કૅન્સર સરવાઇવર યુવરાજ કૅન્સર પીડિત તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ, યુવીની મદદથી આઇઆઇટીમાં પ્રવેશ
કૅન્સર પીડિત નીરજ (કાલ્પનિક નામ) 12મા ધોરણ પછી દિલ્હી આઇઆઇટી માટે પસંદ થયો છે. ફી માટે સવા લાખ રૂપિયા આપવાના હતા, જે દિલ્હી આઇઆઇટીએ ઘટાડીને 70 હજાર કરી દીધી હતી પરંતુ શાકભાજી વેચનારા પરિવાર માટે આટલી રકમ એકત્રિત કરવાનું મુશ્કેલ હતું. બધા પૈસા નીરજના ઇલાજમાં જ ખર્ચાઇ રહ્યા હતા. આવી પરિસ્થિતિમાં નીરજને યુવરાજસિંહ અને તેમની સંસ્થા યુવીકેન નો સહારો મળ્યો.નીરજની યુવી સાથે મુલાકાત કરાવવાનું કામ ગરીબ બાળકો માટે કામ કરી રહેલી સંસ્થા કેન કિડએ કર્યું. તેમના એક પ્રોજેક્ટ સાથે જોડાયેલા યુવરાજને જ્યારે નીરજ વિશે જાણવા મળ્યું તો તેમણે તાકીદે તેની મદદ માટે હા પાડી દીધી. સ્કોલરશિપ સ્કીમ શરૂ કરી : નીરજ તો માત્ર ઉદાહરણ છે. તેના જેવા ઘણા તેજસ્વી વિદ્યાર્થી કૅન્સર પીડિત હશે, જેમને મદદની જરૂર હશે. આ વિચાર સાથે યુવીએ પોતાનાં માતા અને યુવીકેનનાં ચેરપર્સન શબનમસિંહની સાથે આવા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ સ્કિલ શરૂ કરવાનું વિચાર્યું. આ સંસ્થા ત્રણ વર્ષ સુધી 10 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને 50 હજાર રૂપિયા અને 100 બાળકોને દર વર્ષે પાંચ હજાર રૂપિયાની રકમ આપશે.
સ્મૃતિ ઇરાનીએ આઇડિયા આપ્યો હતો. થોડાક મહિના પહેલા યુવી એક કાર્યક્રમમાં એચઆરડી મિનિસ્ટર સ્મૃતિ ઇરાનીને મળ્યા હતા. ઇરાનીએ યુવીને કહ્યું હતું આ વિદ્યાર્થી કૅન્સરના ડરને કારણે પોતાનો અભ્યાસ પૂરો કરી શકતા નથી અને સમાજમાં આગળ આવવાથી ડરે છે. તેમને લાગે છે કે તેમનું બધું જ ખત્મ થઇ ગયું છે. તમારી સંસ્થાએ કૅન્સર પીડિત વિદ્યાર્થીઓ માટે કંઇક કરવું જોઇએ. યુવીને આ સલાહ પસંદ આવી અને તેમણે સ્કોલરશિપ સ્કીમ શરૂ કરીને તેને અમલમાં મૂકી. ખરેખર યુવરાજસિંહ જ્યારે પણ ગુડગાંવમાં પોતાના ઘરે હોય છે તો, તેમને મળવા કૅન્સર પીડિત અને તેમના માટે કામ કરનારી સંસ્થાઓ આવતી રહે છે.
તેમણે યુવીકેન પણ કૅન્સર પ્રત્યે લોકોમાં જાગૃતિ વધારવાના ઉદ્દેશે બનાવી હતી. ભાસ્કર સાથેની વાતચીતમાં યુવીકેનનાં ચેરપર્સન અને યુવરાજનાં માતા શબનમસિંહે જણાવ્યું – કૅન્સર પીડિત પોતાની જાતને સમાજથી અલગ હોવાનું મહેસૂસ કરે છે. જ્યારે યુવી સંઘર્ષ કરીને પાછો આવી શકે છેે તો દરેક આ કરી શકે છે. આ પ્રોજેક્ટ લોન્ચ કરવાનો મકસદ છે કે બાળકોને પોતાનો અભ્યાસ ન છોડવો પડે અને તેઓ પણ કૅન્સર સામે જંગ જીતીને યુવરાજની જેમ સામાન્ય જીવન જીવી શકે.
13મી માર્ચે દિલ્હીમાં લોન્ચ
પોતાના આ નવા પ્રોજેક્ટને યુવરાજસિંહ 13મી માર્ચે દિલ્હીની કોન્સ્ટિટ્યૂશનલ ક્લબમાં લોન્ચ કરશે. યુવી પોતે બાળકોને ચેક વહેંચશે. યુવીકેનની ટીમ આ બાળકોની સંપૂર્ણ લિસ્ટ અને તેમનું ફેમિલી બેકગ્રાઉન્ડ તૈયાર કરવામાં લાગેલી છે. યુવીએ આ દિવસ એટલા માટે પસંદ કર્યો કારણ કે 12મી માર્ચે રણજી ફાઇનલ મેચનો અંતિમ દિવસ છે. જો પંજાબ ટીમ ફાઇનલમાં પહોંચશે તો તેઓ બીજા દિવસે દિલ્હી પહોંચી શકે છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર