાગે લઇ પાણીમાં પલાળી ચોળી ગાળીને પી જવું. રોજ બપોરે આ મિશ્રણ પલાળી રાત્રે સૂતી વખતે પી જવું. બીજી દવા સંશમની વટી. તે ગળોના ઘનમાંથી બનાવાય છે. તેથી તે પરમ શીતળ છે અને તજાગરમીને મટાડે છે. સંશમનીની બે-બે ગોળી ત્રણ વાર પાણી સાથે લેવી.
વાયુના શમન માટે અગ્નિતુંડી વટીનું સેવન પણ જરૂરી છે તેની બે-બે ગોળી ત્રણ વાર પાણી સાથે લેવી.
હાથ પગના ચીરા માટે જાત્યાદિ મલમ લગાવવાથી ચીરા રુઝાવામાં મદદ કરે છે.
આકળ-વિકળ અકળાવે અળાઇ
શિશુથી માંડીને વયસ્ક સુધી કોઇપણ વ્યક્તિ અળાઇનો શિકાર બની શકે છે. ઉનાળાની ઋતુમાં શરીરની સ્વચ્છતા પ્રત્યેની બેદરકારી પણ અળાઇઓ થવા પાછળ મહત્ત્વનો ભાગ ભજવે છે.પરંતુ થોડી તકેદારી રાખવાથી આ સમસ્યાથી બચી પણ શકાય છે.
સૂ ર્ય પૃથ્વીને પ્રકાશિત રાખીને સમગ્ર જીવસૃષ્ટિને ઉષ્મા અર્પતો મુખ્ય સ્રોત છે. પરંતુ જીવાદોરી સમાન સૂર્યની આ લાક્ષણિકતાઓ ઉનાળાની ઋતુમાં વ્યક્તિ માટે અનેક સમસ્યાઓ સર્જી દે છે. એમાંની જ એક છે-અળાઇ.
અળાઇથી પરેશાન વ્યક્તિ પ્રિક્લિંગ (Prickling) અર્થાત્ ટાંકણીઓ ભોંકાતી હોય તેવું દર્દ અનુભવે છે. આથી જ અળાઇને ‘પ્રિક્લીહીટ’ પણ કહે છે.
હોમિયોપથી ડો. શબાના મહેતર કહે છે, અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે તડકામાં તો બધા ફરે છે તો પણ અળાઇ અમુક લોકોને જ કેમ થાય છે? તેનું કારણ એ છે કે તડકાની સાથોસાથ સૂર્યપ્રકાશનાં કિરણો આપણે પરિધાન કરેલ સિન્થેટિક વસ્ત્રો કે આર્ટિફિશિયલ ધાતુની જ્વેલરી સાથે પ્રક્રિયા કરે છે જેના પરિણામ સ્વરૂપ ત્વચા ઊપર અળાઇઓ ઉપસી આવે છે. સાથોસાથ ઉનાળાની ઋતુમાં શરીરની સ્વચ્છતા પ્રત્યેની બેદરકારી પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. વધુ પડતા પરસેવાની ખારાશને લીધે પણ ત્વચા ઉપર અળાઇઓની સમસ્યા ઉદભવતી હોય છે.
શિશુથી માંડીને વયસ્ક સુધી કોઇપણ વ્યક્તિ અળાઇનો શિકાર બની શકે છે પરંતુ થોડી તકેદારી રાખવાથી આ સમસ્યાથી બચી પણ શકાય છે. આ તકેદારીઓ વિશે થોડું જાણીએ…
-ઉનાળાની ઋતુમાં સિન્થેટિક વસ્ત્રોનો ઉપયોગ સદંતર બંધ કરવો જોઇએ. બની શકે તો કાંડા સુધી ઢંકાઇ શકે તેવાં સુતરાઉ વસ્ત્રો પરિધાન કરવાં જોઇએ.
-ઉનાળામાં હેવી આર્ટિફિશિયલ જ્વેલરીનો ઉપયોગ સદંતર બંધ કરવો જોઇએ.
-દિવસ દરમિયાન બેથી ત્રણ વખત ઠંડા પાણીથી સ્નાન કરો કે સાવરબાથ લો.
-શરીરની સ્વચ્છતા જાળવી રાખો.
-પરસેવો ન થાય અથવા તો પરસેવો દૂર કરવા સારા ટેલ્કમ પાઉડરનો ઉપયોગ કરો.
-ઠંડક મેળવવા માટે બહારનાં કૃત્રિમ ઠંડાંપીણાં, આઇસક્રીમ વગેરે જેવી ચીજવસ્તુઓને બદલે કુદરતી ઠંડક બક્ષતી છાશ કે વરિયાળીના શરબતનો ઉપયોગ કરો.